સુરતમાં આઠ વર્ષનાં દેવાંશીની દીક્ષાઃ બાળકો દીક્ષા લે ત્યારે વિવાદ કેમ થાય છે?

ઇમેજ સ્રોત, RUPESH SONAWANE
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ, નવી દિલ્હી

- હીરાના એક શ્રીમંત ભારતીય વેપારીના દીકરી દેવાંશી હવે સંયમી જીવન જીવી રહ્યાં છે
- તેઓ બરછટ સફેદ વસ્ત્ર પહેરીને ભિક્ષા મેળવવા ઉઘાડા પગે ઘરે-ઘરે જાય છે
- ધાર્મિક વિદ્વાનો જણાવે છે કે ભૌતિક જગતનો ત્યાગ કરતા જૈનોની સંખ્યામાં વર્ષોથી સતત વધારો થઈ રહ્યો છે
- દેવાંશીના દીક્ષા સમારંભ પહેલાં તેમનાં પરિવારે સુરતમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું
- ઉંટ, ઘોડા તથા બળદગાડા સાથેની શોભાયાત્રામાં ઢોલના ધબકારે નર્તકો નૃત્ય કરતા હતા
- હજારો લોકોએ આ શોભાયાત્રા નિહાળી હતી

આઠ વર્ષની વયનાં દેવાંશી સંઘવી મોટાં થઈને કરોડો ડૉલરનો હીરાનો બિઝનેસ ચલાવી શકે તેમ હતાં, પરંતુ હીરાના એક શ્રીમંત ભારતીય વેપારીના આ દીકરી હવે સંયમી જીવન જીવી રહ્યાં છે. તેઓ બરછટ સફેદ વસ્ત્ર પહેરીને ભિક્ષા મેળવવા ઉઘાડા પગે ઘરે-ઘરે જાય છે.
અમી અને ધનેશ સંઘવીની બે દીકરીઓ પૈકીનાં મોટાં પુત્રી દેવાંશી ગયા સપ્તાહે સંસારનો ત્યાગ કરીને સાધ્વી બની ગયા છે.
આ સંઘવી પરિવારનો સમાવેશ, વિશ્વના સૌથી જૂના ધર્મો પૈકીના એક અને ભારતમાં આશરે 2,500 વર્ષ પહેલાં ઉદભવેલા જૈન ધર્મને અનુસરતા 45 લાખ લોકોમાં થાય છે.
ધાર્મિક વિદ્વાનો જણાવે છે કે ભૌતિક જગતનો ત્યાગ કરતા જૈનોની સંખ્યામાં વર્ષોથી સતત વધારો થઈ રહ્યો છે. જોકે, દેવાંશી જેવા નાના બાળકોએ દીક્ષા લીધી હોય તેવા કિસ્સા જૂજ છે.
ગયા બુધવારે સુરતમાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં દેવાંશીએ વરિષ્ઠ જૈન સાધુઓ તથા હજારો લોકોની હાજરીમાં દીક્ષા એટલે કે ત્યાગનું વ્રત લીધું હતું.
શહેરના વાસુ વિસ્તારમાંના સમારંભ સ્થળે દેવાંશી તેમનાં માતા-પિતા સાથે સુંદર સિલ્કનાં વસ્ત્રો પહેરીને આવી પહોંચ્યાં હતાં. તેમનાં મસ્તક પર હીરાજડિત તાજ પણ હતો.
દીક્ષાની વિધિ પૂર્ણ થઈ પછી દેવાંશી મુંડન કરાવેલું મસ્તક ઢાંકીને શ્વેત સાડીધારી સાધ્વીઓ સાથે ઊભાં રહી ગયાં હતાં. ફોટોગ્રાફ્સમાં દેવાંશીના હાથમાં ચામર (ઓઘો) જોવા મળે છે. તેનો અર્થ એ કે દેવાંશી તે ઓઘાનો ઉપયોગ, તેના માર્ગમાં આવતા જંતુઓ અકસ્માતે ચગદાતાં રોકવા, તેમને માર્ગમાંથી દૂર કરવા માટે કરશે.
સંઘવી પરિવારના મિત્ર અને હીરાના સુરતસ્થિત વેપારી અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક રાજકારણી કીર્તિ શાહ કહે છે કે “દેવાંશી હવે તેમના ઘરે, માતા-પિતા સાથે રહી શકશે નહીં. તેઓ હવે સાધ્વી બની ગયાં છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે દેવાંશી અન્ય જૈન સાધુ-સાધ્વીઓ સાથે એક ઉપાશ્રયમાં રહે છે.
કીર્તિ શાહ ઉમેરે છે કે “જૈન સાધ્વીનું જીવન ખરેખર કઠોર હોય છે. તેણે હવે દરેક જગ્યાએ ચાલીને જવું પડશે. તે કોઈ વાહનનો ઉપયોગ કરી શકશે નહીં. તેણે જમીન પર સાદી સફેદ ચાદર પર સૂવું પડશે. અને તે સૂર્યાસ્ત પછી ભોજન કરી શકશે નહીં.”

બાળ દીક્ષા આપતો ફિરકો

ઇમેજ સ્રોત, RUPESH SONAWANE
સંઘવી પરિવાર જૈન ધર્મના એક એવા ફિરકાના સભ્ય છે, જેમાં બાળ સાધુઓનો સ્વીકાર કરવામાં આવે છે. અન્ય ત્રણ ફિરકામાં માત્ર પુખ્ત વયના લોકોને જ દીક્ષા આપવામાં આવે છે.
દેવાંશીના માતા-પિતા ‘અત્યંત ધાર્મિક’ લોકો તરીકે જાણીતા છે. તેમના પારિવારિક મિત્રોને ટાંકીને મીડિયાએ જણાવ્યું હતું કે દેવાંશી “નાનપણથી આધ્યાત્મિક જીવન તરફ ઝોક ધરાવે છે.”
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારના અહેવાલ મુજબ, “દેવાંશીએ ક્યારેય ટેલિવિઝન કાર્યક્રમો કે ફિલ્મો નિહાળી નથી. તે ક્યારેય મોલ કે રેસ્ટોરાંમાં પણ ગયાં નથી. દેવાંશી નાની વયથી જ દિવસમાં ત્રણ વખત પ્રાર્થના કરતાં રહ્યાં છે અને બે વર્ષનાં હતાં ત્યારથી ઉપવાસ પણ કરે છે.”
દેવાંશીના દીક્ષા સમારંભ પહેલાં તેમનાં પરિવારે સુરતમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. ઊંટ, ઘોડા તથા બળદગાડા સાથેની શોભાયાત્રામાં ઢોલના ધબકારે નર્તકો નૃત્ય કરતા હતા. હજારો લોકોએ આ શોભાયાત્રા નિહાળી હતી.
દેવાંશી તથા તેમનો પરિવાર હાથીની અંબાડી પર બેઠાં હતાં, જ્યારે લોકો તેમના પર ગુલાબની પાંખડીઓની વર્ષા કરતા હતાં.

એન્ટવર્પ શહેરમાં પણ શોભાયાત્રા

ઇમેજ સ્રોત, RUPESH SONAWANE
મુંબઈ તથા બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં સંઘવી પરિવાર બિઝનેસ ધરાવે છે. તેથી એ બન્ને શહેરમાં પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જૈન સમુદાયમાં દીક્ષાની આ પરંપરાને ઘણા લોકો સમર્થન આપે છે, પરંતુ દેવાંશીની દીક્ષા બાબતે વ્યાપક ચર્ચા થઈ રહી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે આટલો મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં સંઘવી પરિવારે દેવાંશીના પુખ્ત થવા સુધી રાહ શા માટે જોઈ નહીં?
કીર્તિ શાહને દીક્ષા સમારંભમાં હાજર રહેવાનું આમંત્રણ હતું, પણ તેઓ તેનાથી દૂર રહ્યા હતા, કારણ કે કોઈ બાળક દ્વારા સંસારના ત્યાગનો વિચાર તેમને રુચતો નથી. તેઓ ભારપૂર્વક કહે છે કે “કોઈ પણ ધર્મે બાળકને સન્યાસ લેવાની છૂટ આપવી ન જોઈએ.”
તેઓ સવાલ કરે છે કે “તે એક બાળક છે. આ બધા વિશે તે શું સમજી શકે? બાળકો 16 વર્ષના થાય ત્યાં સુધી કૉલેજમાં કઈ સ્ટ્રીમમાં અભ્યાસ કરવો તે પણ નક્કી કરી શકતા નથી ત્યારે જેની તેમના સમગ્ર જીવન પર અસર થવાની છે તેવી બાબતનો ફેંસલો ક્યાંથી કરી શકે?”

