'પૂર જેહાદ' : આસામમાં આવેલા પૂર પાછળ મુસ્લિમો જવાબદાર હોવાના આરોપની હકીકત શું છે?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, મેધાવી અરોરા અને માર્કો સિલ્વા
- પદ, બીબીસી ડિસઇન્ફર્મેશન યુનિટ

- 3 જુલાઈએ પોલીસે બાંધકામ મજૂર નાઝીર હુસેન લસ્કરની ધરપકડ કરી હતી
- આશરે 20 દિવસ જેલમાં વિતાવ્યા પછી તેમને જામીન મળ્યા હતા
- નાઝીર હુસૈન અને અન્ય ત્રણ મુસ્લિમોની ધરપકડ તેમના પર 'પૂર જેહાદ'ના આરોપના પગલે થઈ હતી
- તેમના પર બંધમાં ભંગાણ કરીને ઇરાદાપૂર્વક હિંદુ શહેરને ડુબાડી દેવાનો આરોપ હતો
- આસામમાં મે અને જૂન મહિનામાં પૂર આવ્યું હતું, જેમાં 192 લોકોનાં મૃત્યુ થયાં હતાં

પૂર્વોત્તર ભારતમાં આવેલા આસામમાં આવેલા ભીષણ પૂરે વિનાશ વેર્યો છે. આ પૂર બાદ હવે સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવ્યા કે આ પૂર માનવનિર્મિત હતું અને તેની પાછળ સ્થાનિક મુસ્લિમ સમાજનો હાથ હતો. પણ શું આ આરોપોમાં કોઈ સત્યતા છે? જેમના પર 'પૂર-જેહાદ'ના આરોપ લાગ્યા છે તેમાંથી એક આરોપીએ બીબીસીને એની કહાણી છે.
3 જુલાઈના રોજ પોલીસે વહેલી સવારે નાઝીર હુસેન લસ્કરના ઘરનો દરવાજો ખખડાવ્યો તો પોલીસને જોઈને તેઓ ચોંકી ગયા હતા. છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ આસામમાં એક બાંધકામ મજૂર તરીકે કામ કરે છે, જેમાં તેઓએ પૂર સંરક્ષણના બાંધકામમાં પણ કામ કર્યું છે.
જોકે, એ સવારે પોલીસે નાઝીર હુસેન લસ્કરની ધરપકડ કરી અને તેમના પર આરોપ લગાવ્યો કે તેમણે 'જાહેર સંપત્તિને નુકસાન' પહોંચાડ્યું છે. જાહેર સંપત્તિથી તેમનો ઇશારો એક બંધ પર હતો જે લોકોને પૂરથી બચાવવા માટે બંધાયો હતો.
તેઓ કહે છે, "મેં મારા જીવનનાં 16 વર્ષ સરકારી બંધ બાંધવા પાછળ વિતાવ્યાં. હું તેને શા માટે નુકસાન પહોંચાડું?"
નાઝીર હુસેન લસ્કરે આશરે 20 દિવસ જેલમાં વિતાવ્યા અને એ પછી તેમને જામીન મળ્યા. બંધ તૂટવામાં તેમની કોઈ ભૂમિકાના પુરાવા મળ્યા નહોતા પરંતુ જ્યારથી આ વાત સામે આવી ત્યારથી સોશિયલ મીડિયા પર તેમના પર લોકોનો રોષ જોવા મળી રહ્યો છે.

'મને લાગ્યું કે મારા પર હુમલો થશે'

ઇમેજ સ્રોત, TWITTER
આસામમાં મે અને જૂન મહિનામાં પૂર આવ્યું હતું જેમાં 192 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આસામમાં પૂર દર વર્ષે આવે છે પરંતુ આ વર્ષે વરસાદ વહેલો આવ્યો અને સામાન્ય કરતાં વધારે હતો.
આ પૂર વચ્ચે ઘણા સોશિયલ મીડિયાના યૂઝરો દ્વારા એક વિચિત્ર કહાણી ઊભી કરવામાં આવી હતી.
કોઈ પુરાવા વગર દાવો કરાયો હતો કે 'પૂર માનવનિર્મિત હતું અને મુસ્લિમોના એક જૂથે નજીકના હિંદુ બહુમતી ધરાવતા શહેર સિલ્ચરને ઇરાદાપૂર્વક ડૂબાડી દેવા માટે પૂર સામે રક્ષણ આપતા બંધને નુકસાન પહોંચાડ્યું હતું.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાઝીર હુસેન લસ્કરની સાથે અન્ય ત્રણ મુસ્લિમોની ધરપકડે આ આગને સોશિયલ મીડિયા પર વધારે હવા આપી અને તેમના પર 'પૂર જેહાદ'ના આરોપ લાગ્યા હતા.
આ પોસ્ટને હજારો વખત શૅર કરવામાં આવી હતી. શૅર કરનારા લોકોમાં પ્રભાવશાળી લોકો પણ સામેલ હતા અને તેમનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ વેરિફાઈ થયેલાં હતાં.
કેટલીક સ્થાનિક મીડિયા સંસ્થાઓએ પણ આ દાવાને વારંવાર દોહરાવ્યો હતો. મીડિયા સંસ્થાઓએ ટેલિવિઝન પર વારંવાર તેમને 'પૂર જેહાદ'ના આરોપી ગણાવ્યા હતા.
લસ્કર કહે છે, "હું ડરી ગયો હતો અને તે રાત્રે હું ઊંઘી પણ શક્યો નહોતો. બીજા કેદીઓ પણ તેના વિશે વાત કરી રહ્યા હતા. મને લાગ્યું કે મારા પર હુમલો થશે."

'પૂર જેહાદ'ના દાવા પાછળનું સત્ય

1950ના દાયકાથી આસામમાં પૂરવ્યવસ્થાપન માટે બંધનિર્માણ કેન્દ્રમાં રહ્યું છે. રાજ્યમાં 4 હજાર કિલોમિટરના બંધ બાંધવામાં આવ્યા છે અને તેમાંથી ઘણા બંધ તકલાદી હોવાનું તેમજ તેમાં ભંગાણની સંભાવના હોવાનું પણ માનવામાં આવે છે.
23 મેના રોજ ઉત્તરપૂર્વ ભારત અને પૂર્વ બાંગ્લાદેશ વચ્ચે વહેતી બરાક નદી પર એક બંધને નુકસાન પહોંચ્યું હતું.
જે બંધમા ભંગાણ સર્જાયું તે મુસ્લિમ બહુમતી વિસ્તાર બેથુકંદીમાં આવતો હતો. આ ભંગાણ હિંદુ બહુમતી ધરાવતા શહેર સિલ્ચરમાં આવેલા ભીષણ પૂર પાછળ જવાબદાર કેટલાંક પરિબળો પૈકીનું એક છે.
સિલ્ચરનાં એસપી રમનદીપકોર કહે છે, "આ બંધમાં એક ગાબડું હતું જે વિનાશક પૂર પાછળનું એક કારણ હતું. જોકે માત્ર એ એક જ ગાબડું ન હતું કે જ્યાંથી પાણી શહેરમાં ઘૂસી આવ્યું હતું."
બીબીસી સમજે છે કે આ ચોક્કસ ઘટનાના લીધે નાઝીર હુસેન લસ્કર અને બીજા ત્રણ મુસ્લિમોની ધરપકડ કરાઈ હતી. એ પછી એક પાંચમી વ્યક્તિની પણ ધરપકડ થઈ હતી. જોકે, ભંગાણ સાથે પાંચ પૈકી એક પણ વ્યક્તિનો સંબંધ હોવાના પુરાવા મળ્યા ન હતા.

ઇમેજ સ્રોત, Reuters
મુંબઈની જમશેદજી તાતા સ્કૂલ ઑફ ડિઝાસ્ટર સ્ટડીઝનાં ઍસોસિયેટ પ્રોફેસર નિર્મલ્યા ચૌધરી કહે છે, "સમયસર બંધનાં સમારકામ નથી થતાં અને જાળવણી પણ નથી થતી, જેના કારણે ઘણાં બધાં ભંગાણ જોવા મળે છે."
"તેમાનાં કેટલાંક માનવ-સર્જિત પણ હોઈ શકે છે. એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે જેમાં લોકોએ બંધમાં ઉપરવાસમા ભંગાણ કર્યું હોય જેનાથી પાણી બહાર નીકળી જાય અને તેમના વિસ્તારમાં પૂર ન આવે."
સિલ્ચર પોલીસ પણ આ વાતનો સ્વીકાર કરે છે.
સુપરિન્ટેન્ડેન્ટ કોર કહે છે, "પૂર જેહાદ જેવી કોઈ વસ્તુ છે જ નહીં. એક સમયે વહીવટી તંત્ર જાતે બંધમાં ભંગાણ કરતું જેનાથી પાણી બહાર વહી જાય. આ વર્ષે એવું થયું ન હતું અને કેટલાક લોકોએ તે ઘટનાને જાતે અંજામ આપ્યો હતો."
પ્રોફેસર ચૌધરી કહે છે, "પૂર જેહાદ જેવા દાવા કરવા તે બીજા ઉપર દોષ ઢોળવાનો ખૂબ આસાન રસ્તો છે. આ વ્યવસ્થાપનની સમસ્યા છે. મને લાગે છે કે આવી ઘટનાઓ પર વધારે પરિપક્વ પ્રતિક્રિયા આપવાની જરૂર છે."

"મુસ્લિમ હોવાના કારણે મારા પર આરોપ લાગ્યો"

ઇમેજ સ્રોત, TWITTER
ગૂગલ ટ્રેન્ડ પ્રમાણે 'ફ્લડ જિહાદ' વિશે સૌથી વધુ સર્ચ જુલાઈ મહિનામાં થયું હતું. પરંતુ તેવું કદાચ ભારતમાં પહેલી વખત થયું છે કે જ્યારે મુસ્લિમ-વિરોધી કાવતરાની થિયરીઓ મુખ્ય-પ્રવાહમાં આવી હોય.
કોરોના મહામારી દરમિયાન પણ મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેમના પર ઇરાદાપૂર્વક કોરોના ફેલાવવાના આરોપ લાગ્યા હતા. (કેટલીક મીડિયા સંસ્થાઓએ તેને 'કોરોના જેહાદ' નામ આપ્યું હતું.)
ટીકાકારો કહે છે કે 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પક્ષ ભાજપ સત્તામાં આવ્યો ત્યારથી મુસ્લિમોને નિશાન બનાવતી હિંસા, હેટ સ્પીચ અને ખોટી માહિતીનું પ્રમાણ વધ્યું છે. જોકે, પાર્ટી તેનો ઇનકાર કરે છે.
આ બધાની વચ્ચે આસામમાં નાઝીર હુસેન લસ્કર જેલમાંથી છૂટ્યા બાદ ડર વચ્ચે જીવી રહ્યા છે.
તેઓ કહે છે, "મારો પરિવાર અને હું હજુ પણ ઘરની બહાર નીકળતા ડરીએ છીએ. "
"મારાં બાળકો સ્કૂલે જતાં નથી. જો મારે ઘરમાંથી બહાર નીકળવાની ફરજ પડે તો હું હેલ્મેટ પહેરીને મારું મોઢું છૂપાવી દઉં છું. મને ડર લાગે છે કે મારું ટોળા દ્વારા લિન્ચિંગ થઈ શકે છે."
"હું મુસ્લિમ છું એટલે મારા પર 'પૂર જેહાદ'નો આરોપ લાગ્યો. આ ખોટું છે. જે લોકો આવી વાતો ફેલાવી રહ્યા છે તેઓ ખૂબ ખોટું કરી રહ્યા છે."
(પૂરક માહિતી દિલીપકુમાર શર્મા દ્વારા)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













