અમદાવાદ : અંગ્રેજીમાં 'ઢ' વિદ્યાર્થીઓને IELTS વગર વિદેશ મોકલવાનું કૌભાંડ કઈ રીતે ઝડપાયું?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે

- અમદાવાદમાં IELTS પાસ કરાવ્યા વગર નકલી માર્કશીટને આધારે વિદ્યાર્થીઓને બ્રિટન મોકલવાનું કૌભાંડ ઝડપાયું
- કૌભાંડમાં અંગ્રેજી ન બરોબર ન આવડતું હોય તેવા વિદ્યાર્થીઓની માર્કશીટ સાથે ચેડાં કરીને બ્રિટનની યુનિવર્સિટીઓમાં મોકલવામાં આવતા હતા
- સમગ્ર કૌભાંડ કેવી રીતે આચરાતું અને પોલીસે કઈ રીતે તે સામે લાવ્યું? જાણવા માટે વાંચો સમગ્ર અહેવાલ

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ સંસ્થા 'યુનિવર્લ્ડ'માં યુવાનોને વિદેશ મોકલવા માટે તૈયારી કરાવવામાં આવતી હોવાનું કહેવાતું. અમુક દિવસ પહેલાં આ સંસ્થાની મુલાકાત લેનાર વ્યક્તિ એની ભવ્યતા જોઈને ચોક્કસથી ચોંકી જાય તેમ હતું.પરંતુ હવે ત્યાં તાળાં છે.
પોલીસના મતે આ સંસ્થામાં નકલી માર્કશીટ બનાવીને IELTSની પરીક્ષા આપ્યા વગર જ વિદ્યાર્થીઓને બ્રિટન મોકલવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું. પોલીસે દરોડા પાડ્યા અને સંસ્થાના સંચાલક મનીષ ઝવેરી તથા સાથીદારોની ધરપકડ કરી છે.
આ પહેલાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ સંસ્થામાં વિદ્યાર્થીઓની માર્કશીટ સાથે ચેડાં કરીને લાખો રૂપિયા પડાવી, વિદેશ મોકલવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
સમગ્ર કૌભાંડ કેવી રીતે ચલાવાતું હતું તે જાણવા માટે આ કેસ સાથે સંબંધિત પક્ષકારો સાથે વાતચીત કરી હતી.

કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યું?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
'યુનિવર્લ્ડ'ના સંચાલક મનીષ ઝવેરી અગાઉ કન્સલ્ટન્ટ હતા. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર વધારે પૈસા કમાવવાની લાલચ જાગી અને તેમણે પાલડી ખાતે 'યુનિવર્લ્ડ ક્લાસિસ'ની શરૂઆત કરી.
પોતાના આ કામમાં તેમણે તેમના એક પરિચિત નીરવ વખારિયાને પણ સમાવી લીધા અને બંને સાથીદાર તરીકે કામ કરવા લાગ્યા.
પોલીસના મતે સૂટબૂટમાં રહેતા નીરવ વખારિયા દેખાડો કરવા પૂરતા અહીં વિઝા કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મનીષ ઝવેરી અને નીરવ વખારિયાએ કન્સલ્ટન્સીનું કામ સારી રીતે ચલાવવા માટે ટ્વિંકલ ગાંધી, અપૂર્વા જૈન અને વિધિ પરમાર નામની ત્રણ યુવતીઓને કન્સલ્ટન્ટ તરીકે નોકરીએ રાખી હતી.
આ સિવાય 40 વર્ષીય મહિલા રાજવી શાહને પણ સિનિયર કન્સલ્ટન્ટ તરીકે સંસ્થા સાથે જોડવામાં આવ્યાં.
મનીષ ઝવેરી 100% બ્રિટન ભણવા મોકલવાની ગૅરંટી આપી, ભણાવવાના ત્રણ લાખ રૂપિયા અને વિઝા અપાવવાના સવા બે લાખ લેતા હતા.
જ્યારે ત્રણેય યુવાન કન્સલ્ટન્ટ છોકરીઓ કડકડાટ અંગ્રેજીમાં ક્લાસનાં ગુણગાન ગાતી અને અત્યાર સુધી અનેક વિદ્યાર્થીઓને વિદેશ મોકલ્યા હોવાની વાતો કરી વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતી લેતી.
તે બાદ વધુ કોચિંગ માટે મનીષ ઝવેરી અને નીરવ વખારિયા પાસે મોકલતી હતી.

કેવી રીતે આચરાતું કૌભાંડ?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આ આખાય કૌભાંડની તપાસ કરી રહેલા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જે. રાજપૂતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ ક્લાસમાં બનાવટી દસ્તાવેજોને આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. એમાં સૌરાષ્ટ્રનાં છોકરા-છોકરીઓને વિદેશ મોકલવામાં આવતા હતા."
તેઓ આગળ વાત કરતાં કહે છે કે, "આ બાતમીને આધારે અમારી એક ટીમ સાદાં કપડાંમાં યુનિવર્લ્ડ નામની કંપનીમાં દરોડો પાડવા ગઈ હતી. "
" અમારી ટીમે તરત જ સર્ચ ઑપરેશન હાથ ધર્યું તો અમને 31 માર્કશીટ મળી આવી. જેમાં સિફતપૂર્વક ગુણ વધારી વિદેશ મોકલવાનું કામ ચાલતું હતું."
તપાસાધિકારી સમગ્ર કૌભાંડની પ્રક્રિયા સમજાવતાં જણાવે છે કે, "દરોડા દરમિયાન જ્યારે મનીષ ઝવેરીની કૅબિનમાં દરોડો પાડ્યો તો ત્યાંથી 32 વિદ્યાર્થીઓની માર્કશીટ મળી આવી હતી. જેમાંથી મોટા ભાગના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા."
" આ માર્કશીટમાં ઑરિજિનલ માર્કશીટનો હોલમાર્ક સેલોટેપથી કાઢી નાખતા હતા અને બાદમાં માર્કશીટમાં 37 માર્ક હોય તો એને 73 કરી દેતા. એ રીતે બ્રિટનમાં વિઝા અપાવવા માટે અરજી કરતા."
" સામાન્ય રીતે હાયર લેવલ ઇંગ્લિશની પરીક્ષામાં 72% થી વધુ ગુણ લાવનાર અને લૉઅર લેવલ અંગ્રેજીમાં 81% થી વધુ ગુણ લાવનાર વિદ્યાર્થીઓને અમુક દેશમાં ભણવાના વિઝા IELTSની પરીક્ષા આપ્યા વગર મળી જાય છે. બસ આ જ જોગવાઈનો લાભ તેઓ ઉઠાવી રહ્યા હતા."
તેઓ આરોપીઓ દ્વારા ગુનો આચરવા માટે હાથ ધરાયેલી પ્રક્રિયા અંગે વધુ વાત કરતાં કહે છે કે, "અસલી માર્કશીટમાં માર્ક બદલી એના પર હોલમાર્ક લગાવી એની કલર ઝેરોક્સ કાઢીને વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ માટે એની સૉફ્ટ કૉપી મોકલી આપતા હતા. "
"આ સમયે એ લોકો એક વાતનું ખાસ ધ્યાન રાખતા હતા કે જે વિદ્યાર્થીઓ હોશિયાર હોય એમની સાથે જ આ નકલી માર્કશીટ મોકલતા હતા. "
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
"વિદેશની યુનિવર્સિટી માં ઑરિજિનલ માર્કશીટ જેવી દેખાતી આ નકલી માર્કશીટના આધારે નકલી માર્કશીટવાળાને પણ પ્રવેશ મળી જતો અને વિદ્યાર્થીઓને પરદેશ મોકલવામાં આવતા હતા. "
"જો આવી માર્કશીટની બારીકાઈથી તપાસ ન કરાય તો તે નકલી છે તે જાણવું મુશ્કેલ બની જાય."
રાજપૂતે સમગ્ર ઘટના અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, "અમે રેડ પાડી ત્યારે એક અદ્યતન કૉમ્પ્યુટર, પૈસા ગણવાનું મશીન અને કલર ઝેરોક્સ કાઢવાનું અદ્યતન મશીન મળી આવ્યું. તેમજ 23.75 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા. "
"અમે કડકાઈથી પૂછપરછ કરી તો એમણે કબૂલ કર્યું કે તેઓ આ કૌભાંડ ચલાવતા હતા. આ આખાય કૌભાંડમાં મનીષ ઝવેરી, નીરવ વખારિયા અને જિતેન્દ્ર ભરવાડની ધરપકડ કરી છે. જયારે એમનાં કાઉન્સિલરોની કોઈ ભૂમિકા નહીં જણાતાં એમની ધરપકડ કરવામાં આવી નથી."
એલિસબ્રિજ પોલીસે કોર્ટમાં રિમાન્ડ માટે કરેલી મૌખિક દલીલમાં કહ્યું હતું કે, "મનીષ ઝવેરી સારા ઍકાઉન્ટન્ટ છે અને નીરવ વખારિયા પહેલાં અમદાવાદના ઘાટલોડિયાની એક વિઝા કન્સલ્ટિંગ કંપનીમાં કામ કરી ચૂક્યા છે, એમના અનુભવના આધારે મનીષ ઝવેરીએ આ સંસ્થા શરૂ કરી હતી. "
"મનીષ અને એમના પટાવાળા જિતુ ભરવાડને નકલી માર્કશીટ બનાવતા આવડતી હતી. એ માર્કશીટ બનાવતા અને નીરવ વખારિયા એના આધારે વિદેશની યુનિવર્સીટીમાં અરજી કરી ગેરકાયદેસર રીતે વિદ્યાર્થીઓને વિદેશ મોકલતા. અત્યાર સુધીમાં 51 વિદ્યાર્થીઓને આ લોકો પરદેશ મોકલી ચૂક્યા છે."
અમદાવાદમાં કારકિર્દીઘડતરના ક્લાસ ચલાવતાં પ્રફુલ ગઢવીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આવાં કૌભાંડો વિશે વાત કરતાં કહ્યું કે, "કેટલાક લોકો ગેરકાયદે વિદેશ મોકલવા માટે IELTS પરીક્ષા વર્ષમાં ચાર વખત યોજે છે. કેટલાક સંચાલકો દ્વારા અંતરિયાળ વિસ્તારમાં થ્રી-સ્ટાર હોટલમાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ગોઠવાય છે. આ પરીક્ષાઓ ઓનલાઇન લેવાય છે. પરીક્ષા સમયે હોશિયાર વિદ્યાર્થીઓને ડમી વિદ્યાર્થી તરીકે બાજુમાં બેસાડીને પરીક્ષા અપાવી સારા ગુણ અપાવવાનો કૌભાંડ આચરવામાં આવે છે."
"IELTSની પરીક્ષા પાસ કરાવવાના પૈસા વધુ હોય છે. જયારે વિદેશની કેટલીક યુનિવર્સિટી એવી છે કે જ્યાં અંગ્રેજીમાં 81% થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને IELTSની પરીક્ષા આપવાની જરૂર નથી હોતી. આવા લોકો એકસાથે 15થી 18 વિદ્યાર્થીઓના ઍડમિશન માટે અરજી કરે છે, જેમાં દસ માર્કશીટ સાચી હોય છે અને બાકીની બનાવટી માર્કશીટ હોય છે, આ ધંધો થોડાં વર્ષોમાં વધ્યો છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2












