થાઇરૉઇડનાં લક્ષણો શું હોય છે? શું તેનો કોઈ ઇલાજ છે?
- લેેખક, એલિસિયા હર્નાન્ડીઝ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
"મારા સાથી સાથે સમાગમની મારી ઇચ્છા છે, પણ ઉત્તેજના થતી જ નથી. મારે વહેલા ઊઠી જવું છે, હજાર જાતની પ્રવૃત્તિઓ કરવી છે, પણ અગાઉની જેમ હું હવે પ્રવૃત્ત થઈ શકતી નથી."
"મારે પુસ્તક વાંચવું છે, પણ મગજ કંટાળો જગાવે છે. હું શાંત રહેવા માગું છું, પણ કંઈક એવું થાય છે કે મને કોઈ પર બૂમો પાડવાનું મન થાય છે, પાટા મારવાનું મન થાય છે."
"મારે વજન ઘટાડવું છે, કોશિશ પણ કરું છું, બહુ મહેનત કરું છું, પણ વજન નથી ઘટતું. હું આનંદમાં રહેવા માગું છું, ખુશીનાં કારણો પણ છે, પણ કંઈક એવું થાય છે કે ઉત્સાહ જતો રહે છે અને ઉદાસ થઈ જાઉં છું."
"આ ચઢાવઉતારમાંથી બહાર આવવા માગું છું, આ લક્ષણોમાંથી અને લાગણીના ઊભરામાંથી બહાર નીકળવાં માગું છું."

ઇમેજ સ્રોત, Getty Images
લૌરા, આઇરિન અને લોરેટા ચીલી, સ્પેન અને ક્રોએશિયા જેવા તદ્દન જુદા-જુદા દેશોમાં છે, પણ બીબીસી મુન્ડોના જણાવ્યા અનુસાર ઉપરના ફકરામાં જણાવ્યું છે એવી જ લાગણી અનુભવી રહી છે. આ બધી જ મહિલાઓઓ પોતાનું અસલી સ્વરૂપ પાછું મેળવવા માગે છે.
લોરેટા કહે છે, "હું 17 વર્ષની હતી ત્યારે લક્ષણો દેખાવાં લાગ્યાં હતાં. વર્ટિગો, કાનમાં ગુંજાર, એ બધાના કારણે મને બહુ અકળામણ થતી હતી. કેટલાકને થતું કે મને વાઈ આવે છે."
"છએક મહિના પછી તપાસ કરાવી ત્યારે ખ્યાલ આવ્યો કે મને થાઇરૉઇડ છે."
આઇરિનના કિસ્સામાં 2009માં તેને પેટમાં ગરબડથી શરૂઆત થઈ હતી. એન્ડોસ્કોપી, ગૅસ્ટ્રોસ્કોપી કર્યા પછી એક ડૉક્ટરે કહ્યું કે તમને માત્ર બીમારી હોવાનો વહેમ છે. તે પછી એક દાયકા પછી નિદાન થયું હતું કે તેને થાઇરઇડ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લૌરાને યાદ છે કે એક ડૉક્ટરે તેને સ્થૂળતાનું કારણ આપતાં એવું કહ્યું હતું કે "વેનેઝુએલાના લોકો જાડા હોય છે કે કેમ તે લોકો બહુ એરપાસ (મકાઇની બ્રેડ) ખાય છે." સાત કે આઠ ડૉક્ટરને મળ્યાં પછી હોર્મોનમાં ફેરફાર વિના સારવાર તેને મળી શકી હતી.

આપણી ઊર્જાને નિયંત્રિત કરતું પતંગિયું

ઇમેજ સ્રોત, Getty Images
થાઇરૉઇડની ગ્રંથી પતંગિયા જેવા આકારની હોય છે અને આપણા ગળામાં રહેલી હોય છે. તેનું કામ જરૂરી પ્રમાણમાં હોર્મોન ઉત્પન્ન કરવાનું છે, જેથી શરીર ઊર્જાનો ઉપયોગ કરી શકે, શરીરમાં તાપમાન જળવાઈ રહે અને મગજ, હૃદય, સ્નાયુઓને બીજાં અંગો યોગ્ય રીતે કામ કરતાં રહે છે.
એન્ડોક્રાઇનોલૉજિસ્ટ પલોમા ગીલ કહે છે, "આ ગ્રંથી શરીરની બેટરી જેવી છે. તે જરાક વધારે કામ કરે કે થોડી ઓછી સક્રિય હોય તો તરત તેની અસર શરીર પર દેખાય છે."
ગ્રંથી બરાબર કામ ના કરે તો હાઇપોથાઇરૉડિઝમ થાય અને અને તેના કારણે તમને એવું લાગે કે "જાણે તમે બેટરી વિનાનું રમકડું બની ગયા છો. તરત થાક લાગી જાય"; ગ્રંથી વધારે સક્રિય થઈ જાય તો હાઇપરથાઇરૉડિઝમ થાય અને "વ્યક્તિએ વધારે પડતી કેફેન લઈ લીધી હોય તેવી લાગે અને થનગનાટ દેખાવા લાગે."
હાયપોથાઇરૉડિઝમ અને હાઇપરથાઇરૉડિઝમ બંનેનાં કેટલાંક લક્ષણો દેખાય આવે છે: વાળ ખરવા, થાક લાગવો, મૂડ બદલાઇ જવો, વજન વધી જવું કે ઘટી જવું, મેન્સ્ટ્રુએશનમાં ફેરફાર, ભૂલકણાપણું અને માનસિક થાક વગેરે.
સ્પેનિશ સોસાયટી ઑફ એન્ડોક્રાઇનોલૉજીના સભ્ય ડૉ. ફ્રાન્સિસ્કો જેવિયર સાન્તામારિયા કહે છે, "સમસ્યા એ છે કે લક્ષણો ચોક્કસ હોતા નથી. દાખલા તરીકે હાયપોથાઇરૉડિઝમ થયો હોય ત્યારે ડિપ્રેશન થયું છે એવું લાગી શકે છે."
સાન્તામારિયા કહે છે કે હાયપોથાઇરૉડિઝમ વધારે થાય છે અને તેનું નિદાન જલદી થતું નથી.
તેઓ કહે છે, "વસતીમાંથી 10 ટકા જેટલા લોકોને આ મુશ્કેલી થાય છે. તેમાંથી અડધોઅડધનું નિદાન થતું નથી. મુખ્યત્વે મહિલાઓને થાય છે, 80 ટકા દર્દીઓ મહિલાઓઓ હોય છે."

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે લેવોથાયરૉક્સિનની ગોળીઓથી સારવાર થાય છે, જે થાઇરૉઇડ ગ્રંથીના સ્રાવને સંતુલિત રાખે છે. ડૉ. ગીલ કહે છે, "હોર્મોન સંતુલિત થઈ જાય તે પછી તમે રોજબરોજનું સામાન્ય જીવન જીવી શકો છો."
જોકે લોરેટા, આઇરિન અને લૌરાના કિસ્સામાં એવું થયું નહોતું. આ ત્રણેયની સારવાર કરવામાં આવી હતી તેમ છતાં તેમનાં લક્ષણો દૂર થયાં નહોતાં.
લોરેટા કહે છે, "ક્યારેય હું ડિપ્રેસ થઈ જાઉં છું અને થોડું કામ કરું ત્યાં થાકી જાવ. આપણું જીવન અત્યારે દોડભાગવાળું બન્યું છે ત્યારે આવા થાક સાથે તાલ મેલાવવો મુશ્કેલ છે."
લૌરા પણ બહુ વ્યસ્ત રહે છે, પણ ક્યારેય તેણે પણ આખો દિવસ પથારીમાં પડ્યાં રહેવું પડે છે.
આઇરિન પણ કહે છે કે, "હું શક્ય એટલી સારી રીતે કામ કરવા કોશિશ કરું છું. પણ 100 ટકા સારી સ્થિતિમાં રહેવું બહુ મુશ્કેલ હોય છે."
લોરેટાની સ્થિતિ વધારે બગડી હતી. તેની ગ્રંથી આસપાસ ગાંઠ થઈ હતી તે તેણે દૂર કરાવવી પડી હતી.
તેઓ કહે છે, "ડૉક્ટરે મને કહેલું કે તમારી સાથે એવું થયું છે કે તમે ધ્યાન કેંદ્રિત કરી શકો નહીં, વાતચીત ચાલુ રાખી શકો નહીં. હું મારી જાતને કહેતી હોઉં છું કે આ થાઇરૉઇડને કારણે આવું થાય છે. 'હું કંઈ આવી નથી, પણ થાઇરૉઇડને કારણે આવું થાય છે.'"
ડૉ. સાન્તામારિયા કહે છે, "મોટા ભાગના દર્દીઓમાંથી, 80થી 90 ટકા કેસમાં સારું થઈ જાય છે. જોકે કેટલાક કિસ્સા એવા હોય છે, જ્યાં 100 ટકા સારું થતું નથી."
"કેટલાક કેસ વધારે કૉમ્પ્લેક્સ હોય છે. મોટા ભાગના હાયપોથાઇરૉડિઝમ ઑટોઇમ્યુન પ્રકારના હોય છે અને તમે દવા લો ત્યારે ઑટોઇમ્યુનિટી બીજાં અંગોને અસર કરે છે."
તેનો અર્થ એ થયો કે આપણા શરીરનું તંત્ર પોતાના પર જ પ્રહારો કરતું થઈ જાય છે, "તમે ઍન્ટીબૉડી પેદા કરો અને તે બીજાં કોષોને અસર કરે ત્યારે વાળ ખરી, જવા વર્ટિગો થવો, આંતરડામાં મુશ્કેલી થવી વગેરે થાય છે."
આ ઉપરાંત થાઇરૉઇડ હોર્મોન નર્વસ સિસ્ટમ સહિત તમામ બાબતોને અસર કરે છે. ડૉ. સાન્તામારિયા કહે છે: "લાગણીના બહુ ઊભરા આવે, ચીડ ચડે. થાઇરૉઇડ કાબૂમાં આવી ગયા પછીય તેનાં લક્ષણો રહી જાય છે."
ઘણા બધા દર્દીઓને કોઈ ઉકેલ મળતો નથી.

જાતે સ્વસ્થ થવાનો માર્ગ

ઇમેજ સ્રોત, Getty Images
આ ત્રણેય દર્દીઓ સાથે બીબીસી મુન્ડોએ વાતચીત કરી ત્યારે તેમની ફરિયાદ એ હતી કે ડૉક્ટરો પાસે છેલ્લામાં છેલ્લી માહિતી હતી અને થાઇરોઇડની કોઈ એક સારવાર નથી.
આઇરિન તો કહે છે, "દરેક બાબતો એક બીજા સાથે જોડાયેલી છે. આપણે કંઈ શરીરના જુદાં-જુદાં અંગો નથી."
લોરેટા, આઇરિન અને લૌરા ત્રણેયને લાગે છે કે તેમને યોગ્ય જવાબો મળી રહ્યા નથી.
આ ત્રણેય પોતાની રીતે પુસ્તકો વાંચીને, વીડિયો જોઈને માહિતી મેળવવાની કોશિશ કરી ત્યારે તેમાં ઘણી બધી વિરોધાભાસી બાબતો હતી અને ટ્રાયલ અને એરરના ધોરણે સારવારની વાતો હતી.
આ ત્રણેય એક બાબતમાં સહમત થાય છે કે તેમનાં માટે તેમનાં ડૉક્ટર જ ઉપયોગી નીવડે છે. તેમની સાથે વધારે સમય ગાળે અને રૂટિન ચેક-અપ કરે તેનાથી જ ફાયદો થાય છે.
લૌરા અને આઇરિન બંનેએ પોતાનાં બધાં લક્ષણોની તપાસ કરાવવાં નિષ્ણાતોની સલાહ લીધી હતી અને બધાં લક્ષણોની સારવાર એક સાથે ચાલુ કરી હતી.
એન્ડોક્રાઇનોલૉજીના સ્પેશિયાલિસ્ટ ઇઝાબેલા ગ્રેસિયા કહે છે કે તેમને એવા અનેક લોકો મળવા આવે છે, જે બીજા ડૉક્ટરોને મળીને કંટાળી ગયા હોય.
તેઓ કહે છે, "ટેસ્ટ કરીને ડૉક્ટર્સ જણાવતા હોય છે કે કંઈ નથી, પણ તેમને ચેન પડતું હોતું નથી. બીજી બાબતોનું નિદાન પણ કરવાની જરૂર હોય છે."
ગ્રેસિયા કહે છે, "દરેક દર્દનું કોઈ કારણ હોય, કોઈ મૂળ હોય. એક જ દવાથી ઘણી વાર તે દૂર થતું નથી. તમારે દર્દીને મળીને સમજવું પડે. "
"લાગણીશીલતા પણ અગત્યની હોય છે અને ખાણીપીણી તથા રહેણીકરણીની આદતો પણ જાણવી જરૂરી હોય છે."

માર્ગદર્શન લેવું જરૂરી છે

ઇમેજ સ્રોત, Getty Images
જે ત્રણ સ્પેશ્યલિસ્ટ સાથે વાતચીત કરવામાં આવી તેમણે દરેકે ચેતવણી આપી કે મેડિકલ સુપરવિઝન વિના દવાઓ લેવી જોઈએ નહીં.
ડૉ. ગ્રેસિયા ટૉક્સિનને દૂર કરવા પર ભાર મૂકે છે, જેમાં કેટલીક દાંતની સારવારમાં પારાનો ઉપયોગ થાય છે તે ટાળવાથી માંડી પ્લાસ્ટિકના ગ્લાસના બદલે કાચના ગ્લાસ વાપરવા સુધી અને લિક્વિડ સાબુ ના વાપરવા સુધીની વાતનો સમાવેશ થાય છે. રોજની દોડભાગ, આર્થિક સ્થિતિ, સામાજિક સંદર્ભો એ દરેકના હાથમાં નથી હોતા.
સાથે જ પરવડી શકે તે રીતે ખાણીપીણીમાં ફેરફાર કરવાની ભલામણ કરે છે, જેમ કે ખાંડ અને પ્રોસેસ કરેલા ફૂડ ના લેવા.
ખાસ કરીને ગ્લુટેન અને દૂધની પણ એલર્જી હોઈ શકે છે. સૂર્યસ્નાન કરવું જોઈએ, જેથી વિટામિન ડી મળી રહે અને કસરત પણ કરવી જોઈએ. "કસરત ધીમે-ધીમે વધારતી જવી જોઈએ, કેમ કે તેના કારણે શરીરને તાણ પડતી હોય છે".
ગ્રેસિયા કહે છે કે એવી મહિલાઓ નિદાન માટે આવે છે, જે યુવાનીથી આગળ વધીને પ્રૌઢાવસ્થામાં હોય અને "તેઓ બધું હાંસલ કરી લેવા માગતી હોય છે, પણ ધાર્યું થતું નથી અને માનસિક અને શારીરિક રીતે એટલી મજબૂત હોતી નથી."
ગ્રેસિયા એક બહુ સાદો ઉપાય સૂચવે છે અને કહે છે કે ફોનને રૂમમાં સાથે રાખ્યા વિના ઊંઘી જાવ, ઇન્ટરનેટનો ઓછો ઉપયોગ કરો. કંઈક એવું કરો કે ઉત્સાહ વધે, જેમ કે ધ્યાન કરવું, થેરપી માટે જવું અને લાગણીઓના ઊભરાને કાબૂમાં રાખવા.
ડૉ. ગ્રેસિયા કહે છે, "ખાણીપીણીમાં થોડો ફેરફાર અને તણાવ ઓછો કરવાથી જે ફેરફારો થાય છે તે જોરદાર હોય છે."

"જાતને જાણો અને અપેક્ષાઓ ઓછી કરો"
આઇરિન, લોરેટા અને લૌરા ત્રણેય એ વાતે સહમત થાય છે કે જાતને જાણી લેવી જરૂરી હોય છે.
લૌરા કહે છે, "કોઈ વાત તમને પરેશાન કરી રહી હોય ત્યારે તેને જાણી લેવી જરૂરી છે અને આ કોઈ વાતને કારણે છે કે હોર્મોનને કારણે તે સમજી લેવું જોઈએ. તમારી જાતને ઓળખતા શીખો, તમારો મૂડ બદલાય ત્યારે તેના વિશે લખો. તમે જાતને નહીં જાણો તો તમારી શક્તિ શું છે, તમારી નબળાઈ શું છે તે ક્યારેય નહીં જાણો."
સૌની સાથે હળતામળતા રહેવું જોઈએ અને આપણી આસપાસના પરિવેશથી શું સમસ્યા છે તે સમજવું જોઈએ.
આઇરિન કહે છે, "બહુ બધી ગેરસમજો હોય છે. તમને આળસુ, ખાણીપીણીની વિચિત્ર આદતો ધરાવનાર કે દારૂ ના પીનાર ચોખલિયા વગેરે ગણી લેવામાં આવે છે." આઇરિને પોતાની ખાણીપીણી અને જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન કર્યું હતું અને ટૉક્સિન સાથેના બધા જ આહાર દૂર કરીને ઍન્ટી-ઇન્ફ્લમેટરી ડાયટ જ અપનાવ્યું હતું.
લૌરા સંતોષ વ્યક્ત કરતાં કહે છે કે હાયપોથાયરોડિઝમને કારણે તેમને પોતાની અંદર ઉતરવા મળ્યું.
લૌરા સલાહ આપતાં કહે છે: "આ બહુ ચૂપચાપ કામ કરતી બીમારી છે, પણ તમારું શરીર તમને ચીસો પાડીને કહેતું હોય તો તેને સાંભળો, તેને સ્વીકારો અને તમારી જાતને સમજીને, જાત પર સહાનુભૂતિ રાખીને તેની કાળજી લો."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













