'પઠાન' સાથે બોલીવૂડના 'કિંગખાન'નું કમબૅક, શું જીતી શકશે પ્રશંસકોનાં દિલ?

શાહરુખ, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ

ઇમેજ સ્રોત, YRF

ઇમેજ કૅપ્શન, શાહરુખ, દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ
    • લેેખક, ગીતા પાંડે અને ઝોયા મતીન
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • 25 જાન્યુઆરીએ શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાન’ રિલીઝ થવાની છે
  • ફિલ્મ તેના ટાઇટલ અને ગીતને કારણે વિવાદોમાં સપડાઈ હતી
  • ચાર વર્ષ બાદ ફિલ્મી પડદે પુનરાગમન કરી રહેલા શાહરુખ માટે આ ફિલ્મ મહત્ત્વપૂર્ણ છે
  • આ ફિલ્મને શાહરુખે ‘પોતાનું સ્વપ્ન પૂરું કર્યા’ સમાન ગણાવી છે
  • પરંતુ વિવાદો બાદ હવે આ ફિલ્મ ચાહકોને ગમશે કે કેમ તેને લઈને પ્રશ્નો ઊઠી રહ્યા છે
બીબીસી ગુજરાતી

બોલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાન’ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ તેની સાથે જોડાયેલા વિવાદોને કારણે છેલ્લાં ઘણાં અઠવાડિયાંથી દેશમાં સમાચારમાં છે.

આ ફિલ્મમાં લોકોને રસ હોય તે આશ્ચર્યજનક બાબત નથી. શાહરુખ ખાન ભારતના સૌથી મોટા અને પ્રિય બોલીવૂડ સ્ટારોમાંના એક છે.

લોકો તેમને મોહક, રમૂજી તો માને જ છે, અને સાથે એમ પણ કહેવાય છે કે વિદેશમાં બોલીવૂડને મોટી ઓળખ અપાવવામાં તેમની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

લાખો ચાહકો ધરાવતા શાહરુખ ખાનને ઘણી વાર બોલીવૂડની "સૌથી મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક નિકાસ" તરીકે વર્ણવવામાં આવે છે, જેમની લોકપ્રિયતા તેમની ફિલ્મોથી આગળ વધે છે.

તેમના ચાહકો તેમને ‘કિંગખાન’ અથવા ‘બોલીવૂડના બાદશાહ’ તરીકે ઓળખે છે.

શાહરુખ ખાન તેમની ફિલ્મ ‘પઠાન’માં ચાર વર્ષના વિરામ બાદ પહેલી વાર રૂપેરી પડદે જોવા મળશે.

57 વર્ષીય શાહરુખ ખાન તેમના અંગત અને વ્યાવસાયિક જીવનમાં સતત આંચકાઓ પછી મોટા પડદા પર પુનરાગમન કરી રહ્યા છે.

ગયા વર્ષે તેમના પુત્ર આર્યન ખાનની ડ્રગ રાખવાના બનાવટી આરોપોમાં ધરપકડ કરવામાં આવી હતી – આખરે તેમના પર મૂકવામાં આવેલા આરોપો રદ કરી દેવામાં આવ્યા હતા. શાહરુખની સંખ્યાબંધ ફિલ્મો પણ બૉક્સ ઑફિસ પર સારો દેખાવ નહોતી કરી શકી.

ચાર વર્ષના આ અંતરાલને કારણે તેમના ચાહકોમાં આ ફિલ્મ માટે ખૂબ ઉત્સાહ છે અને તેનાં ગીતોથી લઈને ટ્રેલર દરેકની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં ભારતનાં સૌથી લોકપ્રિય સ્ટારો દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ પણ છે.

ગત મહિને ડિસેમ્બરમાં જ્યારે ફિલ્મનું એક મિનિટ 25 સેકન્ડનું ટીઝર આવ્યું હતું. ત્યાર બાદ ફિલ્મનિર્માતાઓએ પઠાનનાં ગીતો અને પ્રમોશનલ વીડિયો રિલીઝ કરવાનું શરૂ કર્યું, ત્યારથી આ ફિલ્મ સોશિયલ મીડિયા પર સતત ચર્ચાનો વિષય બની છે.

અને ગત સપ્તાહે તેનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે.

ફિલ્મના ટ્રેલરને યૂટ્યૂબ પર 1 કરોડ 50 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે. શાહરુખ ખાનના ટ્વિટર હૅન્ડલ પર મૂકવામાં આવેલા ફિલ્મના હિન્દી ટ્રેલરના ટ્વીટને 86 લાખ વ્યૂઝ અને તેલુગુ તથા તામિલ વર્ઝન માટે અનુક્રમે 22 લાખ અને 11 લાખ લોકો જોઈ ચૂક્યા છે.

અહેવાલો અનુસાર યુએસ, યુએઈ, જર્મની અને ઑસ્ટ્રેલિયામાં ઍડ્વાન્સ ટિકિટનું ‘સારું’ વેચાણ થઈ રહ્યું છે.

ગ્રે લાઇન

શું છે ફિલ્મની કહાણી?

શાહરુખ ખાનની ફિલ્મ પઠાન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ખાન ‘પઠાન’માં એક જાસૂસની ભૂમિકા ભજવી રહ્યા છે.

ચાહકો દ્વારા આ ફિલ્મને જેમ્સ બૉન્ડ અને મિશન ઇમ્પોસિબલ ફિલ્મોના એક મિશ્રણ તરીકે જોવામાં આવી રહી છે, એટલે તેની સ્ટોરીનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી.

આ ફિલ્મ એક આતંકવાદી જૂથ ભારતે "કલ્પના પણ નહીં કરી હોય એવો હુમલો કરીને" નાબૂદ કરી દેવા માગે છે.

સરકારી અધિકારીઓ આ હુમલાને નિષ્ફળ બનાવવા માટે પ્રયત્નો કરે છે, પરંતુ સમય જઈ રહ્યો છે. દેશનું ભવિષ્ય ખતરામાં છે એટલે તેઓ એ પરિસ્થિતિમાં તેમના સર્વોત્તમ માણસને કામે લગાડે છે.

આ પૂર્વભૂમિકા બાદ શાહરુખ ખાન સ્ક્રીન પર દેખાય છે અને તેમનો ડાયલૉગ સંભળાય છે - "જો તમે પઠાનના ઘરે પાર્ટી કરવાની હિંમત કરો છો, તો મારે તમારી મહેમાનગતિ પઠાન તો આવશે... સાથે ફટાકડા પણ લાવશે."

ત્યારબાદ કસાયેલા શરીરવાળા 57 વર્ષના શાહરુખ ખાન ફિલ્મમાં ખતરનાક સ્ટન્ટ કરતા જોવા મળે છે. એક જાસૂસની ભૂમિકામાં જે દુશ્મનોનો સફાયો કરે છે, ચાલતા વાહનો પરથી કૂદી જાય છે, વિસ્ફોટો વચ્ચે દુશ્મનનો પીછો કરતા જોવા મળે છે અને દેશને બચાવવાની આ કામગીરીમાં તે મહિલાઓનાં દિલ પણ જીતી લે છે.

અઢી-મિનિટના ટ્રેલર બાદ ચાહકો અને સમીક્ષકો એક જ ચર્ચા કરી રહ્યા છે કે ફિલ્મ કેટલા વિશાળ તખતા પર બનાવવામાં આવી છે.

એક ચાહકે તેને "પૈસા વસૂલ અનુભવ" તરીકે ઓળખાવ્યો અને ઉમેર્યું કે તે ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ તેને થિયેટરમાં જોવા માટે આતુર છે.

ગ્રે લાઇન

‘પઠાન’ સામે વિવાદોનો વંટોળ?

પઠાન

ઇમેજ સ્રોત, YRF

પરંતુ શરૂઆતથી જ ‘પઠાન’ વિવાદોમાં ફસાઈ છે.

શાહરુખ ખાન પહેલાંથી જ મીડિયા અને ટીકાકારોના નિશાના પર છે. પરંતુ હાલ દેશમાં વધી રહેલી ધાર્મિક અસહિષ્ણુતા વિશેની તેમની ટિપ્પણીઓથી, હિંદુ જમણેરી જૂથોનું નિશાન બની ગયા છે અને તેમના પર વ્યક્તિગત અને સંગઠિત રીતે હુમલા થવા લાગ્યા છે.

કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરુખ ખાને કહ્યું હતું કે, “સિનેમા અને હવે સોશિયલ મીડિયા માનવીય અનુભવો અને ભાવનાઓને વ્યક્ત કરવાનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. હવે આપણા સમયના સામૂહિક કથાનકને સોશિયલ મીડિયા આકાર આપી રહ્યું છે. આ ધારણા વિરુદ્ધ કે સોશિયલ મીડિયા સિનેમાને નકારાત્મકરૂપે પ્રભાવિત કરશે, હું માનું છું કે સિનેમાને હવે વધારે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવવી પડશે.”

બીબીસી ગુજરાતી

‘ફિલ્મઉદ્યોગનું ધ્રુવીકરણ થયું છે’

શાહરુખ

ઇમેજ સ્રોત, INSTAGRAM/IAMSRK

લેખક અને ફિલ્મ વિવેચક સૈબલ ચેટરજી કહે છે કે, "તેમના આ નિવેદનને સાંપ્રદાયિક રંગ આપી દેવાયો છે અને તેને તેમની ધાર્મિક ઓળખ અને તેમની છબિ સાથે સાંકળીને જોવામાં આવ્યું છે."

કટ્ટર હિન્દુ જૂથોએ ‘પઠાન’ના એક ગીતમાં દીપિકા પાદુકોણની બિકીનીના રંગને લઈને વિવાદ ઊભો કર્યો હતો.

સૈબલ કહે છે કે થોડાં વર્ષો પહેલાં સુધી, બોલીવૂડને ધાર્મિક અને રાજકીય વિચારોથી પ્રભાવિત થયા વિના કામ કરતા સ્થળ તરીકે જોવામાં આવતું હતું અને "તેના (બોલીવૂડ) માટે મનોરંજન એકમાત્ર બાબત હતી જે સૌથી મહત્ત્વની હતી” પરંતુ, તેઓ ઉમેરે છે કે, “ફિલ્મઉદ્યોગમાં હવે ધ્રુવીકરણ પ્રવેશી રહ્યું છે.”

તેમણે કહ્યું, "ખાન એ બાકી બચેલા એવા થોડા અભિનેતાઓમાંથી એક છે જે બોલીવૂડના એ ભૂતકાળનું પ્રતિનિધિત્વ કરે છે જેને કેટલાક વર્ગો સંપૂર્ણપણે નાબૂદ કરી દેવા માગે છે. તેથી જ તેઓ શાહરુખને સહન નથી કરી શકતા."

પહેલાંથી જ ફિલ્મના નામ ‘પઠાન’ જે એક મુસ્લિમ શબ્દ છે તેને કારણે ચર્ચામાં રહી હતી. મુસ્લિમ શીર્ષકથી રોષે ભરાયેલા - કટ્ટર હિન્દુ જૂથોએ તેના એક ગીત પર વિવાદ ઊભો કર્યો હતો, જ્યારે દીપિકા પાદુકોણ ‘બેશરમ રંગ’ ગીતમાં ભગવા રંગની બિકીનીમાં જોવા મળ્યાં હતાં.

તેઓએ ખાન પર હિંદુઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો, કારણ કે ભગવો રંગ તેમના ધર્મ સાથે સંકળાયેલો છે, જોકે દીપિકાએ ગીત દરમિયાન ઘણી વખત કૉસ્ચ્યુમ બદલ્યા હતા અને ત્રણ મિનિટ 13 સૅકન્ડના આ ગીતના છેલ્લા ભાગમાં દીપિકા ભગવા રંગની બિકિનીમાં જોવા મળે છે.

જ્યાં સુધી ગીત હઠાવવામાં ન આવે ત્યાં સુધી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરવામાં આવી છે, વિરોધીઓએ પોસ્ટરો ફાડી નાખ્યાં છે અને ખાનનાં પૂતળાં સળગાવ્યાં છે.

હિંદુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતી કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે અને ફિલ્મ પર નગ્નતા અને અશ્લીલતાને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

‘પઠાન’નો બહિષ્કાર કરવા માટે સતત હાકલ કરવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર હૅશટૅગ્સ ટ્રેન્ડ થયા છે.

પરંતુ જેમ જેમ ‘પઠાન’ની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ થયું છે તેમ, ખાન અને ફિલ્મનિર્માતાઓએ ફિલ્મના વિવાદોને અવગણીને સંપૂર્ણપણે ફિલ્મના પ્રમોશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ફિફા વર્લ્ડકપ દરમિયાન, ફૂટબૉલર વાએને રૂની શાહરુખ ખાન સાથે એક નાનકડા પ્રમોશનલ વીડિયોમાં જોવા મળ્યા હતા. આ વીડિયોમાં તો તેઓ શાહરુખ ખાનના બોલેલા શબ્દોનું હિન્દીમાં પુનરાવર્તન કરતા હતા - "અપની કુર્સી કી પેટી બંધ લો, મૌસમ બિગડને વાલા હૈ (તમારા સીટબેલ્ટ બાંધો, હવામાન તોફાની થવાનું છે.)"

અને આ અઠવાડિયાની શરૂઆતમાં ખાને દુબઈની મુલાકાત લીધી હતી જ્યાં ખુશખુશાલ ચાહકોની મોટી ભીડ પઠાનનું ટ્રેલર નિહાળ્યું હતું, જે બુર્જ ખલીફાના અગ્રભાગ પર રજૂ કરવામાં આવ્યું હતું.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

અઢી અબજ રૂપિયાના બજેટવાળી ‘પઠાન’ ફિલ્મ સાથે શાહરુખની પ્રતિષ્ઠા દાવ પર છે. ઘણા લોકોને એ વાતની શંકા પણ છે કે વિવાદોમાં ઘેરાવાના કારણે આ ફિલ્મ ચાલશે કે નહીં.

જોકે, સૈબલ ચેટરજી આનાથી સંમત નથી.

તેઓ કહે છે કે, “શાહરુખ ખાન માત્ર એક કલાકાર નથી બલકે તે એક બ્રાન્ડ છે. તે બોલીવૂડની સૌથી મોટી બ્રાન્ડ તો છે જ પરંતુ દેશની સૌથી મોટી બ્રાન્ડમાં પણ તેમનું નામ સામેલ છે.”

‘ડેસ્પેરેટલી સીકિંગ શાહરુખ ખાન’ પુસ્તકનાં લેખિકા શરણ્યા ભટ્ટાચાર્ય કહે છે કે, “શાહરુખના પ્રશંસકો ક્યારેય તેમને ધર્મ કે રાજકારણનાં ચશ્માં વડે નથી જોતા. તેઓ ફિલ્મના પ્રથમ દિવસે પ્રથમ શો જોવાની પૂરી કોશિશ કરશે, કારણ કે તેઓ ઘણા સમયથી પડદા પર તેમને મિસ કરી રહ્યા હતા.”

બીબીસી ગુજરાતી

શાહરુખને થ્રિલરમાં પસંદ કરે છે લોકો?

ફિલ્મ

ઇમેજ સ્રોત, YRF

જોકે અમુક લોકોનું કહેવું છે કે ચાર વર્ષની ગૅપ બાદ મોટા પડદે પાછા ફરવા માટે થ્રિલર ફિલ્મ પસંદ કરવાનો શાહરુખનો નિર્ણય શું યોગ્ય છે?

એક આખી પેઢી માટે શાહરુખ ખાનની છબિ એક રોમૅન્ટિક હીરોની રહી જેમણે પડદા પર પ્રેમ, પ્રેમની ભાષા અને તેની સાથે આવનારી ખુશીઓ અને પરેશાનીઓને પરિભાષિત કરી છે.

તેમના પ્રશંસકોમાં મહિલાઓ ભારે સંખ્યામાં સામેલ છે જેઓ કદાચ તેમને એક ઍક્શન હીરો સ્વરૂપે ન જોવા માગે.

અમુક દિવસ પહેલાં શાહરુખ ખાને કહ્યું હતું કે તેઓ હંમેશાંથી એક ઍક્શન હીરો બનવા માગતા હતા અને તેથી તેમના માટે આ ફિલ્મ ‘એક સપનું સાચું થવા’ જેવી છે.

સૈબલ ચૈટરજી કહે છે કે આ ફિલ્મને લઈને પણ અમુક શંકાઓ છે, પરંતુ આ ફિલ્મ એક ‘સાહસિક નિર્ણય છે.’

તેઓ કહે છે કે શાહરુખ ફિલ્મોની સ્ક્રિપ્ટ સાથે પ્રયોગ કરતા રહ્યા છે, તેમણે ‘માય નેમ ઇઝ ખાન’, ‘ચક દે ઇન્ડિયા’ અને ‘લવ યુ જિંદગી’ જેવી ફિલ્મોમાં અલગઅલગ પ્રકારની ભૂમિકાઓ ભજવી.

તેઓ કહે છે કે ‘પઠાન’ સાથે શાહરુખ જાતે પોતાની ‘છબિ બદલવાની કોશિશ કરી રહ્યા છે.’

“પરંતુ પોતાની કારકિર્દીના આ તબક્કામાં તેઓ આવું કરવાનું જોખમ લઈ શકે છે, કારણ કે તેમને ડર નથી કે તેઓ પ્રયોગ કરી રહ્યા છે. તેમની પાસે ગુમાવવા માટે કશું નથી.”

જોકે, સૈબલ ચેટરજી કહે છે કે તેમનો આ પ્રયોગ સફળ થશે કે નહીં એ અત્યારે ન કહી શકાય, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે ‘તમે શાહરુખને મિસ ન કરી શકો.’

રેડ લાઇન
રેડ લાઇન