બાળકો શા માટે સંસારત્યાગ કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાળક સંસારનો ત્યાગ કરે છે અને સમુદાય તેની ઉજવણી કરે છે ત્યારે એ બધું એક મોટી પાર્ટી જેવું લાગે છે, પરંતુ મુંબઈસ્થિત બાળ સુરક્ષા સલાહકાર પ્રોફેસર નીલિમા મહેતા કહે છે કે “દીક્ષા પછી બાળકે પ્રચંડ મુશ્કેલી તથા અભાવનો સામનો કરવો પડે છે. જૈન સાધ્વી તરીકેનું જીવન ખૂબ જ કઠોર હોય છે.”
બાળકને આટલી નાની વયે પરિવારથી અલગ કરી દેવા બાબતે સમુદાયના અન્ય લોકોએ પણ અસ્વસ્થતા વ્યક્ત કરી હતી. દેવાંશીની દીક્ષાના સમાચાર બહાર આવ્યા પછી ઘણા લોકોએ સંઘવી પરિવારની ટીકા કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. સંઘવી પરિવાર પર તેમના સંતાનના અધિકારનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કર્યો છે.
કીર્તિ શાહના જણાવ્યા મુજબ, આવી બાબતમાં સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ અને બાળકોના સંસારત્યાગની પ્રથાને બંધ કરાવવી જોઈએ.
જોકે, એવું થવાની શક્યતા નથી. સરકાર દેવાંશીના કેસમાં કશું કરી શકે કે કેમ, એ જાણવા માટે અમે નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઈટ્સના વડાં પ્રિયંકા કાનુંગોનો સંપર્ક સાધ્યો હતો.
તેમની ઓફિસે જણાવ્યું હતું કે આ ‘સંવેદનશીલ મામલો’ હોવાથી તેઓ આ મુદ્દે ટિપ્પણી કરવા ઇચ્છતાં નથી.
જોકે, કર્મશીલો કહે છે કે દેવાંશીના અધિકારનું ઉલ્લંઘન થયું છે.
પ્રોફેસર નીલિમા મહેતા કહે છે કે “બાળક તેની ઇચ્છાથી સંન્યાસી બની રહ્યું છે, એવું કહેતા લોકોએ જાણી લેવું જોઈએ કે બાળકની સંમતિ કાયદામાં સંમતિ ગણાતી નથી.”
તેઓ ઉમેરે છે કે “કાયદાની રીતે 18 વર્ષની વયે કોઈ વ્યક્તિ સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. વ્યક્તિ 18 વર્ષની ન થાય ત્યાં સુધી તેના માટેના નિર્ણય તેના માતા-પિતા કે વડીલો જ લે છે. પોતાના બાળકનું શ્રેષ્ઠ હિત શેમાં છે તેનો વિચાર માતા-પિતાએ કરવો જરૂરી છે. તે નિર્ણય બાળકને શિક્ષણ તથા રમતગમત કે આનંદપ્રમોદથી વંચિત રાખતો હોય તો તે એ બાળકના અધિકારનું ઉલ્લંઘન છે.”

‘આધ્યાત્મિક જગતમાં કાયદાકીય સિદ્ધાંતો લાગુ ન પડે’

ઇમેજ સ્રોત, RUPESH SONAWANE
મુંબઈ યુનિવર્સિટીમાં જૈન ધર્મ ભણાવતા ડૉ. બિપિન દોશી કહે છે કે “આધ્યાત્મિક જગતમાં કાયદાકીય સિદ્ધાંતો લાગુ કરી શકાય નહીં. કેટલાક લોકો કહે છે કે બાળક આવા નિર્ણય લેવા માટે પૂરતું પરિપકવ હોતું નથી, પરંતુ પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા ધરાવતાં બાળકો પણ હોય છે, તેઓ નાની વયે પુખ્ત લોકો કરતાં ઘણું વધારે હાંસલ કરી શકે છે. એવી જ રીતે, એવાં બાળકો પણ છે, જેઓ આધ્યાત્મિક ઝુકાવ ધરાવે છે. આવાં બાળકો સાધુ બને તેમાં શું ખોટું છે?”
ડૉ. દોશી ભારપૂર્વક જણાવે છે કે દેવાંશીને કોઈ પણ રીતે નુકસાન થતું નથી.
તેઓ કહે છે કે “દેવાંશી પરંપરાગત મનોરંજનથી વંચિત હોઈ શકે છે, પરંતુ એ બધા માટે અનિવાર્ય છે? દેવાંશી પ્રેમ કે શિક્ષણથી વંચિત રહેશે એ વાત સાથે હું સંમત નથી. તેમને તેમના ગુરુ પાસેથી પ્રેમ મળશે અને તે પ્રમાણિકતા તથા અપરિગ્રહના પાઠ ભણશે. તે સારું નથી?”
ડૉ. દોશી એમ પણ કહે છે કે “સમય જતા દેવાંશીના વિચાર બદલાય અને તેમને એવું લાગે કે તેમણે ગુરુના પ્રભાવ હેઠળ ખોટો નિર્ણય કર્યો હતો તો તે સંસારમાં પાછાં ફરી શકે છે.”

પ્રથાને પડકારવી ધર્મનિંદા છે?
આવું જ હોય તો દેવાંશી પુખ્ત થાય ત્યારે તેને નિર્ણય લેવા છૂટ શા માટે ન આપવી જોઈએ, એવા સવાલનો જવાબ પ્રોફેસર નીલિમા મહેતા આપે છે.
તેઓ કહે છે કે “બાળ દિમાગ પ્રભાવક્ષમ હોય છે. થોડાં વર્ષો પછી દેવાંશી એવું પણ વિચારી શકે કે તેમને જે પસંદ છે, તે આ જીવન નથી. પુખ્ત થયા પછી સ્ત્રીએ વિચાર બદલ્યા હોય એવા ઘણા કિસ્સા છે.”
પ્રોફેસર નીલિમા મહેતાના જણાવ્યા મુજબ, થોડા વર્ષો પહેલાં મારી પાસે એક યુવા જૈન સાધ્વીનો કેસ આવ્યો હતો. તેઓ ભયભીત થઈને ઉપાસના કેન્દ્રમાંથી ભાગી નીકળ્યાં હતાં. નવ વર્ષની વયે સાધ્વી બનેલી એક છોકરીએ 2009માં 21 વર્ષની વયે તેના બૉયફ્રેન્ડ સાથે ભાગીને લગ્ન કર્યાં ત્યારે જબરો હોબાળો થયો હતો.
તેમના જણાવ્યા મુજબ, ભૂતકાળમાં આ સંદર્ભે અનેક અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, પરંતુ આવા મામલા સાથે સંકળાયેલી સંવેદનશીલતાને કારણે સામાજિક સુધારણા મોટો પડકાર બની રહે છે.
પ્રોફેસર નીલિમા મહેતા ઉમેરે છે કે “જૈનોમાં જ નહીં, હિન્દુ છોકરીઓ પણ દેવતાઓ સાથે લગ્ન કરે છે અને (1947માં દેવદાસી પ્રથા ગેરકાયદે જાહેર કરવામાં આવી હોવા છતાં) દેવદાસી બને છે. નાના બાળકો સાધુઓના અખાડામાં જોડાય છે. બૌદ્ધ ધર્મમાં પણ બાળકોને મઠમાં સાધુ તરીકે રહેવા મોકલવામાં આવે છે.”
તેઓ ભારપૂર્વક કહે છે કે “બાળકો બધા જ ધર્મોમાં પીડાય છે, પરંતુ આ પ્રથાને પડકારવી તેને ધર્મનિંદા ગણવામાં આવે છે. તમે તમારા સંતાનની મરજીના માલિક નથી, એ વાત પરિવારો તથા સમાજને સારી રીતે સમજવવાની જરૂર છે.”














