મોરબી પુલ દુર્ઘટનામાં પોલીસે પકડેલા આરોપીઓ કોણ છે?

મોરબી દુર્ઘટનાના આરોપીઓ

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં અત્યાર સુધીમાં 135 લોકોનાં મૃત્યુ થયાં છે. આ દરમિયાન પોલીસે નવ લોકોની ધરપકડ કરાઈ હોવાનું રેન્જ આઈજી અશોક યાદવે પત્રકારપરિષદમાં જણાવ્યું છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ કોણ છે

  • દીપક નવીનચંદ્ર પારેખ - ઓરેવા કંપનીના મૅનેજર
  • દિનેશ મનસુખ દવે - ઓરેવા કંપનીના મૅનેજર
  • મનસુખ વાલજી ટોપિયા - ટિકિટ કલેક્ટર
  • મદર લાખાભાઈ સોલંકી - ટિકિટ કલેક્ટર
  • લાલજી પરમાર - બ્રિજ કૉન્ટ્રેક્ટર
  • દેવાંગ પરમાર - બ્રિજ કૉન્ટ્રેક્ટર
  • આ ઉપરાંત ત્રણ સિક્યૉરિટી ગાર્ડની ધરપકડ કરવામાં આવી છે.

જોકે, નગરપાલિકા અને ઓરેવા કંપનીની જવાબદારી નક્કી કરવા અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં રેન્જ આઈજીએ જણાવ્યું હતું, "કોઈ પણ તપાસ વૈજ્ઞાનિક પુરાવા, ફોરેન્સિક પુરાવાના આધાર પર ચાલતી હોય છે અને એ રીતે આમાં પણ કાર્યવાહી કરવામાં આવશે."

"જેટલી એજન્સીઓના મળશે એના આધારે કોઈ પણ બેદરકારી જણાશે તો એને છોડવામાં નહીં આવે. હાલમાં પોલીસ દ્વારા તમામ પાસાંની ઊંડાણપૂર્વક તપાસ કરાઈ રહી છે."

પોલીસના હૅલ્પ ડેસ્ક પર ગત રાત સુધી 14 લોકો લાપતા હોવાની ફરિયાદ આવી હતી, જેમની ભાળ મેળવી લેવાઈ હોવાનું પણ રેન્જ આઇજી અશોક યાદવે જણાવ્યું હતું.

જોકે, તેમણે ઓરેવા કંપનીના માલિક, કોઈ સરકારી અધિકારીની આ મામલે જવાબદારી છે કે કેમ, તેમની ધરપકડ કરાઈ કેમ ના કરાઈ એવા પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળ્યું હતું. આ મામલે પત્રકારોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હોવા છતાં તેમણે કોઈ જાણકારી આપી નહોતી.

line

અત્યાર સુધી શું થયું?

મોરબીમાં પુલ અકસ્માતમાં 135 લોકોનાં મૃત્યુ થયાં છે. હવે આ મામલે રાજકીય નેતાઓ પણ સામસામે આવી ગયા છે.

મોરબી પુલ દુર્ઘટના મામલે વિપક્ષે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા અને આ ઘટનાની ચોક્કસ તપાસની માગ કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે "હું સતત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના સંપર્કમાં રહ્યો છું, આ ઘટનાથી બહુ વ્યથિત છું." ગુજરાતની મુલાકાતે આવેલા મોદીએ કહ્યું કે, "મારું મન મોરબીના પીડિતો પાસે છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતી કાલે મોરબીની મુલાકાત લેશે.

હાલમાં પણ નદી કાંઠે અલગઅલગ ટીમો તહેનાત છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ હાલ પૂરતી અટકાવી દેવાઈ છે.

line

કેવી રીતે બની આ દુર્ઘટના?

મોરબી

ઇમેજ સ્રોત, AFP

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ રવિવારે સાંજે છ વાગ્યા આસપાસ તૂટી પડ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, મોરબીમાં પુલ તૂટી પડતાં અત્યાર સુધીમાં 154 લોકોનાં મોત થયાં છે.

આખી રાત સુધી લોકોને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી હતી. પુલ તૂટ્યા બાદ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મોરબી પહોંચ્યા હતા.

મૃતકોને બે લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરાઈ છે. અલગઅલગ દળોના 200થી વધુ જવાનો કામ લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીમાં 145 વર્ષ જૂનો પુલ તૂટી પડતા અનેક લોકો પાણીમાં પડ્યા અને 135નાં મોત થયાં છે. દુર્ઘટના સર્જાઈ ત્યારથી અત્યાર સુધીમાં હજુ પણ ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે.

આખી રાત લોકોએ પાણીમાં પડીને લોકોને બચાવ્યા હતા. તો સમગ્ર ઘટનાને પગલે વહીવટીતંત્ર પણ કામે લાગી ગયું છે.

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે વહેલી સવારે પત્રકારપરિષદને સંબોધતાં કહ્યું હતું કે "રવિવારે સાંજે 6.30 વાગ્યે પુલ તૂટવાની ઘટના ઘટી હતી."

"6.45 વાગ્યે તંત્ર દ્વારા રાહતકામગીરી શરૂ કરી દેવાઈ હતી. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે મોરબી પહોંચીને બધી વ્યવસ્થા કરી હતી."

"ગણતરીના કલાકોમાં અલગ-અલગ દળોના 200થી વધારે જવાનો બચાવકામગીરી આખી રાત કરી રહ્યા હતા."

"વડા પ્રઘાન કાર્યાલય અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બચાવકામગીરીનું આખી રાત નિરીક્ષણ કરાયું હતું."

તેમણે કહ્યું હતું કે "આ કામગીરીમાં સત્તાવાર આંકડા પ્રમાણે બે લોકોનો હજી પત્તો મળ્યો નથી."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન