મર્લે ઓબેરૉન : હૉલીવૂડનાં એ જાણીતાં અભિનેત્રી જેમણે આખું જીવન પોતાની ભારતીય ઓળખ છુપાવી

હોલીવૂડની ક્લાસિક ફિલ્મોમાં સામેલ 'વુધરિંગ હાઇટ્સ'નાં લીડ અભિનેત્રી તરીકે કામ કરીને જાણીતાં થયેલાં મર્લે ઓબેરૉન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હોલીવૂડની ક્લાસિક ફિલ્મોમાં સામેલ 'વુધરિંગ હાઇટ્સ'નાં લીડ અભિનેત્રી તરીકે કામ કરીને જાણીતાં થયેલાં મર્લે ઓબેરૉન
    • લેેખક, મેરેલ સેબસ્ટિયન
    • પદ, બીબીસી ન્યૂઝ
લાઇન
  • મર્લે ઓબેરૉનનો જન્મ એસ્ટેલે મર્લે ઓબરાયન થૉમ્પસન તરીકે બૉમ્બેમાં 1911માં થયો હતો.
  • તેમનાં માતા સિંહલી (શ્રીલંકાનાં) અને માઓરી (મૂળરૂપે ન્યૂઝીલૅન્ડનો સમુદાય) હતાં. તેમના પિતા બ્રિટિશ હતા.
  • 1935માં તેમને 'ધ ડાર્ક ગલ' ફિલ્મની ભૂમિકા માટે ઑસ્કર પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યાં હતાં.
  • 1937માં એક કાર દુર્ઘટનામાં ઓબેરૉન ઘાયલ થઈ ગયાં હતાં અને તેમનો ચહેરો સળગી ગયો હતો.
  • જોકે જીવનભેર કેવી રીતે તેઓ પોતાનો ભારત સાથેનો સંબંધ છુપાવતાં રહ્યાં? વાંચો સમગ્ર અહેવાલ
લાઇન

હૉલીવૂડની ક્લાસિક ફિલ્મોમાં સામેલ 'વુધરિંગ હાઇટ્સ'નાં લીડ અભિનેત્રી તરીકે કામ કરીને જાણીતાં થયેલાં મર્લે ઓબેરૉન મૂળ ઍંગ્લો-ઇન્ડિયન હતાં. તેમનો જન્મ તત્કાલીન બૉમ્બેમાં 1911માં થયો હતો. પરંતુ હોલીવૂડમાં પોતાના સોનેરીકાળમાં તેમણે પોતાની પૃષ્ઠભૂમિને જગજાહેર થવા દીધી ન હતી. તેઓ પોતાને શ્વેત જ ગણાવતાં રહ્યાં.

અમેરિકાસ્થિત લેખક મયૂખ સેને 2009માં એ ધ્યાન આપ્યું કે ઓબેરૉન દક્ષિણ એશિયાઈ મૂળનાં પહેલાં અભિનેત્રી હતાં જેમને ઑસ્કર માટે નૉમિનેટ કરવામાં આવ્યાં હતાં.

ત્યારબાદ મયૂખ સેનનો રસ તેમની ફિલ્મો અને તેમના ભૂતકાળમાં વધતો ગયો.

તેઓ જણાવે છે, "સમલૈંગિક તરીકે હું એ ભાવને સમજી શકું છું જ્યાં તમે વિપરીત પરિસ્થિતિઓ અને શત્રુતા ભરેલા માહોલમાં પોતાનું અસ્તિત્વ બચાવવા માટે પોતાની ઓળખનો કેટલોક ભાગ છુપાવી લો છો. કેમ કે લોકો તમને એ ઓળખ સાથે સ્વીકારતા નથી."

મયૂખ સેન હવે દક્ષિણ એશિયાઈ દૃષ્ટિકોણથી ઓબેરૉનની કહાણીને દુનિયાની સામે લાવવા તેમના જીવનચરિત્ર પર કામ કરી રહ્યા છે.

મર્લે ઓબેરૉનનો જન્મ એસ્ટેલે મર્લે ઓબરાયન થૉમ્પસન તરીકે બૉમ્બેમાં 1911માં થયો હતો. તેમનાં માતા સિંહલી (શ્રીલંકાનાં) અને માઓરી (મૂળરૂપે ન્યૂઝીલૅન્ડનો સમુદાય) હતાં. તેમના પિતા બ્રિટિશ હતા.

મર્લેના પિતાનું નિધન 1914માં થયું હતું, ત્યારબાદ તેમનો પરિવાર 1917માં કોલકાતા જતો રહ્યો હતો. કલકતા એમેચ્યોર થિએટેરિકલ સોસાયટીમાંથી તેમણે 1920માં અભિનયના પાઠ ભણવાનું શરૂ કર્યું.

line

પહેલી ફિલ્મ જોઈને જ અભિનયનું ભૂત વળગ્યું

ફિલ્મનિર્માતા સર ઍલેક્ઝેન્ડર કોર્ડા મર્લે ઓબેરૉનના પ્રથમ પતિ હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફિલ્મનિર્માતા સર ઍલેક્ઝેન્ડર કોર્ડા મર્લે ઓબેરૉનના પ્રથમ પતિ હતા

1925માં મર્લેએ પોતાના જીવનની પહેલી ફિલ્મ જોઈ હતી. આ એક મૂક ફિલ્મ હતી 'ધ ડાર્ક ઍંગલ'. સેનના પ્રમાણે આ ફિલ્મમાં વિલ્મા બૈંકીના અભિનયને જોઈને મર્લેએ અભિનેત્રી બનવા વિશે વિચાર શરૂ કર્યો.

સેનાના એક કર્નલે તેમનો પરિચય ફ્રાંસિસી નિદેશક રેક્સ ઇંગ્રામ સાથે કરાવ્યો. ત્યાર બાદ 1928માં તેઓ ફ્રાન્સ પહોંચ્યાં હતાં. રેક્સે તેમને પોતાની ફિલ્મોમાં નાના મોટા રોલ આપ્યા હતા.

ઓબેરૉનનાં માતા શાર્લટ સેલબાય અશ્વેત મહિલા હતાં, તેઓ તેમનાં મેઇડ તરીકે તેમની સાથે ફ્રાન્સ ગયાં હતાં.

2014માં બનેલી એક ડૉક્યુમૅન્ટ્રી 'ધ ટ્રબલ વિધ મર્લે'થી ખબર પડે છે કે સેલબાય તેમનાં માતા નહીં પણ તેમનાં નાની હતાં. સેલબાયની દીકરી કાંસ્ટેંસે ઓબેરૉનને તરુણાવસ્થામાં જન્મ આપ્યો હતો. સેલબાયે થોડાં વર્ષો સુધી બંનેને બહેન તરીકે મોટાં કર્યાં હતાં.

મર્લેને પહેલી મોટી ફિલ્મ સર ઍલેક્ઝેન્ડર કોર્ડાએ આપી હતી. કોર્ડા સાથે મર્લેએ પછી લગ્ન કર્યાં હતાં. તેમને 1933માં રજૂ થયેલી ફિલ્મ 'ધ પ્રાઇવેટ લાઇફ ઑફ હેનરી VIII'માં એન બોલેનના રૂપમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.

કોર્ડાની પબ્લિસિટી ટીમે મર્લેની પૃષ્ઠભૂમિને લઈને નવી કહાણી બનાવી હતી. ધ ટ્રબલ વિધ મર્લે ડૉક્યુમૅન્ટ્રીનાં નિદેશિકા મારી ડેલોફસ્કીએ પોતાની નોટમાં લખ્યું છે, "મર્લેનું જન્મસ્થળ તસ્માનિયા જણાવવામાં આવ્યું હતું કેમ કે તે અમેરિકા અને યુરોપથી ઘણું દૂર હતું અને મૂળ રૂપે બ્રિટિશ વિસ્તાર જ માનવામાં આવતું હતું."

line

મર્લેની નકલી ઓળખ

વુધરિંગ હાઇટ્સફિલ્મમાં તેઓ મહાન અભિનેતા લૉરેન્સ ઓલિવિયર સામે લીડ રોલમાં હતાં

ઇમેજ સ્રોત, ARCHIVE PHOTOS

ઇમેજ કૅપ્શન, વુધરિંગ હાઇટ્સફિલ્મમાં તેઓ મહાન અભિનેતા લૉરેન્સ ઓલિવિયર સામે તેઓ લીડ રોલમાં હતાં

ડેલોફસ્કીના જણાવ્યા પ્રમાણે મર્લે વિશે એ પ્રચારિત કરવામાં આવ્યું કે તેઓ એક ઉચ્ચ વર્ગનાં છોકરી છે જેમના પિતાનું મૃત્યુ શિકાર કરતી વખતે થયું હતું અને ત્યાર બાદ તેઓ હોબાર્ટથી ભારત આવી ગયાં હતાં.

મર્લે ઓબેરૉનનું નામ જલદી તસ્માનિયા સુધી પહોંચી ગયું અને તેમની કારકિર્દીના અંત સુધી ઑસ્ટ્રેલિયાનું મીડિયા તેમને ગર્વ અને ઉત્સુકતા સાથે કવર કરતું હતું. તેમણે પણ ઘણી વખત તસ્માનિયાને પોતાનું હોમ ટાઉન ગણાવ્યું હતું, તેઓ કલકત્તા(હાલનું કોલકાતા)નું નામ ક્યારેક જ લેતાં હતાં.

પરંતુ કલકત્તા મર્લેને યાદ કરતું રહ્યું. વરિષ્ઠ પત્રકાર સુનંદા કે દત્તા જણાવે છે, "1920 અને 1930ના દાયકામાં ઘણા અંગ્રેજોના મેમૉયરમાં તેમનો ઉલ્લેખ થતો આવ્યો છે. લોકો દાવો કરતા હતા કે તેમનો જન્મ કલકત્તામાં થયો હતો. તેઓ ટેલિફોન ઍક્સચેન્જમાં ઑપરેટર હતાં અને તેમણે ફિરપો રેસ્ટોરાંમાં એક પ્રતિયોગિતા જીતી હતી."

જ્યારે મર્લેને હૉલીવૂડની ફિલ્મોમાં વધારે કામ મળવા લાગ્યું તો તેઓ અમેરિકા જતાં રહ્યાં.

1935માં તેમને 'ધ ડાર્ક ગલ' ફિલ્મની ભૂમિકા માટે ઑસ્કર પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યાં હતાં.

પરંતુ ઇન્ડસ્ટ્રીમાં તેમનો સિક્કો 1939માં રિલીઝ થયેલી વુધરિંગ હાઇટ્સથી ચાલ્યો. આ ફિલ્મમાં તેઓ મહાન અભિનેતા લૉરેન્સ ઓલિવિયર સામે લીડ રોલમાં હતાં.

સેન પ્રમાણે તેમને અન્ય એક અભિનેત્રી વિવિયન લેના સ્થાને આ ફિલ્મમાં પસંદ કરવામાં આવ્યાં હતાં. વિવિયનનો જન્મ પણ ભારતમાં જ થયો હતો. સેનના પ્રમાણે મર્લે ખૂબ મોટું નામ બની ચૂક્યાં હતાં, એટલે તેમને એ ભૂમિકા મળી.

આ ફિલ્મની ન્યૂયૉર્ક ટાઇમ્સમાં છપાયેલી સમીક્ષા મુજબ મર્લેએ આ રોલ સાથે પૂર્ણરૂપે ન્યાય કર્યો હતો.

line

શ્વેત દેખાવાનો પ્રયાસ

1930 આવતાં-આવતાં મર્લે હોલીવૂડનાં મોટા સ્ટાર બની ચૂક્યાં હતાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1930 આવતાં-આવતાં મર્લે હોલીવૂડનાં મોટા સ્ટાર બની ચૂક્યાં હતાં

મયૂખ સેન પ્રમાણે 1930 આવતાં-આવતાં મર્લે હૉલીવૂડનાં મોટાં સ્ટાર બની ચૂક્યાં હતાં. તેમના નજીકના લોકોમાં તે સમયે મોટી સંગીતકાર કોલે પોર્ટર અને પટકથા લેખક નોએલ કોવાર્ડ સામેલ હતા.

સેન પ્રમાણે કોર્ડા અને જાણીતા પ્રોડ્યૂસર સેમુઅલ ગોલડાયને ઓબેરૉનને પશ્ચિમી રંગમાં ઢાળવામાં ખૂબ મદદ કરી હતી, તેમના ઉચ્ચારણને સુધાર્યું, જેના પગલે તેમની અંદર દક્ષિણ એશિયાઈ મૂળની કોઈ વાત જોવા મળતી ન હતી.

આ સિવાય ઓબેરૉનની પોતાની એક ખાસિયત પણ હતી. તેમની ત્વચા હળવા રંગની હતી, જેને પડદા પર ગોરી બનાવવી ખૂબ સહેલી હતી.

સેન કહે છે, "ત્યાર બાદ પણ તેમને મિશ્રિત જાતિને વાતને દબાવવાની જરૂરિયાતનો અનુભવ થતો હતો. તે સમયના ફિલ્મ પત્રકાર તેમની ત્વચા વિશે લખતા હતા."

કેટલીક જગ્યાઓ પર એ દાવો પણ કરવામાં આવ્યો કે ત્વચાને ગોરી બનાવવા અને બ્લીચિંગ કરાવવાના પગલે તેમની ત્વચાને ઘણું નુકસાન પણ થયું હતું.

1937માં એક કાર દુર્ઘટનામાં ઓબેરૉન ઘાયલ થઈ ગયાં હતાં અને તેમનો ચહેરો સળગી ગયો હતો. ત્યાર બાદ સિનેમેટોગ્રાફર લુસિયન બાલાર્ડે એક એવી ટેકનિક વિકસાવી જેનાથી તેમના ચહેરાનો દોષ છુપાઈ જતો હતો. ઓબેરૉને કોર્ડાને તલાક આપીને બાલાર્ડ સાથે 1945માં લગ્ન કરી લીધાં હતાં.

સેન જણાવે છે, "એવા સંકેત પણ મળે છે કે બાલાર્ડની ટેકનિક પણ મર્લેના ચહેરાને ગોરો બનાવવાની ટેકનિક હતી."

ઓબેરૉનના ભત્રીજા માઇકલ કોર્ડાએ 1979માં પારિવારિક સંસ્મરણનું પુસ્તક ચાર્મ્ડ લાઇવ્સ લખ્યું હતું. તેમણે ત્યારે કહ્યું હતું કે મર્લેએ તેમને તેમનાં અસલી નામ અને જન્મસ્થળ વિશે લખવા પર કેસ કરવાની ધમકી આપી હતી. એટલે તેમણે એ ભાગ સંસ્મરણમાંથી હઠાવી દીધો હતો.

તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "મને લાગ્યું હતું કે ઘણો સમય પસાર થઈ ચૂક્યો છે પરંતુ તેઓ પોતાના અતીત મામલે હજુ સુધી સંવેદનશીલ બનેલાં હતાં."

line

ઓળખ છુપાવવી અઘરી સાબિત થઈ

મર્લે ઓબેરૉન 1933માં પ્રદર્શિત થયેલ ફિલ્મ 'ધ પ્રાઇવેટ લાઇફ ઑફ હેનરી 8th'માં એની બોલેયની ભૂમિકામાં હતાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મર્લે ઓબેરૉન 1933માં પ્રદર્શિત થયેલ ફિલ્મ 'ધ પ્રાઇવેટ લાઇફ ઑફ હેનરી 8th'માં એની બોલેયની ભૂમિકામાં હતાં

પરંતુ રહસ્યને કાયમ જાળવી રાખવું અઘરું બની જાય છે. 1965માં મર્લેએ પોતાનો ઑસ્ટ્રેલિયા પ્રવાસ નાનો કર્યો હતો અને સાર્વજનિક આયોજનોને રદ કર્યાં હતાં કેમ કે સ્થાનિક પત્રકાર તેમને તેમની પૃષ્ઠભૂમિ વિશે સવાલ-જવાબ કરી શકતા હતા.

ઘણા રિપોર્ટોમાં એવું પણ કહેવામાં આવ્યું કે 1978માં પોતાની અંતિમ તસ્માનિયાઈ યાત્રા દરમિયાન તેઓ ખૂબ ચિંતિત હતાં કેમ કે તેમની ઓળખ મામલે સવાલ થઈ રહ્યા હતા.

તેમણે સાર્વજનિક રૂપે સત્યનો ક્યારેય સ્વીકાર કર્યો ન હતો. સ્ટ્રોકના કારણે તેમનું 1979માં નિધન થયું હતું પરંતુ દુનિયાની સામે આ રહસ્ય પરથી પડદો 1983માં ઊઠ્યો જ્યારે તેમની એક જીવનકથા પ્રકાશિત થઈ હતી.

'પ્રિન્સેસ મર્લે : ધ રૉમેન્ટિક લાઇફ ઑફ મર્લે ઓબેરૉન'ના લેખકોએ બૉમ્બેથી તેમનાં જન્મસંબંધિત પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યાં હતાં, તેમની ધાર્મિક દીક્ષાસંબંધિત પ્રમાણપત્ર, ભારતીય સંબંધીઓ સાથે પત્ર અને તસવીરોને પણ આ પુસ્તકમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.

જોકે, સેનને આશા છે કે તેઓ પોતાના પુસ્તકના માધ્યમથી એ દબાણને સામે લાવશે જેનો સામનો દક્ષિણ એશિયાઈ મહિલા તરીકે મર્લેએ કરવો પડ્યો હતો.

તેમનું કહેવું છે, "આ સંઘર્ષ સહેલો હોતો નથી. તેમના સંઘર્ષને જાણ્યા બાદ તેમને જજ કરવાના બદલે તેમના પ્રત્યે સન્માન અને સહાનુભૂતિનો ભાવ વધે છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