ડાયાબિટીસઃ ‘અમારી પાસે ફ્રીજ નથી, આ માટીના ઇન્સ્યુલિન પોટને કારણે હું જીવતો રહ્યો છું’

    • લેેખક, મયંક ભાગવત
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

"માટીનો આ ઘડો મારી જીવનરેખા છે," બીબીસી સાથે વાત કરતાં 13 વર્ષના અલકેશ પિંપળેએ આમ કહ્યું ત્યારે તેની નજર ઘડિયાળ પર હતી.

થોડી વારમાં અલકેશને ભોજન પહેલાં ઇન્સ્યુલિન લેવાનો સમય થવાનો હતો. ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત અલકેશને દિવસમાં ત્રણ વખત ઇન્સ્યુલિન લેવું પડે છે.

અલકેશનો પરિવાર અત્યંત ગરીબ છે. તેમની માતાને રોજ માત્ર 200 રૂપિયા મહેનતાણું મળે છે. અલકેશની સારવાર અને પરિવારના પાંચ સભ્યોનો ગુજારો તે આવકમાંથી જ થાય છે.

અલકેશને ટાઇપ-1 ડાયાબિટીસ છે અને ઘરમાં ઇંજેક્ષન રાખવા માટેનું ફ્રીજ નથી
ઇમેજ કૅપ્શન, અલકેશને ટાઇપ-1 ડાયાબિટીસ છે અને ઘરમાં ઇંજેક્ષન રાખવા માટેનું ફ્રીજ નથી

આ સ્થિતિમાં ઇન્સ્યુલિનના ઇંજેક્ષન ઠંડા રાખવાં માટે ઘરમાં ફ્રીજ ક્યાંથી હોય? તેથી અલકેશ માટીના વાસણનો ઉપયોગ કરે છે. અલકેશ કહે છે કે "આ માટીના ઘડાને કારણે હું જીવતો રહું છું."

માટીનો આ ઘડો છે શું? તેમાં ઇન્સ્યુલિનનાં ઇંજેક્ષન ઠંડા કઈ રીતે રહે છે? માટીના આ ઘડાએ મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં હજારો બાળકોનું જીવન કઈ રીતે બદલી નાખ્યું છે? આ બધા સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ બીબીસીએ કર્યો છે.

line

'ઘડાને કારણે જ હું જીવંત છું'

અલકેશનાં મમ્મી શશિકલા પિંપળેને ઇન્સ્યુલિન ખરાબ થવાનો ડર સતત લાગ્યા કરે છે.
ઇમેજ કૅપ્શન, અલકેશનાં મમ્મી શશિકલા પિંપળેને ઇન્સ્યુલિન ખરાબ થવાનો ડર સતત લાગ્યા કરે છે.

ઔરંગાબાદથી લગભગ 60 કિલોમિટર દૂર જાલના જિલ્લાના અવનિ ગામમાં અલકેશ તેનાં માતા, ભાઈ અને દાદા સાથે રહે છે. ઘરમાં ત્રણ નાનાં રૂમ છે અને ઘરના મુખ્ય રૂમમાં એક પંખો છે.

અલકેશ બપોરે જમવાના સમયે ઇન્સ્યુલિનનો ડોઝ લેવાની તૈયારી કરી રહ્યો છે.

માટીના ઘડા પરથી લાલ રૂમાલ હઠાવીને તેમાંથી ઇન્સ્યુલિનની બે બોટલ બહાર કાઢતાં અલકેશ કહે છે કે "આ ઘડાએ મારું જીવન બચાવ્યું છે."

બહાર 42-44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન છે અને સૂર્ય આગ ઓકી રહ્યો છે. ઘર પરનું પતરું એપ્રિલના આકરા તાપને કારણે લાલચોળ થઈ ગયું છે. આંગણામાં ઊભું રહી શકાય નહીં અને ઘરમાં ગરમી સહન કરી શકાય નહીં, એવી પરિસ્થિતિ છે.

line

'...તો ઇન્સ્યુલિન ખરાબ થઈ જાય'

અલકેશન

બપોરે એકાદ વાગ્યે અલકેશ બીજો ડોઝ લેવાની તૈયારી કરે છે. ઇન્સ્યુલિનની રોજ ઉપયોગમાં લેવાની બોટલ્સ અલકેશ માટીના ઘડામાં રાખે છે અને વધારાના ડોઝ પાડોશીના ફ્રીજમાં.

"તેમની પાસે ફ્રીજ છે. તેથી તેમાં ઇન્સ્યુલિનની બોટલ્સ રાખવા હું તેમને વિનંતી કરું છું," અલકેશ જણાવે છે.

ડાયાબિટીસના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, મઘુપ્રમેહના તમામ દર્દીઓએ તેમની જરૂરિયાત અનુસાર દિવસ દરમ્યાન ઇન્સ્યુલિનના ત્રણ કે પાંચ ડોઝ લેવા પડે છે.

અલકેશ આગળ જણાવે છે કે "અમારી પાસે ફ્રીજ નથી. ફ્રીજ ખરીદવાનું અમને પરવડે પણ નહીં. તેથી રોજિંદી જરૂરિયાતનો ઇન્સ્યુલિનનો ડોઝ હું આ ઘડામાં રાખું છું."

ડાયાબિટીસના દર્દીએ ઇન્સ્યુલિનનો ડોઝ લેતાં પહેલાં પોતાના શરીરનું શુગરનું સ્તર ચકાસવું જરૂરી હોય છે. એ દિવસે અલકેશના શરીરમાં શુગર થોડી ઓછી થઈ ગઈ હતી. તેથી તેના માતા તત્કાળ ખાંડ લાવ્યાં. અલકેશે તે ખાંડ ખાઘી. થોડા સમયમાં તેનું સુગર લેવલ પૂર્વવત થયું એ પછી અલકેશે પોતાના ઇન્સ્યુલિનનું ઇંજેક્ષન જાતે જ લઈ લીધું.

ઇન્સ્યુલિન લીધા પછી તેમણે માટીના ઘડામાં એક ગ્લાસ ભરીને પાણી રેડ્યું એટલે અમે પૂછ્યું કે પાણી કેમ નાખ્યું?

અલકેશે સમજાવ્યું કે "માટીના ઘડાને દિવસભર ઠંડો રાખવા માટે તેમાં છથી આઠ ગ્લાસ પાણી રેડવું પડે છે. રેતીમાં પાણી ન નાખો તો ઘડો ઠંડો ન રહે અને ઇન્સ્યુલિન ખરાબ થઈ જાય."

માટીના ઘડામાં પાણી રેડ્યા પછી અલકેશ તેના પર ફરી રૂમાલ ઢાંક્યો અને ઘડાને લોખંડના પલંગની નીચે ધકેલી દીધો.

પછી કહ્યું કે "ઘડો ઠંડી જગ્યામાં રાખવો જરૂરી છે."

અમે અલકેશ સાથે વાત કરતા હતાં ત્યાં અચાનક લાઇટ ગઈ. બહાર ખાટલા પર બેઠેલા દાદાજી બરાડ્યા, "અરેરે, લોડશેડિંગ ફરી શરૂ થઈ ગયું."

અલકેશે કહ્યું કે "અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જાય ત્યારે આ ઘડો બહુ કામ આવે છે."

મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં સખત ઉનાળો અને તેમાં લોડશેડિંગ રોજિંદી બાબત બની ગયું છે. આ પરિસ્થિતિમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાંના અલકેશ જેવા ટાઇપ-1 ડાયાબિટીસથી પીડાતાં હજારો બાળકો તેમજ પ્રૌઢો માટે ઇન્સ્યુલિનનાં ઇંજેક્ષન ઠંડા રાખવા માટીના આવા ઘડા એક પ્રકારની જીવનવાહિની બની રહ્યા છે.

ટાઇપ-1 ડાયાબિટીસના દર્દીઓની તકલીફોની વાત કરતાં મુંબઈસ્થિત ડાયાબિટીસ નિષ્ણાત ડૉ. વ્યંકટેશ શિવણે કહે છે કે "ટાઇપ-1 ડાયાબિટીસના મોટાભાગના દર્દીઓ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. તેઓ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના છે. એ પૈકીના ઘણા લોકો પાસે ફ્રીજ નથી. ફ્રીજ હોય તો પણ સતત લોડશેડિંગથી તેમની તકલીફ વધે છે."

અલકેશનાં મમ્મી શશિકલા પિંપળેને ઇન્સ્યુલિન ખરાબ થવાનો ડર સતત લાગ્યા કરે છે.

તેઓ કહે છે કે "ઘડામાં રાખેલું ઇન્સ્યુલિન ખરાબ થઈ જાય તો? પછી સવાલ થાય કે ઇન્સ્યુલિન ક્યાં રાખવાનું? ગામમાં એક જ ઘરમાં ફ્રીજ છે, પણ તેમની પાસે આ માટે રોજેરોજ જવું યોગ્ય નથી લાગતું. તેથી વધારાનો ડોઝ તેમના ફ્રીજમાં રાખીને રોજ વાપરવાનો ડોઝ આ ઘડામાં રાખીએ છીએ."

શશિકલા ઉમેરે છે કે "કામ કરીને જેટલા પૈસા મળે છે તેમાંથી થોડા પૈસા અલગ રાખું છું. તેનો ઉપયોગ અલકેશની સારવાર માટે કરું છું."

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહે છે કે "ટાઇપ-1 ડાયાબિટીસના દર્દીઓને સારી આરોગ્ય સુવિધા આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સરકારે ગ્રામ્ય વિસ્તારોના આરોગ્ય કેન્દ્રોમાં ડાયાબિટીસની ચકાસણીની સેવા શરૂ કરી છે. સમાજમાં ટાઇપ-1 ડાયાબિટીસ બાબતે જનજાગૃતિ વધવી જોઈએ."

line

માટીના ઘડામાં ઇન્સ્યુલિન ઠંડુ કઈ રીતે રહે?

'ઉડાન'નાં સ્થાપક અને ડાયાબિટીસ નિષ્ણાત ડૉ. અર્ચના સારડા
ઇમેજ કૅપ્શન, 'ઉડાન'નાં સ્થાપક અને ડાયાબિટીસ નિષ્ણાત ડૉ. અર્ચના સારડા

ટાઇપ-1 ડાયાબિટીસથી પીડાતાં બાળકો માટે ઔરંગાબાદમાં 'ઉડાન' નામની એક સંસ્થા કાર્યરત છે. અલકેશને ઇન્સ્યુલિન ઠંડું રાખવા માટેનો માટીનો ઘડો આ સંસ્થામાંથી મળ્યો છે. આખા મહિનાના ઇન્સ્યુલિનના ડોઝનો જથ્થો પણ આ સંસ્થા તરફથી અલકેશને આપવામાં આવે છે.

'ઉડાન'નાં સ્થાપક અને ડાયાબિટીસ નિષ્ણાત ડૉ. અર્ચના સારડાએ ઇન્સ્યુલિનની બોટલ્સ ઠંડી રાખવા માટે માટીનો આ ઘડો વિકસાવ્યો છે.

બીબીસી સાથે વાત કરતાં ડૉ. અર્ચના સારડા કહે છે કે "ફ્રીજ કે વીજળીની વ્યવસ્થા ન હોય તેવા દર્દીઓની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આ ઘડો તૈયાર કરવામાં આવ્યો છે."

ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉપચાર માટે આવતાં બાળકોના શરીરમાં સુગરનું પ્રમાણ અચાનક વધી જાય અને ઇન્સ્યુલિન ખરાબ થઈ જાય ત્યારે તેમને બહુ તકલીફ થતી હોવાનું ડૉ. અર્ચના સારડાનાં ધ્યાનમાં આવ્યું હતું. ઇન્સ્યુલિનને સલામત રીતે રાખી શકાય એ માટે કોઈ નિરાકરણ શોધવું જરૂરી હતું.

ડૉ. અર્ચના સારડા કહે છે કે "એવું ન થાય તો દર્દી બાળકો જીવતાં રહી ન શકે." તેથી બાળકોની તાકીદની જરૂરિયાત સમજીને ઇન્સ્યુલિન પોટ બનાવવામાં આવ્યો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળો આકરો હોય છે. ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધી જતું હોય છે. ઇન્સ્યુલિન જલદી ખરાબ થવાનું એક કારણ જોરદાર ગરમી પણ હોય છે. ઇન્સ્યુલિન ખરાબ થઈ જાય પછી બાળકોને તેનાંથી કોઈ ફાયદો થતો નથી અને તેમની તબિયત બગડે છે.

ડૉ. અર્ચના સારડા કહે છે કે "ઉનાળામાં બહારનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય અને ઘરમાં 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યારે માટીના આ ઘડામાં તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ સુધી નિયંત્રિત રહે છે."

રોજિંદા વપરાશના ઇન્સ્યુલિન ડોઝ સલામત રાખવા માટે 26 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન જરૂરી હોય છે.

ઘડામાં ઇન્સ્યુલિનને વૈજ્ઞાનિક રીતે સલામત રાખવા વિશેનું સંશોધન પણ ડૉ. અર્ચના સારડાએ કર્યું છે.

line

ઇન્સ્યુલિન પોટ એક નક્કર વિકલ્પ છે?

અલકેશનાં મમ્મી શશિકલા પિંપળે
ઇમેજ કૅપ્શન, અલકેશનાં મમ્મી શશિકલા પિંપળે

ઇન્સ્યુલિન પોટ માટીનું સાધન છે. તેમાં એક નાનો અને એક મોટો એમ બે ઘડા વાપરવામાં આવે છે. બન્નેમાં રેતી ભરવામાં આવે છે. રેતી પર દિવસ દરમિયાન છથી આઠ ગ્લાસ પાણી રેડવાનું હોય છે. ઇન્સ્યુલિનનો ડોઝ નાના ઘડામાં રાખવાનો હોય છે અને તેમાં ઠંડક જળવાઈ રહે એ માટે તેને ઢાંકીને રાખવાનો હોય છે.

માટીનું વાસણ ઠંડુ હોય છે અને તેમાં ભરેલી રેતીને સતત ભીંજવી રાખવાથી અંદરનો નાનો ઘડો પણ ઠંડો રહે છે. પરિણામે ઇન્સ્યુલિન ઠંડુ રાખવામાં મદદ મળે છે.

ઇન્સ્યુલિનની અસરકારકતા જાળવી રાખવા માટે તેને ફ્રીજમાં ચારથી આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવું પડે છે. ઇન્સ્યુલિન પોટમાં આટલું નીચું તાપમાન જાળવવું શક્ય નથી, પરંતુ આ પોટ ડાયાબિટીસના દર્દીઓ માટે નક્કર પર્યાય બની શકે ખરો, એવો સવાલ અમે ડૉ. અર્ચના સારડાને પૂછ્યો.

તેમણે કહ્યું કે "ઇન્સ્યુલિન પોટ નક્કર કે અંતિમ વિકલ્પ નથી એ સાચી વાત છે. ટાઇપ-1 ડાયાબિટીસના દર્દીઓએ રોજ ઇન્સ્યુલિનનો ડોઝ લેવો પડે છે. માટીના ઘડામાં રોજિંદા વપરાશનો ઇન્સ્યુલિનનો ડોઝ જ રાખવાનો હોય છે. તેમાં મોટા પ્રમાણમાં ઇન્સ્યુલિનનો ડોઝ રાખી શકાતો નથી. ઇન્સ્યુલિન પર ઉષ્ણતામાનની અસર થતી હોય છે."

માટીના આ ઘડામાં રાખવામાં આવેલું ઇન્સ્યુલિન કેટલા દિવસ સલામત રહી શકે?

ડૉ. અર્ચના સારડા કહે છે કે "મહિનાના છેલ્લા કેટલાક દિવસોમાં ઇન્સ્યુલિનની અસર ઓછી થતી હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે. તેથી મહિનાના છેલ્લા કેટલાક દિવસોમાં ડોઝ વધારવાની સલાહ અમે બાળકોને આપીએ છીએ."

ઇન્સ્યુલિનની નવી બોટલમાંથી વપરાશ શરૂ કરો ત્યારે પહેલાના કેટલાક દિવસ ઓછો ડોઝ લેવાનો, કારણ કે ઇન્સ્યુલિનનો નવો ડોઝ વધુ અસરકારક હોય છે.

ડૉ. સારડાનાં જણાવ્યાં મુજબ, "આ ઉત્તમ અને અંતિમ વિકલ્પ તો નિશ્ચિત રીતે નથી, પરંતુ જેમની પાસે ફ્રીજ કે વીજળી નથી તેમના જીવ બચાવવામાં ઇન્સ્યુલિન પોટ ઉપયોગી જરૂર થાય છે."

ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશને આપેલી માહિતી અનુસાર, ભારતમાં ટાઇપ-1 ડાયાબિટીસનાં હાલ 25 લાખ દર્દીઓ છે, પણ આવા દર્દીઓની નોંધણી માટે રજિસ્ટ્રીની વ્યવસ્થા નથી.

ડાયાબિટીસ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આવાં દર્દીઓની સંખ્યા અનુમાન કરતાં બમણી હોવાની શક્યતા છે, કારણ કે આપણા દેશમાં ટાઇપ-1 ડાયાબિટીસ ચેપી રોગોની યાદીમાં સમાવિષ્ટ નથી. તેથી તેના દર્દીઓનો ખરો આંકડો જાણી શકાતો નથી.

ડૉ. સારડાના જણાવ્યા મુજબ, તેઓ દર વર્ષે અંદાજે 500 બાળકોને આવા ઈન્સ્યુલિન પોટ વાપરવા આપે છે.

ટાઇપ-વન ડાયાબિટીસના મુદ્દા પર ધ્યાન શા માટે આપવામાં આવતું નથી, એવો સવાલ અમે ડૉ. વ્યંકટેશ શિવણેને પૂછ્યો ત્યારે તેમણે કહ્યું કે "પ્રૌઢોને થતા ડાયાબિટીસની સરખામણીએ ટાઇપ-1 ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા બહુ ઓછી છે. તેથી અન્ય સંસર્ગજન્ય રોગોની સરખામણીએ ટાઇપ-1 ડાયાબિટીસ પર વધારે ધ્યાન આપવામાં આવતું નથી."

line

'હું ઇન્સ્યુલિન પોટ લઈને સાસરે જઈશ'

ઔરંગાબાદમાં રહેતાં 23 વર્ષની પૂજા હિવાળેને ટાઇપ-1 ડાયાબિટીસ હોવાનું નિદાન થયું ત્યારે તેઓ 4 વર્ષનાં હતાં. ઇન્સ્યુલિનના ડોઝ ક્યાં અને કેવી રાખવા એ વિશે તે કશું જાણતાં ન હતાં.

છેલ્લા આઠ વર્ષથી ઇન્સ્યુલિન પોટનો ઉપયોગ કરતી પૂજા કહે છે કે "મને આનાથી બહુ લાભ થયો છે. આ પોટે મારા પ્રાણ બચાવ્યા છે."

પોટનો ઉપયોગ કરવામાં પોતાને કોઈ તકલીફ પણ ન થયાનું પૂજાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

ઇન્સ્યુલિન પોટ વાપરવાની સાથે પૂજાએ થોડાં-થોડાં પૈસા બચાવીને ફ્રીજ ખરીદ્યું છે.

એપ્રિલમાં પૂજાના લગ્ન છે. તે કહે છે કે "મારું સાસરું ગ્રામ્ય વિસ્તારમાં છે. ત્યાં ફ્રીજ નથી. તેથી હું ઇન્સ્યુલિન પોટ લઈને સાસરે જવાની છું. ત્યાં સમય જતાં ફ્રીજ આવશે, પરંતુ લાઇટ જશે ત્યારે ઇન્સ્યુલિન પોટ બહુ કામ આવશે."

line

ઇન્સ્યુલિન પોટમાં ટામરનો જુગાડ

ઔરંગાબાદના 21 વર્ષનો નકુલ તિવારી નાસિકમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. નકુલ પોતે ટાઇપ-1 ડાયાબિટીસના દર્દી છે. ઇન્સ્યુલિન ઠંડુ રાખવા માટે તે પણ ઇન્સ્યુલિન પોટનો ઉપયોગ કરે છે.

ઇન્સ્યુલિન પોટમાં દર ચાર કલાકે પાણી નાખવું પડે છે. તેથી નકુલે તેના દોસ્ત રામેશ્વર સાથે મળીને એક જુગાડ એટલે કે યુક્તિ કરી છે.

તેમણે ઇન્સ્યુલિન પોટમાં પાણી ઑટોમેટિક નંખાતું રહે એ માટે એક ટાઇમર સર્કિટ તૈયાર કરી છે.

નકુલ કહે છે કે "નાસિકમાં ઇન્સ્યુલિન રાખવા માટે ફ્રીજ નહીં હોય એ હું જાણતો હતો. તેથી અમે એક ટાઇમર સર્કિટ તૈયાર કરી હતી. દર ચાર કલાકે તે સર્કિટ ઍક્ટિવેટ થાય છે અને પોટમાં પાણી આપોઆપ પડતું રહે છે."

"હું લૅક્ચર, કૉલેજ અને પ્રોજેક્ટ નિમિત્તે બહાર હોઉં ત્યારે પોટમાં પાણી કોણ નાખશે એવો પ્રશ્ન થતાં મને ટાઇમર સર્કિટ તૈયાર કરવાનો વિચાર આવ્યો હતો."

તાપમાન માપવા માટે નકુલે પોટમાં એક સેન્સર પણ ગોઠવ્યું છે.

નકુલ કહે છે કે "રૂમનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે પણ પોટમાંનું તાપમાન 24થી 25 ડિગ્રી સેલ્સિયસના સ્તરે નિયંત્રિત રહે છે. તેથી ઇન્સ્યુલિન ખરાબ થતું નથી."

વીડિયો કૅપ્શન, જૂનાગઢના આ હિંદુ-મુસ્લિમની મિત્રતાએ બધાનાં દિલ જીતી લીધાં
line

સમગ્ર વિશ્વમાં આ પોટનો ઉપયોગ શક્ય છે?

આ ઇન્સ્યુલિન પોટ બાબતે બહુ ઓછા લોકો જાણે છે. સવાલ એ છે કે ઇન્સ્યુલિન પોટના આ આઇડિયાનો ઉપયોગ દેશના અન્ય જિલ્લાઓમાં તેમજ સમગ્ર વિશ્વમાં કરવો શક્ય છે?

આ સવાલનો જવાબ આપતાં ડૉ. અર્ચના સારડા કહે છે કે "આ પોટ દર્દીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આપણા દેશમાં અને વિશ્વમાં આ પોટનો ઉપયોગ કરવો હોય તો આ પોટ કેવો હોવો જોઈએ, તેનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ વગેરે બાબતોનો અભ્યાસ કરીને નક્કર ભલામણો કરવી જરૂરી છે."

"આ વિશેની માહિતીનું આદાનપ્રદાન કરવું જોઈએ, જેથી વધારેને વધારે લોકોને તેનો લાભ મળી શકે. ભારતમાં કે વિશ્વના અન્ય દેશોમાં જેમની પાસે ફ્રીજની સુવિધા નથી તેવા ટાઇપ-1 ડાયાબિટીસનાં લાખો દર્દીઓને આનાથી ફાયદો થશે."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો