મોરબી પુલ ખુલ્લો મુકાયો એ વખતે ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલે શું કહ્યું હતું

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
મોરબીમાં રાજાના શાસન વખતે બનેલો ઐતિહાસિક ઝૂલતો પુલ 135 લોકોનાં મોતનું કારણ બન્યો છે, આ બ્રિજના સમારકામ અને જાળવણીનું કામ મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવાને સોંપવામાં આવ્યું હતું.
ઓરેવા ગ્રૂપના વડા જયસુખભાઈ પટેલે જ્યારે બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, ત્યારે તેની વિગતે માહિતી આપી હતી.
ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, "મોરબીના રાજાના જમાનાનો અંદાજે 150 વર્ષ જૂનો આ ઝૂલતો પુલ છે. જે સરકાર અને મોરબી નગરપાલિકા વચ્ચે થયેલા ચાર પાનાંના કરારમાં બ્રિજના મૅન્ટનન્સ, ઑપરેશન અને સિક્યૉરિટી માટે 15 વર્ષ માટે અમારી કંપનીને સોંપવામાં આવ્યો છે."

અંદાજે બે કરોડના ખર્ચે પુલનું પૂરેપૂરું સમારકામ કરાવ્યું હતું

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya
વધુમાં જયસુખભાઈએ કહ્યું હતું કે, "આ ઝૂલતો પુલ મોરબીનું એક સંભારણું છે. ઝૂલતો પુલ છેલ્લા 6 મહિનાથી રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો હતો. જે બેસતા વર્ષના દિવસે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો."
"આ બ્રિજ હૅન્ગિંગ બ્રિજ છે અને એથી તેની સ્પેશ્યલાઇઝ કંપનીની મદદ લેવામાં આવી હતી."
"આ હૅન્ગિંગ બ્રિજના કામની જરૂરિયાતને ધ્યાને રાખીને મટીરિયલ ડેવલપ કરવામાં આવ્યું. ધાંગ્રધાની એક કંપનીના પ્રકાશભાઈ છે, જેમને 2007માં ભૂકંપ આવ્યો ત્યારે પણ બ્રિજને હાનિ પહોંચ્યા બાદ તેમણે રિપેરિંગ કામ કરાવ્યું હતું."
"આ વખતે અંદાજે બે કરોડના ખર્ચે પૂરેપૂરું સમારકામ કરાવ્યું હતું."
કેબલ બ્રિજ તૂટતા 140થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને અનેક લોકો હૉસ્પિલમાં સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ પોલીસે એફઆઈઆર દાખલ કરીને નવ લોકોની ધરપકડ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોરબી પોલીસે આ મામલે બિનઇરાદાપૂર્વક હત્યાના કેસ દાખલ કર્યો છે. નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં ઓરેવા કંપનીના મૅનેજર દીપકભાઈ નવીન ચંદ્રભાઈ પારેખ, ઓરેવા કંપનીના મૅનેજર દિનેશ મનસુખ દવે, ટિકિટ ક્લર્ક મનસુખ વાલજી ટોપિયા, ટિકિટ ક્લર્ક મદેભાઈ લાખાભાઈ સોલંકી, બ્રિજ રિપેરિંગ કૉન્ટ્રેક્ટર દેવાંગ પ્રકાશ પરમાર, સિક્યૉરિટી ગાર્ડી અલ્પેશ ગોહિલ, સિક્યૉરિટી ગાર્ડ દિલીપ ગોહિલ, સિક્યૉરિટી ગાર્ડ મુકેશભાઈ ચૌહાણ સામેલ છે.
બ્રિજની દુર્ઘટનાને પગલે સવાલ ઊભા થયા છે કે શું આ બ્રિજને ફિટનેસ સર્ટિફિકેટ વગર જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો? એ સિવાય શું સમારકામના નિર્ધારિત સમય પહેલાં જ આ બ્રિજને લોકો માટે ખોલી દેવામાં આવ્યો હતો?
આ ગ્રૂપ અને મોરબી નગરપાલિકા વચ્ચે રૂપિયા 300ના સ્ટૅમ્પપેપર પર થયેલા ચાર પાનાંના કરારમાં ટિકિટના દર માટે વિગતવાર માહિતી આપવામાં આવી છે, જોકે તેટલી સ્પષ્ટતા આ પુલની જાળવણી માટેની શરતો અંગે જોવા મળતી નથી.
ઉલ્લેખનીય છે કે, "આ પુલના રિપેરિંગ માટે 8થી 12 મહિના જેટલો સમય લાગવાનો અંદાજ હતો, આમ છતાં તેને આ કરારના સાતમાં મહિનામાં જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. આ અંગે વાંચવા માટે અહીં ક્લિક કરો -
આખી રાત લોકોએ પાણીમાં પડીને લોકોને બચાવ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ રવિવારે સાંજે સાડા છ વાગ્યા આસપાસ તૂટી પડ્યો હતો.
આ દુર્ઘટના સર્જાઈ ત્યારથી અત્યાર સુધીમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.
આખી રાત લોકોએ પાણીમાં પડીને લોકોને બચાવ્યા હતા. તો સમગ્ર ઘટનાને પગલે વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને વડા પ્રધાન સહાય નિધિમાંથી બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા સહાય પેટે આપવાની જાહેરાત કરી છે.
આ સાથે જ ગુજરાત સરકારે પણ આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
નોંધપાત્ર બાબત છે કે, પુલને છ મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને માત્ર ચાર દિવસ પહેલાં 26 ઑક્ટોબરના જાહેર જનતા માટે રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













