ભારતમાં બાળકોમાં સ્થૂળતાની સમસ્યા કેમ વ્યાપક બનતી જઈ રહી છે?

અઠવાડિયાની સારવાર અને ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી બાદ 14 વર્ષના મિહિર જૈનનું વજન 237 કિલોથી ઘટીને 165 કિલો થઈ ગયું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અઠવાડિયાની સારવાર અને ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી બાદ 14 વર્ષના મિહિર જૈનનું વજન 237 કિલોથી ઘટીને 165 કિલો થઈ ગયું છે.
    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

દુનિયામાં કુપોષણથી પીડાતાં બાળકોની બાબતમાં ભારતનો નંબર પહેલેથી જ બહુ આગળ આવતો રહ્યો છે. હવે બીજી એક બાબતમાં પણ ભારતનું નામ બાળકોની બાબતમાં ચોંકાવનારી રીતે આગળ આવી રહ્યું છે. જાણકારો કહે છે કે ભારતમાં બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યું છે અને આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો તે રોગચાળાની જેમ તે ફેલાતી રહેશે.

2017માં દિલ્હીની મેક્સ હૉસ્પિટલમાં 14 વર્ષના મિહિર જૈનને દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમને વ્હિલચૅરમાં આવેલા જોઈને બેરિયાટ્રિક સર્જન ડૉ. પ્રદીપ ચૌબે પણ ચોંકી ગયા હતા. તેઓ કહે છે કે તેમને જોઈને પોતાને "વિશ્વાસ જ ના બેઠો કે હું શું જોઈ રહ્યો છું".

"મિહિર બહુ જ મેદસ્વી થઈ ગયો હતો. તે પોતાના પગ પર ઊભો પણ રહી શકતો નહોતો અને ચહેરા પર ચરબીના એવા થર જામેલા હતા કે આંખોનાં પોપચાં પણ ખૂલતાં નહોતાં. તે વખતે તેનું વજન 237 કિલોનું હતું અને તેનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) 92 હતો." વિશ્વ આરોગ્ય સંસ્થાના ધોરણ અનુસાર કોઈનો પણ BMI 25થી ઉપર હોય તેને સ્થૂળ કહેવામાં આવે છે.

અઠવાડિયાં સુધી મિહિરની સારવાર કરવામાં આવી અને બાદમાં 2018ના ઉનાળામાં ગેસ્ટિક બાયપાસ સર્જરી પણ કરવામાં આવી. ત્યારબાદ મિહિરનું વજન ઘટીને 165 કિલોનું થયું હતું.

તે વખતે મિહિરની ગણના "વિશ્વના સૌથી મેદસ્વી કિશોર" તરીકે થઈ હતી. તે કદાચ અતિશયોક્તિ હતી, પણ એ વાત સાચી છે કે ભારતમાં અંદાજે 1.8 કરોડ બાળકો વધારે પડતું વજન ધરાવે છે અને આ સંખ્યામાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે.

લાઇન

ભારતીય બાળકોમાં મેદસ્વીપણાની સમસ્યા કેમ વ્યાપક થતી જઈ રહી છે?

લાઇન
  • ભારતમાં અંદાજે 1.8 કરોડ બાળકો વધારે પડતું વજન ધરાવે છે
  • નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (2019-21) અનુસાર પાંચ વર્ષથી ઓછી ઉંમરના 3.4% બાળકો મેદસ્વી હતાં
  • 2015-16માં 2.1% બાળકો જ વધારે વજન ધરાવતાં હતાં
  • યુનિસેફના વર્લ્ડ ઓબેસિટી એટલાસ અનુસાર 2030 સુધીમાં ભારતમાં સ્થૂળકાય બાળકોની સંખ્યા વધીને 2.7 કરોડ થઈ જવાની શક્યતા છે
  • તે રીતે વિશ્વનાં દર દસ મેદસ્વી બાળકોમાંથી એક ભારતમાં હશે
  • છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં પુખ્ય વયના લોકોમાં પણ મેદસ્વીતા વધી છે
  • અને દુનિયાના ટોચના પાંચ દેશોમાં તેનું સ્થાન આવી ગયું છે
  • સૌથી મોટી સમસ્યા એ છે કે "પૌષ્ટિક આહાર બાબતમાં અજ્ઞાન પ્રવર્તે છે"
  • બાળકોને વધારે ચરબીયુક્ત, ગળ્યાં અને મીઠા સાથેનાં પીણાં વધારે આપવામાં આવે છે
  • બાળકો રમી શકે તેવાં બહુ થોડા મેદાનો બચ્યાં છે
લાઇન

બાળકોમાં સ્થૂળતા

એક સમયે કુપોષણથી પીડાતા દેશ ભારતની ગણના છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વના ટોચના પાંચ મેદસ્વી રાષ્ટ્રોમાં થાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એક સમયે કુપોષણથી પીડાતા દેશ ભારતની ગણના છેલ્લાં કેટલાંક વર્ષોથી વિશ્વનાં ટોચનાં પાંચ મેદસ્વી રાષ્ટ્રોમાં થાય છે

સરકાર દ્વારા સૌથી વ્યાપક રીતે આરોગ્ય અને સામાજિક સ્થિતિ માટે છેલ્લે કરવામાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (2019-21 દરમિયાન કરવામાં આવેલા NFHS-5) અનુસાર પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં 3.4% બાળકો મેદસ્વી હતાં. 2015-16માં 2.1% બાળકો જ વધારે વજન ધરાવતાં હતાં.

ટકાવારીની રીતે આ આંકડો નાનો લાગશે, પણ યુનિસેફ ઇન્ડિયાના પોષણવિભાગના વડા ડૉ. અર્જન દે વક્ત કહે છે તે પ્રમાણે "ટકાવારી ભલે ઓછી હોય, પણ કુલ બાળકોની સંખ્યા બહુ મોટી થઈ જાય છે", કેમ કે ભારતમાં વસતિ ઘણી વધારે છે.

યુનિસેફના 2022ના વર્ષ માટેના વર્લ્ડ ઓબેસિટી એટલાસ અનુસાર 2030 સુધીમાં ભારતમાં સ્થૂળકાય બાળકોની સંખ્યા વધીને 2.7 કરોડ થઈ જવાની શક્યતા છે. તે રીતે વિશ્વનાં દર દસ મેદસ્વી બાળકોમાંથી એક ભારતમાં હશે. સ્થૂળતાની સમસ્યાનું નિવારણ કરવાની તૈયારીની બાબતમાં 183 દેશોમાં ભારતનું સ્થાન છેક 99મું છે. મેદસ્વીપણાને કારણે થનારું આર્થિક નુકસાન પણ પણ વધી જવાનું છે - 2019માં $23 અબજ ડૉલરના નુકસાનની સામે 2060 સુધીમાં તે જંગી પ્રમાણમાં વધીને $479 અબજ ડૉલર થઈ જવાની શક્યતા છે.

વીડિયો કૅપ્શન, બાળકોને દૂધ પિવડાવવું ખરેખરે જરૂરી છે?

ડૉ. દે વક્ત કહે છે, "ભારતમાં બાળકોની સ્થૂળતાની જંગી સમસ્યા અમને દેખાઈ રહી છે. બાળવયે જ મેદસ્વીતા આવી જાય તો મોટી ઉંમરે પણ તે સ્થૂળકાય જ રહેવાનાં"."

આરોગ્ય નિષ્ણાતો માટે આ જ સૌથી મોટી ચિંતાનું કારણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર વધારે પડતી ચરબી જમા થવાના કારણે બિનચેપી રોગો થવાની શક્યતા વધી જાય છે. તેમાં 13 પ્રકારનાં કૅન્સર, ટાઇપ-2 ડાયાબિટીસ, હૃદયની બીમારીઓ, ફેફસાંની સમસ્યાઓનો સમાવેશ થાય છે, જે અકાળે મોતનું કારણ પણ બનતી હોય છે. ગયા વર્ષે વિશ્વભરમાં સ્થૂળતાને કારણે 28 લાખ લોકોનાં મોત થયાં હતાં.

line

પૂખ્તોમાં સ્થૂળતાનું કારણ

પૌષ્ટિક આહાર બાબતમાં અજ્ઞાન પ્રવર્તે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૌષ્ટિક આહાર બાબતમાં અજ્ઞાન પ્રવર્તે છે

છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં પુખ્ય વયના લોકોમાં પણ મેદસ્વીતા વધી છે અને દુનિયાના ટોચના પાંચ દેશોમાં તેનું સ્થાન આવી ગયું છે. એક અંદાજ અનુસાર 2016માં 13.5 કરોડો લોકો સ્થૂળકાય હતા અને આ આંકડો મોટો જ થતો ગયો છે.

ડૉ. દે વક્ત કહે છે કે ભારતમાં એક બાજુ પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં 36% બાળકો કુપોષિત છે ત્યારે તેમાં સ્થિતિ સુધારવાની જે કોશિશ છે તેની સામે વધારે પડતો આહાર લેવાને કારણે આવતી મેદસ્વીતા સમસ્યા વધારી રહી છે.

"એક જ સાથે કેટલાક કુપોષિત છે, જ્યારે કેટલાક વધારે પડતો આહાર લે છે. વધારે પડતું પોષણ મળે છે તેના કારણે જ મેદસ્વીપણું આવે છે, પરંતુ તે વ્યક્તિને ખરેખર જે પ્રકારનો પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ તે મળી રહ્યો છે તેવું પણ નથી હોતું."

તેમના મંતવ્ય અનુસાર સૌથી મોટી સમસ્યા એ છે કે "પૌષ્ટિક આહાર બાબતમાં અજ્ઞાન પ્રવર્તે છે".

"બાળકોને સંતુલિત આહાર આપવામાં આવે અને તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન્સ, વિટામિન્સ, ફળો અને શાકભાજી હોય તો તેને કારણે ઓછું કે વધારે પોષણ મળવાનો સવાલ રહેતો નથી. પણ લોકોને ખબર જ નથી હોતી કે કયો આહાર સારો કહેવાય, કેમ કે તેઓ જે મળે તેનાથી પેટ ભરી લે છે. વધારે કાર્બ્સ સાથેના અથવા કન્વિનિયન્સ ફૂડ ખાઈ લે છે."

ડૉ. દે વક્તના જણાવ્યા અનુસાર બાળકોમાં સ્થૂળતાની સમસ્યા દરેક પ્રકારના સામાજિક વર્ગોમાં જોવા મળે છે, પણ સૌથી વધારે અસર શહેરી ધનિક વર્ગના પરિવારોમાં જોવા મળે છે. આવા પરિવારોમાં બાળકોને વધારે ચરબીયુક્ત, ગળ્યાં અને મીઠા સાથેનાં પીણાં વધારે આપવામાં આવે છે.

વીડિયો કૅપ્શન, શું તમને પણ કસરત નહીં કરવાનાં બહાનાં સૂઝે છે?

દિલ્હીમાં 2019માં મેક્સ હેલ્થકૅરે કરેલા સર્વેમાં જોવા મળ્યું હતું કે ઉપનગરોમાં (5-9 વર્ષની ઉંમરનાં) બાળકો, (10-14 વર્ષના) કિશોરો અને (15-17 વર્ષના) યુવાનોમાંથી 40% વધારે વજન ધરાવતાં હતાં અથવા મેદસ્વી હતાં.

ડૉ. ચૌબે કહે છે કે "જુવાનિયાઓ મોડી રાત સુધી જાગે છે અને રાત્રે પણ મોટા ભાગે બિનતંદુરસ્ત નાસ્તા ખાતા હોય છે. મોડી રાતે પેટ ભરી લીધા પછી બીજા દિવસે મોડે સુધી ઊંઘતા રહે છે અને આળસુ થઈ જાય છે. એટલે કે શ્રમના અભાવે ચરબી બળતી નથી. બીજું કે દોડભાગ કરવાને બદલે કે રમવાના બદલે કિશોરો કૉમ્પ્યુટર પર અને ફોનમાં વધારે પડતો સમય ગાળે છે."

તેઓ ચેતવણી આપતાં કહે છે કે "સ્થૂળતા માત્ર તબીબી રીતે નહીં, પણ જીવનમાં દરેક રીતે નડતરરૂપ થાય છે. તેની માનસિક અને સામાજિક અસરો પણ થાય છે. મેદસ્વી બાળકો સામે ઘણી વાર પક્ષપાત થાય છે અને સામાજિક રીતે એકલા પડી જાય છે."

ચેન્નઈના સર્જન અને ઓબેસિટી ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના સ્થાપક ડૉ. રવીન્દ્રન કુમેરાન કહે છે કે આપણે અત્યારથી બાળકોમાં સારી ટેવ નહીં પાડીએ તો ભવિષ્યમાં દેશની સ્થૂળતાની સમસ્યાને સંભાળી નહીં શકીએ.

"અત્યારે તમે અડધો કલાક ટીવી જુઓ તેમાં તમે જંક ફૂડની અને ઠંડાં પીણાંને જોરદાર દર્શાવતી જાહેરખબરો જ જોવા મળશે. આ રીતે જંક ફૂડનાં ખોટી રીતે વખાણ થતાં રહે છે તેને રોકવાની જરૂર છે, અને તે કામ માત્ર સરકાર જ કરી શકે તેમ છે."

સાથે જ બાળકોને ઘર બહાર કાઢીને પ્રવૃત્તિમય કરવાની પણ જરૂર છે એમ તેઓ કહે છે.

"આપણે આ દેશમાં શારીરિક સજ્જતાને મહત્ત્વ આપી રહ્યા નથી. આપણા શહેરોમાં ચાલવા માટે ફૂટપાથ હોતી નથી, સાઇકલ માટેના સલામત ટ્રેક મળતા નથી અને બાળકો રમી શકે તેવાં બહુ થોડાં મેદાનો બચ્યાં છે."

line

શાળાઓમાં રમતના વાતાવરણનો અભાવ

2,54,000થી વધારે બાળકોનો સર્વે કર્યો તેમાં જાણવા મળ્યું કે દર બેમાંથી એક બાળકનો BMI તંદુરસ્ત નહોતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2,54,000થી વધારે બાળકોનો સર્વે કર્યો તેમાં જાણવા મળ્યું કે દર બેમાંથી એક બાળકનો BMI તંદુરસ્ત નહોતો

આ સ્થિતિને બદલવા માટે જ સ્પૉર્ટ્ઝ વિલેજ નામની યુવા રમતગમતની સંસ્થા પ્રયત્નો કરી રહી છે. સંસ્થાના સહસ્થાપક અને સીઈઓ સૌમિલ મજુમદારે બીબીસીને જણાવ્યું કે "આપણા દેશમાં અત્યારે માત્ર શાળામાં જ બાળકોને રમવા માટેનું સારું અને સલામત સ્થળ મળે છે. તેથી શાળાઓએ મેદસ્વીતા દૂર કરવામાં અગત્યની ભૂમિકા ભજવવી જોઈએ."

આ સંસ્થાએ 2,54,000થી વધારે બાળકોનો સર્વે કર્યો તેમાં જાણવા મળ્યું કે દર બેમાંથી એક બાળકનો BMI તંદુરસ્ત નહોતો. ત્વરા દાખવી શકે તેવા બાળકોની સંખ્યા બહુ ઓછી હતી અને પેટના તથા શરીરના ઉપરના અને નીચેના ભાગોના સ્નાયુઓ પણ જેટલા મજબૂત હોવા જોઈએ તેટલા નહોતા.

આ કોઈ નીતિગત સમસ્યા નથી. દરેક શાળામાં વ્યાયામના વર્ગો હોય છે, પણ તેમાં માત્ર સારાં બાળકો પર જ ધ્યાન અપાય છે. ડૉ. મજુમદાર કહે છે કે ''રમતગમતમાં રસ ના હોય તેવા લોકોને વ્યાયામના વર્ગમાં મજા જ નથી આવતી."

"અમે માનીએ છીએ કે શાળામાં જેમ દરેક વિષયની પાયાની બાબતો બાળકોને ભણાવવામાં આવે છે, તે રીતે તંદુરસ્તી અને શારીરિક ચૂસ્તપણા અંગેના પાયાના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ."

તેમનું કહેવું છે કે જે શાળાઓ સાથે મળીને તેમણે આ દિશામાં પ્રયત્નો કર્યા ત્યાં સારાં પરિણામો જોવા મળ્યાં છે.

તેઓ વધુમાં જણાવતાં કહે છે, "કેટલાક કિસ્સામાં અમુક બાબતોના માપદંડોમાં 5%થી 17% સુધીનો સુધારો થયો હતો. અમે વધારે છોકરીઓને રમતગમત માટે પ્રેરી શક્યા હતા. મને લાગે છે કે દુનિયામાં બધે જ રમતગમતથી સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે".

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન