આશા પારેખ : હિંદુ-મુસ્લિમ માબાપનાં પુત્રીની બોલીવૂડનાં સુપરસ્ટાર બનવાની કહાણી

આશા પારેખ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રાજ ગોસ્વામી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • બીજી ઑક્ટોબર, 1942માં મુંબઈમાં થયો હતો આશા પારેખનો જન્મ
  • બોલીવૂડનાં ખ્યાતનામ અભિનેત્રીઓમાં સમાવિષ્ટ
  • હિંદુ-મુસ્લિમ માતાપિતાનાં સંતાન છે આશા પારેખ
  • સેન્સર બોર્ડનાં તેઓ પ્રથમ મહિલા ચૅરપર્સન હતાં
  • અભિનેતા નાસિર હુસૈન સાથે પ્રેમ હોવાની સ્વીકારી ચૂક્યાં છે
  • લગ્ન સુધી પહોંચ્યા બાદ આજીવન અપરિણીત રહેવાનો નિર્ણય લીધો
લાઇન

એક ઍક્ટ્રેસ અને એક હીરોઇનમાં ફરક એ છે કે ઍક્ટ્રેસ પડદા પર કલ્પનાનો વિષય હોય છે, જયારે હીરોઇન દર્શકોના મનની કલ્પનાનો વિષય હોય છે.

ઍક્ટ્રેસને ડિરેકટર એક ચોક્કસ પાત્રમાં પડદા પર સાકાર કરે છે, હીરોઇનને દર્શકો તેના પાત્રથી પાર લઈ જઈને પોતાની ઇચ્છા અનુસાર કલ્પનામાં ઢાળે છે.

હિંદી સિનેમામાં એવાં બહુ જૂજ ફિલ્મસ્ટાર છે, જેનામાં ઍક્ટ્રેસ અને હીરોઇન બંનેનો જાદૂ હોય. એવું એક નામ આશા પારેખ છે.

'જ્યુબિલી ગર્લ' ઉપનામથી મશહૂર થયેલાં આશા પારેખને તેમની કારકિર્દીની શરૂઆતમાં, 'ગ્લેમરસ સ્ટાર' તરીકે જ ગણવામાં આવ્યાં હતાં પણ પાછળથી તેમણે પોતાને એક સારાં ઍક્ટ્રેસ તરીકે સ્થાપિત કર્યાં હતાં.

2017માં, પાંચમા પૂણે ઇન્ટરનેશનલ લિટરરી ફેસ્ટિવલમાં તેમણે કહ્યું પણ હતું, "મારામાં એક ગ્લેમરસ હીરોઇન કરતાં પણ ઘણું બધું હતું. હું ઇચ્છતી હતી કે લોકોને તેની જાણ થાય."

આશા પારેખને લોકો ભિન્ન-ભિન્ન રીતે ઓળખે છે. અમુક લોકો માટે તેઓ હિટ ફિલ્મો આપનારાં સૌથી સફળ ફિલ્મસ્ટાર છે. તેમણે 15 સુપરહિટ ફિલ્મો આપી છે.

અમુક લોકો માટે તે ખૂબસૂરત હીરોઇન છે. તેમનું નામ મધુબાલા, મીનાકુમારી, વહીદા રહેમાન અને સાયરાબાનુ સાથે લેવાય છે.

અમુક લોકો માટે એકલા હાથે જીવન જીવનારી પ્રેરણા છે. લગ્ન કરવાની પૂરી તક હોવા છતાં આશાએ આજુબાજુમાં લગ્ન-જીવનની વરવી અસલિયત જોઈને તેમની સ્વતંત્રતાનું બલિદાન નહીં આપવાનું નક્કી કર્યું હતું.

અમુક લોકો માટે તે સ્ત્રીસશક્તીકરણનું પ્રતીક છે. સેન્સર બોર્ડમાં તેઓ પ્રથમ મહિલા ચૅરપર્સન હતાં. તે સિને આર્ટિસ્ટ ઍસોસિયેશનનાં અધ્યક્ષ હતાં.

line

હિંદુ-મુસ્લિમ પેરેન્ટ્સનાં સંતાન

આશા પારેખ

ઇમેજ સ્રોત, Fairfax Media Archives via Getty Images

ઇમેજ કૅપ્શન, 24 જાન્યુઆરી 1977ના રોજ ઑસ્ટ્રેલિયામાં પર્ફૉમન્સ પહેલાં

આજે તેઓ કલાભવન નામની ડાન્સ અકાદમી અને આશા પારેખ હૉસ્પિટલનું સંચાલન કરે છે.

હિંદી સિનેમામાં જેને થોડો ઘણો પણ રસ હોય, તેને એટલી તો ખબર પડે કે આશા પારેખની સિનેમા અને અંગત જિંદગી એક ફિલ્મી કહાણીથી કમ નથી.

પહેલાં તો તેમનાં માતા-પિતાનું જીવન જ સારું એવું નાટ્યાત્મક છે. આશા પારેખ હિંદુ-મુસ્લિમ પૅરન્ટ સંતાન છે.

તેમના પિતા, પ્રાણલાલ ઉર્ફે બચુબાઇ મોતીલાલ પારેખ, સૌરાષ્ટ્રના ભાવનગર નજીક આવેલા મહુવાના મૂળ વતની હતા.

તેમનાં માતા ભાવનગરનાં સલમા ઇબ્રાહીમ લાકડાવાલા હતાં. બચુભાઈ ચુસ્ત વૈષ્ણવ પરિવારના. સલમા વોહરા મુસ્લિમ.

બંને પરિવારો મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં પાડોશી હતાં. એમાં આંખો મળી. શરૂઆત બચુભાઈએ કરી હતી. તે સાલમાનાં બહેન ફિઝા મારફતે પ્રેમપત્રો પહોંચાડતા હતા.

સલમા ફર્ગ્યુસન કૉલેજમાં ભણતાં હતાં, ત્યારે બચુભાઈ ત્યાં ચક્કર મારતાં. બંને પરિવારોને ખબર પડી એટલે બબાલ થઈ.

સલમા 20 વર્ષનાં. બચુભાઈ 21 વર્ષના. બંને ભાગી ગયાં અને 1 ઑગસ્ટ, 1941માં કૉર્ટ-મૅરેજ કરી લીધાં. લગ્ન પછી સલમા ધર્મપરિવર્તન કરીને સુધા બની ગયાં.

બચુભાઈ એક કૅમિસ્ટની દુકાનમાં સેલ્સમૅનનું કામ કરતા હતા. ત્યારે પારેખ દંપતી સાંતાક્રૂઝમાં એક પારસી પરિવારના બંગલા શિરિન વિલામાં ઊપલા માળે રહેતાં હતાં. ગ્રાઉન્ડ ફ્લોર કેરળનાં એક દંપતીને ભાડે આપેલો હતો.

line

જીવનમાં આશા લઈને આવી હોવાથી 'આશા'

આશા પારેખ

ઇમેજ સ્રોત, Fairfax Media Archives via Getty Images

ઇમેજ કૅપ્શન, 2જી ઑક્ટોબર 1942ના રોજ, આશા પારેખનો ત્યાં જન્મ થયો

બે વર્ષ પછી, 2જી ઑક્ટોબર 1942ના રોજ, આશા પારેખનો ત્યાં જન્મ થયો.

સલમા ઉર્ફે સુધાનાં માતા અસ્માબહેન હજુ નારાજ હતાં. તે પૌત્રીનું મોઢું જોવા તો ન આવ્યાં, પણ કહેણ મોકલાવ્યું કે છોકરીનું નામ 'ઝુલેખા' પાડશો તો ખુશી થશે.

એ જ વખતે, બચુભાઈનાં માતા ગોમતીબહેનનું અવસાન થઇ ગયું. તેમણેય પણ પૌત્રીનું મોઢું ન જોયું.

બેબીની કુંડળીમાં સંકેત હતો કે તેનું નામ 'K' અથવા 'G' પરથી રાખવામાં આવે. બે નામ વિચારાયાં; ક્રિશ્ના અને ગંગુબાઈ. પૅરન્ટે જોકે 'આશા' પસંદ કર્યું.

તેમનો ભાવ એવો હતો કે બેબી તેમના જીવનમાં આશા લઈને આવી છે.

આશાનું સ્કૂલિંગ ફોર્ટ વિસ્તારમાં આવેલી જે. બી. પેટિટ સ્કૂલમાં થયું હતું. બચુભાઈની ત્યારે પિતા મોતીલાલ સાથે સુલેહ થઈ ગઈ હતી. દાદા સિક્કાનગરમાં રહેતા હતા.

ત્યાંથી સ્કૂલ નજીક પડે એટલે આશા દાદા પાસે રહેતાં હતાં. ત્યારે તેમની ઉંમર આઠ વર્ષની હતી.

સાંતાક્રૂઝમાં બાળપણ વીત્યું હતું એટલે ફિલ્મી માહોલનો રંગ લાગેલો. એ ઉંમરમાં આશા મહેમાનો સામે ફિલ્મી ગીતો પર ડાન્સ કરતાં.

આશાનાં એક બહેનપણી ઇંદુ હતાં. ઇંદુંના પિતા ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ હતા. તેમના એક ક્લાયન્ટનું નામ ઍક્ટર પ્રેમનાથ.

પ્રેમનાથે ત્યાં આશાને ડાન્સ કરતાં જોયાં હતાં અને કહ્યું કે, "તારામાં પ્રતિભા છે". પ્રેમનાથે ઍક્ટ્રેસ બિના રાય, નિમ્મી અને મધુબાલાની હાજરીમાં આશાનો ડાન્સ ગોઠવ્યો હતો.

એમાં સ્કૂલનાં 75 વર્ષ પૂરાં થયાં તે પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રિન્સિપાલે આશાનો ડાન્સ ગોઠવ્યો. એમાં પ્રેમનાથ મુખ્ય મહેમાન હતા.

એ પછી, ગણપતિ, દશેરા અને દિવાળી પૂજામાં આશાના ડાન્સ યોજાતા. એવી જ એક પૂજામાં ડિરેકટર બિમલ રોયે આશાને જોયાં અને તેમની 'મા' (1952) ફિલ્મમાં તેમને એક નાનકડો રોલ આપ્યો.

આશા પારેખની ફિલ્મી કારકિર્દીની એ રીતે શરૂઆત થઈ હતી. એ પછી બાળ કલાકાર તરીકે તેમની સાત ફિલ્મો આવી.

line

પહેલો બેસ્ટ ક્ટ્રેસ ફિલ્મફેર ઍવૉર્ડ

આશા પારેખ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 17 વર્ષની વયે, 1959માં, હીરોઇન તરીકે તેમની પહેલી ફિલ્મ 'દિલ દેકે દેખો' આવી

આશા પારેખનું મોટાં થવું અને ફિલ્મો મળતી રહેવી સાથે-સાથે ચાલતું રહ્યું.

17 વર્ષની વયે, 1959માં, હીરોઇન તરીકે તેમની પહેલી ફિલ્મ 'દિલ દેકે દેખો' આવી. તેમના હીરો શમ્મી કપૂર હતો. આમિર ખાનના કાકા નાસિર હુસૈનની એ બીજી જ ફિલ્મ. પહેલી ફિલ્મ 'તુમસા નહીં દેખા' જબ્બર હીટ હતી.

પહેલી જ ફિલ્મથી આશાની શમ્મી સાથે જોડી જામી ગઈ. એમ તો, નાસિર હુસૈન સાથે પણ કુંડળી ત્યારે જ મળી ગઈ હતી.

આશાને સ્ટાર બનાવામાં નિર્માતા-નિર્દેશક નાસિર હુસૈનનો મોટો હાથ હતો. તેમણે આશા સાથે સાત બ્લૉકબસ્ટર ફિલ્મો આપી; દિલ દેકે દેખો, જબ પ્યાર કિસી સે હોતા હૈ, ફિર વહી દિલ લાયા હું, તીસરી મંજિલ, બહારોં કે સપને, પ્યાર કા મોસમ અને કારવાં.

સ્ટાર તો બની ગયાં, પણ એક આરોપ એવો પણ લાગ્યો કે 'ટોમ-બૉય' આશા પારેખમાં સુંદર દેખાવા સિવાય કશું નથી. ડિરેકટર રાજ ખોસલાએ એ મહેણું ભાંગ્યું.

ખોસલા આશા પારેખની અંદરની ઍક્ટ્રેસને મોકો આપતાં હોય તેમ ત્રણ ગંભીર ફિલ્મો આપી, જે આશાની પણ ફૅવરિટ છે; દો બદન (1966), ચિરાગ(1969) અને મૈ તુલસી તેરે આંગન કી (1978).

ખોસલાએ 1971ની સૌથી મોટી હિટ ફિલ્મ મેરા ગાંવ મેરા દેશમાં પણ આશાને કાસ્ટ કર્યાં હતાં, પરંતુ વિનોદ ખન્નાના તડાકા-ભડાકા અને લક્ષ્મી છાયાના "માર દિયા જાય છોડ દિયા જાય" ગીતમાં આશા ઝંખવાઈ ગયાં હતાં.

એમાં ડિરેકટર શક્તિ સામંતાએ સોનામાં સુગંધ ભળે તેવું કામ કર્યું. તેમણે બે ફિલ્મો આપી; પગલા કહીં કા (1970) અને કટી પતંગ (1970).

કટી પતંગમાં સામંતાના ગમતો સ્ટાર રાજેશ ખન્ના હતા, પણ ફિલ્મ હીરોઇનપ્રધાન હતી. શક્તિ'દાએ કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે તેઓ આશા પાસેથી વિશ્વનીય ઍક્ટિંગ કરાવી શકશે. ફિલ્મ આશા પારેખને પહેલો બેસ્ટ ઍક્ટ્રેસ ફિલ્મફેર ઍવૉર્ડ અપાવી ગઈ.

line

પ્રેમજીવનને લઈને નિખાલસ

આશા પારેખ

ઇમેજ સ્રોત, Getty Images

આશા પારેખ તેમના અંગત જીવનને લઈને નિખાલસ છે. તેમણે, બીજી હીરોઇનોની જેમ, એ વાતો છુપાવી નથી કે નાસિર હુસૈન સાથે તેમને પ્રેમસંબંધ હતો.

તેમની આત્મકથા 'હીટ ગર્લ'માં આશા લખે છે, માએ એકવાર એને ફિલ્મમેકર નાસિર હુસૈન સાથે અફેરની અફવા અંગે પૂછેલું, અને આશા પારેખ પહેલી અને છેલ્લીવાર મા સામે જૂઠું બોલ્યાં હતાં.

સુધા જયારે કૅન્સરગ્રસ્ત હતાં, ત્યારે તેમણે મૃત્યુશય્યા પરથી શમ્મી પાસે ચિંતા વ્યક્ત કરેલી કે આશાની સંભાળ કોણ રાખશે? (આશા પારેખે લગ્ન નથી કર્યાં) ત્યારે શમ્મીએ કહેલું, હું મરતાં સુધી આશાનું ધ્યાન રાખીશ. શમ્મીએ એ વચન નિભાવ્યું હતું.

'વર્વ' નામના એક ગ્લેમર સામયિક સાથે ઇન્ટરવ્યૂમાં આશા પારેખે કહ્યું હતું, "હું નાસિર હુસૈનના પ્રેમમાં હતી, પણ મારે તેમનું ઘર ભાંગવું ન હતું અને બાળકોને આઘાત આપવો ન હતો."

તેમણે લગ્ન કરીને ઠરીઠામ થવાનું વિચાર્યું હતું, પણ નસીબમાં લખાયું નહોતું.

તેઓ કહે છે, "મને બીજા પુરુષો મળતા હતા, પણ બધા સરખા જ હતા. હું જેમની સાથે કામ કરતી હતી, તે બધા ઍક્ટરો કાછડી છૂટા હતા."

"હું અમેરિકાના એક પ્રોફેસર સાથે લગ્ન કરવા સુધી પહોંચી ગઈ હતી. હું એને મળવા ગઈ હતી, અને રાતે બે વાગ્યે કાફેમાં અચાનક મને કહ્યું કે, "મારે એક ગર્લફ્રેન્ડ છે અને તું વચ્ચે આવી ગઈ. આ સાંભળીને લગ્ન કરવામાંથી મેં હાથ જ ધોઈ નાખ્યા."

"મારી મા મારી કુંડળી બતાવતી, તો બધા કહેતા કે મારાં લગ્ન સફળ નહીં થાય. મને કાયમની નિરાંત થઈ ગઈ. મારી માએ પણ પછી મને પરણાવી દેવાનું સપનું જોવાનું બંધ કરી દીધું. સિંગલ રહેવાનો મારો નિર્ણય કદાચ સૌથી બેસ્ટ નિર્ણય હતો."

line

'હવે એ રોમાન્સ પૂરો થઈ ગયો છે'

આશા પારેખ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આશા પારેખની બીજી નિખાલસ કબૂલાત તેમના ડિપ્રેશનને લઈને છે

આશા પારેખની બીજી નિખાલસ કબૂલાત તેમના ડિપ્રેશનને લઈને છે. એકલા રહેવું એ દેખાય છે એટલું સહેલું નથી. તેમણે કહ્યું હતું જીવનની એકલતા નામ અને દામ પર ભારે પડી જાય છે.

વિશેષ કરીને પૅરન્ટના અવસાન પછી એકલતા ગાઢ બની ગઈ હતી. એક ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે, "એ મારા ખરાબ દિવસો હતા. મેં પૅરન્ટને ગુમાવ્યાં હતાં. હું સાવ જ એકલી હતી અને એકલા હાથે બધું સંભાળવાનું હતું. એનાથી હું ડિપ્રેશનમાં જતી રહી."

એટલા ખરાબ દિવસો હતા કે આશાને આત્મહત્યા કરવાના વિચારો આવતા હતા. એક વાર રાતે 11.30 વાગ્યે તેમનાં ડૉકટર દંપતી મિત્રએ આશાના ઘરે દોડવું પડ્યું હતું.

બીજી એકવાર તેમણે વ્યથિત થઈને બહેનપણી વહીદા રહેમાનને ફોન કર્યો હતો કે ફ્લૅટની બાલ્કનીમાંથી કૂદી જવું છે. વહીદાએ તેમને ફોન પર જ ઠપકો આપ્યો અને બીજી સવારે સદેહે હાજર થઈને કહ્યું, "આશા, મને વચન આપ કે ફરી ક્યારેય એકલા હોવાનો વિચાર ન કરતી."

આત્મકથામાં તેઓ લખે છે, "હવે એ તબક્કો પૂરો થઈ ગયો છે. એક દાયકાથી હું કૅમેરાથી દસ ગાઉ દુર રહું છું. મારા માટે ઍક્ટિંગ કે ડિરેકશન પૂરું થઈ ગયું છે. દરેક સારી વસ્તુનો એક દિવસ અંત આવે છે, નહીં?"

આઠ વર્ષની વયે કૅમેરા સાથે રોમાન્સ શરૂ કરનાર આશા પારેખ, 79મા વર્ષે આવીને એવું કહે કે હવે એ રોમાન્સ ખતમ થઈ ગયો છે, તે એક ફિલ્મી કહાણી જેવી જ વાત છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન