'લમ્પી વાઇરસના ઇલાજમાં પણ વહીવટીતંત્રે કોરોના જેવી જ બેદરકારી દાખવી' : પશુપાલકોની વ્યથા શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં લમ્પી વાઇરસના કારણે ઘણાં પશુનાં મૃત્યુ થઈ રહ્યાં છે.
હજારોની સંખ્યામાં પશુ આ રોગનો ભોગ બની રહ્યાં હોવાના અહેવાલો સતત સ્થાનિક સમાચારસંસ્થાઓ દ્વારા બતાવાઈ રહ્યા છે.
પરિસ્થિતિની ગંભીરતાનું મૂલ્યાંકન કરી તેની વાસ્તવિક સ્થિતિથી બીબીસી ગુજરાતીના દર્શકો અને વાચકોને વાકેફ કરાવવા માટે સંવાદદાતા સાગર પટેલે લમ્પી વાઇરસની મહામુસીબતનો સામનો કરી રહેલા કચ્છ જિલ્લાનાં ગામોની મુલાકાત લીધી હતી.
કચ્છના ભૂજોડી ગામેથી લમ્પીગ્રસ્ત ગાયોના મૃતદેહોના નિકાલ માટે કરાઈ રહેલ કાર્યવાહીના સ્થળ પર હાજર માલધારીઓ અને સ્થાનિક આગેવાનો સાથે વાતચીત કરી પરિસ્થિતિની ગંભીરતા જાણવાનો પ્રયાસ કરાયો હતો.
માલધારી સમાજના આગેવાન એચ. એસ. આહિરે લમ્પી વાઇરસના પ્રસાર અને તેને લઈને વહીવટીતંત્રની નિષ્ક્રિયતા વિશે વાત કરતાં કહ્યું કે, "દરરોજ 30-40 ગાયોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. અમે શરૂઆતમાં જ વહીવટીતંત્રને આ અંગે જાણ કરી રોગની રોકથામ માટે યોગ્ય પગલાં લેવા વિનંતી કરી હતી. પરંતુ અમારી જાહેરાતો બહેરા કાને પડી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
"પરિસ્થિતિ એ છે કે રોગના ઇલાજ અને રોકથામ માટે તો પગલાં નથી જ લેવાયાં પરંતુ મૃત ગાયોના મૃતદેહો પણ માલધારીઓ પોતે હઠાવવા મજબૂર બન્યા છે. વહીવટીતંત્ર સહિત કૃષિમંત્રી અને મુખ્ય મંત્રી પણ આવી રીતે હાથ ઊંચા કરે તે વિશે શું કહી શકાય?"
"વહીવટીતંત્ર જેમ કોરોના વાઇરસ વખતે મોડી-મોડી જાગ્યું તેવી રીતે આ રોગમાં પણ થયું, એટલે ગોમાતાની આવી હાલત થઈ."
સરકાર દાવો કરી રહી છે કે તેમણે દરેક જિલ્લામાં લમ્પી વાઇરસના નિદાન અને સારવાર માટે આરોગ્યકર્મીઓની ટીમો ઉતારી દીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે રાજ્યભરમાં 1,935 ગામોમાં આ વાઇરસનો કેર જોવા મળ્યો છે.
કૃષિમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે હાલમાં વિવિધ ટીમ બનાવીને દરેક જિલ્લામાં કલેક્ટરની આગેવાનીમાં આ મામલે કામગીરી કરાઈ રહી છે.

'ઠેરઠેર ગોવંશના મૃતદેહોના ઢગલા'

લમ્પીગ્રસ્ત ગાયોના મૃતદેહોની અંતિમ વિધિ કરાઈ રહી છે તે સ્થળે પરિસ્થિતિ અંગે વાત કરતાં બીબીસી ગુજરાતીના સંવાદદાતા સાગર પટેલ જણાવે છે કે, "અહીંનાં દૃશ્યો અત્યંત વિચલિત કરી મૂકે તેવાં છે. મૃતદેહની અંતિમવિધિ માટે જેસીબીની વ્યવસ્થા કરવી પડે એટલી મોટી સંખ્યામાં ગાયો મૃત્યુ પામી છે. સ્થળ પર અતિશય દુર્ગંધ ફેલાયેલી છે. અહીં ઊભું રહેવું પણ મુશ્કેલ છે."
સર્વસમાજસેના કચ્છ પ્રદેશના અધ્યક્ષ યોગેશભાઈ પોકાર પાછલાં ઘણાં અઠવાડિયાંથી લમ્પીગ્રસ્ત ગાયોનાં મૃત્યુ બાદ તેમના મૃતદેહની અંતિમવિધિ કરી રહ્યા છે.
તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "પાછલા 10-15 દિવસથી ગોવંશના ઘણા મૃતદેહો જિલ્લાનાં અનેક ગામડાંમાં રસ્તે રઝળી રહ્યા છે. પરંતુ તંત્ર અને સરકાર આ બાબતે એસી ચૅમ્બરમાં બેસીને માત્ર સમીક્ષા કરી રહ્યાં છે પરંતુ કોઈ નક્કર પગલાં ભરાઈ નથી રહ્યાં. નેતાઓ અને અધિકારીઓ માત્ર આઇસોલેશન સેન્ટરની મુલાકાતો કરાવીને, જાહેરાતો કરીને ગાંધીનગર પાછા ફરી રહ્યા છે."
તેઓ આ વિશે આગળ જણાવતાં કહે છે કે, "હાલ ભૂજોડી ગામમાં અમે પાછલા ત્રણ દિવસથી 200-225 ગોવંશના મૃતદેહોને સમાધિ આપી ચૂક્યા છીએ."
લમ્પી વાઇરસના કારણે સમગ્ર જિલ્લામાં હજારોની સંખ્યામા ગોવંશનાં મૃત્યુ થયાં હોવાનો દાવો કરતાં યોગેશભાઈ જણાવે છે કે, "લમ્પીના કારણે મૃત્યુ પામી રહેલાં પશુની સંખ્યાની વાતે સરકારે બિલકુલ ખોટા આંકડા રજૂ કરી રહી છે. જેમ કોરોનામાં સરકારે મૃત્યુના આંકડા ઓછા બતાવ્યા તેવી જ રીતે હાલ પણ થઈ રહ્યું છે. એક એક જિલ્લા અને ગોશાળામાં સેંકડો-હજારોની સંખ્યામાં ગોવંશનાં મૃત્યુ થયાં છે."
લમ્પી વાઇરસના કેર અને તંત્રની નિષ્ક્રિયતા અંગે વાત કરતાં મહિલા કૉંગ્રેસનાં સભ્ય માલધારી કિરણબહેન પોકાર જણાવે છે કે, "આજે ગાયોનાં અકાળ મૃત્યુ અને સરકાર અને વહીવટીતંત્રના બેદરકાર વલણને કારણે માલધારી સમાજ ખૂબ દુ:ખી છે. ભાજપના નેતાઓ ગાયના નામે જેવી રીતે વોટ લેવા તૈયાર હોય છે તેમ ગાયોનાં મૃત્યુની જવાબદારી અને તે અટકાવવા માટે પગલાં લેવાં તૈયાર નથી."
"સરકાર માત્ર દાવા કરી રહી છે કે તેઓ આ મામલે ઝડપી પગલાં લેવા ટીમો તહેનાત કરી રહ્યા છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર હકીકતમાં તે પરિણમી નથી રહ્યું. મૃતદેહોના નિકાલની સાથોસાથ તેઓ ઇલાજ અને રોકથામ માટે રસી પણ પૂરી નથી પાડી રહ્યા, કોઈ જ સહાય કરાઈ નથી રહી."
લમ્પી વાઇરસના કારણે ગોવંશનું નુકસાન વેઠનાર જય રબારી જણાવે છે કે તેમની પાસે 100-125 ગાયો હતી. જેમાંથી 25નાં મૃત્યુ થયાં છે અને દોઢ લાખ રૂપિયાની કિંમતના એક કાંકરેજના બળદનું મૃત્યુ થયું છે.
તેમણે સરકાર પાસેથી લમ્પી વાઇરસના કારણે નુકસાન વેઠનારને સહાય કરવાની માગ કરતાં કહ્યું હતું કે, "અમારી રોજીરોટી ગોવંશ જ છે. માલધારીને ગોવંશનાં મૃત્યુ બદલ નાણાં મળે તેવી આશા તો નથી. માત્ર તેમની રોજીના નુકસાન બાબતે સહાય કરવામાં આવે."
માલધારી આગેવાન ઈશ્વરદાન ગઢવીએ ગુજરાત સરકારની લમ્પી વાઇરસની રોકથામ માટેના પ્રયત્નોને 'ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા' જેવી કાર્યવાહી ગણાવી હતી.
તેમણે કહ્યું હતું કે, "સરકાર ન માત્ર આ ગોધનને બચાવી ન શકી, પરંતુ તેમના મરણ બાદ તેની સમાધિ માટે પણ વ્યવસ્થા નથી કરી શકી. તેના માટે પણ સામાજિક સંસ્થાઓએ આગળ આવવું પડ્યું છે."
"રસી મૂકવાની કાર્યવાહીમાં પણ વિલંબ કરાયો છે. જેના કારણે ઘણાં પશુ પર રસીની અસર નથી થઈ રહી."
"ઘણી જગ્યાએ ડૉક્ટરોની અછતની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સરકારની નિષ્ફળતાના કારણે આ રોગમાં માત્ર કચ્છમાં જ મારાં અનુભવ અને અનુમાન પ્રમાણે એક લાખ ગોધનનું મૃત્યુ થયું છે."

હાલ ગુજરાતમાં સરકારી માહિતી અનુસાર સ્થિતિ?

ગુજરાત સરકારના આંકડા મુજબ, રાજ્યમાં લમ્પી વાઇરસથી 1400થી વધુ પશુઓનાં મૃત્યુ થયાં છે. જોકે બિનસરકારી અહેવાલો 25,000થી વધારે પશુઓનાં મૃત્યુનો અંદાજ લગાવી રહ્યા છે.
સરકાર દાવો કરી રહી છે કે તેમણે દરેક જિલ્લામાં લમ્પી વાઇરસના નિદાન અને સારવાર માટે આરોગ્યકર્મીઓની ટીમો ઉતારી દીધી છે.
આ વાઇરસની ગુજરાતમાં છેલ્લાં બે વર્ષથી હાજરી હોવા છતાં સરકાર તેની સામે અસરકારક પગલાં ભરી શકી ન હોવાનું ઘણા ખેડૂતોનું માનવું છે.
મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસનો કેર સૌથી વધુ જોવા મળ્યો છે. આ વાઇરસની અસર રાજ્યના 20 જિલ્લામાં જોવા મળી છે.
આ પહેલાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે રાજ્યભરમાં 1,935 ગામોમાં આ વાઇરસનો કેર જોવા મળ્યો છે.
કૃષિમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે હાલમાં વિવિધ ટીમ બનાવીને દરેક જિલ્લામાં કલેક્ટરની આગેવાનીમાં આ મામલે કામગીરી કરાઈ રહી છે.
આ માટે ગાંધીનગરની કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દેખરેખ રાખી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ સિવાય રાજ્યમાં રખડતાં ઢોરો પણ આ રોગનો શિકાર બની રહ્યાં હોવાની ફરિયાદો ઊઠી રહી છે અને એ બાબતે વહીવટી તંત્રની નિષ્ક્રિયતાની ટીકા થઈ રહી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2












