એ વ્યક્તિ જેણે 20 રૂપિયા માટે રેલવે સામે 22 વર્ષ કોર્ટ કેસ લડીને આખરે જીત મેળવી

તુંગનાથ ચતુર્વેદીએ કેસના સંબંધમાં 120 સુનાવણીમાં હાજરી આપી હતી
ઇમેજ કૅપ્શન, તુંગનાથ ચતુર્વેદીએ કેસના સંબંધમાં 120 સુનાવણીમાં હાજરી આપી હતી
લાઇન
  • ઉત્તર પ્રદેશના તુંગનાથ ચતુર્વેદીએ મથુરાથી મુરાદાબાદની બે ટિકિટ લીધી તો ટિકિટ ક્લાર્કે તેમની પાસેથી 20 રૂપિયા વધારે લીધા હતા
  • તેમણે ક્લાર્કને કહ્યું કે તેમણે વધારે પૈસા લીધા છે, પણ તુંગનાથ ચતુર્વેદીને તે સમયે બાકીના રૂપિયા પરત મળ્યા ન હતા
  • તુંગનાથે નક્કી કર્યું કે તેઓ ઉત્તર પૂર્વ રેલવે (ગોરખપુર) વિરુદ્ધ કેસ ફાઇલ કરશે અને ક્લાર્કને મથુરાની કન્ઝ્યુમર કૉર્ટમાં ઢસડી જશે
લાઇન

ઉત્તર પ્રદેશના તુંગનાથને એક કેસમાં 22 વર્ષે જીત મળી છે, કેસ હતો રેલવેની ટિકિટમાં સામાન્ય કરતાં વધારે ભાવ લેવાનો.

તુંગનાથ ચતુર્વેદી વ્યવસાયે એક વકીલ છે અને 1999માં તેમણે રેલવેની એક ટિકિટ ખરીદી હતી જેના તેમની પાસેથી 20 રૂપિયા વધારે લેવામાં આવ્યા હતા. આ વાત ઉત્તર પ્રદેશના મથુરા રેલવે સ્ટેશનની છે.

ગયા અઠવાડિયે ગ્રાહક કોર્ટે તુંગનાથ ચતુર્વેદીના પક્ષમાં નિર્ણય આપ્યો હતો અને સાથે જ રેલવેને વ્યાજ સાથે રકમ પરત કરવા આદેશ આપ્યો હતો.

66 વર્ષીય ચતુર્વેદી કહે છે, "આ કેસ સાથે સંકળાયેલી 100 જેટલી સુનાવણીમાં હું ગયો છું. આ કેસમાં મેં જે સમય અને ઊર્જા બગાડી તેની કોઈ કિંમત લગાવી શકે તેમ નથી."

ભારતની ગ્રાહક કોર્ટ ગ્રાહકો સાથે જોડાયેલી સેવાઓના કેસને જુએ છે. જોકે, તેમના પર ઘણા બધા કેસનું ભારણ હોવાથી એક સામાન્ય કેસની સુનાવણીમાં પણ વર્ષો લાગી જાય છે.

તુંગનાથ ચતુર્વેદી ઉત્તર પ્રદેશમાં રહે છે અને તેઓ મથુરાથી મુરાદાબાદ જઈ રહ્યા હતા. તે સમયે ટિકિટ લેવા પર ટિકિટ ક્લાર્કે બે ટિકિટ પર તેમની પાસેથી 20 રૂપિયા વધારે લીધા હતા.

એક ટિકિટનો ભાવ 35 રૂપિયા હતો અને તુંગનાથ ચતુર્વેદીએ તેમને 100 રૂપિયા આપ્યા તો ક્લાર્કે 10 જ રૂપિયા પાછા આપ્યા અને ટિકિટના 70ના બદલે 90 લીધા.

તેમણે ક્લાર્કને કહ્યું કે તેમણે વધારે પૈસા લીધા છે, પણ તુંગનાથ ચતુર્વેદીને તે સમયે બાકીના રૂપિયા પરત મળ્યા ન હતા.

line

મામલો પૈસાનો નથી, ભ્રષ્ટ્રાચારનો છે

વીડિયો કૅપ્શન, લાકડીના ટેકે ચાલતા આ પ્રોફેસર દાદીનો ઉત્સાહ જોઈ તમે પણ શરમાઈ જશો

એટલે તેમણે નક્કી કર્યું કે તેઓ ઉત્તર પૂર્વ રેલવે (ગોરખપુર) વિરુદ્ધ કેસ ફાઇલ કરશે અને ક્લાર્કને મથુરાની કન્ઝ્યુમર કૉર્ટમાં ઢસડી જશે.

તુંગનાથ ચતુર્વેદી કહે છે કે ભારતમાં ન્યાયતંત્ર જે ધીમી ગતિએ કામ કરે છે તેના કારણે તેમને વર્ષો લાગ્યાં.

તેઓ કહે છે, "રેલવેએ આ કેસને ટાળવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે રેલવે વિરુદ્ધ જો કોઈ ફરિયાદ હોય તો તેને રેલવે ટ્રિબ્યૂનલ કૉર્ટમાં કરવાની હોય છે, કન્ઝ્યુમયર કૉર્ટમાં નહીં."

"પરંતુ અમે 2021માં સુપ્રીમ કોર્ટે આપેલા એ નિર્ણયનો સહારો લીધો જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આવા કેસની સુનાવણી કન્ઝ્યુમર કોર્ટમાં થઈ શકે છે."

તેમણે ઉમેર્યું કે સુનાવણી ટળ્યે જતી હતી કારણ કે ન્યાયાધીશો વેકેશન રહેતા અથવા શોક રજા પર હતા.

હવે લાંબી લડાઈ બાદ જજે આદેશ આપ્યો છે કે તેમને 15000 રૂપિયા વળતર રૂપે મળે. કોર્ટે એમ પણ કહ્યું છે કે રેલવે 20 રૂપિયા 1999-2022 સુધીના પ્રતિવર્ષ 12 ટકાના વ્યાજદરે પરત કરે.

કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું છે કે જો એક મહિનાની અંદર આ પૈસા ચૂકવવામાં ન આવ્યા તો વ્યાજદર 15 ટકા થઈ જશે.

તુંગનાથ ચતુર્વેદી કહે છે કે તેમને જે વળતર મળ્યું છે તે તેમણે કેસના કારણે સહન કરેલી માનસિક પીડાની સામે ખૂબ ઓછું છે.

તેમનો પરિવાર ઘણી વખત તેમને આ કેસ પરત લેવા કહેતો હતો અને કહેતો કે આ સમયનો બગાડ છે. પરંતુ તેઓ રોકાયા નહીં.

તેઓ કહે છે, "આમા પૈસાની વાત નથી. આ કેસ મારા માટે હંમેશા ન્યાયની લડાઈ અને ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ હતી. હું પોતે એક વકીલ છું, તો મારે વકીલને પૈસા આપવાના ન હતા અને કોર્ટ જવાનો ખર્ચ ઉપાડવાનો ન હતો. નહીંતર મારો ખર્ચ વધી જાત."

તેઓ માને છે કે એક વ્યક્તિ પાસે ગમે તે પદ હોય, લોકો તેમની ગેરરીતિ સામે અવાજ ઉઠાવે તો તેઓ જવાબદેહીમાંથી બચી શકતા નથી.

તેઓ કહે છે કે તેમને લાગે છે કે આ કેસ બીજા લોકોને પ્રેરણા આપશે અને લોકોને એ સંદેશ આપશે "કે જો લડાઈ અઘરી થઈ જાય તો પણ હાર માની લેવાની જરૂર નથી."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન