ઓરેવા : દીવાલ ઘડિયાળ, ઇલેક્ટ્રિક બાઇક બનાવતી 800 કરોડની કંપની જે મોરબી બ્રિજ દુર્ઘટનાના કેન્દ્રમાં છે

• મોરબીનો ઝૂલતા પુલ રવિવારે ધરાશાયી થતાં અનેક પરિવારોએ સ્વજનો, મોભીઓ અને ભૂલકાં ગુમાવવાનો વારો આવ્યો હતો

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, ધરાશાયી થયેલા પુલના સમારકામ અંગેની જવાબદારી ગુજરાતના ખ્યાતનામ ઉદ્યોગગૃહ ઓરેવાને આપવામાં આવી હતી
લાઇન
  • મોરબીનો ઝૂલતો પુલ રવિવારે ધરાશાયી થતાં અનેક પરિવારોએ સ્વજનો, મોભીઓ અને ભૂલકાં ગુમાવવાનો વારો આવ્યો હતો
  • અત્યાર સુધી આ ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું સામે આવ્યું છે
  • મોરબી પોલીસે ઘટના અંગે FIR નોંધી નવ લોકોની ધરપકડ કરી છે
  • ધરાશાયી થયેલા પુલના સમારકામ અંગેની જવાબદારી ગુજરાતના ખ્યાતનામ ઉદ્યોગગૃહ ઓરેવાને આપવામાં આવી હતી
  • આ ગ્રૂપ વિશે કેટલું જાણો છો?
લાઇન

મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં છે. રવિવારે સાંજે છ વાગ્યે 40 મિનિટે થયેલ આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો હતો.

સ્થાનિક વહીવટી તંત્ર અને કેન્દ્રીય-સ્થાનિક સુરક્ષાબળો ઘટના બાદથી ઈજાગ્રસ્તોના રાહત-બચાવ અને મૃતકોના મૃતદેહ દૂર કરવામાં લાગી ગયા હતા.

અહીં નોંધનીય છે કે આ મામલે સ્થાનિક પોલીસે નવ વ્યક્તિઓની ધરપકડ કરી છે.

ધરાશાયી થયેલ ઝૂલતો પુલ 'જીર્ણ હાલતમાં હોઈ' તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. પુલના સમારકામ અને મેન્ટનન્સની જવાબદારી સ્થાનિક પ્રશાસન દ્વારા ખ્યાતનામ ઔદ્યોગિક ગૃહ ઓરેવા ગ્રૂપને અપાઈ હતી.

જે અંગે કૉન્ટ્રેક્ટ પણ કરાયો હતો. ઘટના બન્યાના માત્ર ત્રણ દિવસ પહેલાં જ બ્રિજ ખુલ્લો મુકાયો હતો. કહેવાઈ રહ્યું છે કે દિવાળીની રજાઓને કારણે ભારે સંખ્યામાં લોકો બ્રિજ પર એકત્રિત થયા હતા. અધિકારીઓ અનુસાર કદાચ આ જ કારણસર બ્રિજ તૂટી પડ્યો હતો.

આ સમગ્ર ઘટનાને પગલે ઓરેવા ગ્રૂપ ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે.

line

ઓરેવા ગ્રૂપની સ્થાપના

ઓરેવા કંપની ઇ-બાઇક પણ બનાવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઓરેવા કંપની ઇ-બાઇક પણ બનાવે છે

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર ઓરેવા ગ્રૂપ એ સીએફએલ બલ્બ, દીવાલ ઘડિયાળ અને ઇ-બાઇકોના ઉત્પાદન માટે જાણીતું છે.

પાંચ દાયકા પહેલાં તેની સ્થાપના ઓધવજી રાઘવજી પટેલે કરી હતી.

આ પેઢી અજંતા અને ઓરપેટ બ્રાન્ડ નામ હેઠળ દીવાલ ઘડીયાળનું ઉત્પાદન કરવા માટે જાણીતી છે.

વર્ષ 1971માં 45 વર્ષની વયે ઉદ્યોગક્ષેત્રે ઝંપલાવનાર પટેલ તે અગાઉ વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકે કાર્યરત હતા.

તેમણે એક લાખ રૂપિયાની મૂડી સાથે આ કંપનીની શરૂઆત કરી હતી.

તેમનું વર્ષ 2012માં જ અવસાન થયું છે.

800 કરોડના ટર્નઓવરવાળી આ કંપની ઘરેલુ ઇલેક્ટ્રિકલ ઉપકરણો, ઇલેક્ટ્રિક બલ્બ, કૅલક્યુલેટર, સિરામિક વસ્તુઓ અને ઇ-બાઇક બનાવે છે.

મોરબીમાં સાત મહિનાથી બંધ કરાયેલ ઝૂલતા પુલના સમારકામ અને મેન્ટનન્સનો કૉન્ટ્રેક્ટ ઓરેવા જૂથ પાસે જ હતો.

એવા આરોપ પણ કરાઈ રહ્યા છે કે બંધ કરાયેલ બ્રિજને સમારકામ બાદ ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા વગર જ ખુલ્લો મૂકી દેવાયો હતો.

અમદાવાદસ્થિત ગ્રૂપ તેમની મોટી પેઢી અજંતા મૅન્યુફૅક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડના નામથી લાઇટિંગ પ્રોડક્ટ, બૅટરી ઑપરેટેડ બાઇકો, ઘરેલુ વસ્તુઓ, ઇલેક્ટ્રિકલ એસેસરિઝ, ટેલિફોન, કૅલક્યુલેટર, એલઈડી ટીવી અને અન્ય ઉત્પાદનો બનાવવામાં સક્રિય છે.

આ જૂથની શરૂઆત અજંતા ટ્રાંઝિસ્ટર ક્લૉક મૅન્યુફૅક્ચરિંગ કંપની તરીકે થઈ હતી. આગળ ચાલતાં જૂથ અન્ય ધંધાઓમાં પણ આગળ વધ્યું હતું.

ઓરેવા 55 હજાર ચેનલ પાર્ટનર થકી સમગ્ર દેશમાં ઉત્પાદનોનું વેચાણ કરે છે.

ગુજરાતમાં સામખિયાળીથી 200 એકર જમીનમાં સ્થિત દેશના સૌથી મોટા પ્લાન્ટ પૈકી એકમાંથી તેઓ ઑપરેટ કરે છે.

લાઇટિંગ સેગમૅન્ટમાં આગળ વધી કંપનીએ એલઈડી લાઇટિંગ પ્રોડક્ટના નિર્માણમાં સક્રિય થઈ. એક સમયે દીવાલ ઘડિયાળ ક્ષેત્રે આગળ પડતું નામ એવી આ કંપનીએ ડિજિટલ ઘડિયાળ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું.

ધ હિંદુ બિઝનેસલાઇન ડોટ કૉમના એક અહેવાલ અનુસાર કંપનીના સ્થાપક ઓધવજી પટેલ કંપનીને સફળ બનાવ્યા બાદ પણ શિક્ષણક્ષેત્રે તેઓ જોડાયેલા રહ્યા હતા. તેઓ મૃત્યુપર્યંત શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા હતા.

ઓરેવા ગ્રૂપના ઇતિહાસ અંગે વાત કરતાં બીબીસી ગુજરાતીના સહયોગી અને સ્થાનિક પત્રકાર રાજેશ આંબલિયાએ જણાવ્યું હતું કે, "1971માં મોરબી શહેરમાં ત્રણ ભાગીદારો દ્વારા દીવાલ ઘડિયાળો બનાવવા માટે અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લૉક મૅન્યુફૅક્ચરિંગ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. ઓધવજી રાઘવજી પટેલને ધંધાનો કોઈપણ અનુભવ ન હોવા છતાં 55 રૂપિયાનો પગાર મેળવતાં શિક્ષક ઓધવજીભાઈને પાર્ટનર બનાવવામાં આવ્યાં. કેમ કે બાકીના ભાગીદારોને કોઈ સાયન્સ બ્રૅકગ્રાઉન્ડ ધરાવતી વ્યક્તિની શોધ હતી."

તેઓ કંપનીના શરૂઆતનાં વર્ષોની સ્થિતિ અંગે વાત કરતાં કહે છે કે, "કંપની શરૂ થયાના પ્રથમ ત્રણ વર્ષ સુધી કંપનીએ ખોટ કરી, આનાથી અન્ય ભાગીદારોએ ધંધામાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું. જ્યારે ઓધવજીએ કંપની ચાલુ રાખવાનો અને તેને આગળ લઈ જવાનો નિર્ણય કર્યો. બાદમાં કંપની મોટી થતી ગઈ અને સમયાંતરે ઓધવજીનાં ત્રણ સંતાનો અલગ-અલગ કંપનીઓ બનાવી તેનું સંચાલન કરવા લાગ્યાં."

"અજંતા-ઓરેવા કંપની દ્વારા અગાઉ પણ 15 વર્ષ સુધી આ બ્રિજનું સંચાલન અને મરામત કરવામાં આવ્યાં હતાં."

line

ઓરેવા ગ્રૂપ સાથે કરાર

ઝૂલતો પુલ ધરાશાયી થતાં ઓરેવા કંપનીનું નામ ચર્ચામાં આવ્યું હતું

ઇમેજ સ્રોત, UGC/RAJESH AMBALIYA

ઇમેજ કૅપ્શન, ઝૂલતો પુલ ધરાશાયી થતાં ઓરેવા કંપનીનું નામ ચર્ચામાં આવ્યું હતું

આ ગ્રૂપ અને મોરબી નગરપાલિકા વચ્ચે રૂપિયા 300ના સ્ટેમ્પ પેપર પર થયેલા ચાર પાનાંના કૉન્ટ્રેક્ટ ઍગ્રીમેન્ટમાં ટિકિટના દર માટે જેટલી વિગતવાર માહિતી આપવામાં આવી છે, તેટલી સ્પષ્ટતા આ પુલની જાળવણી માટેની શરતો માટે જોવા મળતી નથી.

બીબીસી ગુજરાતી પાસે આ કૉન્ટ્રેક્ટ ઍગ્રીમેન્ટની કૉપી છે.

આ ઍગ્રીમેન્ટમાં લખવામાં આવ્યું છે કે, "ઝૂલતા પુલનું "મૅનેજમૅન્ટ" જેવું કે O&M (ઑપરેશન અને મેન્ટનન્સ), (સિક્યૉરિટી)/ સફાઈ / મૅન્ટનન્સ/ પેમેન્ટ કલેક્શન/ સ્ટાફ વગેરેનો ઍગ્રીમેન્ટ કરવામાં આવેલ છે."

આ ઍગ્રીમેન્ટમાં કલેક્ટર, નગરપાલિકા અને ઓરેવા ગ્રૂપ દ્વારા પુલ પર જવાના હાલના દર અને વર્ષ 2027-28 સુધી તેમાં કેટલો વાર્ષિક વધારો કરવામાં આવશે તેની વય જૂથ પ્રમાણે વિગતો આપવામાં આવી છે. જેમાં હાલ જે સામાન્ય સહેલાણીઓ માટેની ટિકિટના દર 15 રૂપિયા છે, તેનો વર્ષ 2027-28 સુધીમાં 25 રૂપિયા થશે.

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સ્કૂલ પિકનિક માટેના દર પ્રતિ વિદ્યાર્થી પાંચ રૂપિયા અને 12 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ માટે પહેલાં બે વર્ષ માટે અનુક્રમે દસ રૂપિયા અને 12 રૂપિયા અને ત્યાર બાદ વર્ષ 2027-28 સુધી 15 રૂપિયા રાખવાનું ઠરાવવામાં આવ્યું છે.

વર્ષ 2027-28 બાદ દર વર્ષે તમામ સહેલાણીઓની પ્રવેશ ફીમાં બે રૂપિયાનો વધારો થશે તેમ પણ આ ઍગ્રીમેન્ટમાં લખવામાં આવ્યું છે.

ટિકિટના આ દર સહિત ઍગ્રીમેન્ટમાં કુલ નવ મુદ્દા છે. જેમાં ટિકિટ સિવાયના બાકીના કોઈ જ મુદ્દાની વિગતવાર છણાવટ નથી કરવામાં આવી કે કોઈ પણ શરતો મૂકવામાં નથી આવી.

line

ઍગ્રીમેન્ટમાં રિપેરિંગ અને મેન્ટનન્સની કોઈ વિગતો નથી

ઍગ્રીમેન્ટના ત્રીજા મુદ્દામાં એક જ વાક્યમાં લખવામાં આવ્યું છે કે, "ઝૂલતો પુલ રિપેરિંગ કરીને ચાલુ કરવાનો તમામ ખર્ચ અજંતા મૅન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ (ઓરેવા ગ્રૂપ) દ્વારા કરવાનો રહેશે."

આ પુલમાં રિપૅરિંગની શી જરૂરિયાત છે અને તેને કેવી રીતે રિપૅર કરવામાં આવશે તેની કોઈ વિગતો નથી.

ચોથા મુદ્દામાં લખવામાં આવ્યું છે કે, "આ ઍગ્રીમેન્ટ થયે ઓરેવા ગ્રૂપ દ્વારા ઝૂલતા પુલને યોગ્ય રિનોવેટ કરી જનતા માટે ખુલ્લો મુકાશે. જેમાં ઍગ્રીમેન્ટની તારીખથી અંદાજે આઠથી 12 માસનો સમય લાગશે."

ઉલ્લેખનીય છે કે આ પુલના રિપૅરિંગ માટે આઠથી 12નો સમય લાગવાનો હોવા છતાં તેને આ ઍગ્રીમેન્ટના સાતમા મહિનામાં જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.

પાંચમા અને છઠ્ઠા મુદ્દામાં ઓરેવા ગ્રૂપને પોતાનું બ્રાન્ડિંગ અને કૉમર્શિયલ પ્રવૃત્તિ કરવાની છૂટ આપવામાં આવી છે.

સાતમા મુદ્દામાં ઍગ્રીમેન્ટના સમયગાળામાં ઝૂલતા પુલની આવક અને ખર્ચ ઓરેવા ગ્રૂપને આપવામાં આવે તેવું નિર્ધારિત કરવામાં આવ્યું છે.

જેમાં લખ્યું છે કે, "તમામ ઍડમિનિસ્ટ્રેટિવ કાર્યો જેમ કે, સ્ટાફ ઍપોઇન્ટમૅન્ટ, સફાઈ, ટિકિટબુકિંગ, મ‌ેન્ટનન્સ, કલેક્શન, ખર્ચના હિસાબો વગેરે તમામ કામો અજંતા મૅન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ (ઓરેવા ગ્રૂપ) સંભાળશે જે કામોમાં સરકારી, બિનસરકારી, નગરપાલિકા, કોર્પોરેશન કે અન્ય કોઈ પણ એજન્સીનો હસ્તક્ષેપ રહેશે નહીં."

નગરપાલિકાના ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે,"સાત માર્ચના દિવસે થયેલા કૉન્ટ્રેક્ટમાં આ પુલ 15 વર્ષ માટે ઓરેવા ગ્રૂપને મેન્ટન અને રિનોવેટ કરવા માટે આપવામાં આવ્યો હતો. એના આધારે પુલ વપરાશમાં નહોતો તેને રિનોવેટ કરી, રિનોવેશન પૂરું થયે, કન્સેન્ટ સાથે બધા ડોક્યુમેન્ટ સબમીટ કરીને તેમણે આ પુલ ચાલુ કરવાનો હશે."

તેમણે વધુમાં કહ્યું કે, "હંમેશાં એક બૅચમાં 20-25 માણસો હોય એ રીતે જ લોકોને આ પુલ પર મોકલવામાં આવતા હતા. હવે તેમણે રિનોવેશનમાં શું મટીરિયલ વાપર્યું? તેની લોડ બિયરિંગ કૅપેસિટી શું હતી? તે તપાસનો વિષય છે. તેના માટે ઇન્ક્વાયરી કમિશન છે."

ઓરેવા ગ્રૂપે નગરપાલિકા સાથેના ઍગ્રીમેન્ટમાં દર્શાવેલ મેન્ટનન્સના નિર્ધારિત સમય પહેલાં જ ઝૂલતા પુલને જનતા માટે ખુલ્લો મૂકી દીધો હતો.

ઍગ્રીમેન્ટના ચોથા મુદ્દામાં લખવામાં આવ્યું છે કે, "આ ઍગ્રીમેન્ટ થયે ઓરેવા ગ્રૂપ દ્વારા ઝૂલતા પુલને યોગ્ય રિનોવેટ કરી જનતા માટે ખુલ્લો મુકાશે. જેમાં ઍગ્રીમેન્ટની તારીખથી અંદાજે આઠથી 12 માસ જેટલો સમય લાગશે."

આ પુલના રિપેરિંગ માટે આઠથી 12 મહિનાનો સમય લાગવાનો હોવા છતાં, 7 માર્ચે કરેલા કૉન્ટ્રેક્ટના સાતમા મહિનામાં જ મેન્ટનન્સ પૂર્ણ કરીને પુલને જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.

line

કેવી રીતે બની આ દુર્ઘટના?

ઘટનાસ્થળે આખી રાત સુધી લોકોને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી હતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, ઘટનાસ્થળે આખી રાત સુધી લોકોને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી હતી

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ રવિવારે સાંજે છ વાગ્યા આસપાસ તૂટી પડ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, મોરબીમાં પુલ તૂટી પડતાં અત્યાર સુધીમાં 135 લોકોનાં મોત થયાં છે.

આખી રાત સુધી લોકોને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી હતી. પુલ તૂટ્યા બાદ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મોરબી પહોંચ્યા હતા.

મૃતકોને બે લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરાઈ છે. અલગઅલગ દળોના 200થી વધુ જવાનો કામ લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીમાં 145 વર્ષ જૂનો પુલ તૂટી પડતા અનેક લોકો પાણીમાં પડ્યા અને 135નાં મોત થયાં છે.

આખી રાત લોકોએ પાણીમાં પડીને લોકોને બચાવ્યા હતા. તો સમગ્ર ઘટનાને પગલે વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે.

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે વહેલી સવારે પત્રકારપરિષદને સંબોધતાં કહ્યું હતું કે "રવિવારે સાંજે 6.30 વાગ્યે પુલ તૂટવાની ઘટના ઘટી હતી."

"6.45 વાગ્યે તંત્ર દ્વારા રાહતકામગીરી શરૂ કરી દેવાઈ હતી. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે મોરબી પહોંચીને બધી વ્યવસ્થા કરી હતી."

"ગણતરીના કલાકોમાં અલગ-અલગ દળોના 200થી વધારે જવાનો બચાવ કામગીરી આખી રાત કરી રહ્યા હતા."

"વડા પ્રઘાન કાર્યાલય અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બચાવકામગીરીનું આખી રાત નિરીક્ષણ કરાયું હતું."

તેમણે કહ્યું હતું કે "આ કામગીરીમાં સત્તાવાર આંકડા પ્રમાણે બે લોકોનો હજી પત્તો મળ્યો નથી."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન