આસામ પૂર: 'ઘર પડી ગયાં છે અને ઘૂટણ સુધી કાદવ છે, મહિનાથી ટેકરા ઉપર છીએ' - ગ્રાઉન્ડ રિપોર્ટ

હરમાયા દાસ

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, હરમાયા દાસ
    • લેેખક, દિલીપકુમાર શર્મા
    • પદ, બીબીસી ગુજરાતી માટે, આસામના બોગરીબારી ગામથી

આસામમાં આ વર્ષે આવેલા પૂરના કારણે સેંકડો લોકોનાં જીવન અને ઘર બરબાદ થઈ ગયાં છે. પૂર તો હવે ઓસરી ગયું છે પરંતુ હજુ પણ એવા સેંકડો વિસ્થાપિત લોકો છે જેઓ પોતાના ઘરે પરત ફરી શક્યા નથી.

સ્વતંત્ર ભારતમાં આવેલાં અત્યાર સુધીનાં તમામ પૂરોમાં આ વર્ષના પૂરને સૌથી મોટી દુર્ઘટના ગણાવવામાં આવી રહી છે.

3.5 કરોડની વસતી ધરાવતા આસામમાં આ વર્ષે આવેલા પૂરમાં 55 લાખથી વધારે વસતી પ્રભાવિત થઈ છે અને પૂરના કારણે 198 લોકોના જીવ ગયા છે.

આસામ આપત્તિ પ્રબંધન વિભાગ તરફથી 26 જુલાઈની સાંજે જાહેર કરવામાં આવેલા પૂરના રિપોર્ટ પ્રમાણે પ્રદેશના ચાર જિલ્લાને બાદ કરતાં બાકીના તમામ 31 જિલ્લામાં પૂરની સ્થિતિમાં એકદમ સુધાર જોવા મળ્યો છે.

એટલે કે પ્રદેશના મોટા ભાગના જિલ્લાઓમાં હવે પૂર ઓસરી ગયાં છે તેમ છતાં આજે પણ સેંકડો પૂરપીડિતો પોતાના ઘરે પરત ફરી શક્યા નથી.

બીબીસીની ટીમે તામુલપુર જિલ્લાના બોગરીબારી ગામની મુલાકાત લીધી હતી અને પૂરપીડિતો સાથે વાત કરી હતી. આ પૂરપીડિતો છેલ્લા એક મહિનાથી પુથિમારી નદી કાંઠે માટીથી બનાવેલા આડબંધ પર પોતાના પરિવાર સાથે રહે છે.

આસામમાં નદીતટવાળા વિસ્તારમાં વસેલાં ગામોને પાણીથી બચાવવા માટે ત્યાં માટીના ઊંચા આડબંધ બાંધવામા આવ્યા હતા. પરંતુ આ વખતે નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતાં ઘણી જગ્યાઓએ એ તૂટી ગયા હતા.

1950માં આવેલા ભૂકંપ બાદ આસામની સૌથી મોટી નદી બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓનો માર્ગ બદલાયો હતો. એ પછીથી 1960થી 1970 વચ્ચે આ નદીકાંઠે માટીના આ આડબંધ બાંધવામાં આવ્યા હતા.

શરૂઆતમાં આ આડબંધનો ઉપયોગ ગામના લોકો ખેતી માટે કરતા હતા પરંતુ પછી આ આડબંધ પૂરના પાણીથી ગામડાંને બચાવવાનું માધ્યમ બની ગયા.

ડિઝાસ્ટર વિભાગના નવા રિપોર્ટમાં તામુલપુર જિલ્લામાં હજુ પણ 892 લોકો પૂરની ચપેટમાં હોવાનું જણાવવામાં આવ્યું છે.

પરંતુ સરકારના આ પૂર રિપોર્ટમાં બોગરીબારી ગામના એ સેંકડો પીડિતોનો ઉલ્લેખ નથી જે હાલ ગામના જ એક મોટા આડબંધ પર પોતાનાં વૃદ્ધ માતાપિતા અને નાનાં બાળકો સાથે પ્લાસ્ટિકના તંબૂની અસ્થાયી શિબિરોમાં રહે છે.

line

છાવણીમાં રહેવા મજબૂર પૂરપીડિતો

પોતાના ઘરની બહાર સુમિત્રા દાસ

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, પોતાના ઘરની બહાર સુમિત્રા દાસ

કામરૂપ ગ્રામિણ જિલ્લાના રંગિયા શહેરમાંથી પસાર થતાં ખાંડીકર રેલવેસ્ટેશન પાસે આશરે 5 કિલોમિટર આગળ વધતાં પુથિમારી નદીની નજીક આ ઊંચા આડબંધ પર વાંસ અને પ્લાસ્ટિકના બનેલી અસ્થાયી છાવણીઓ દૂરથી જ દેખાવા લાગે છે.

ભારે ગરમીથી પરેશાન આ લોકોનાં મકાન આડબંધની પાસે જ છે પરંતુ પૂરનાં પાણી ઓસર્યાં બાદ પણ મોટાં ભાગનાં ઘરોમાં ઘૂંટણ સુધી કીચડ ભર્યો છે.

પોતાના પરિવાર સાથે પ્લાસ્ટિકમાંથી બનેલી છાવણી બહાર ઊભેલાં સુમિત્રા દાસ ગુસ્સામાં કહે છે, "ત્રણ દિવસ સુધી સતત વરસેલા વરસાદ બાદ જ અમારાં ઘરોમાં ગરદન સુધી પાણી ભરાયાં હતાં. આ જૂન મહિનાની વાત છે. ત્યારબાદ રાત્રે આશરે 11 વાગ્યે નદી પરનો આડબંધ જ તૂટી ગયો."

"તે સમયે અમારી પાસે જીવ બચાવીને ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. વીજળી ન હતી અને સતત વરસાદ વરસી રહ્યો હતો. અમે અંધારામાં કોઈક રીતે અમારાં નાના બાળકોને લઈને ઊંચી જગ્યાએ બીજા આડબંધ પર ચાલ્યાં ગયાં."

સુમિત્રા કાદવમાં દબાયેલા પોતાના ઘર તરફ ઇશારો કરે છે અને ધીમા અવાજે કહે છે, "તે સમયે અમારા બધાના જીવને જોખમ હતુ. આ સ્થિતમાં અમે ઘરનો સામાન કેવી રીતે કાઢીએ?"

પૂરનું પાણી ઓસરતાં ઘરે પરત ફરવાના સવાલ મુદ્દે 40 વર્ષીય સુમિત્રા કહે છે, "ઘરે કેવી રીતે જઈએ? ઘરમાં ઘૂંટણ સુધી કાદવ છે અને મકાન પડી ગયાં છે. આ ટેકરા પર અમે છેલ્લા 1 મહિના અને 5 દિવસથી છીએ. અમે ખૂબ મુશ્કેલીમાં છીએ."

"સરકાર અનાજ તો આપે છે પરંતુ મકાનનું સમારકામ ન થાય ત્યાં સુધી અમે ઘરે પરત ફરી શકતા નથી. મારા પતિ મજૂરી કરી ઘર ચલાવતા હતા પરંતુ પૂર બાદ કામકાજ સંપૂર્ણપણે ઠપ છે."

"બે વીઘા ખેતીની જમીન હતી પરંતુ ત્યાં પણ પૂર સાથે તણાઈ આવેલા કાદવે જમીનને જરા પણ ફળદ્રુપ રહેવા દીધી નથી. ખેતીમાંથી અમે થોડું ઘણું અનાજ મળી જતું હતું, હવે અમે એક વરસ સુધી ખેતી કરી શકીશું નહીં."

line

'વળતરના નામે કંઈ મળતું નથી'

પ્રભા દાસ

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, પ્રભા દાસ

બોગરીબારી ગામની વસતી આશરે 1500ની છે જ્યાં 85 જેટલા પરિવાર હાલ પૂરના કારણે આડબંધ ઉપર રાવટીઓમાં વસવાટ કરી રહ્યા છે.

પૂરપીડિતોનાં 85 ઘરોમાંથી 36 ઘર મુસ્લિમોના છે પરંતુ પૂરના કારણે બંને સમુદાયો વચ્ચે સંબંધ વધારે મજબૂત થતો જોવા મળી રહ્યો છે.

છાવણીમાં ખાવા-પીવા મામલે લોકો એકબીજાનું ધ્યાન રાખતા જોવા મળ્યા.

આ જ ગામના રહેવાસી ઝાકિર હુસેન કહે છે, "ગયા મહિને 16 જૂને આડબંધ તૂટ્યો હતો. એ દિવસથી આજ સુધી અમે અહીં શિબિરમાં જ છીએ. ઘરે જે રીતે પરિવાર સાથે હળીમળીને રહેતા તેવી રીતે હવે ગ્રામજનો સાથે એટલા જ પ્રેમથી તમામ મુશ્કેલીઓ વચ્ચે અહીં રહીએ છીએ."

"ઘરે રહ્યા હોત તો પાણીમાં ડૂબી જાત એટલે બાળકોને લઈને અહીં આવી ગયાં. ગામમાં બધા લોકો એકબીજાની તકલીફમાં મદદ કરી રહ્યા છે. સરકાર જમવા માટે દાળ-ભાત, સરસવનું તેલ અને મીઠું આપી રહી છે."

"પરંતુ મારું પાક્કું મકાન પૂરમાં પડી ગયું છે અને જ્યાં સુધી મકાન ન બની જાય ત્યા સુધી અમારે અહીં જ રહેવું પડશે. હજુ પણ અમારા ઘરમાં ગરદન સુધી પાણી છે અને આંગણું કાદવથી ભરેલું છે."

સરકાર તરફથી મળતા વળતરના સંદર્ભે ઝાકીર કહે છે, "સરકારી અધિકારીઓ એક મહિનામા ત્રણ-ચાર વખત સર્વે કરી ગયા છે પરંતુ હજુ સુધી અમને કંઈ મળ્યું નથી."

"સર્વે કરવા આવેલા લોકો માત્ર મકાનમાલિકનું નામ પૂછે છે અને પડી ગયેલાં ઘરોના ફોટો પાડીને જતા રહે છે. મકાન પડી ગયાં અને પૂરમાં અમારા ઘરનો સામાન અને ખેતર બધું જ તણાઈ ગયું છે."

"છ વીઘા જમીનમાં વાર્ષિક બેથી અઢી લાખ રૂપિયાની કમાણી થતી હતી. હવે તો ખેતરોમાં કાદવ ભર્યો છે. અમે વર્ષો સુધી ત્યાં ખેતી કરી શકીશું નહીં. ખબર નહીં આગળ કેવી રીતે જીવીશું."

આ ગામના લોકો જણાવે છે કે આ પહેલાં વર્ષ 2000માં આ આડબંધ તૂટ્યો હતો અને ત્યારબાદ 2004 અને 2020માં પણ તૂટ્યો હતો.

તેમનું કહેવું છે કે સરકાર નુકસાનીનો સર્વે કરે છે પરંતુ વળતરના નામે કંઈ મળતું નથી. જ્યાં સુધી પ્રશાસનના લોકો સર્વે કરીને સરકારને રિપોર્ટ સોંપે છે ત્યાં સુધી તો બીજું પૂર આવવાનો સમય થઈ જાય છે.

line

પૂરના કારણે ટપાલનું સરનામું બદલાયું

પૂર ઝાકિરના ઘરને તાણી ગયું

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, પૂર ઝાકિરના ઘરને તાણી ગયું

48 વર્ષીય ઝાકિર પૂરની આફતને યાદ કરતાં જણાવે છે કે કેવી રીતે ગત વર્ષોમાં આવેલા પૂરમાં તેમના ઘરનાં સરનામાં બદલાઈ ગયાં હતાં.

તેઓ કહે છે, "વર્ષ 1972 પહેલાં અમારો પરિવાર અહીંથી આશરે 50 કિલોમીટર દૂર હાજો શહેરમાં રહેતો હતો. પરંતુ પૂરના કારણે ત્યાં અમારું મકાન પાણીમાં તણાઈ ગયું તે પછી અમે બોગરીબારી આવીને વસ્યા. આમ અમે અહીં આવ્યા એ સાથે અમારું ટપાલનું સરનામું બદલાઈ ગયું."

"ખાસ કરીને એનઆરસી સાથે જોડાયેલા દસ્તાવેજ કે પછી મતદાન સંબંધિત કોઈ દસ્તાવેજ પોસ્ટના માધ્યમથી મોકલવામાં આવે છે તો સરનામું બદલાતાં તે લોકોને મળી શકતા નથી. મેં એવા ઘણા લોકો વિશે સાંભળ્યું છે જેમની પાસે નાગરિકતા સાથે સંકળાયેલા બધા દસ્તાવેજ છે પરંતુ તેમનું જૂનું સરનામું બદલાઈ જવાના કારણે તેમના પર એકતરફી કાર્યવાહી થઈ છે."

"કેમ કે પોસ્ટના માધ્યમથી મોકલવામાં આવેલા કાયદાકીય કાર્યવાહી સાથે જોડાયેલો દસ્તાવેજ યોગ્ય વ્યક્તિ સુધી ન પહોંચે તો તેમણે જીવનભર મુશ્કેલીઓ સહન કરવી પડે છે. અમારા બોગરીબારીમાંથી પૂરના કારણે હબીબુર રહેમાનનો પરિવાર બીજે રહેવા જતો રહ્યો છે."

આસામની બ્રહ્મપુત્ર અને બરાક નદી સહિતની તેમની એક ડઝનથી વધારે સહાયક નદીઓ પર આશરે સાડા ચાર હજાર કિલોમિટર સુધી માટીના આડબંધ બાંધેલા છે.

line

આડબંધનું સમારકામ

અસમમાં પૂરને કારણે લાખો લોકો અસરગ્રસ્ત થયા છે, અહીંની તમામ મોટી નદીઓમાં પૂર છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અસમમાં પૂરને કારણે લાખો લોકો અસરગ્રસ્ત થયા છે, અહીંની તમામ મોટી નદીઓમાં પૂર છે

લાંબા સમયથી નદીના આડબંધના નિર્માણકાર્ય સાથે જોડાયેલા અખિલ આસામ જળસંસાધનના કૉન્ટ્રેક્ટર સંઘના અધ્યક્ષ મુહી ગોહાઈ જણાવે છે, "1950માં આવેલા ભૂકંપ બાદ રાજ્યમાં અલગ-અલગ નદીઓના કાંઠે આવા આડબંધોનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. રાજ્યમાં 1975 બાદ કોઈ નવો આડબંધ બન્યો નથી."

"પૂર દરમિયાન જે આડબંધ તૂટી જાય છે, તેમનું સમારકામ કરવામાં આવે છે. સામાન્યપણે આ આડબંધના નિર્માણ માટે નદીની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. એક કિલોમિટર સુધીના આડબંધના નિર્માણકાર્યમાં આશરે સવા કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે."

પૂરના સમયે આડબંધ તૂટવાના મુખ્ય કારણ વિશે ગોહાઈ કહે છે, "આસામમાં આ આડબંધ બહુ જૂના થઈ ગયા છે અને તેમની ક્ષમતા પણ ઓછી થઈ ગઈ છે. નદીઓની બદલાતી પ્રકૃતિ સામે આ આડબંધ ટકી શકતા નથી. આ જ કારણ છે કે આ વર્ષે પણ રાજ્યમાં પૂરના કારણે ઘણી જગ્યાએ આડબંધ તૂટી ગયા છે."

"આ આડબંધને મજબૂત કરવા માટે સરકારે નવેસરથી યોજના બનાવવાની જરૂર છે. કેમ કે પર્યાપ્ત ફંડ ન હોવાના કારણે કૉન્ટ્રેક્ટર આડબંધનું સમારકામ સમયસર પૂરું કરી શકતા નથી અને માર્ચમાં અહીં વરસાદ શરૂ થઈ જાય છે. આ સિવાય વિવિધ સ્થળે ધોવાણના કારણે પણ અહીં સરકારની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ છે."

line
લાઇન

સંક્ષિપ્તમાં: "આ ટેકરા પર અમે છેલ્લા 1 મહિના અને 5 દિવસથી છીએ" - ગ્રાઉન્ડ રિપોર્ટ

લાઇન
  • આસામનું પૂરને અત્યાર સુધીની સૌથી મોટી પૂરદુર્ઘટના ગણાવવામાં આવી રહી છે
  • 3.5 કરોડની વસતી ધરાવતા આસામમાં પૂરમાં 55 લાખથી વધારે વસતી પ્રભાવિત થઈ છે
  • પૂરના કારણે 198 લોકોના જીવ ગયા છે
  • મોટા ભાગના જિલ્લાઓમાં હવે પૂર ઓસરી ગયાં છતાં પૂરપીડિતો પોતાના ઘરે પરત ફરી શક્યા નથી
  • પૂરના પાણી ઓસર્યાં બાદ પણ મોટાં ભાગનાં ઘરોમાં ઘૂંટણ સુધી કીચડ ભર્યો છે
  • મકાન પડી ગયાં છે અને રાહત છાવણીમાં પરિવારો રહે છે
  • પરિવારો પહેલાં મજૂરી કરી ઘરનો ખર્ચ ચલાવતા હતા પરંતુ પૂર બાદ કામકાજ સંપૂર્ણપણે ઠપ છે
  • બોગરીબારી ગામનાં 85 જેટલા પરિવાર હાલ પૂરના કારણે આડબંધ ઉપર રાવટીમાં વસવાટ કરી રહ્યા છે
  • ગામના લોકો જણાવે છે કે આ પહેલાં વર્ષ 2000માં આ આડબંધ તૂટ્યો હતો અને ત્યારબાદ 2004 અને 2020માં પણ તૂટ્યો હતો
  • તેમનું કહેવું છે કે સરકાર નુકસાનીનો સર્વે કરે છે પરંતુ વળતરના નામે કંઈ મળતું નથી
  • પ્રશાસનના લોકો સર્વે કરીને સરકારને રિપોર્ટ સોંપે છે ત્યાં સુધી તો બીજું પૂર આવવાનો સમય થઈ જાય છે
  • ગત વર્ષોમાં આવેલા પૂરમાં તેમનાં ઘરનાં સરનામાં બદલાઈ ગયાં હતાં
લાઇન

બોગરીબારીનો આડબંધ

આસામમાં પૂરની આ તસવીર ગત મહિનાની છે, આજે પણ સ્થિતિ બહું બદલાઈ નથી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આસામમાં પૂરની આ તસવીર ગત મહિનાની છે, આજે પણ સ્થિતિ બહું બદલાઈ નથી.

પુથિમારી નદી પાસે તૂટેલા આડબંધના નિર્માણકાર્યમાં મજૂરી કરી રહેલા બોગરીબારી ગામના ચક્રધર દાસ જણાવે છે, "હું એ જ આડબંધના નિર્માણકાર્યમાં મજૂરી કરી રહ્યો છું જેના તૂટવાથી અમારું ગામ બરબાદ થયું છે. હું છેલ્લા 10 દિવસથી આડબંધના સમારકામમાં લાગેલો છું. અહીં દરરોજ 500 રૂપિયાની મજૂરી મળે છે. કૉન્ટ્રાક્ટરે ગામના આશરે દોઢ સો લોકોને કામ પર રાખ્યા છે."

ચક્રધરની વાત માનીએ તો કૉન્ટ્રેક્ટરની ભૂલના કારણે બોગરીબારીનો આડબંધ તૂટ્યો હતો.

એક મજબૂત આડબંધ માટે જેટલી માટીનો ઉપયોગ કરવો જોઈએ તે પ્રમાણે પાછલા કૉન્ટ્રેક્ટરે કામ કર્યું નહોતું.

સામાન્યપણે નદીથી આડબંધનું અંતર ઓછામાં ઓછું 500 મીટર હોવું જોઈએ પરંતુ હવે આ આડબંધ ખસતાં એકદમ ગામની નજીક પહોંચી ગયા છે.

આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ હાલ જ પુથિમારી નદી પાસે તૂટેલા આડબંધની મુલાકાત લેતાં ગ્રામજનોને કહ્યું હતું, "અમે આઈઆઈટી ગુવાહાટીની મદદથી વૈજ્ઞાનિકરૂપે 12 કિલોમિટરના આડબંધ બનાવીશું. માત્ર આડબંધના સમારકામથી આપણા ઉદ્દેશની પૂર્તિ થશે નહીં. આપણે ભવિષ્યમાં આડબંધ તૂટવાની સમસ્યાને રોકવી પડશે."

મુખ્ય મંત્રીના આ બોગરીબારી ગામના આ પ્રવાસ સમયે તેમનું પારંપરિક ફૂલમ ગમછો ઓઢાડીને સન્માન કરનારાં 72 વર્ષીય પ્રભાબાલા દાસ કહે છે, "અમે ખૂબ મુશ્કેલીમાં છીએ અને અમારા ઘરે પરત ફરી શકતા નથી. મેં મુખ્ય મંત્રીને ગમછો ઓઢાવીને હાથ જોડીને તેમને મુશ્કેલી જણાવી હતી. તેમને કહ્યું હતું કે હું વૃદ્ધ મહિલા છું અને તેઓ અમારા માટે થોડી સુવિધા કરે. મેં તેમને અમારું કાદવથી ભરેલું ઘર પણ બતાવ્યું અને તેમની સામે રડી પડી હતી."

આ જ ગામમાં રહેતાં 69 વર્ષનાં હરમાયા દાસ કહે છે, "અહીં આડબંધ પર અમે ભારે મુશ્કેલીઓ વચ્ચે રહીએ છીએ. ભારે પવનમાં તંબૂ ફાટી જાય છે અને વરસાદનું પાણી પડે છે. સરકાર જો અમને કોઈ સુવિધા કરીને નહીં આપે તો અમે ઘરે કેવી રીતે પરત ફરી શકીશું."

"કહેવા પુરતી સરકાર અમારા માટે અહીં ડૉક્ટરની ટીમ મોકલે છે પરંતુ બાળકો તાવમાં તપી રહ્યાં છે અને તેમની દવાની કોઈ અસર થતી નથી. હું હાઈ બ્લડ પ્રેશરની દર્દી છું અને બહારથી દવા લઈને ખાઉં છું. આ તો એક રીતે અમને સજા આપવામાં આવી રહી છે."

ડિઝાસ્ટર વિભાગના નવા રિપોર્ટ પ્રમાણે આ સમયે દીમા હસાઓ અને મોરીગાંવ જિલ્લાની છ રાહતશિબિરોમાં બેઘર થયેલા કુલ 278 શરણાર્થીઓ રહે છે.

પરંતુ બોગરીબારી ગામ સહિત પ્રદેશના ઘણા એવા વિસ્તાર છે જ્યાં સેંકડો પૂર પીડિત લોકો પૂર ઓસર્યાં બાદ પણ ઘરે પરત ફરી શકતા નથી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન