લમ્પી વાઇરસથી સંક્રમિત ગાયનું દૂધ પીવાથી ચેપ લાગે?

"ગુજરાતમાં હજુ લમ્પી વાઇરસ ભેસોમાં જોવા મળ્યો નથી"

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, "ગુજરાતમાં હજુ લમ્પી વાઇરસ ભેસોમાં જોવા મળ્યો નથી"
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • નિમલ હસબન્ડરી વિભાગના ડિરેક્ટર અનુસાર, લમ્પી વાઇરસ જિનેટિક વાઇરસ ન હોવાથી અને જિનેટિક વાઇરસ અંગે જે રિસર્ચ થયા છે તેની યાદીમાં લમ્પી વાઇરસ આવતો ન હોવાથી તે મનુષ્યમાં ફેલાઈ શકતો નથી. તેથી ગાયનું દૂધ પીવાથી લમ્પી વાઇરસ ફેલાઈ શકે નહીં.
  • અલબત્ત, નિષ્ણાતો એમ પણ કહે છે કે ટીબી, બ્રૂસેલૉસિસ જેવા રોગથી ગ્રસ્ત પશુનું દૂધ પીવાથી આ રોગોનું સંક્રમણ થાય છે. એટલે કયારેય કાચું દૂધ પીવું જોઈએ નહીં.
  • જોકે ગાય વાઇરસગ્રસ્ત હોય ત્યારે તેને તાવમાં એટલી ધ્રૂજારી આવે છે કે તેનું દુઃખ જોઈ માલિક દૂધ દોહવાનું વિચારતો નથી. ગાયો સાજી થયા બાદ તેના દૂધમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. જે ગાય પહેલાં ચાર લિટર દૂધ આપતી હતી તે અત્યારે માત્ર એકલિટર દૂધ આપે છે. વધુ માહિતી માટે વાંચો આ અહેવાલ...
લાઇન

ગુજરાતના 23 જિલ્લાનાં 3,358 ગામોમાં ગાય-ભેંસ સહિતનાં 76 હજારથી વધુ પશુઓમાં લમ્પી વાઇરસનું સંક્રમણ ફેલાયું છે. રાહતની વાત એ છે કે, પશુઓથી મનુષ્યમાં આ વાઇરસ ફેલાતો નથી.

રાજ્ય સરકારે આપેલી માહિતી અનુસાર સૌથી વધુ પશુઓ કચ્છમાં આ વાઇરસથી અસરગ્રસ્ત થયાં છે. બનાસકાંઠા જિલ્લાા, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં સૌથી વધારે કેસ નોંધાયા છે.

જોકે કેટલાંક પશુઓ સારવાર પછી સાજાં પણ થઈ રહ્યાં છે તો મોટી સંખ્યામાં લમ્પીગ્રસ્ત પશુઓનાં મૃત્યુ પણ થયાં છે.

પશુધનને બચાવવા માટે રસીકરણની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે મહત્ત્વનો સવાલ એ છે કે, શું લમ્પી વાઇરસથી સંક્રમિત પશુઓનું દૂધ આરોગ્ય માટે જોખમી છે?

હજુ સુધી એવું જોવા નથી મળ્યું કે ગાયમાંથી આ વાઇરસનો ચેપ કોઈ મનુષ્યમાં ફેલાયો હોય. ત્યારે સવાલ એ છે કે શું ચપગ્રસ્ત ગાયનું દૂધ લેવું સુરક્ષિત છે અને શું તકેદારી રાખવી જોઈએ?

line

શું લમ્પીગ્રસ્ત ગાયનું દૂધ પીવું સુરક્ષિત છે?

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી

ઇમેજ સ્રોત, @BHUPENDRAPBJP

ઇમેજ કૅપ્શન, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી

ઍનિમલ હસબન્ડરી વિભાગના ડિરેક્ટર ડૉ. ફાલ્ગુની ઠકકર જણાવે છે કે, "કેટલાંક રાજ્યોમાં લમ્પી વાઇરસ ભેંસોમાં પણ જોવાં મળે છે પરંતુ ગુજરાતમાં હજુ આ વાઇરસ ભેંસોમાં જોવા મળ્યો નથી. ગુજરાતમાં આ વાઇરસ માત્ર ગાયોમાં જ જોવા મળ્યો છે."

તેઓ ઉમેરે છે, "લમ્પી વાઇરસ જિનેટિક વાઇરસ નથી. જિનેટિક વાઇરસ અંગે જે રિસર્ચ થયાં છે તેની યાદીમાં લમ્પી વાઇરસ નથી. તેથી તે મનુષ્યમાં ફેલાઈ શકતો નથી. તેથી ગાયનું દૂધ પીવાથી લમ્પી વાઇરસ ફેલાઈ શકે નહીં."

ઍનિમલ હસબન્ડરી વિભાગના જૉઇન્ટ ડિરેક્ટર ડૉ. અમિત કાનાણીએ પણ ડૉ. ફાલ્ગુનીની વાતમાં સંમત થતાં કહ્યું હતું, "લમ્પી વાઇરસ એ જીનેટિક ડિસીઝ નથી તેથી તે મનુષ્યમાં ફેલાઈ શકે નહીં. લમ્પીગ્રસ્ત ગાયનું દૂધ પીવાથી મનુષ્યમાં આ બિમારી ફેલાઈ શકે નહીં."

જામનગર જિલ્લા પંચાયતના ઍનિમલ હસબન્ડરી વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર અનિલ વિરાણી બીબીસી સાથે વાત કરતા જણાવે છે, "લમ્પી વાઇરસની મનુષ્ય પર અસર થતી નથી. લમ્પી વાઇરસ પશુમાંથી મનુષ્યમાં સંક્રમિત થયો હોય તેવો એકપણ કેસ નોંધાયો નથી. તેમ છતાં દૂધ હંમેશા ઉકાળીને જ પીવું જોઈએ."

અનિલ વિરાણી ઉકાળેલા દૂધના આગ્રહ પાછળનું કારણ સમજાવતા કહે છે, "ટીબી, બ્રૂસેલૉસિસ જેવા રોગોનું સંક્રમણ રોગગ્રસ્ત પશુનું દૂધ પીવાથી થાય છે."

"એટલે કયારેય કાચું દૂધ પીવું જોઈએ નહીં. હંમેશા દૂધ ઉકાળીને જ પીવું જોઈએ. તમારા દૂધાળા પશુને કયો રોગ છે તે તમે ક્યારેક જાણી શકતા નથી એવા કિસ્સામાં કાચું દૂધ પીવાથી રોગ ફેલાઈ શકે છે."

"જો તમારે ઘરે દહીં પણ બનાવવું હોય તો પણ દૂધને ગરમ કરી ઠંડુ કર્યા બાદ જ તેમાં મેળવણ કરવું જોઈએ. દૂધને ઉકાળવાથી તેમાં રહેલા વાઇરસ મરી જાય છે. જેથી હંમેશા દૂધ ઉકાળીને જ તેનું સેવન કરવું."

ઍક્સપર્ટ્સના મતે, લમ્પી વાઇરસના સંક્રમણથી પીડાતા પશુનું દૂધ આરોગવાથી ચેપ લાગતો નથી, અલબત્ત કોઈપણ પશુનું કાચું દૂધ આરોગવું સ્વાસ્થ્ય માટે જોખમી છે. ગાય કે ભેંસનું કાચું દૂધ આરોગવાથી બ્રૂસેલા સહિત અન્ય ચેપનો માનવીમાં ફેલાવાનો ખતરો રહે છે જેથી દૂધ હંમેશા ઉકાળીને પીવું હિતાવહ છે.

line

પશુપાલકો શું કહી રહ્યાં છે?

"ગાયો સાજી થયા બાદ તેના દૂધમાં ઘટાડો જોવા મળ્યો છે"

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, "ગાયો સાજી થયા બાદ તેના દૂધમાં ઘટાડો જોવા મળ્યો છે"

ગાયોનો ઉછેર કરતા પશુપાલક યોગેશ પોકાર કહે છે, "મારી ચાર ગાયો લમ્પી વાઇરસનો ભોગ બની હતી જેમાંથી એક ગાય મૃત્યુ પામી છે. બે ગાયો 25 દિવસ જેટલું બીમાર રહીને હાલ સાજી થઈ છે અને એક ગાય હજુ પણ બીમાર છે. ગાય વાઇરસગ્રસ્ત હોય ત્યારે તેને તાવમાં એટલી ધ્રૂજારી આવે છે કે તેનું દુઃખ જોઈ માલિક દૂધ દોહવાનું વિચારતો નથી."

"ગાયો સાજી થયા બાદ તેના દૂધમાં ઘટાડો જોવા મળ્યો છે. મારી જે ગાય પહેલાં ચાર લિટર દૂધ આપતી હતી તે અત્યારે માત્ર એક લિટર દૂધ આપે છે. વાઇરસગ્રસ્ત ગાયો ખાવાનું બંધ કરી દે છે જેથી તેઓ અશક્ત થઈ જાય છે જેથી દૂધમાં ઘટાડો થાય છે."

"કચ્છની દૂધ મંડળીઓમાં દૈનિક 4 લાખ લિટર આવતું જે ઘટીને ત્રણ લાખ લિટર કરતા પણ ઓછું થઈ ગયું છે."

લાઇન

પશુમાં લમ્પી વાઇરસનાં લક્ષણો

લાઇન
  • મુખ્યત્વે પશુનાં શરીર (ચામડી) પર ગૂમડાં જેવી ગાંઠો ઊપસી આવે છે.
  • પશુને સામાન્ય તાવ આવવો, દૂધ ઉત્પાદન ઘટી જવું, કેટલાક કિસ્સાએ પશુઓમાં ગર્ભપાત જોવા મળે છે.
  • કોઈકવાર પશુઓમાં વંધ્યત્વ જોવા મળે છે તેમજ નિર્બળ/અશક્ત પશુઓમાં ક્યારેક મૃત્યુ પણ જોવા મળે છે
  • ચેપગ્રસ્ત પશુની આંખ અને નાક્માંથી સ્ત્રાવ નીકળે છે અને મોઢામાંથી લાળ પડે છે.
લાઇન

રાજ્યમાં લમ્પી વાયરસની સ્થિતિ

54, 055 ગાયો લમ્પી વાઇરસથી ગ્રસ્ત છે હોવાનો સરકારનો દાવો
ઇમેજ કૅપ્શન, 54, 055 ગાયો લમ્પી વાઇરસથી ગ્રસ્ત છે હોવાનો સરકારનો દાવો

અગાઉ ગુજરાત સરકારના પશુપાલનમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું, "અત્યાર સુધીમાં રાજ્યમાં 23 જિલ્લાનાં 3358 ગામોમાં કુલ 76થી વધુ પશુઓ લમ્પી વાઇરસથી સંક્રમિત થયા છે."

રાજ્ય સરકારના દાવા મુજબ, 54 હજારથી વધારે પશુઓ સાજા થઈ ગયાં છે અને હજારો ચેપગ્રસ્ત પશુઓની સારવાર ચાલી રહી છે.

રાજ્ય સરકાર મુજબ, અત્યાર સુધી 31 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે.

અગાઉ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, "રાજયમાં 14.36 લાખ રસીનો જથ્થો ઉપલબ્ધ છે. પશુપાલકોને તાત્કાલિક સારવાર હેતુસર ટૉલ ફ્રી હૅલ્પલાઇન નંબર 1962 કાર્યરત કરાયો છે. પશુપાલન ખાતાના અધિકારીઓના મોનીટરીંગ સાથે ગાંધીનગર ખાતે 24 કલાકનો કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન