'મારી સામે ઘર પડી ગયાં, પતિ દટાઈ ગયા..' કચ્છના ભૂકંપમાં બધું ગુમાવનાર ગુજરાતી મહિલાની હિંમતની કહાણી

રંજનબહેન ઠાકોર

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, રંજનબહેન ઠાકોર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
બીબીસી ગુજરાતી
  • ભૂજનાં રંજનબહેને 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતને હચમચાવી નાખનાર ભૂકંપમાં પોતાનું ઘર અને પતિ ગુમાવી દીધાં હતાં
  • 22 વર્ષ પહેલાં આવેલા આ ભૂકંપમાં ગુજરાતના હજારો પરિવારોની જેમ રંજનબહેનના પરિવારનું સમગ્ર જીવન જ બદલાઈ ગયું હતું
  • આ મુશ્કેલી સામે હાર ના માની સાત વર્ષના દીકરાનાં આ માતાએ આપબળે પોતાના પરિવારને ફરી પગભર બનાવ્યો, વાંચો તેમની પ્રેરણાદાયક કહાણી
બીબીસી ગુજરાતી

“એ દિવસ મને યાદ ના કરાવશો , મારું બધું લૂંટાઈ ગયું, મારા પતિ, અમારું મકાન બધું ગયું, હું અને મારો સાત વર્ષનો દીકરો રસ્તે આવી ગયાં હતાં, ન જાણે કેટલાય દિવસો સુધી માત્ર બિસ્કિટ ખવડાવી દીકરાનું પેટ ભર્યું, અમદાવાદ આવી અને પહેલાં લોકોનાં ઘરે કામ કર્યું, પછી રસોઈકામ કરી દીકરો મોટો કર્યો, આજે મારું પોતાનું ઘર ટિફિન સર્વિસનું કામ કરીને બનાવ્યું છે.” 

ભૂકંપ પણ જેમનું મનોબળ નથી તોડી શક્યું એ ગુજરાતણ ભૂકંપની વિપદા અને જીવનનાં દુ:ખોના પહાડ વેઠીને ખુમારીથી જીવનમાં આગળ વધતાં પોતાની જીવનસફર ઉપરોક્ત વાત થકી જણાવે છે.

ભૂજનાં રંજનબહેને 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતને હચમચાવી નાખનાર ભૂકંપમાં પોતાનું ઘર અને પતિ ગુમાવી દીધાં હતાં.

22 વર્ષ પહેલાં આવેલા આ ભૂકંપમાં ગુજરાતના હજારો પરિવારોની જેમ રંજનબહેનના પરિવારનું સમગ્ર જીવન જ બદલાઈ ગયું હતું.

પ્રારંભિક તકલીફો વેઠ્યા બાદ રંજનબહેને હામ ભીડી. પોતાના દીકરા માટે જે સમસ્યા વેઠવી પડી, તેવી બીજી કોઈ માતાએ ન વેઠવી પડે તે માટે દરરોજ વિશેષ પ્રયાસ કરે છે.

ગ્રે લાઇન

ધ્રૂજી ધરા, વિખેરાઈ જિંદગી

રંજનબહેન તેમના પતિ અને બાળક સાથે

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, રંજનબહેન તેમના પતિ અને બાળક સાથે

રંજનબહેન ઠાકોર મહેસાણા પાસેના મોટેરા ગામનાં છે, તેઓ ઝાઝું ભણ્યાં નથી. નાની ઉંમરે એમનાં લગ્ન ભૂજના નાથુભા ઠાકોર સાથે થયાં હતાં, 1991માં લગ્ન થયાં અને લગ્નનાં દસ વર્ષમાં બે દીકરાનો જન્મ થયો.

એમના એક કુટુંબી નિઃસંતાન હતા એટલે નાનો દીકરો એમને દત્તક આપ્યો હતો.

મોટા દીકરા પાર્થસિંહ સાથે તેઓ ભૂજમાં રહેતાં હતાં.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

26 જાન્યુઆરીનો એ ભૂકંપનો દિવસ યાદ કરતાં રંજનબહેન આજે પણ ગળગળાં થઈ જાય છે.

રંજનબહેનના પતિ ટ્રાન્સપૉર્ટનું કામ કરતા હતા, તેમની પાસે બે ટ્રક હતી.

26મી જાન્યુઆરીના ભૂકંપનો એ દિવસ યાદ કરતાં તેઓ કહે છે કે, “અમારો પરિવાર ખુશ હતો. એ દિવસે હું મારા દીકરાને સ્કૂલે ધ્વજવંદન માટે લઈ ગઈ હતી. પતિ ઘરમાં જ સૂતા હતા.”

“રસ્ત્તામાં જાણે ધરતી ધ્રૂજી, મને કઈ સમજાય એ પહેલાં મારી નજર સામે મકાનો પત્તાંના મહેલની જેમ તૂટવા લાગ્યાં હતાં, હું મારા દીકરાને ખોળામાં લઈને બેસી ગઈ. ત્યાંથી સીધી મારા ઘરે ગઈ તો મારા માથે આભ ફાટ્યું, મારું ઘર ભૂકંપમાં તૂટી ગયું હતું મારા પતિ એમાં દટાઈને મૃત્યુ પામ્યા હતા. ગઈ કાલ સુધી જે ઘરમાં અમે કિલ્લોલ કરતાં હતાં એ ઘર હવે ઈંટ અને મકાન અવશેષોના ઢગલામાં ફેરવાઈ ગયું હતું. મારું તો મગજ જ કામ કરતું બંધ થઈ ગયું હતું.”

પોતાની વાતને આગળ વધારતાં રંજનબહેન કહે છે, "હું ઝાઝું ભણેલી નહીં એટલે મને બહુ કઈ ખબર ના પડે. મેં સૂધબૂધ ગુમાવી દીધેલી. દીકરો માંડ સાત વર્ષનો હતો એને તકલીફની કોઈ ખબર ન હતી. શરૂઆતમાં ખાવાના પૈસા ન હતા. હું દરબાર એટલે કોઈની સામે હાથ લંબાવું નહીં. હું તો ભૂખી રહેતી, પણ દીકરો થોડી ભૂખ સહન કરી શકે?"

"થોડું ઘણું કામ મળે એટલે દીકરાને બિસ્કિટ ખવડાવી સુવાડી દેતી હતી. રાત રડવામાં જતી રહે, ધીમે-ધીમે મારા દાગીના વેચાઈ ગયા. ઘર પડી ગયેલું, જે બચ્યું હતું એમાંથી થોડો વખત ચલાવ્યું. ભૂકંપની જે સહાય મળી એ છોકરાને મોટો કરવામાં વપરાઈ ગઈ. મારી બહેનને મારી સ્થિતિની ખબર પડી, એટલે એણે મને અમદાવાદ બોલાવી લીધી. ત્યાં સુધીમાં મારા બધા દાગીના વેચાઈ ગયા હતા, મારી પાસે કંઈ ન હતું."

ગ્રે લાઇન

અમદાવાદમાં એકડે એકથી

ગ્રાહકને ટિફિન ડિલિવર કરી રહેલાં રંજનબહેન

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, ગ્રાહકને ટિફિન ડિલિવર કરી રહેલાં રંજનબહેન

અમદાવાદમાં રંજનબહેને પોતાના દીકરા સાથે જીવનને નવેસરથી શરૂ કરવાના પ્રયાસો હાથ ધર્યા. અહીંના શાહપુર વિસ્તારમાં એક વૃદ્ધાની સંભાળ રાખવાનું કામ મળ્યું.

નવા શહેરમાં સંઘર્ષના એ દિવસોને યાદ કરતાં રંજનબહેન કહે છે, "હું એ વૃદ્ધાને ત્યાં કામે જતી. તેઓ મારુ ખૂબ જ ધ્યાન રાખતા. એક દિવસ વૃદ્ધાને મળવા આવેલા મહેમાને મારી રસોઈ ખૂબ જ પસંદ આવી. તેમના ઘરે રસોઈકામ કરવા મળ્યું."

થોડો સમય સુધી બધું સમુંસૂતરું ચાલ્યું, એવામાં વૃદ્ધાનું અવસાન થયું. દીકરા સાથે રંજનબહેન ભાડાના ઘરમાં રહેતાં. જે ઘરમાં રંજનબહેન રસોઈ કરતાં હતા, તેમણે એક દિવસ પૂછ્યું, 'પરદેશમાં રસોઈ બનાવાનું ફાવે.'

રંજનબહેને જવાબ વાળ્યો, “મને અંગ્રેજી આવડતું નથી. અમદાવાદમાં પણ માંડ થોડી જગ્યા જોઈ છે, એમાં વિદેશ ક્યાંથી જવું?”

જો ફાવે નહીં તો પરત આવી જવાની હિંમત તેમણે બંધાવી અને પાસપૉર્ટ કઢાવી આપવામાં સહયોગ આપ્યો. ફરી એક વખત રંજનબહેનના જીવનમાં નવો વળાંક આવ્યો.

બીબીસી ગુજરાતી

નવો દેશ, નવા અધ્યાય

ભોજન

ઇમેજ સ્રોત, Getty Images

રંજનબહેને પોતાના દીકરા પાર્થસિંહને હૉસ્ટેલમાં મૂક્યા અને સિંગાપોર ભણી ગયાં. ત્યાં એક ગુજરાતી હોટલમાં કામ કરવાનું શરૂ કર્યું.

રંજનબહેન કહે છે, "ત્યાં એક ગુજરાતીની હોટલમાં મારે કામ કરવાનું હતું. એ ભાઈ સારા હતા. તેમને ત્યાં રહેવાનું અને હોટલમાં ખાવા-પીવાનું. મહિને રૂ. 25 હજારનો પગાર હતો. અંગ્રેજી આવડતું ન હતું એટલે બહાર ક્યાંય જવાનું ન હતું. આથી, પૈસા બચવા લાગ્યા."

"હું દેવું કરીને સિંગાપોર આવી હતી, એ છ મહિનામાં ભરાઈ ગયું. સિંગાપોરની જે હોટલમાં કામ કરતી હતી, ત્યાં ગ્રાહકી વધી એટલે મને મલેશિયાની એક હોટલમાં રસોઈ બનાવવાનું કામ મળ્યું. હું ત્યાં ગઈ."

મલેશિયાથી થાઇલૅન્ડની ભારતીય હોટલમાં કામ મળ્યું એટલે ત્યાં ગયાં. ભારતમાં દીકરા હૉસ્ટેલમાં રહીને અભ્યાસ આગળ વધારી રહ્યા હતા. ધીમે-ધીમે પૈસા એકઠા થઈ રહ્યા હતા, ત્યાં તેમનાથી એક ભૂલ થઈ અને વધુ એક વખત નવેસરથી શરૂઆત કરવી પડી.

બીબીસી ગુજરાતી

એક ભૂલ, અનેક આફત

રંજનબહેન થાઇલૅન્ડમાં કામ કરતાં હતાં, ત્યારે તેમની સાથે આવેલાં રસોઈકામ કરતાં બહેને હૉગકૉંગમાં વધુ સારા પગારથી રસોઈ બનાવવાની નોકરી મળે છે.

એ ભૂલને વાગોળતાં રંજનબહેન કહે છે, "મેં થાઇલૅન્ડની હોટલની નોકરી છોડી અને તેની સાથે હૉગંકૉંગ ગઈ, પણ મારી પાસે કામ કરવાની પરમિટ ન હતી એટલે મને ઍરપૉર્ટ પરથી ભારત પરત મોકલી દીધી."

"માંડ-માંડ સારા દિવસોની શરૂઆત શરૂ થઈ હતી કે ફરીથી તકલીફ શરૂ થઈ. ભારત આવીને દીકરાને ભણાવવાના પૈસા વાપર્યા. બધી બચત ખર્ચાઈ ગઈ. દીકરાને અડધેથી ભણાવવાનું છોડાવવું પડ્યું."

રંજનબહેને ભારત છોડ્યું હોવાને સમય થઈ ગયો હતો. જૂના કોઈ લોકો ઓળખતા ન હતા, એટલે કોઈ કામ ન હતું. એવામાં શાહપુર પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીની મદદથી રંજનબહેનના જીવનની ગાડી ફરીથી પાટે ચઢવા લાગી.

બીબીસી ગુજરાતી

પાંચ ટિફિનની ટહેલ

ભોજન

ઇમેજ સ્રોત, Getty Images

રંજનબહેન જણાવે છે કે એ પોલીસવાળાભાઈએ કહ્યું કે, “નવા પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યા છે, એમને જમવાની તકલીફ છે તો એમને ટિફિન બનાવી આપશો?”

રંજનબહેન કહે છે, "મેં હા પાડી એટલે એક ટિફિનથી શરૂઆત થઈ. પોલીસ સ્ટેશનમાં બીજાને પણ મારું ટિફિન પસંદ આવ્યું એટલે ધીમે-ધીમે શાહપુર પોલીસ સ્ટેશનમાં મારા ટિફિન વધતા ગયા. ધીમે-ધીમે બીજા પોલીસ સ્ટેશનમાંથી પણ ઑર્ડર આવવા લાગ્યા."

સવારે ચાર વાગ્યે ઊઠીને રંજનબહેન ટિફિન બનાવવાની શરૂઆત કરે છે અને 11 વાગ્યા સુધીમાં લગભગ 120 ટિફિન બનાવે છે અને તેને પોતાના ટુ-વ્હીલર ઉપર આપવા માટે નીકળી પડે છે. પોતે ભોગવેલા દિવસો રંજનબહેન નથી ભૂલ્યાં, એટલે તેઓ પાંચ ટિફિન વધારાના લઈને નીકળે છે.

રંજનબહેન કહે છે, "આજે પણ હું કોઈ બાળક સાથે માતાને ભીખ માગતાં જોઉં છું તો એને મફતમાં ટિફિન આપું છું. રોજ સવારે અને સાંજે ટિફિન આપવા નીકળું ત્યારે આવા પાંચ ટિફિન ભરીને નીકળું છું. જેથી કરીને કોઈ માતાએ મારી જેમ એના બાળકને બિસ્કિટ ખવડાવીને સૂવડાવવું ન પડે. મહિને રૂ. 25 હજારની કમાણી કરું છું અને કોઈની સામે હાથ લંબાવતી નથી."

આજે રંજનબહેને પોતાનું ઘર લઈ લીધું છે. દીકરા પાર્થસિંહ નોકરી કરે છે અને તેમનું લગ્ન કરાવી દીધું છે. રંજનબહેન પાસેથી ટિફિન લેતા પોલીસ કૉન્સ્ટેબલ જયેશ પટેલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું:

"અમારી ડ્યૂટીનાં ઠેકાણાં નથી હોતાં. રસ્તા પરથી લારીનું કે હોટલમાંથી ખાવા કરતાં અમને ટિફિન સહેલું પડે છે. અમને ઘર જેવું ખાવાનું મળે છે. એટલે અમે એમનું (રંજનબહેનનું) ટિફિન મંગાવીએ છીએ. અમારી બદલી થાય એટલે બીજાને પણ એમનું ટિફિન મંગાવવાની ભલામણ કરીએ છીએ."

અમદાવાદ કોટ વિસ્તારમાં ઘણા સિનિયર સિટિઝન એકલા રહે છે, એમનાં બાળકો પરદેશમાં છે અથવા તો મુંબઈ, પુના કે દિલ્હીમાં નોકરી કરે છે. તેઓ પણ રંજનબહેન પાસેથી ટિફિન મંગાવે છે.

આવા જ એક ગ્રાહક શાહપુરમાં રહેતા મહેન્દ્ર શાહ છે. તેઓ કહે છે, "મારાં સંતાનો વિદેશમાં રહે છે. મારી પત્નીનાં અવસાન પછી હું વિદેશ ગયો હતો, પણ મને ત્યાં ના ફાવ્યું એટલે પરત આવી ગયો. અહીં એકલો રહું છું. પહેલાં હોટલમાંથી જમવાનું મંગાવતો, પણ હવે અમને ખબર પડી એટલે આ બહેનનું (રંજનબહેન) ટિફિન મંગાવું છું."

પોલીસવાળા અને સિનિયર સિટિઝન ઉપરાંત આ વિસ્તારના અનેક દુકાનદારો ઘરેથી ટિફિન લાવવામાં મુશ્કેલી હોવાને કારણે અથવા તો બહારનું ખાવાનું માફક આવતું ન હોવાથી રંજનબહેન પાસેથી ટિફિન મંગાવે છે.

રંજનબહેન કહે છે, "ભૂકંપમાં બધું ગુમાવ્યા પછી હું ભગવાનને દોષ દેતી હતી, પણ હવે હું કાયમ ઘરેથી નીકળતા ભગવાનને પ્રાર્થના કરું છું કે જીવનમાં ભલે ગમે એટલી તકલીફ આપજે, પણ મને બીજાનું પેટ ભરવાની તાકત આપજે."

રેડ લાઇન
રેડ લાઇન