ઑબેસિટી : ભારતમાં મેદસવીતા કેટલું મોટું જોખમ સર્જી રહી છે?
- લેેખક, ગીતા પાંડેય
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એક સરવે કરાવવામાં આવ્યો હતો. જેના આધારે નિષ્ણાતો મેદસ્વીતાના મુદ્દે ભારતમાં 'યુદ્ધના ધોરણે' કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
એક સમયે મેદસ્વીતાને માત્ર સમૃદ્ધ પશ્ચિમી દેશોની સમસ્યા માનવામાં આવતી હતી, પરંતુ હવે તે ઓછી તથા મધ્યમ આવકવાળા દેશોની સમસ્યા બની રહી છે. અન્ય દેશોની સરખામણીમાં તે ભારતમાં પૂરઝડપે ફેલાઈ રહી છે.
એક સમયે કુપોષણથી પીડાતા અને દુબળા લોકોના દેશ તરીકે ભારતની ઓળખ હતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી તેની ગણતરી વિશ્વના ટોચના પાંચ મેદસ્વીતા ધરાવતાં રાષ્ટ્રોમાં થાય છે.
વર્ષ 2016ના એક અનુમાન પ્રમાણે, ભારતમાં લગભગ 13 કરોડ 50 લાખ લોકો વધુ વજનવાળા કે મેદસ્વી હતા. નિષ્ણાતોના મતે આ આંકડામાં ધરખમ વધારો થઈ રહ્યો છે.
ભારતનું આર્થિક અને સામાજિક પરિદૃશ્ય રજૂ કરતાં 'નેશનલ ફૅમિલી હેલ્થ સર્વે' (NFHS-5)ના તારણ મુજબ, દેશમાં લગભગ 23 ટકા પુરુષો તથા 24 ટકા મહિલાઓનો બીએમઆઈ (બૉડી માસ ઇન્ડેક્સ) 25 કે તેનાથી વધારે હતો.
જે બંને લિંગમાં 2015-16ની સરખામણીમાં ચાર ટકા જેટલો વધારો સૂચવે છે. આવી જ રીતે અગાઉના સરવે દરમિયાન 2.1 ટકા બાળકો સ્થૂળકાય હતાં, આ ટકાવારી વધીને 3.4 ટકા પર પહોંચી ગઈ છે.
'ઑબેસિટી ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા'ના સ્થાપક ડૉ. રવીન્દ્રન કુમારનના કહેવા પ્રમાણે, "ભારત તથા વિશ્વમાં સ્થૂળતાએ વાવરનું સ્વરૂપ ધારણ કર્યું છે અને જો આપણે પૂરતું ધ્યાન ન આપ્યું તો ભવિષ્યમાં તે મહામારીનું સ્વરૂપ ધારણ કરી લેશે."
ડૉ. કુમારન સ્થૂળતા તથા મેદસ્વીતા માટે બેઠાડુ જીવન તથા સહેલાઈથી મળતા સસ્તા ચરબીયુક્ત ખોરાકને જવાબદાર ઠેરવે છે. તેઓ કહે છે, "મોટા ભાગના, વિશેષ કરીને શહેરી ભારતમાં લોકો બેડોળ બની રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'સામાન્ય', 'સ્થૂળકાય', 'મેદસ્વી' તથા 'ભયાનક રીતે મેદસ્વી' સ્વરૂપોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. આના માટે વિશ્વભરમાં બીએમઆઈને આદર્શ પરિમાણ માનવામાં આવે છે, જેમાં વ્યક્તિની ઊંચાઈ તથા વજનને ધ્યાને લેવામાં આવે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના પરિમાણ મુજબ, 25 કે એથી વધુ બીએમઆઈ 'સ્થૂળતા'નો સૂચક છે.
ડૉ. કુમારન સિહત અનેક આરોગ્યનિષ્ણાતો માને છે કે દક્ષિણ એશિયાની વસતી માટે આ દર બે પૉઇન્ટ ઓછો હોવો જોઈએ, કારણ કે તેમનામાં 'કેન્દ્રીય મેદસ્વીતા' વધુ જોવા મળે છે. મતલબ કે તેમના પેટ પર વધુ પ્રમાણમાં ચરબીના થર જામે છે. જે શરીરના અન્ય કોઈ ભાગમાં ચરબીના ભરાવા કરતાં વધુ બિનઆરોગ્યપ્રદ છે. મતલબ કે ભારતમાં કોઈ વ્યક્તિનો બીએમઆઈ 23 કે એથી વધુનો હોય તો તેને સ્થૂળકાય માનવી રહી.
ડૉ. કુમારન કહે છે, "જો 23 કે તેથી વધુને ઓવરવેઇટની શ્રેણીમાં મૂકવામાં આવે તો ભારતની અડધી વસતી વિશેષ કરીને શહેરી વસતિ ઓવરવેઇટ હશે."

ગત વર્ષે મેદસ્વીતાને કારણે 28 લાખ લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના મતે, શરીરમાં વધુ પડતી ચરબીથી 13 પ્રકારના કૅન્સર, ટાઇપ-ટુ ડાયાબિટીસ, હૃદયની સમસ્યા તથા ફેફસાંમાં મુશ્કેલી જેવા બિન-ચેપી રોગ થાય છે.
'ઇન્ટરનેશનલ ફેડરેશન ફૉર સર્જરી ઑફ ઑબેસિટી ઍન્ડ મેટાબોલિક ડિસઑર્ડર'ના પૂર્વ અધ્યક્ષ ડૉ. પ્રદીપ ચૌબેના કહેવા પ્રમાણે, "જો વ્યક્તિનું વજન તેના આદર્શ વજન કરતાં 10 કિલોગ્રામ વધુ હોય તો તેનું આયુષ્ટ ત્રણ વર્ષ ઘટી જાય. આથી, જો કોઈ વ્યક્તિ 50 કિલોગ્રામ ઓવરવેઇટ હોય તો તેના જીવનનાં 15 વર્ષ ઓછા થઈ જાય છે. કોવિડના સમયમાં અમારું અવલોકન હતું કે મેદસ્વી દર્દીઓમાં મૃત્યુદર સામાન્ય કરતાં ત્રણ ગણો વધારે હતો."
લગભગ 20 વર્ષ પહેલાં ભારતમાં બેરિયાટ્રિક સર્જરીની શરૂઆત કરનારા તબીબોમાં ડૉ. ચૌબેનો સમાવેશ થતો હતો.
જ્યારે ખોરાક અને કસરતથી વજન ન ઊતરે ત્યારે સર્જરી દ્વારા પાચનક્રિયામાં ફેરફાર કરીને વજન ઘટાડવાનો અંતિમ ઉપાય અજમાવવામાં આવે છે.
સામાન્ય રીતે જેનો બીએમઆઈ 40 કે તેનાથી વધુ હોય તેમના ઉપર આ પ્રકારની સર્જરી કરવામાં આવે છે. ચૌબેન મતે સ્થૂળતાની તબીબી અસર વિશે તો ચર્ચા થાય છે, પરંતુ તેની મનોવૈજ્ઞાનિક કે સામાજિક અસર ઉપર ખાસ ચર્ચા નથી થતી.
"ત્રણ વર્ષ પહેલાં અમે એક હજાર લોકોનો સરવે કર્યો હતો, જેમાં માલૂમ પડ્યું હતું કે વધુ પડતા વજનની અસર જાતીયજીવન પર થઈ રહી હતી. તેના કારણે લોકોની છબિને અને માનસને પણ અસર થઈ શકે છે, જેની અસર લગ્નજીવનમાં વિક્ષેપ સ્વરૂપે પણ થઈ શકે છે."
56 વર્ષીય અભિનેતા સિદ્ધાર્થ મુખરજી આ અસરને ખૂબ જ સારી રીતે સમજે છે. તેમણે 2015માં બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી.
ઍથ્લીટ મુખરજીનું વજન એક સમયે 80-85 કિલોગ્રામ આસપાસ રહેતું હતું, પરંતુ અમુક વર્ષો પહેલાં તેમનો અકસ્માત થયો, જેના કારણે તેમની રમતગમત કારકિર્દીનો અંત આવી ગયો.
મુખરજીના કહેવા પ્રમાણે, "એક સમયે મારો ખોરાક કોઈ સ્પૉર્ટ્સપર્સન જેવો ડાયટ હતો. હું ખૂબ જ તૈલી તથા મસાલેદાર ખોરાક લેતો હતો. આ સિવાય ડ્રિંક્સ પણ લેતો હતો, જેના કારણે મારું વજન વધતું ગયું અને એક તબક્કે 188 કિલોગ્રામ પર પહોંચી ગયું."

મેદસ્વીતા વધારતા ખાદ્યપદાર્થો પર ટૅક્સ નાખવા હિમાયત

ઇમેજ સ્રોત, Getty Images
વધુ પડતી ચરબીને કારણે ડાયાબિટીસ, ઊંચું કૉલેસ્ટ્રોલ તથા થાઇરોઇડ જેવી સમસ્યા થઈ શકે છે. 2014માં અચાનક જ મુખરજીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.
મુખરજીના કહેવા પ્રમાણે, "હું સૂતા-સૂતા શ્વાસ લઈ શકતો નહોતો, એટલે મારે બેઠા-બેઠા ઊંઘવું પડતું. પરંતુ ડૉ. ચૌબેએ મને નવજીવન આપ્યું. હવે મારું વજન ઘટીને 96 કિલોગ્રામ પર આવી ગયું છે."
"હું સાઇકલ ચલાવું છું અને સ્ટેજ પર અભિનય કરી શકું છું. આ સિવાય રજાઓ પણ માણી શકું છું. એક સમયે હું દાદર પણ ચડી શકતો ન હતો. હવે દરરોજ 17થી 18 કિલોમીટર ચાલી શકું છું."
"હું મીઠાઈઓ આરોગી શકું છું અને હું ફેશનેબલ કપડાં પહેરી શકું છું."
સિદ્ધાર્થ ઉમેરે છે કે ચરબી તેમના માટે શ્રાપ સમાન હતી.
તેઓ કહે છે, "આ વિશ્વ ખૂબ જ સુંદર સ્થળ છે. આપણા પરિવાર પ્રત્યે આપણી જવાબદારીઓ છે. આપણે ખુદની ઉપર ધ્યાન આપવું જોઈએ અને આરોગ્યની કાળજી લેવી જોઈએ."
ડૉ. ચૌબે કહે છે કે મુખરજી જેવા લોકો માટે માટે બેરિયાટ્રિક સર્જરી જીવનરક્ષક બની શકે છે, પરંતુ સૌથી પહેલી બાબત એ છે કે વજન વધારવા મુદ્દે જાગૃતિ લાવવાની જરૂર છે.
ડૉ. ચૌબે ઇચ્છે છે કે સરકાર સ્થૂળતાને બીમારી તરીકે સ્વીકારે, પરંતુ તેમના હજુ સુધીના પ્રયાસો અપૂરતા નિવડ્યા છે.
"સરકારનું બધું ધ્યાન ચેપી તથા ફેલાઈ શકે તેવી બીમારીઓ પર જ કેન્દ્રીત છે, એટલે તેમની પાસે જીવનશૈલીને લગતી બીમારીઓને માટેનાં સંસાધનો ખૂબ જ ઓછાં છે. વાસ્તવમાં મેદસ્વીતાને નાથવી મુશ્કેલ અને ખર્ચાળ છે, તેના કારણે સમગ્ર આરોગ્યવ્યવસ્થા પરનું ભારણ પણ વધે છે."
કેટલાંક વર્ષો પહેલાં બિનઆરોગ્યપ્રદ ખોરાક તથા ઠંડાપીણાનો વપરાશ ઘટે એ માટે તેના પર 'સીન ટૅક્સ' નાખવાની ચર્ચા ચાલી હતી.
આરોગ્યક્ષેત્રના નિષ્ણાતોના કહેવા પ્રમાણે, આવી ચીજોનું વેચાણ કરતી કંપનીઓના દબાણને કારણે નવા પ્રકારનો કર શક્ય ન બન્યો.
ડૉ. કુમારનના મતે બિનઆરોગ્યપ્રદ ખોરાક તથા ધૂમ્રપાનને ઘટાડવા માટે એવી જ નીતિ અપનાવવી જોઈએ.
તેમના કહેવા પ્રમાણે, એક સમયે સાર્વજનિક સ્થળો, ફ્લાઇટ તથા કાર્યાલયોમાં ધૂમ્રપાન સ્વીકાર્ય હતું, પરંતુ હવે તે પ્રતિબંધિત છે.
આ સિવાય સરકાર દ્વારા જાહેરાતો તથા ફિલ્મ-સિરિયલ દરમિયાન ધૂમ્રપાન-મદ્યપાન સંદર્ભે ડિસ્કલૅમર ફરજિયાત બનાવવામાં આવ્યા છે આ સિવાય સિગારેટના પૅકેટો પર તસવીરી ચેતવણી પણ મૂકવામાં આવે છે.
ડૉ. કુમારનના મતે આ પ્રકારની વારંવારની ચેતવણી તથા સંદેશને કારણે મદદ મળે છે, એવું જ મેદસ્વીતા માટે પણ કરવાની જરૂર છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












