અમદાવાદના રિક્ષાવાળા, જેમની રિક્ષામાં બેઠા વગર લોકો આપે છે પૈસા, પણ કેમ?

રોજ સવારે મોંસૂઝણું થાય એટલે સફેદ કપડાં અને સફેદ જૂતાંમાં ગફારભાઈ ચા-નાસ્તો કરી ઘરેથી રિક્ષા લઈને નીકળી પડે છે

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, રોજ સવારે મોંસૂઝણું થાય એટલે સફેદ કપડાં અને સફેદ જૂતાંમાં ગફારભાઈ ચા-નાસ્તો કરી ઘરેથી રિક્ષા લઈને નીકળી પડે છે
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • ગફારભાઈ મિયાણા કહે છે કે ત્રીજું બાળક મારી પત્નીના ગર્ભમાં હતું ત્યારે 2001ના ભૂકંપમાં ગભરાટમાં ઘર બહાર નીકળતાં પત્ની પડી ગઈ. ગર્ભમાં બાળક મરી ગયું હતું. ત્રણ મહિનામાં મારી પત્ની પણ ગુજરી ગઈ.
  • થોડા જ સમયમાં મારાં માતા-પિતાનું પણ અવસાન થયું. 2002નાં કોમી રમખાણોમાં તોફાનીઓએ દુકાન લૂંટી અને સળગાવી દીધી. 12 લાખનું નુકસાન થયું. ગુજરાન ચલાવવા હું રિક્ષા ચલાવતો હતો.
  • તો પછી એવી કેવી સ્થિતિ આવી કે ગફારભાઈએ માત્ર દર્દીઓ માટે અને તે પણ મફત રિક્ષા ચલાવવાનો નિર્ણય લીધો. વાંચો આ અહેવાલ...
લાઇન

સામાન્ય રીતે એવું માની ન શકાય કે રિક્ષામાં બેસ્યા વગર એમ જ કોઈ પૈસા આપે. પરંતુ અમદાવાદના કોટ વિસ્તારમાં સફેદ વસ્ત્રો, સફેદ જૂતાં અને સફેદ દાઢી ધારણ કરેલા રિક્ષા ડ્રાઈવરને લોકો ખુશી ખુશી ઊભા રાખીને પૈસા આપે છે.

વાત છે અમદાવાદના રિક્ષાવાળા ગફાર મિયાણાની.

શાહીબાગમાં રહેતા ગફાર મિયાણા વર્ષ 2002થી રિક્ષા ચલાવે છે. રોજ મોંસૂઝણું થાય એટલે સફેદ કપડાં અને સફેદ જૂતાંમાં ગફારભાઈ ચા-નાસ્તો કરી ઘરેથી રિક્ષા લઈને નીકળી પડે છે.

પેસેન્જર્સને તેમના ગંતવ્ય સ્થાને ઉતારે છે. રિક્ષામાં મિટર લગાવેલું છે પરંતુ તેઓ મિટર સામે નથી જોતા અને પેસેન્જરને કહે છે કે જે પૈસા આપવા હોય એ આપો. પેસેન્જર જે પૈસા આપે એ ગણ્યા વિના ખિસ્સામાં મૂકી દે છે અને રિક્ષા આગળ હંકારી જાય છે.

રસ્તામાં કોઈનો ફોન આવે કે ગરીબ દર્દીને હૉસ્પિટલ લઇ જવાનો છે, તો એ દર્દીને પ્રાથમિકતા આપતા પેસેન્જરને ઉતારીને દર્દીને લેવા ઊપડી જાય છે.

line

વેપારીથી રિક્ષા ચલાવવા સુધી

શાહીબાગમાં રહેતા ગફાર મિયાણા વર્ષ 2002થી રિક્ષા ચલાવે છે.

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, શાહીબાગમાં રહેતા ગફાર મિયાણા વર્ષ 2002થી રિક્ષા ચલાવે છે.

ગફાર મિયાણા પેસેન્જર જે પૈસા આપે તે લઈ લે છે, દર્દીઓને મફત હૉસ્પિટલ પહોંચાડે છે. આવું કેમ કરે છે?

તેઓ કહે છે, "હું બહુ ભણેલો નથી. પહેલા પોતાના બાપ-દાદાની કરિયાણાની દુકાન ચલાવતો હતો. નાની વયે મારાં લગ્ન થઈ ગયાં હતાં. મારે બે બાળક હતાં. ત્રીજું બાળક મારી પત્નીના ગર્ભમાં હતું ત્યારે 2001ના ભૂકંપમાં ગભરાટમાં ઘર બહાર નીકળતા પત્ની પડી ગઈ. ગર્ભમાં બાળક મરી ગયું હતું."

"ત્રણ મહિનામાં મારી પત્ની પણ ગુજરી ગઈ. થોડા જ સમયમાં મારાં માતા-પિતાનું પણ અવસાન થયું. હું બે બાળકને સાચવતો અને દુકાન પણ સંભાળતો."

હજુ ગફારભાઈને તેમનાં પત્ની અને માતા-પિતાના મોતની કળ વળે એ પહેલાં નવી આફત આવી.

ગફાર કહે છે, "2002નાં કોમી રમખાણોમાં તોફાનીઓએ દુકાન લૂંટી અને સળગાવી દીધી. 12 લાખનું નુકસાન થયું. ગુજરાન ચલાવવા હું રિક્ષા ચલાવતો હતો."

"એક દિવસ એક આદિવાસી મજૂર મારી રિક્ષામાં એની સગર્ભા પત્નીને લઈને દવાખાને જઈ રહ્યો હતો. એ ભાડું આપીને દવાખાનામાં ગયો અને દવાખાના બહાર બીજા ભાડાની રાહ જોઈ રહ્યો હતો. થોડી વારમાં મેં જોયું તો એ આદિવાસી દવાની દુકાને ગયો હતો, પરંતુ દવા લીધા વગર જ પાછો ફર્યો. મેં દવા નહીં લેવાનું કારણ પૂછ્યું તો મને કહ્યું કે દવામાં 25 રૂપિયા ઓછા પડ્યા."

"મેં એમની પાસેથી જે ભાડાના પૈસા લીધા હતા એ પાછા આપી દીધા. એ દિવસથી મેં નક્કી કર્યું કે હું ગરીબ દર્દીઓને મફત દવાખાને લઈ જઈશ."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

ગફાર મિયાણાએ ફરી દુકાન ચાલુ કરી. પુનર્લગ્ન કર્યાં. તેઓ રાત્રે રિક્ષા અને દિવસે દુકાન ચલાવતા. રિક્ષાની જે આવક થાય એ પૈસા બાજુ પર રાખતા અને ગરીબ દર્દીઓને દવા માટે પૈસા ખૂટતા હોય તો એમાંથી આપતા.

ગફારનું મન સેવામાં એટલું પરોવાઈ ગયું કે સારી ચાલતી દુકાન એમણે ભાડે આપી દીધી. ગફાર કહે છે, "દુકાનના ભાડામાંથી ઘરખર્ચ નીકળી જતો એટલે વધુ કમાવાની ચિંતા નહોતી. મેં મારી રિક્ષા પર બોર્ડ લગાવ્યું કે ગરીબ દર્દીઓ માટે મફતસેવા."

તેઓ ઉમેરે છે, "હું રિક્ષા સરકારી હૉસ્પિટલની આસપાસ ચલાવું છું જેથી દર્દીઓની સેવા કરી શકું. દર્દી ન હોય તે ખાલી સમયમાં કોઈ પેસેન્જર બેસાડ્યા હોય તો તેમની પાસેથી ભાડું માગતો નથી. એ સમયે કોઈ દર્દીનો ફોન આવે તો પેસેન્જરની માફી માગીને તેમને ત્યાં જ ઉતારીને દર્દીની સેવામાં જતો રહું છું."

"રિક્ષાના ઈંધણના પૈસા કાઢી નફાના પૈસા દર્દીની સેવા માટે અલગ રાખું છું. કોઈને દવાના પૈસા આપું છું, તો કોઈને ટિફિન લઈ આપું છું.

ગફારભાઈની સેવાભાવનાને લીધે લોકો તેમને સેવા માટે પૈસા પણ આપે છે

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, ગફારભાઈની સેવાભાવનાને લીધે લોકો તેમને સેવા માટે પૈસા પણ આપે છે

બીબીસી સાથેની મુલાકાત દરમિયાન જ એક ફોન આવતા વાત પડતી મૂકીને ગફાર દર્દીને લેવા પહોંચી ગયા. ગૅરેજ મિકેનિક જશવંત ચૌહાણને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો.

જશવંત ચૌહાણ બીબીસી સાથે વાત કરતા કહે છે, "અમારા કોટ વિસ્તારમાં રસ્તા સાંકડા હોવાથી એમ્બ્યુલન્સને આવતા વાર લાગે અને ગફારભાઈની રિક્ષા અમને ઝડપથી દવાખાને પહોંચાડી દે છે."

ગફાર મિયાણા અમદાવાદના શાહપુર, શાહીબાગ, ખાનપુર, દાણીલીમડા, જમાલપુર વિસ્તારમાં બહુ જાણીતા છે અને મોટે ભાગે આ વિસ્તારમાં જ રિક્ષા ચલાવે છે.

આ વિસ્તારમાં ગફાર એટલા લોકપ્રિય છે કે લોકો તેમને જોઈને રિક્ષા ઊભી રખાવે છે અને તેમને પૈસા આપે છે.

ગફારભાઈને દર્દીઓ માટે પૈસા આપનાર ફિરોઝ ખાડીવાળા અને રમેશ પરમાર કહે છે, "અમે કોઈને મોટી રકમની સહાય નથી કરી શકતા, પણ ગફારભાઈને 10-20 કે 50-100 રૂપિયા આપીએ છીએ અને એ પૈસાથી ગફારભાઈ ગરીબોને મદદ કરે છે, એનું પુણ્ય અમને મળે છે."

line

"મારા જીવનમાંથી તમામ રંગ જતા રહ્યા"

ગફાર મિયાણા અમદાવાદના શાહપુર, શાહીબાગ, ખાનપુર, દાણીલીમડા, જમાલપુર વિસ્તારમાં બહુ જાણીતા છે અને મોટે ભાગે આ વિસ્તારમાં જ રિક્ષા ચલાવે છે.

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, ગફાર મિયાણા અમદાવાદના શાહપુર, શાહીબાગ, ખાનપુર, દાણીલીમડા, જમાલપુર વિસ્તારમાં બહુ જાણીતા છે અને મોટે ભાગે આ વિસ્તારમાં જ રિક્ષા ચલાવે છે.

હંમેશાં સફેદ લિબાસ અને સફેદ બૂટ પાછળનું કારણ જણાવતા ગફાર કહે છે, "2001થી મારા જીવનના રંગ જતા રહ્યા. પહેલા પત્ની, પછી માતા-પિતા અને છેવટે દુકાન ગઈ પછી જીવનમાં કોઈ રંગ ન રહ્યો, એટલે સફેદ કપડાં પહેરું છું."

નેકીના કામના સંતોષ અંગે વાત કરતા ગફાર કહે છે, "શાહીબાગમાં મારા ઘર આગળથી ફૉરલૅન રોડ નીકળ્યો એમાં મારા ઘરની આગળના મકાન કપાતમાં ગયા અને મારું ઘર રોડ ટચ બની ગયું."

"અડધા તૂટેલા મકાનમાં મેં ત્રણ દુકાન બનાવી દીધી. એના ભાડામાંથી બીજી એક દુકાન ખરીદી. ભાડાની આવકમાંથી જીવું છું અને દર્દીઓની સેવા કરું છું. મારા દર્દી માટેના ડબ્બામાં ક્યારેય પૈસા ખૂટતા નથી."

"મસ્જિદમાં મુફ્તીની રજૂઆતથી લોકો સેવા માટે પૈસા આપે છે. પણ ક્યારેય નથી પૂછતાં કે દર્દી શીખ છે, ઈસાઈ છે, હિન્દુ છે કે મુસલમાન."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન