મોરબી દુર્ઘટના : 'મેં માતાને કહ્યું હતું કે હું લોકોને બચાવવા જઉં છું, જીવતો પાછો ન પણ આવું'

મોરબી દુર્ઘટનામાં લોકોના જીવ બચાવનાર હુસૈન પઠાણ

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, મોરબી દુર્ઘટનામાં લોકોના જીવ બચાવનાર હુસૈન પઠાણ
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, મોરબીથી

“હું ઘરેથી કહીને ગયો હતો કે હું મચ્છુમાં ડૂબેલા લોકોને બહાર કાઢવા જઉં છું, મારું કંઈ નક્કી નથી, કદાચ હું પાછો ન પણ આવું.”

 આ શબ્દો છે મોરબીના યુવાન હુસૈન મહેબૂબભાઈ પઠાણના છે, તેઓ મોરબીની પુલ દુર્ઘટના બાદ અનેક યુવાનોની જેમ જાતે જ બચાવકામગીરીમાં મદદ કરવા માટે મચ્છુ નદીના કાંઠે ગયા હતા.

બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે “મારાં મમ્મી અને મારી બહેન જો કદાચ ડૂબી ગયાં હોત તો શું હું એમને બહાર કાઢવા ન જાત?”

“એમને પણ બચાવ્યાં હોત અને બીજાને પણ કાઢ્યા હોત. બસ આટલું જ વિચારીને હું લોકોને બચાવવા ગયો હતો.”

હુસૈનભાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કઈ રીતે તેઓ મોરબીની પુલ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કઈ રીતે તેમણે લોકોને બચાવ્યા હતા.

bbc gujarati line

‘મારું મોરબી રડી રહ્યું હોય તો હું સન્માન કઈ રીતે લઉં’

વીડિયો કૅપ્શન, Morbi Bridge: હુસૈન પઠાણ જેઓ લોકોને બચાવવા નદીમાં કૂદી પડ્યા

તેઓ કહે છે કે, “અમે જ્યારે પહોંચ્યા ત્યારે ઘટનાસ્થળ પરના દૃશ્યો ભયાનક હતાં, વિચલિત કરનારાં હતાં.”

તેઓ કહે છે કે, “બચાવકામગીરીમાં જનારો હું એકલો નહોતો, આખું મોરબી હતું. મકરાણીવાસ, બોરિચાવાસ, કાલિકા પ્લૉટ, વિશિપરા, ત્રાજપપરા દરેક વિસ્તારમાંથી છોકરા મદદ કરવા આવ્યા હતા.”

“મોરબીમાં ક્યાંય કોઈને પણ ખબર પડતી હતી કે ઝૂલતો પુલ તૂટી ગયો છે, તો લોકો ત્યાં આવી રહ્યા હતા.”

તેઓ કહે છે કે, “મેં સમાજસેવા કરી, આમાં પુરસ્કાર લેવાનો જ ન હોય.”

“લોકો મને ફોન કરતા હતા કે તમારું સન્માન કરીએ પણ મારું મોરબી રડી રહ્યું હોય તો હું સન્માનનાં ફૂલ ને હાર કઈ રીતે પહેરી શકું.”

bbc gujarati line

કઈ રીતે લોકોને બચાવ્યા?

મોરબી દુર્ઘટનામાં લોકોના જીવ બચાવનાર હુસૈન પઠાણ
ઇમેજ કૅપ્શન, હુસૈન પઠાણ

હુસૈનભાઈનું કહેવું છે કે ત્યાં સરકારી તંત્ર તરફથી કામ કરી રહેલા લોકોએ એમની મદદ લીધી હતી અને તેમને લાઇફ જૅકેટ પહેરાવીને બોટમાં લઈ ગયા હતા.

તેઓ કહે છે, “અમારે એ લોકોને બતાવવાનું હતું કે પુલ તૂટ્યા બાદ લોકો ક્યાં પડ્યા હતા અને હજી ક્યાં પડ્યા હોય એવી શક્યતા છે.”

તેઓ કહે છે કે તે લોકો જ્યાં બતાવતા હતા, ત્યાં તંત્રના બચાવકર્મીઓ ઓક્સિજન-માસ્ક પહેરીને ઊતરતા હતા અને લોકોને શોધીને બહાર કાઢતા હતા.

બચાવકામગીરીમાં પડેલી મુશ્કેલી વિશે વાત કરતા તેઓ કહે છે કે ત્યાં વેલ એટલી હતી કે ક્યાં લોકો ફસાયેલા છે, એનો અંદાજ પણ આવતો ન હતો.

તેઓ કહે છે કે “વેલ કાપી-કાપીને બચાવકર્મીઓ પાણીમાં ઊતરતા હતા અને લોકોને બહાર કાઢી રહ્યા હતા.”

તેમનું કહેવું છે કે હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ તમામ ધર્મના લોકોએ નાતજાત જોયા વગર બચાવકામગીરી કરી છે. ઇન્સાનિયતના નાતે આ દરેકે કરવું જોઈએ.

ગ્રે લાઇન

શું છે સમગ્ર ઘટના?

મોરબી પુલ દુર્ઘટના

ઇમેજ સ્રોત, Reuters

મોરબીમાં મચ્છુ નદી પરનો દોઢ સદી જૂનો ઝૂલતો પુલ રવિવારે સાંજે અંદાજે સાડા છ વાગ્યે તૂટી પડ્યો હતો, પુલ પર ઊભેલા સેંકડો લોકો મચ્છુ નદીમાં તણાયા હતા.

આ ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને અનેક લોકોને ગંભીર ઈજા પણ થઈ હતી.

આ પુલને સમારકામ માટે છ મહિના સુધી બંધ કરવામાં આવ્યો હતો અને સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે જ તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

દિવાળીની રજાઓના કારણે અહીં પુલ પર સહેલાણીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા અને એ જ વખતે આ ઘટના ઘટી હતી.

મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે આર્થિક સહાયની જાહેરાત કરી છે. પોલીસ દ્વારા પણ આ મામલે ફરિયાદ નોંધીને સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પુલ તૂટ્યો એ બાદ ઘટનાસ્થળે હાજર લોકોએ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ સ્વયંભૂ બચાવકામગીરી શરૂ કરી દીધી હતી.

એ દરમિયાન સરકારી તંત્ર દ્વારા પણ લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી.

bbc gujarati line
bbc line