'તીસરી કસમ' ફિલ્મ ફ્લૉપ થવાને અને શૈલેન્દ્રના મૃત્યુ વચ્ચે શું કનેક્શન છે?

શૈલેન્દ્ર ગીતો
ઇમેજ કૅપ્શન, શૈલેન્દ્ર અને રાજ કપૂર
    • લેેખક, પ્રદીપ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

મન મહેકાવી દે તેવાં સેંકડો ગીતો આપીને દુનિયાને વિદાય કરનારા શૈલેન્દ્ર જો આજે જીવિત હોત તો તેમની ઉંમર 99 વર્ષ હોત.

સરળ અને સહજ શબ્દોથી જાદૂગારી કરનારા શૈલેન્દ્રનો જન્મ 30 ઑગસ્ટ 1923ના રોજ રાવલપિંડીમાં થયો હતો.

તેમનું પરિવાર મૂળ બિહારના ભોજપુરનું હતું પરંતુ પિતા સૈન્યમાં હોવાથી તેમની પોસ્ટિંગ રાવલપિંડીમાં થઈ હતી. રિટાયરમૅન્ટ બાદ તેમના પિતા એક મિત્રના કહેવા પર મથુરામાં સ્થાયી થયા હતા.

કૉલેજના દિવસોથી જ આઝાદી પહેલાં તેઓ નવોદિત કવિ તરીકે કવિ સંમેલનોમાં ભાગ લેવા લાગ્યા હતા.

હંસ, ધર્મયુગ, સાપ્તાહિક હિંદુસ્તાન જેવી પત્રિકાઓમાં તેમની કવિતાઓ છપાવા લાગી હતી. આ દરમિયાન 1942ના ભારત છોડો આંદોલન સમયે કૉલેજના મિત્રો સાથે તેઓ જેલમાં પણ ગયા હતા. જેલમાંથી છૂટ્યા બાદ પિતાએ કામ શોધવાનું ફરમાન જાહેર કર્યું હતું.

શૈલેન્દ્રના શરૂઆતના જીવન વિશે તેમનાં પુત્રી અમલા શૈલેન્દ્ર જણાવે છે, "બાબા(પિતા)ને નાની ઉંમરમાં જ ખબર પડી ગઈ હતી કે ઘર ચલાવવા માટે કામ-ધંધો કરવો પડશે. એવી સ્થિતિમાં તેઓ સાહિત્ય પ્રેમ છોડીને રેલવેની પરીક્ષા પાસ કરવા માટે લાગી ગયા હતા. પહેલાં ઝાંસી અને બાદમાં તેમની પોસ્ટિંગ મુંબઈમાં થઈ હતી."

મુંબઈના દિવસો વિશે વાત કરતાં અમલા કહે છે, "ઘણી વખત તેઓ અમને કહેતા હતા કે તેઓ કામ પર જાય તો છે પણ તેમનું મન ત્યાં લાગતું નહોતું. જેથી તેઓ એક ઝાડ નીચે બેસીને કવિતાઓ લખતા હતા. તેમના સહકર્મીઓ કહેતા હતા કે કામ કરો તો ઘર ચાલશે, કવિતાથી નહીં. પણ જુઓ, છેલ્લે એમની લખવાની ચાહત જ તેમને આગળ લઈ આવી."

લાઇન

શૈલેન્દ્રનાં 10 પ્રખ્યાત ગીતો

લાઇન
  • આવારા હૂં, યા ગર્દિશ મેં હૂં...
  • મેરા જૂતા હૈ જાપાની...
  • સજન રે જૂઠ મત બોલો...
  • કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર...
  • દોસ્ત દોસ્ત ના રહા...
  • ગાતા રહે મેરા દિલ...
  • સબ કુછ સીખા હમને...
  • હર દિલ જો પ્યાર કરેગા...
  • દિલ કી નઝર સે નઝરો કી દિલ સે...
  • રૂક જા રાત ઠહર જા રે ચંદા...
લાઇન

રાજ કપૂરે આપી હતી તક

શૈલેન્દ્ર ગીતો

ઇમેજ સ્રોત, HARPER COLLINS

કવિતા અને પ્રગતિશીલ દૃષ્ટિકોણ હોવાથી શૈલેન્દ્ર ઇપ્ટા અને પ્રગતિશીલ લેખક સંઘ સાથે જોડાયા હતા. 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તેમણે વિભાજનને લઈને તેમણે એક ગીત લખ્યું હતું, 'જલતા હૈ પંજાબ સાથીઓ...' જન નાટ્યમંચ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જ્યારે શૈલેન્દ્રે આ ગીત ગાયું તો શ્રોતાઓમાં રાજ કપૂર પણ સામેલ હતા.

રાજ કપૂર ખુદ 23 વર્ષના હતા પરંતુ પોતાની પ્રથમ ફિલ્મ 'આગ' બનાવવાની તૈયારી કરી ચૂક્યા હતા. રાજ કપૂરે શૈલેન્દ્રની પ્રતિભાને ઓળખી લીધી હતી.

અમલા જણાવે છે, "રાજ અંકલે બાબા પાસેથી એ ગીત માગ્યું તો બાબાએ કહી દીધું કે હું પૈસા માટે નથી લખતો. તે સમયે તેઓ એકલા હતા. બીજા વર્ષે તેમનાં લગ્ન થયાં અને ત્યાર બાદ મુંબઈમાં સ્થાયી થવા વધુ પૈસાની જરૂર પડવા લાગી હતી."

"જ્યારે મમ્મી ગર્ભવતી થયાં તો પૈસાની જરૂરત વધવા લાગી અને ત્યારે બાબા રાજ અંકલ પાસે ગયા હતા. એ દિવસોમાં તેઓ 'બરસાત' ફિલ્મ બનાવી રહ્યા હતા. ફિલ્મ લગભગ પૂરી થઈ ગઈ હતી, પરંતુ રાજ કપૂરે કહ્યું કે બે ગીતોની જરૂર છે, તમે લખો. ત્યારે બાબાએ બરસાત માટે 'હમસે મિલ તુમ સજન, તુમસે મિલે હમ' અને 'પતલી કમર હૈ, તિરછી નઝર હૈ...' ગીતો લખ્યાં હતાં."

ત્યાર બાદ બંનેનો સાથ 16-17 વર્ષ સુધી ચાલ્યો. 'બરસાત'થી લઈને 'મેરા નામ જોકર' સુધી રાજ કપૂરની તમામ ફિલ્મોનાં થીમ સોન્ગ શૈલેન્દ્ર જ લખતા હતા. રાજકપૂર તેમને કવિરાજ કહીને બોલાવતા હતા. આવારા ફિલ્મે રાજકપૂરને વિશ્વભરમાં પ્રસિદ્ધ બનાવી દીધા હતા.

line

'આવારા હૂં'ની સફળતાના કિસ્સા

શૈલેન્દ્ર ગીતો

'આવારા હૂં, આવારા હૂં, ગર્દિશ મેં હૂં આસમાન કા તારા હૂં'ની લોકપ્રિયતા વિશે અમલા શૈલેન્દ્ર જણાવે છે, "અમે દુબઈમાં રહીએ છીએ. અમારા પડોશમાં તુર્કમેનિસ્તાનનું એક પરિવાર રહે છે. તેમના પિતા એક દિવસ અમારા ઘરે આવ્યા અને રશિયન ભાષામાં આવારા હૂં ગીત ગાઈને કહેવા લાગ્યા કે આ ગીત તમારા પિતાએ લખ્યું છે."

આ ગીતની સફળતાનો અન્ય એક રસપ્રદ કિસ્સો અમલા કહે છે, "નોબલ પુરસ્કૃત રશિયન સાહિત્યકાર ઍલેક્ઝેન્ડર સોલ્ઝેનિત્સિનનું એક પુસ્તક છે, 'ધ કૅન્સર વૉર્ડ'. આ પુસ્તકમાં કૅન્સર વૉર્ડનું એક દૃશ્ય આવે છે. જેમાં એક નર્સ દર્દીની તકલીફ આ ગીત ગાઈને ઓછી કરવાનો પ્રયત્ન કરતી હોવાનું વર્ણન છે."

જોકે, આ ગીતને આવારા ફિલ્મમાં સામેલ કરવા માટે શરૂઆતમાં રાજ કપૂરે ના પાડી દીધી હતી.

શૈલેન્દ્રે આ વિશે ધર્મયુગના 16 મે 1965ના અંકમાં લખ્યું છે, "આવારા ફિલ્મની કહાણી સાંભળ્યા વગર માત્ર નામથી પ્રેરિત થઈને મેં આ ગીત લખ્યું હતું. મેં જ્યારે તે સંભળાવ્યું તો રાજ કપૂર સાહેબે તેનો અસ્વીકાર કર્યો."

"ફિલ્મ પૂરી બની ગયા બાદ તેમણે મને ફરીથી ગીત સંભળાવવા કહ્યું અને ત્યાર બાદ અબ્બાસસાહેબને ગીત સંભળાવ્યું. અબ્બાસસાહેબે કહ્યું કે આ તો ફિલ્મનું મુખ્ય ગીત હોવું જોઈએ."

શૈલેન્દ્ર પોતાના જીવનના અનુભવોને જ કાગળ પર ઉતારતા આવ્યા હતા. આ દરમિયાન એક વખત રાજ કપૂરની ટીમના સંગીતકાર શંકર જયકિશન સાથે કોઈક વાત પર અણબનાવ થઈ ગયો હતો.

આ વિશે શૈલેન્દ્ર કહે છે, "કોઈક અણબનાવ થયો હતો પણ બાબાએ તેમને એક ચિઠ્ઠી લખી અને તેમણે ચિઠ્ઠી વાંચી ત્યાર બાદથી અણબનાવ ખતમ થઈ ગયો."

line

'તિસરી કસમ'થી મુશ્કેલીનો સમય

શૈલેન્દ્રનું તેમના સમકાલીન કલાકારો કેટલું સન્માન કરતા હતા એ વાતનું બીજું ઉદાહરણ 1963માં ત્યારે જોવા મળ્યું જ્યારે સાહિર લુધિયાનવીએ ફિલ્મફેર ઍવૉર્ડ લેવાનો એમ કહીને ઇનકાર કર્યો કે તેમનાથી સારું ગીત તો શૈલેન્દ્રે બંદિની ફિલ્મ માટે લખેલું 'મત રો માતા લાલ તેરે બહુતે રે' હતું.

શૈલેન્દ્રે ફણીશ્વર નાથ રેણુની કહાણી પરથી જ્યારે 'તીસરી કસમ' ફિલ્મનું નિર્માણ શરૂ કર્યું, ત્યારથી તેમની આર્થિક મુશ્કેલીઓ વધવા લાગી.

ફિલ્મના વેપારમાં તેઓ પહેલી વખત આવ્યા હતા. તેઓ દેવામાં ડૂબી ગયા અને ફિલ્મ ફ્લૉપ થતાં તેઓ તૂટી પડ્યા હતા. એમ પણ કહેવામાં આવે છે કે ફિલ્મ ફ્લૉપ થવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. જોકે, અમલા શૈલેન્દ્ર એ વાતની ઇનકાર કરે છે.

અમલા કહે છે, "એ વાત ઠીક છે કે ફિલ્મ બનાવવામાં ઘણા પૈસા લાગી ગયા હતા. ઘરમાં પૈસા ન હતા પરંતુ બાબા જીવનમાં પૈસા વિશે ક્યારેય વિચારતા ન હતા."

"તેમને એ વાતથી કોઈ ફરક ન પડ્યો હતો કે ફિલ્મ ફ્લૉપ થઈ ગઈ છે કારણ કે તે વખતે સિનેમામાં સૌથી વધુ પૈસા લેનારા લેખક તેઓ પોતે જ હતા. જે લોકો વિચારે છે કે ફિલ્મ ફ્લૉપ થવાથી અને પૈસાના નુકસાનને કારણે શૈલેન્દ્રનું મૃત્યુ થયું તો એ લોકો ખોટું વિચારે છે."

line

મૃત્યુ પર શું કહ્યું હતું રાજ કપૂરે

અમલા એ જરૂર કહે છે કે તે ફિલ્મ બનાવતી વખતે તેમના મનને ઠેસ પહોંચી હતી. તેઓ કહે છે, "તેમને દગો આપનારા લોકોથી ઠેસ પહોંચી હતી. તેઓ ભાવુક માણસ હતા. ફિલ્મ બનાવતી વખતે ઘણા મિત્રો અને નજીકના પરિવારજનો પાસેથી દગો મળ્યો."

એ વાત અલગ છે કે 'તીસરી કસમ'ને બાદમાં કલ્ટ ફિલ્મ માનવામાં આવી અને તેના માટે શૈલેન્દ્રને રાષ્ટ્રપતિ સુવર્ણ પદકથી સન્માનિત કરવામાં આવ્યા. ખ્યાતનામ નિર્દેશક ખ્વાજા અહમદ અબ્બાસે તેને સૅલ્યુલાઇડ પર લખેલી કવિતા ગણાવી હતી.

વધારે પડતું દારૂ પીવાથી લિવર સોરાઇસિસ નામક બીમારીના કારણે 14 ડિસેમ્બર, 1966ના રોજ 43 વર્ષની ઉંમરે શૈલેન્દ્રનું મૃત્યુ થયું હતું.

એ પણ રસપ્રદ સંજોગ છે કે શૈલેન્દ્રનું નિધન એ જ દિવસે થયું જે દિવસે રાજ કપૂરનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. રાજ કપૂરે નૉર્થકોટ નર્સિંગ હોમમાં પોતાના મિત્રના નિધન બાદ કહ્યું હતું, "મારા મિત્રે જાણે ક્યો દિવસ પસંદ કર્યો. કોઈનો જન્મ, કોઈનું મરણ. કવિ હતો ને, આ વાતને સારી રીતે જાણતો હતો."

શૈલેન્દ્ર તો ચાલ્યા ગયા પરંતુ ભારતીય ફિલ્મોને આપતા ગયા 800 ગીતો. જે હંમેશા તેમની યાદ અપાવવા હાજર છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન