ધર્મ પરિવર્તન કાયદો : કર્ણાટકમાં ધર્માંતરણ કાયદો ઘડવાનું કામ શરૂ થવાથી કેમ ગભરાયો છે ખ્રિસ્તી સમુદાય?
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બૅંગલુરુથી, બીબીસી માટે
કર્ણાટક કૅબિનેટ હવે ધર્માંતરણવિરોધી બિલની સમીક્ષા કરવા તૈયાર થઈ છે. રાજ્યની ભાજપ સરકારની યોજના છે કે રાજ્યની વિધાનસભાના ચાલુ સત્રમાં જ આ બિલને પાસ કરીને કાયદો બનાવી દેવાય.

ઇમેજ સ્રોત, BASAVARAJ BOMMAI/FACEBOOK
આ કાયદાનાં એંધાણ વર્તાતાં જ ત્યાંના ખ્રિસ્તી સમાજના લોકોમાં ભયનો માહોલ સર્જાવા લાગ્યો છે. એમના પ્રતિનિધિઓને બીક છે કે કાયદો બનતાં પહેલાં તેમના ધર્મગુરુઓ અને પ્રાર્થનાખંડો પર હુમલા વધી શકે છે.
એમનો તર્ક છે કે ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં ધર્માંતરણવિરોધી બિલ આવતાં જ ત્યાંના લઘુમતી વર્ગો પર હુમલા વધી ગયા હતા.
ઉત્તરપ્રદેશમાં આ વર્ષના માર્ચ મહિનામાં આવો કાયદો બનાવાયો છે. એ પહેલાં નવેમ્બર 2020માં રાજ્યની ભાજપ સરકારે આ બિલ અંગે વટહુકમ બહાર પાડ્યો હતો.
દેશનાં 65 હજાર ચર્ચોના જૂથ અને ખ્રિસ્તીઓના ત્રીજા સૌથી મોટા સંપ્રદાય 'ધ ઇવેન્જેલિકલ ફેલોશિપ ઑફ ઇન્ડિયા' (ઇએફઆઇ)એ ચાલુ વર્ષના જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન કર્ણાટકમાં થયેલી 39 ઘટનાઓનો એક રિપૉર્ટમાં ઉલ્લેખ કર્યો છે.
એ રિપૉર્ટ અનુસાર, રવિવારે સભાનું આયોજન કરતાં ખ્રિસ્તી ધર્મગુરુઓ અને પાદરીઓને બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના સદસ્યોએ જબરજસ્તી અટકાવ્યા હતા અને તેમના પર હુમલા કર્યા હતા.
તેમાંના મોટા ભાગના બનાવોમાં પોલીસનું વર્તન ઢીલવાળું હતું અથવા એમણે નક્કી કર્યું કે હુમલો કરનારા અને પીડિતો વચ્ચે સમાધાન થઈ જશે અને થયેલી ફરિયાદો પાછી ખેંચી લેવાશે. ધર્મગુરુઓનો આરોપ છે કે એક જગ્યાએ આવા 16 બનાવ બન્યા, પણ પોલીસે માત્ર ત્રણ જ કેસ નોંધ્યા.
સૌથી તાજા ઘટનાક્રમમાં, કોલાર પોલીસે બાઇબલની નકલો બાળ્યાંના ખ્રિસ્તી પ્રતિનિધિઓના આરોપને ફગાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોલાર જિલ્લાના એસ.પી. જી. કિશોરબાબુએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "બાઇબલ નહીં, માત્ર પત્રિકાઓ બાળવામાં આવી છે. એ અંગે જોકે કોઈ ફરિયાદ નથી થઈ તેથી કોઈ કેસ નથી કરાયો."
બૅંગલુરુના આર્ચબિશપ પીટર મચાડોએ બીબીસીને જણાવ્યું કે, "દેખીતું છે કે લોકોની કાયદો હાથમાં લેવાની, પુસ્તકો સળગાવવાની અને પોલીસની પરવા ન કરવાની પ્રવૃત્તિઓથી અમે ખુશ નથી. અધિકારીઓની મૌન સંમતિ હોવાના સંકેત મળ્યા છે. હવે આ બિલ અમારાં દુઃખદર્દને વધારશે. અમને ખબર છે કે એ પાસ થઈ જશે પછી અમારે વધારે સતામણી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે."
તો બીજી તરફ, ઇએફઆઈના મહાસચિવ રેવરેન્ડ વિજયેશ લાલે આર્ચબિશપ મચાડોને સાચા ઠરાવીને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણ અટકાવવા અંગેનું બિલ પાસ થતાંની સાથે જ ત્યાં ખ્રિસ્તી ધર્મસ્થળો પર હુમલાની ઘટનાઓ કઈ રીતે વધી ગઈ એ જણાવ્યું.
વિજયેશ લાલે જણાવ્યું કે, "આ એક પેટર્ન છે. કોઈ સમુદાયને પરેશાન અને કમજોર કરી દેવાય છે. ધર્માંતરણ કરાવ્યાના ખોટા આરોપ મુકાય છે. ત્યાર પછી કાયદો બનાવવામાં આવે છે, જેના વિશે એમને ખબર છે કે એ ગેરબંધારણીય છે. જોકે ઉત્તરપ્રદેશે એવું કર્યું છે. ત્યાં આ કાયદાનો દુરુપયોગ કરીને લોકોને ફસાવાય છે અને તંત્ર પોતે જ પોતાની પર કીચડ ઉડાડી રહ્યું છે."

ધર્માંતરણવિરોધી નવો કાયદો

ઇમેજ સ્રોત, AFP
વિજયેશ લાલે પાદરી નંદુ નથિયાન અને એમનાં પત્નીનું ઉદાહરણ આપ્યું, જેઓ 'ધર્માંતરણના નાનકડા આરોપ'માં લગભગ છેલ્લા એક મહિનાથી જેલમાં છે.
તેમણે જણાવ્યું કે, "ઉત્તરપ્રદેશ અને ઝારખંડની જેમ કર્ણાટકમાં પણ લોકોને પરેશાન કરવા માટે આ કાયદાનો દુરુપયોગ થશે. તમે જોશો કે ધર્માંતરણના નામે કર્ણાટકમાં પણ ખ્રિસ્તીઓને શારીરિક ક્ષતિઓ કરતા હુમલા વધશે."
કહેવાય છે કે કર્ણાટક સરકાર દ્વારા પ્રસ્તાવિત આ કાયદો ઉત્તરપ્રદેશમાં તાજેતરમાં જ બનેલા ધર્માંતરણ કાયદાની રીતે-ભાતે બનાવવામાં આવશે.
ઉત્તરપ્રદેશ ધર્માંતરણવિરોધી કાયદો, 2021 અનુસાર, કોઈને જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવા બદલ વધારેમાં વધારે 10 વર્ષની જેલ અને 50 હજાર રૂપિયા સુધીનો દંડ કરી શકાય છે. અને, માત્ર લગ્ન કરવા માટે કરાયેલું ધર્મ પરિવર્તન જો સાબિત થાય તો, લગ્ન પણ ગેરમાન્ય ઠરી શકે છે.
કાયદા અનુસાર ધર્મ પરિવર્તન કરવા માટે પહેલાં ડીએમની મંજૂરી લેવી ફરજિયાત બની ગઈ છે. તો ધર્મ પરિવર્તન કરનારાને ધર્માંતરણ પછી એસ.સી. કે ઓ.બી.સી. કૅટેગરી અંતર્ગત મળતી અનામત અને બીજા લાભ મળતા નથી.
જોકે, આ કાયદો બન્યા પછી ઉત્તરપ્રદેશ અને એની બહાર (આસપાસ) હોબાળો મચી ગયો હતો. ટીકાકારોનો આરોપ છે કે લઘુમતી જૂથોને હેરાન કરવા માટે આ કાયદાનો ખૂબ જ દુરુપયોગ થઈ રહ્યો છે.
