મોરબી પુલ દુર્ઘટના : લગભગ દોઢસો વર્ષ પહેલાં બનાવાયેલા પુલનો શું છે ઇતિહાસ?

ઇમેજ સ્રોત, morbi.nic.in

- લગભગ દોઢસો વર્ષ પહેલાં મોરબીના રાજા સર વાઘજી ઠાકોરે ઝૂલતા પુલનું નિર્માણ કરાવ્યું હતું.
- એ વખતમાં એને 'કલાત્મક અને ટેકનૉલૉજિકલ ચમત્કાર' ગણાવાયો હતો.
- પુલનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 1879ના રોજ, મુંબઈના એ વખતના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરાવાયું હતું.
- પુલના નિર્માણ માટે જરૂરી તમામ સામગ્રી ઇંગ્લૅન્ડથી આવી હતી અને નિર્માણ પાછળ એ વખતના 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા અને કેટલાયનાં મૃત્યુ થયાં. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં મૃતાંકનો આંક 135 થઈ ગયો છે.
રવિવાર સાંજે ઘટેલી આ દુર્ઘટનામાં હજુ કેટલાય લોકો લાપતા છે અને મૃતાંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
એક સદી જૂનો આ પુલ મોરબીના રાજશાહી વખતની યાદ અપાવતો હતો અને એ વખતે આધુનિક ગણાતી યુરોપિયન ટેકનૉલૉજી થકી મોરબીના રાજા સર વાઘજી ઠાકોરે લગભગ દોઢસો વર્ષ પહેલાં આ પુલનું નિર્માણ કરાવ્યું હતું.

મોરબીનો ઝૂલતો પુલ : 'કલાત્મક અને ટેકનૉલૉજિકલ ચમત્કાર'

ઇમેજ સ્રોત, gujarattourism
આ ઝૂલતા પુલનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 1879ના રોજ, મુંબઈના એ વખતના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરાવાયું હતું. પુલના નિર્માણ માટે જરૂરી તમામ સામગ્રી ઇંગ્લૅન્ડથી આવી હતી અને નિર્માણ પાછળ એ વખતના 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
શહેરની મુલાકાત લેનારાઓનું સ્વાગત આ ઝૂલતો પુલ કરતો હતો અને એ વખતમાં એને 'કલાત્મક અને ટેકનૉલૉજિકલ ચમત્કાર' ગણાવાતો હતો.
આ ઝૂલતો પુલ 1.25 મિટર પહોળો હતો જ્યારે 233 મીટર લંબાઈ ધરાવતો આ પુલ દરબારગઢ પૅલેસ અને રાજવી નિવાસ નઝરબાગ પૅલેસને પણ જોડતો હતો. વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપથી આ પુલને ભારે નુકસાન પહોંચ્યું હતું.
આ પુલના નિર્માણ પાછળ સર વાઘજી ઠાકોર પર કૉલોનિયલ કાળના સ્થાપત્યો પ્રભાવ સ્પષ્ટ હતો અને એમણે એનાથી પ્રેરીત થઈને મોરબી શહેરના નગરનિર્માણને વેગ આપ્યો હતો.
1922 સુધી સર વાઘજી ઠાકોરે મોરબી પર રાજ કર્યું હતું.રાજાશાહી વખતના મોરબી શહેરના નગરનિયોજનમાં યુરોપિયન શૈલીનો પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાતો હતો. 'ગ્રીન ચોક' નામે જાણીતા શહેરના મુખ્ય ચોક તરફ ત્રણ અલગઅલગ દરવાજાથી પ્રવેશ કરી શકાતો હતો. આ ત્રણેય દરવાજાના નિર્માણમાં રાજપુત અને ઇટાલિયન શૈલીનું મિશ્રણ સ્પષ્ટ જોઈ શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોરબી જિલ્લાની વેબસાઇટ અનુસાર ઝૂલતો પુલ મોરબીના રાજવીની 'પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક અભિગમ'ને પ્રદર્શિત કરતો હતો.

પુલની માલિકી કોની?

ઇમેજ સ્રોત, gujarattourism
અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સ્પ્રેસ' અનુસાર વર્તમાન સમયમાં આ પુલની માલિકી મોરબી નગરપાલિકાની હતી.
નગરપાલિકાએ તાજેતરમાં જ ઓરેવા ગ્રૂપ સાથે એક 'મેમૉરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ' (એમઓયુ) કર્યું હતું અને ગ્રૂપને 15 વર્ષ માટે પુલની જાળવણી તથાં સંચાલન સોંપવામાં આવ્યાં હતાં.
ઓરેવા ગ્રૂપના પ્રવક્તાએ અખબારને જણાવ્યું હતું, "ઘણા લોકોએ પુલને મધ્ય ભાગથી હલાવવાનો પ્રયાસ કર્યો હતો, પ્રથમ દૃષ્ટિએ પુલ તૂટી પડવાનું એ કારણ જણાય છે."
સંસ્થાએ પુલનું સમારકામ કર્યા બાદ 26 ઑક્ટોબરે નવા વર્ષના દિવસે લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. જોકે, નગરપાલિકાએ જણાવ્યું હતું કે તેને આ અંગે જાણ કરવામાં આવી નહોતી.
મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલાએ અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "આ પૂલ મોરબી નગરપાલિકાની મિલકત છે પરંતુ અમે તેને થોડા મહિના પહેલા ઓરેવા ગ્રુપને 15 વર્ષ સુધી જાળવણી અને સંચાલન માટે સોંપી દીધો હતો. જોકે, ખાનગી પેઢીએ અમને જાણ કર્યા વિના એને મુલાકાતીઓ માટે ખુલ્લો મુકી દીધો હતો અને એથી અમે બ્રિજનું સેફ્ટી ઑડિટ કરાવી શક્યા નહોતા."
ઓરેવા ગ્રુપ દ્વારા ઝુલતા પુલની ટિકિટ રાખવામાં આવી હતી. જેમાં 12 વર્ષની નીચેના બાળકો માટે 12 રૂપિયા અને વયસ્કો માટે 17 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી હતી.
ઓરેવા ગ્રુપ ઘડિયાળથી લઈને ઈ-બાઇક સહિતની અનેક ઈલેક્ટ્રીક વસ્તુઓ બનાવે છે. કંપનીની વેબસાઇટ અનુસાર, આ કંપની દુનિયાની સૌથી વધુ ઘડિયાળનું ઉત્પાદન કરતી કંપની છે.

શું છે સમગ્ર ઘટના?

ઇમેજ સ્રોત, Bipin Tankariya
એક સદી જૂનો મચ્છુ નદી પર ઝૂલતો પુલ રવિવારે સાંજે અંદાજે સાડા છ વાગ્યે તૂટી પડ્યો, જેના પગલે અનેક લોકો મચ્છુ નદીમાં તણાયા હતા.
મીડિયા સાથે વાત કરતાં આઈજી અશોક યાદવે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 134 લોકોનાં મોત થયાં છે અને બે લોકોનો હજી પણ પત્તો નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને વડા પ્રધાન સહાય નિધિમાંથી બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા સહાય પેટે આપવાની જાહેરાત કરી છે.
આ સાથે જ ગુજરાત સરકારે પણ આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
નોંધપાત્ર બાબત છે કે પુલને છ મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને માત્ર ચાર દિવસ પહેલાં 26 ઑક્ટોબરના જાહેર જનતા માટે રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













