અમિતાભ બચ્ચનનો 80મો જન્મદિવસ : અમિતાભ બચ્ચનની એ ફિલ્મ જેના માટે અફઘાન મુજાહિદોએ યુદ્ધ રોકી દીધું હતું

ઇમેજ સ્રોત, KHUDA GAWAH
- લેેખક, વંદના
- પદ, બીબીસી ભારતીય ભાષાઓનાં ટીવી ઍડિટર

- 11 ઑક્ટોબર અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે.
- તેમની આઠમી મે 1992માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ખુદા ગવાહ કાબુલ અને મઝાર શરીફમાં શૂટ થઈ હતી.
- ફિલ્મના ક્રૂ અને કાસ્ટ માટે સુરક્ષાની ગૅરંટી માગવામાં આવી હતી.
- અફઘાન લોકોમાં અમિતાભ બચ્ચન અને ફિલ્મ ખુદા ગવાહની લોકપ્રિયતા એટલી હદે હતી કે તેમના માટે યુદ્ધ રોકવામાં આવ્યું હતું.

વાત 90ના દાયકાની છે. અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીન સાથે યુદ્ધ ચાલુ હતું.
એવામાં તત્કાલીન અફઘાન રાષ્ટ્રપતિ નજીબુલ્લાહની દીકરીએ પિતાને કહ્યું કે તેઓ મુજાહિદ્દીનને કહે કે બધા એક દિવસ માટે યુદ્ધ બંધ કરી દે.
આ બાળકી ઇચ્છતી હતી કે જ્યારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આટલા મોટા સ્ટાર ભારતથી અફઘાનિસ્તાન આવ્યા છે, એવામાં જો યુદ્ધ બંધ રહેશે તો આ સ્ટાર કાબુલમાં ફરી શકશે અને લોકો પણ તેમને જોઈ શકશે.
આ સ્ટારનું નામ હતું અમિતાભ બચ્ચન અને તેઓ ફિલ્મ ખુદા ગવાહના શૂટિંગ માટે અફઘાનિસ્તાન આવ્યા હતા.
આ કિસ્સો અફઘાનિસ્તાનના પૂર્વ રાજદૂતે મને ત્યારે સંભળાવ્યો જ્યારે હું થોડાં વર્ષો પહેલાં લદ્દાખમાં તેમને મળી હતી. આઠમી મે 1992માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ખુદા ગવાહ કાબુલ અને મઝાર શરીફમાં શૂટ થઈ હતી. મુઝાહિદ્દીનના સમય બાદ 30 વર્ષ પસાર થઈ ચૂક્યાં છે.

અફઘાનિસ્તાનની સૌથી ખ્યાતનામ હિન્દી ફિલ્મ

ઇમેજ સ્રોત, TWITTER/FAISAL_FAIZI8
આજથી 30 વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ 'ખુદા ગવાહ' અમિતાભ બચ્ચનની સૌથી પ્રસિદ્ધ હિન્દી ફિલ્મોમાંથી એક છે અને આ ફિલ્મ બનવાની કહાણી અને કિસ્સા ઘણા દિલચસ્પ છે.
ફિલ્મના પ્રોડ્યૂસર મનોજ દેસાઈએ પૂર્વે થયેલી બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'એ સમયે અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું.'
'ખુદા ગવાહ'ના ફિલ્મ યૂનિટની સુરક્ષા માટે 5 ટૅન્કોનો કાફલો આગળ ચાલતો હતો અને 5 ટૅન્કોનો કાફલો પાછળ. પરંતુ અફઘાનિસ્તાનમાં અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા એવી હતી કે સુરક્ષાની જરૂરિયાત ઊભી થતી નહોતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક વાર શૂટિંગ દરમિયાન અમને એ સમયના વિરોધી નેતા બુરહાનુદ્દીન રબ્બાનીનો સંદેશ મળ્યો કે તેઓ બચ્ચનના ઘણા મોટા ચાહક છે અને ફિલ્મ યુનિટને વિદ્રોહીઓથી કોઈ જોખમ નથી. ઘણા નાટકીય અંદાજમાં તેઓ અમિતાભ બચ્ચનને ગુલાબનું ફૂલ આપવા આવ્યા હતા.
એટલે કે ગૃહયુદ્ધથી ઝઝૂમી રહેલો દેશ જ્યાં સત્તા, મુજાહિદ્દીન અને વિદ્રોહી બધા ભારતીય સ્ટાર માટે એક થઈ ગયા.
આ વાત ત્યારની છે, જ્યારે અમિતાભ બચ્ચન અને ભારતના એ સમયના વડા પ્રધાન રાજીવ ગાંધી વચ્ચે સારી મિત્રતા હતી.
મનોજ દેસાઈએ જણાવ્યું હતું કે રાજીવ ગાંધીના કારણે અફઘાનિસ્તાનની નજીબુલ્લાહ સરકારે યુનિટનું ઘણું ધ્યાન રાખ્યું.
વર્ષ 1991માં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી અને 1992માં ફિલ્મ રિલીઝ થઈ હતી. લેખક રશીદ કિદવઈએ પોતાના પુસ્તક નેતા અભિનેતા- બોલીવૂડ સ્ટાર પાવર ઇન ઇન્ડિયન પૉલિટિક્સમાં લખ્યું છે, ''દિલ્હીમાં 'ખુદા ગવાહ'ની લૉન્ચ પાર્ટી હતી. ત્યાં અમિતાભ બચ્ચન પોતાના મિત્ર રાજીવ ગાંધીને યાદ કરીને રડી પડ્યા હતા કે કેવી રીતે રાજીવ ગાંધીએ સુનિશ્ચિત કર્યું હતું કે અફઘાનિસ્તાનમાં 'ખુદા ગવાહ'નું શુટિંગ થઈ જાય અને ત્યાંના રાષ્ટ્રપતિ નજીબુલ્લાહ પાસે ખાસ રીતે સુરક્ષાની ગૅરન્ટી માગી હતી.''

જ્યારે અમિતાભને ખોળામાં ઊંચકી લીધા..
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
અફઘાનિસ્તાનના પોતાના દિવસોને યાદ કરતા અમિતાભ બચ્ચન પોતે પણ લખી ચૂક્યા છે, ''રાષ્ટ્રપતિ નજીબુલ્લાહ હિન્દી ફિલ્મોના ઘણા મોટા ચાહક હતા. તેઓ મને મળવા માગતા હતા અને અમને ત્યાં શાહી અંદાજમાં રાખવામાં આવ્યા હતા. અમને હોટલમાં રહેવા દેવામાં આવતા ન હતા. એક પરિવારે પોતાનું ઘર અમારા માટે ખાલી કરી દીધું હતું અને પોતે એક નાના ઘરમાં રહેવા જતા રહ્યા. અમારા ફિલ્મ યુનિટને એક કબીલાના નેતાએ આમંત્રિત કર્યા. હું ડૅની સાથે ચૉપર દ્વારા ગયો હતો, આગળ પાછળ પાંચ હેલિકૉપ્ટર હતા. ઉપરથી પહાડોનો નજારો અદ્ભુત દેખાતો હતો.''
'જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો કબીલાના નેતા અમને ખોળામાં ઊંચકીને અંદર લઈ ગયા કારણ કે પરંપરા એ હતી કે મહેમાનના પગ જમીન પર પડવા ન જોઈએ. કાબુલમાં અમને ઘણી ગિફ્ટ મળી. '
'રાષ્ટ્રપતિ નજીબે અમને ઑર્ડર ઑફ અફઘાનિસ્તાનથી નવાજ્યા. એ રાત્રે રાષ્ટ્રપતિના કાકાએ અમારા માટે ભારતીય રાગ ગાયો.'
મારા અફઘાન મિત્રો જણાવે છે કે 'ખુદા ગવાહ'માં અમિતાભ બચ્ચન જ્યારે પોતાના ગૂંજતા અવાજમાં આ ડાયલૉગ બોલે છે ત્યારે તાળીઓનો વરસાદ થઈ જાય છે.
સર ઝમીને હિન્દુસ્તાન, અસલામ વાલેકુમ
મેરા નામ બાદશાહ ખાન હૈ.
ઇશ્ક મેરા મઝહબ, મોહબબ્ત મેરા ઈમાન..
ઉસી મહોબ્બત કે લિએ કાબુલ કા યે પઠાન..
સર ઝમીને હિન્દુસ્તાન સે મોહબ્બત કા ખૈર માંગને આયા હે
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

30 વર્ષમાં અફઘાનિસ્તાન ક્યાં પહોંચ્યું

ઇમેજ સ્રોત, KHUDA GAWAH
'ખુદા ગવાહ'ના રિલીઝ થયા બાદનાં 30 વર્ષોની વાત કરીએ તો અફઘાનિસ્તાને ઘણું બધુ જોયું છે.
આટલાં વર્ષો બાદ આ દેશ ફરી એ જ જગ્યાએ આવી ઊભો છે જ્યાં કેટલાંક વર્ષો પહેલાં હતો. તાલિબાને અભિનેત્રીઓના ટીવી સીરિયલોમાં દેખાવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
જ્યાં સુધી ભારતીય ફિલ્મો અને સીરિયલોની વાત છે તો તેઓ અફઘાનિસ્તાનમાં હંમેશાંથી પ્રસિદ્ધ રહ્યાં છે.
ઉત્તમ જ પરંતુ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અફઘાનિસ્તાનની બદલાતી સ્થિતિની સાક્ષી રહી છે- એ 'ખુદા ગવાહ' હોય અથવા 'ધર્માત્મા'.
'ખુદા ગવાહ' પહેલાં 1975માં ફિરોઝ ખાન પોતાની ફિલ્મ 'ધર્માત્મા'નું શૂટિંગ ડૅની અને હેમા માલિની સાથે અફઘાનિસ્તાનમાં કરી ચૂક્યા છે.
એક જૂના ઇન્ટરવ્યૂમાં ફિરોઝ ખાને બીબીસીને જણાવ્યું હતું, 'હું અફઘાનિસ્તાનમાં ફિલ્મના શૂટિંગ માટે લોકેશન જોવા ગયો હતો. ત્યારે ઝહીર શાહ ત્યાંના રાજા હતા. તેમણે મંજૂરી આપી હતી. જ્યારે અમે ત્યાં શૂટ કરવા પહોંચ્યા તો તેનો બળવો થઈ ચૂક્યો હતો. પરંતુ અફઘાનિસ્તાનની નવી સરકારે પણ અમને ઘણી ઇજ્જત આપી અને અમને કોઈ તકલીફ પડવા દીધી ન હતી.'
'ધર્માત્મા'ના શુટિંગ માટે ફિરોઝ ખાન કુંદુજ ગયા અને બામિયાન બુદ્ધા પણ શૂટ કરી. 'ક્યા ખૂબ લગતી હો, બડી સુંદર દિખતી હો'.. આ ગીતમાં અફઘાનિસ્તાનનાં ખૂબસુંદર દૃશ્યો જોવાં મળી રહ્યાં છે. ત્યારબાદ તેનું નામો નિશાન રહ્યું નથી.

શેર ખાનનું પાત્ર પણ ઘણું જાણીતું છે

ઇમેજ સ્રોત, DHARMATMA
સોશિયલ મીડિયા પર વાયરલ એક જૂના બ્લૅક ઍન્ડ વ્હાઇટ વીડિયોમાં તમે ફિરોઝ ખાન અને હેમા માલિનીનું અફઘાનિસ્તાનમાં સ્વાગત થતું જોઈ શકો છો.
ફિલ્મ ઝંઝીરનું પાત્ર શેર ખાન, જેને પ્રાણે નિભાવ્યું હતું, અફઘાનિસ્તાનમાં ઘણા મશહૂર હતા. આ પહેલાં 1965માં ભારત અને કાબુલને જોડવાનું કામ ફિલ્મ કાબુલીવાલે એ કર્યું હતું.
90માં તાલિબાનના આવ્યા બાદ એક સમય એવો આવ્યો, જ્યારે ફિલ્મો તો શું ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ લાદી ગયો હતો.
વર્ષો બાદ નિર્દેશક કબીર ખાને અફઘાનિસ્તાનમાં ફિલ્મ કાબુલ ઍક્સપ્રેસ શૂટ તરફ 2006માં રિલીઝ કરી. કાબુલીવાલા અને કાબુલ ઍક્સપ્રેસ વચ્ચે અફઘાનિસ્તાનમાં ઘણું બધુ બદલાઇઉ ચૂક્યું હતું.
જ્યારે કબીર ખાન ફિલ્મ શૂટ કરી રહ્યા હતા, ત્યારે તાલિબાન સત્તા પરથી જઈ ચૂક્યું હતું પરંતુ તાલિબાનનો ભય હજુ પણ હતો.
જ્યારે ધીમે-ધીમે સ્થિતિ સારી થઈ તો ફરીથી અફઘાન ફિલ્મો બનવા લાગી, પ્રથમ વખત મહિલાઓ ફિલ્મ નિર્દેશનમાં આવી. જોકે તેના માટે તેમણે ઘણી મોટી કિંમત ચૂકવવી પડી.
સબા સહર અફઘાનિસ્તાનનાં પ્રથમ મહિલા નિર્દેશકોમાંથી એક છે, તેઓ એક અભિનેત્રી છે અને એક પોલીસ અધિકારી પણ હતાં.
2020માં તેમની પર તાલિબાને હુમલો કર્યો હતો, તેમની પર ચાર વાર ગોળીબાર થયો હતો. એ દિવસે તેઓ પોતાની દીકરીને સાથે લઈને કામ પર ગઈ હતાં અને તેથી તેમને ખબર હતી કે આવામાં તેમના પર હુમલો થાય નહીં. હુમલામાં તેઓ બચી ગયાં હતાં.
2021માં તાલિબાનના પાછા આવ્યા બાદ ફરીથી ત્યાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને કલાકારો પર જાણે ગ્રહણ લાગી ગયું છે.
2003માં ફિલ્મ બનાવનાર રોયા સદત પણ અફઘાનિસ્તાનના પ્રથમ મહિલા ફિલ્મ નિર્દેશકોમાંથી એક છે.

તાલિબાનની વાપસી

ઇમેજ સ્રોત, EPA
તેઓ એ અફઘાન મહિલાઓ પર ફિલ્મ બનાવી રહ્યાં હતાં જે તાલિબાન સાથે મંત્રણા કરતાં હતાં. પરંતુ 2021માં તાલીબાનના પાછા આવ્યા બાદ તેમને ફિલ્મ રોકવી પડી હતી. તેઓ પોતાના દેશ પાછા જઈ શકતા નથી.
તેઓ કહે છે, ''અમે યુદ્ધથી થાકી ગયાં છે. પરંતુ અમે લડી પણ રહ્યાં છીએ. અમે અમારી કલા દ્વારા, કાગળ પર લખેલા શબ્દો દ્વારા લડી રહ્યાં છીએ.''
ગયા વર્ષે ફિલ્મ નિર્દેશક સહરા કરીમીની મદદની ગુહાર વાળી પોસ્ટ વાયરલ થઈ હતી. તેઓ અફઘાન ફિલ્મ ઍસોસિયેશનના પ્રથમ મહિલા ચૅરપર્સન છે અથવા હતાં. કહેવું મૂશ્કેલ છે કારણ કે હાલ અફઘાન ફિલ્મ ઍસોસિયેશનનું કોઈ અસ્તિત્વ નથી.
આ બધા વચ્ચે 'ધર્માત્મા' અથવા 'ખુદા ગવાહ' જેવી અફઘાનિસ્તાનમાં શૂટ થયેલી હિન્દી ફિલ્મો કોઈ સપના જેવી લાગે છે.
જેટલી વાર 'ધર્માત્મા'માં હેમા માલિની અને ફિરોઝ ખાન પર ફિલ્માવવામાં આવેલા ગીત 'ક્યા ખૂબ લગતી હો બડી સુંદર દિખતી હો' જોવ છું તો વીડિયો પૉઝ કરીને અફઘાનિસ્તાનના સુંદર દૃશ્યો જોઈ-જોઈને મન જ નથી ભરાતું.

ઇમેજ સ્રોત, KHUDA GAWAH
'ખુદા ગવાહ'ના બુજકશીવાળાં દૃશ્યો પણ ખૂબ સુંદર બતાવવામાં આવ્યાં છે.
આ એક સંયોગ હતો કે ફિલ્મમાં જે જગ્યાએ હબીબઉલ્લાહ નામના પાત્રને ફાંસી આપવાનો સીન બતાવવામાં આવ્યો હતો, ત્યાં ચાર વર્ષ પછી અફઘાન રાષ્ટ્રપતિ નજીબુલ્લાહને ફાંસી આપવામાં આવી હતી.
શોલેમાં અમિતાભ બચ્ચન સાથે કામ કરી ચૂકેલા ભારતીય અભિનેતા એકે હંગલ પણ નજીબુલ્લાહના સારા મિત્ર હતા અને તેમની સાથે પત્રવ્યવહાર કરતા રહેતા હતા.
પોતાની છેલ્લી મુલાકાતમાં અફઘાન રાષ્ટ્રપતિએ ગિફ્ટમાં એકે હંગલ સાહેબને ખૂબ સુંદર અફઘાન કાલીન અને જર્દા આપ્યું હતું.
ફિલ્મ 'ખુદા ગવાહ'ને 30 વર્ષ વીતી ગયાં છે. અમિતાભ બચ્ચનના ચાહકો અફઘાનિસ્તાનમાં હજુ પણ હાજર છે.
વિરાસતની જેમ અફઘાન ઘરોમાં આ ફિલ્મ પેઢી દર પેઢી યાદોનો ભાગ રહી છે. પણ આજે આ બધુ પાછળ છૂટતું જોવા મળી રહ્યું છે અને જિંદગી કોઈ બીજા જ સંઘર્ષો અને મુશ્કેલીઓનું નામ બની ચૂકી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