કર્ણાટકના પ્રસ્તાવિત કાયદાની હાલ તો ત્યાંનો કાયદા વિભાગ જરૂરી તપાસ કરી રહ્યો છે. ત્યાર બાદ ગુરુવારે એને રાજ્યની કૅબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવશે. એમાં મંજૂરી મળ્યા પછી એને રાજ્યની વિધાનસભામાં પાસ કરવા માટે મોકલવામાં આવશે.
હુબલીના ભાજપના ધારાસભ્ય અરવિંદ બેલાડે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "અત્યારનો ધર્માંતરણવિરોધી કાયદો અસરકારક નથી. એને અમલી બનાવવો કઠિન છે. રસપ્રદ વાત તો એ છે કે પ્રસ્તાવિત કાયદાથી મુસલમાન કે શીખ કે જૈન જેવા લઘુમતી સમુદાયો ચિંતિત નથી, કેવળ ખ્રિસ્તી મિશનરી જ ચિંતિત છે."

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં થયા છે હુમલા

ઇમેજ સ્રોત, Ani
અજીબ વાત તો એ છે કે રાજ્યના કુલ 31માંથી 21 જિલ્લામાં ખ્રિસ્તીઓના ધર્મગુરુઓ અને પ્રાર્થનાખંડો પર હુમલા થયા છે.
શરૂઆતમાં રાજ્યના ઉત્તર જિલ્લામાં હુમલા શરૂ થયા હતા. જોકે બહુ ઝડપથી કર્ણાટકના બધા વિસ્તારોમાં આવાં છમકલાંના બનાવો બનવા લાગ્યા. પરંતુ ધર્માંતરણવિરોધી બિલની ચર્ચા શરૂ થતાં જ સપ્ટેમ્બર પછી એવી ઘટનાઓ નિયમિત રીતે થવા લાગી.
બેલગાવી પાદરી સંઘના અધ્યક્ષ રેવરેન્ડ થૉમસ ટીએ બીબીસીને જણાવ્યું કે, "હું છેલ્લાં 40 વર્ષોથી અહીં છું, પણ મને એ નથી સમજાતું કે આવા આરોપો હવે કેમ મુકાઈ રહ્યા છે. અહીંના ઘણા હિન્દુ અમારા મિત્રો છે. અમે ધર્મપરિવર્તન નથી કરાવતા કેમ કે એ કાયદાકીય બાબત છે. આજે આપણે એવા વળાંક પર ઊભા છીએ, જ્યાં આપણને કોઈ મૅરેજ હૉલ કે હોટેલના હૉલમાં પ્રાર્થનાસભા ન કરવાનું કહેવામાં આવ્યું છે."
કેટલાંક અઠવાડિયાં પહેલાં હાસન જિલ્લાના બેલૂરમાં મહિલાઓની ચીસો-બુમરાણો અને હટ્ટાકટ્ટા પુરુષો દ્વારા જોર-જબરજસ્તીથી ચર્ચમાં જતા અટકાવાતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.
આ અંગે પાદરી સુરેશ પૉલે બીબીસીને જણાવ્યું કે, "આપણે બધા એક જ જગ્યાના છીએ અને એકસાથે જ નાના-મોટા થયા છીએ. પણ તેઓ ચર્ચમાં એમ કહેતાં અચાનક ઘૂસી ગયા કે અમે લોકોનો ધર્મ બદલાવીએ છીએ. અમે એવું કઈ રીતે કરી શકીએ? અમે રાષ્ટ્રવાદી છીએ. લોકોને દેશભક્ત બનવાનું શીખવીએ છીએ. અમે દેશદ્રોહી નથી."
જોકે, થોડી વાર પછી પોલીસ ત્યાં પહોંચી અને ભીડને વિખેરી નાખી. પાદરી પૉલે જણાવ્યું કે, "એમ તો અમને કોઈ નુકસાન નહોતું થયું. પાછળથી એમણે પોલીસ પાસે આવું કરવા બદલ માફી માગી અને અમે શાંતિને ધ્યાનમાં રાખીને કોઈ ફરિયાદ ન કરી. અમારે પોલીસને જરૂરી બધા કાગળો બતાવવા પડ્યા કે આ નોંધણી થયેલું છે. પોલીસે અમારું રક્ષણ કર્યું."
પરંતુ હુબલીના બૈરીદેવરાકોપ્પા નામની જગ્યાના પાદરી સોમુ અવારાધીને એવો અનુભવ નહોતો થયો. ત્યાં જે કંઈ બન્યું એનાથી હુબલી અને ધારવાડ, બંને જોડકાં શહેરમાં ઘણાં વિરોધપ્રદર્શન થયાં.
એમણે બીબીસીને જણાવ્યું કે, "હું ચર્ચની અંદર ગયો તો જોયું કે ત્યાં લોકો બેઠા છે અને ભજન ગાઈ રહ્યા છે. સૂત્રો પણ પોકારી રહ્યા છે. ત્યાર પછી મેં જ પોલીસને ફોન કરીને બોલાવી, તો એ લોકોએ પલટી મારી અને ઊલટો મારા પર આરોપ મૂકવા લાગ્યા કે એમને ધર્મ બદલવા ચર્ચમાં બોલાવાયા હતા."
પાદરીનો આરોપ છે કે "'બિનસરકારી તત્ત્વો'એ મને પોલીસથાણામાં જ માર્યો, અને પછી મને હૉસ્પિટલ લઈ જવો પડ્યો."
તેમણે જણાવ્યું કે "પોલીસે મને સલાહ આપી કે થોડા દિવસ માટે હું શહેર છોડી બીજે ક્યાંક જતો રહું. પરંતુ જ્યારે હું ચિત્રદુર્ગ નજીક પહોંચ્યો તો ત્યાં મને અટકાવવામાં આવ્યો અને હુબલી પાછા જવાનું કહેવામાં આવ્યું. જ્યારે હું પાછો ફર્યો તો મને જણાવાયું કે કેટલાક લોકોને ગાળો બોલવાના આરોપસર મારી ધરપકડ કરવામાં આવે છે. મારા પર એસ.સી., એસ.ટી. ઍક્ટ હેઠળ કેસ કરવામાં આવ્યો. 12 દિવસ સુધી જેલમાં રહેવા મારે મજબૂર થવું પડ્યું."
17 ઑક્ટોબરે ઘણા કલાકો સુધી બૅંગલુરુ-પૂણે ધોરીમાર્ગ જામ કરી દેનારા વિરોધપ્રદર્શનનું નેતૃત્વ કરનારા ભાજપના ધારાસભ્ય અરવિંદ બેલાડે જણાવ્યું કે, "પાદરી ધર્માંતરણ કરાવતા હતા એથી લોકો ખૂબ પરેશાન હતા. અમારા સહયોગીઓએ પોલીસને આ અંગેની ફરિયાદ પણ કરી હતી, પણ કોઈ જ કાર્યવાહી ન થઈ."
હુબલીના પોલીસ કમિશનર લાભુ રામે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "આ કેસની તપાસ ચાલી રહી છે. કેમ કે પાદરીએ ચાર દિવસ પછી પોતાની ફરિયાદ ત્યારે આપી જ્યારે લોકોએ એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે."

પોલીસની કાર્યવાહી

ઇમેજ સ્રોત, Getty Images
બેલગાવ જિલ્લાની પોલીસ શહેરના બૉક્સાઇટ રોડ પર સ્થિત સેન્ટ જોસેફ વર્ક ચર્ચના ફાધર ફ્રાન્સિસ ડિસૂઝા પર થયેલા હુમલાની તપાસ પણ કરી રહી છે. એમનો આરોપ છે કે એક વ્યક્તિએ એમના પર હુમલો કર્યો છે.
ફાધર ડિસૂઝાનું કહેવું છે કે, "ચર્ચની પાછળના મારા ઓરડામાં હું કૂતરાને મૂકવા ગયો હતો. જેવો મેં એને ખોલ્યો તો એક માણસે 'શું શું' એમ ઘાંટા પાડતાં મારા પર તલવારથી હુમલો કર્યો. મને ખબર નથી કે હું કઈ રીતે બચી ગયો. હું તરત જ પાછળ ફરી ગયો અને ભાગ્યો અને એ પણ ભાગી ગયો. છેલ્લાં 30 વરસોમાં પહેલી વાર મારે આવા હુમલાનો સામનો કરવો પડ્યો છે."
તેમણે જણાવ્યું કે, ફરિયાદ કર્યા પછી જિલ્લાના અગ્રણી પોલીસ અધિકારીઓએ ચર્ચની મુલાકાત લીધી અને મારું રક્ષણ કરવાનો વિશ્વાસ આપ્યો, પણ "મારા મનમાં ડર પેસી ગયો છે."
બાકીના જિલ્લાના પાદરીઓને પોલીસે પહેલાંથી બનેલા પ્રાર્થનાખંડોમાં પ્રાર્થનાસભા ન કરવાની સલાહ આપી છે. પણ માર્ચ પછીથી આ સ્થિતિમાં કોઈ બદલાવ નથી થયો.
પાદરીઓને ખુલ્લેઆમ પરેડ કરાવાઈ. એમને ગાળો ભાંડવા સાથે મારપીટ કરવામાં આવી. ઘણા કેસમાં ખુદ ખ્રિસ્તી સમુદાયે જ એમને પોલીસ સમક્ષ ફરિયાદ ન કરવાની સલાહ આપી જેથી "શાંતિ બરકરાર રહે અને વાતાવરણ ડહાળાય નહીં."
બૅંગલુરુના આર્ચડાયોસેસ (પાદરીનું અધિકારક્ષેત્ર)ના પ્રવક્તા જે.એ. કંઠારાજે આ અંગે બીબીસીને જણાવ્યું કે, "લખાણ કે પત્રિકાઓ વહેંચવી એ ગેરકાયદે કામ નથી. બંધારણ કોઈ પણ ધર્મને પ્રચારની મંજૂરી આપે છે."
"હિન્દુ અને મુસલમાન સિવાયના બીજા ધર્મના લોકો પણ એમ કરી શકે છે. પોલીસે જાતે નોંધ લઈને કોલારમાં કાર્યવાહી કરવી જોઈતી હતી, પણ એવું ના થયું. ચોક્કસપણે આ ઘણી પરેશાન કરનારી વાત છે."
દેશની અદાલતોમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, ઝારખંડ અને હિમાચલપ્રદેશમાં બનેલા આવા જ ધર્માંતરણવિરોધી કાયદા સામે પડકારો ઊભા કરાયા.
આ અંગે રેવરેન્ડ વિજયેશ લાલે જણાવ્યું કે, "ઉત્તરપ્રદેશનો કાયદો ભાવના અને ચરિત્ર બંને રીતે ગેરબંધારણીય છે. ધર્મપરિવર્તન કરાવવું સારી વાત નથી, પણ બંધારણમાં બધા ધર્મને પ્રચાર કરવા માટેની સ્વતંત્રતા છે. પહેલાંના ધર્માંતરણવિરોધી કાયદા ધર્મ પરિવર્તન કરાવવાવાળાને ધ્યાનમાં રાખીને બન્યા હતા. પરંતુ હિમાચલપ્રદેશ અને ગુજરાતના કાયદા ધર્મ બદલનારાને સવાલ પૂછે છે. આ જ કારણ છે કે ઉત્તરપ્રદેશના નવા કાયદા અનુસાર જો કોઈ ધર્માંતરણ સામે વાંધો દર્શાવે તો ધર્મનું પરિવર્તન માન્ય નહીં ગણાય. ધર્મ બદલવાના અધિકારમાં સરકાર સીધો હસ્તક્ષેપ કરે છે."

'તો ખ્રિસ્તીઓની વસ્તી વધતી કેમ નથી?'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કર્ણાટકના ભાજપના ધારાસભ્ય ગૂલીહટ્ટી શેખરનો આરોપ છે કે હજારો લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યા છે. એમના આ આરોપને વિજયેશ લાલ 'બિલકુલ બકવાસ' ઠરાવે છે.
વિજયેશ લાલે જણાવ્યું કે, "ભારતમાં ખ્રિસ્તીઓની વસ્તી માત્ર 2.1 ટકા છે, જ્યારે કર્ણાટકમાં એમની વસ્તી 1.87 ટકા કરતાં પણ ઓછી છે અને એ વધતી નથી."
જોકે, 'શ્રીરામ સેના'ના પ્રમોદ મુતાલિકે બીબીસીને જણાવ્યું કે, "એ તમે પણ જાણો છો કે બીજાં ઘણાં ધર્માંતરણ થઈ રહ્યાં છે. આવું એકલા ઉત્તરી કર્ણાટકના જિલ્લામાં જ નથી થતું બલકે આખા રાજ્યમાં થઈ રહ્યું છે."
પ્રમોદ મુતાલિક લિંગાયત સમુદાયના સંતોના એ પ્રતિનિધિમંડળનો ભાગ હતા જેમણે સીએમ બસવરાજ બોમ્મઈ સાથે મુલાકાત કરીને રાજ્યમાં ધર્માંતરણવિરોધી કાયદો બનાવવાની માગ કરી હતી.
ભાજપના ધારાસભ્ય અરવિંદ બેલાડ ધર્માંતરણ પર થઈ રહેલી ચર્ચાને એક અલગ રૂપ આપે છે. તેમણે જણાવ્યું કે, "કૅથલિક લોકો મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે તેઓ એવું નથી કરતા, પરંતુ પ્રોટેસ્ટન્ટ એવું કરે છે."
આર્ચબિશપ મચાડો આ આરોપનો વિરોધ કરતાં જણાવે છે કે, "હુમલા ખ્રિસ્તી સમુદાય વિરુદ્ધ થઈ રહ્યા છે. અમે એમાં એકજૂથ છીએ. અમે કૅથલિક અને પ્રોટેસ્ટન્ટ વચ્ચે ભેદ નથી કરતા. અમે કહીએ છીએ કે અમે સાથે ચાલીશું."
મુખ્યમંત્રી બોમ્મઈનું કહેવું છે કે નવો કાયદો માત્ર ધર્મ બદલાવવા માટે લાલચ આપનારાઓ માટે છે?
આ વિશે આર્ચબિશપ મચાડોએ જણાવ્યું કે, "આ વ્યંગ કરવાની રીત છે. તમે વાઘને બહાર જવા દો અને કહો કે ચિંતા ના કરો અમે વાઘને સારી રીતે ઓળખીએ છીએ અને એ તમને નુકસાન નહીં કરે. પરિસ્થિતને નિયંત્રણમાં રાખવા માટે રાજ્યમાં પહેલાંથી જ જરૂરિયાત મુજબના કાયદા છે, તો પછી ખ્રિસ્તીઓનું નામ કેમ ખરાબ કરો છો. ખ્રિસ્તીઓને માત્ર ધર્મમાં પરિવર્તન કરાવનારાઓ તરીકે જ સ્થાપિત ન કરી શકાય. સરકાર જે અમારી સાથે કરે છે, એ સારી વાત નથી."
બીજી તરફ સેનાના રિટાયર્ડ મેજર જનરલ એસ.જી. વોંબટકેરેએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે, "કારણ ભલે ગમે તે હોય, પરંતુ લોકોએ કાયદો પોતાના હાથમાં ન લેવો જોઈએ. હવે અપ્રચલિત વાતો સામાન્ય બનતી જાય છે. જો મને કોઈની સામે ફરિયાદ હોય તો પણ હું એને પીટી ના શકું. તમે ભલે જે કંઈ કરી ચૂક્યા હો, પણ તેમ છતાં મને તમારા પર હુમલો કરવાનું કારણ નથી મળી જતું. આપણે સારા નાગરિક બનવા માટે જરૂરી કામ કરવું જોઈએ."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












