આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ : ગુજરાતમાંથી વાઘો લુપ્ત કેમ થઈ ગયા, ફરી ક્યારે જોવા મળશે?

ગુજરાતમાં વાઘની ગર્જના ફરી સંભળાશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં વાઘની ગર્જના ફરી સંભળાશે?
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

જો બધું આયોજનપૂર્વક રહ્યું તો ફરી એક વખત ગુજરાતીઓને વાઘો જોવા મળી શકે છે. આહ્વા-ડાંગ ખાતે સફારીપાર્ક ઊભું કરવાની યોજના વિચારવામાં આવી છે.

અગાઉ સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી 25 કિલોમીટર દૂર તિલકવાડા ખાતે સફારી પાર્કની યોજના વિચારવામાં આવી હતી, જેથી કરીને પર્યટનઉદ્યોગને પ્રોત્સાહન મળે અને રોજગારીનું સર્જન થાય.

એવું નથી કે પ્રથમ વખત ગુજરાતમાં વાઘ જોવા મળશે, એશિયાટિક સિંહની જેમ જ તે પણ આપણી આસપાસ જ હતા. કેટલીક વખત 'ભૂલા પડેલા' વાઘ ગુજરાતમાં દેખાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજ્યની સ્થાપનાની સાથે જ વાઘોના સંરક્ષણ માટે પ્રયાસ કરવા છતાં તેમને બચાવી નથી શકાયા.

બીજી બાજુ, ગુજરાતના પ્રયાસોના લગભગ એક દાયકા પછી દેશમાં 'પ્રોજેક્ટ ટાઇગર'નું અમલીકરણ શરૂ થયું, જેની હકારાત્મક અસર જોવા મળી રહી છે, જેના કારણે વિશ્વના 75 ટકા વાઘ ભારતમાં વસે છે.

સેક્સ માટેની દવા સંબંધિત માન્યતા, નખ અને ચામડાને કારણે તેમના ઉપર સતત શિકારીઓની નજર રહે છે અને તેમના ઉપર જોખમ તોળાતું રહે છે.

line

ગુજરાતમાં હતા વાઘ

એકાદ સદી પહેલાં અમદાવાદ, ખેડા અને આણંદમાં પણ વાઘ જોવા મળ્યાના કિસ્સા નોંધાયેલા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એકાદ સદી પહેલાં અમદાવાદ, ખેડા અને આણંદમાં પણ વાઘ જોવા મળ્યાના કિસ્સા નોંધાયેલા છે

એકાદ સદી પહેલાં અમદાવાદ, ખેડા અને આણંદમાં પણ વાઘ જોવા મળ્યાના કિસ્સા નોંધાયેલા છે. આઝાદી પહેલાં અંગ્રેજ અધિકારીઓ અને તત્કાલીન રાજવી પરિવારના સભ્યો દાંતા અને રાજપીપળામાં શિકાર કરવા જતા. સ્થાનિક પગીઓ પંજાના આધારે વાઘની દિશાનું અનુમાન કરતા અને મહેમાનો ઘોડા કે અન્ય કોઈ વાહન પર તેમને અનુસરતા.

જ્યારે વડોદરા સ્ટેટના શાહી મહેમાનો સુરતની આસપાસ શિકાર તથા 'ટ્રૉફી હંટિંગ' માટે જતા. મૃત પ્રાણીઓના ધડ અથવા આખા શરીરને સ્ટફ કરીને સાચવવામાં આવતાં તથા તેને મહેલમાં પ્રદર્શનાર્થે મૂકવામાં આવતાં. આઝાદી પછી 1952માં દેડિયાપાડા ખાતે નરભક્ષી વાઘનો શિકાર કરવામાં આવ્યો હોવાનો કિસ્સો નોંધાયેલો છે.

લાઇન

સંક્ષિપ્તમાં : ગુજરાતમાં ફરી દેખાશે વાઘ?

લાઇન
  • એકાદ સદી પહેલાં અમદાવાદ, ખેડા અને આણંદમાં પણ વાઘ જોવા મળ્યાના કિસ્સા નોંધાયેલા છે
  • બૉમ્બેમાંથી અલગ ગુજરાતનું ગઠન થયું, ત્યારે રાજ્યમાં મારા અનુમાન પ્રમાણે ઓછામાં ઓછા 50 વાઘ અસ્તિત્વ ધરાવતા હતા
  • 15થી 21 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં વાઘોની ગણતરી કરાઈ, જેમાં કુલ સાત જેટલા વાઘ નોંધાયા હતા, જે ધીરેધીરે લુપ્ત થયા
  • જો બધું આયોજનપૂર્વક રહ્યું તો ફરી એક વખત ગુજરાતીઓને વાઘોની ગર્જના સાંભળવા મળી શકે છે.
  • આહ્વા-ડાંગ ખાતે સફારીપાર્ક ઊભું કરવાની યોજના વિચારવામાં આવી છે.
  • આવું કરવા પાછળનો હેતુ પર્યટનઉદ્યોગને પ્રોત્સાહન અને રોજગારીસર્જન હોવાનું જણાવાઈ રહ્યું છે.
લાઇન

ધ વાઇલ્ડલાઇફ પ્રિઝર્વેશન સોસાયટી ઑફ ઇન્ડિયાના જરનલ 'ચિત્તલ' (જૂન-1979 પૃષ્ઠક્રમાંક 21-24) પર ગુજરાતના તત્કાલીન ઍડિશનલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ (વાઇલ્ડલાઇફ) કન્ઝર્વેટર એમએ રાશિદ લખે છે, "બૉમ્બેમાંથી અલગ ગુજરાતનું ગઠન થયું, ત્યારે રાજ્યમાં મારા અનુમાન પ્રમાણે ઓછામાં ઓછા 50 વાઘ અસ્તિત્વ ધરાવતા હતા. જે ડાંગ, વાંસદા, ધરમપુર, કપરાડા, સોનગઢ, માંડવી, વ્યાપાર, નેસુ, ઉકાઈ, દેડિયાપાડા, નેત્રંગ ઉપરાંત રતનમહાલ, વિજયનગર, દાંતા, અંબાજી અને અમીરગઢમાં જોવા મળતા હતા."

"નવા રાજ્યના ગઠન બાદ વાઘના શિકારના કિસ્સા નોંધાતા રાજ્યના કૃષિ અને સહકાર વિભાગે જાહેરનામું બહાર પાડી વાઘને સંરક્ષિત પ્રજાતિ જાહેર કરી હતી, તે પછી શિકારમાં ઘટાડો થયો હતો."

1972માં પ્રોજેક્ટ ટાઇગર સમયે ગણતરી કરવામાં આવી ત્યારે રાજ્યમાં આઠ વાઘ હોવાનું બહાર આવ્યું હતું. એમએ રાશિદે 'બૉમ્બે નૅચર હિસ્ટ્રી સોસાયટી'ના જનરલમાં લખ્યું કે (વૉલ્યુમ 76, 357-359) 'વર્ષ 1979ની તા. 15થી 21 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં વાઘોની ગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ડાંગ, વલસાડ, વ્યારા, રાજપીપળા, માંડવી, દાંતા અને અંબાજીમાં કુલ સાત જેટલા વાઘ નોંધાયા હતા.

ગુજરાતમાં 1980ના દાયકાના મધ્યભાગ સુધી વાઘ જોવા મળતા હતા, જે મુખ્યત્વે (હાલના) ડાંગ, નર્મદા અને સાબરકાંઠા વિસ્તારમાં નિવાસ કરતા હતા, એ પછી તેમની સંખ્યા ઘટતી ગઈ હતી અને તેઓ ગુજરાતમાંથી લુપ્ત થઈ ગયા.

line

'ગુમ' થઈ વાઘની ભવ્યતા

આઝાદી પછી (એ સમયે બૉમ્બે સ્ટેટ) પાકોના સંરક્ષણના નામે ખેડૂતોને આડેધડ બંદૂકોના લાઇસન્સ આપવામાં આવ્યાં, જેનો દુરુપયોગ થયો તથા વ્યવસાયિક હેતુ માટે પણ શિકાર થવા લાગ્યો

ઇમેજ સ્રોત, Getty Images

'ચિત્તલ'ના લેખમાં એમએ રાશિદે ગુજરાતમાં વાઘોની ઘટતી જતી સંખ્યા માટે ઘટતા જતા વનવિસ્તારને જવાબદાર ઠેરવ્યો હતો. કૃષિ તથા ઘાસચારાની જમીન માટે, મોટા-મોટા પ્રોજેક્ટો માટે તથા તે પ્રોજેક્ટોના વિસ્થાપિતોના પુનઃવસન માટે જંગલની જમીન ઘટી રહી હોવાથી લુપ્તપ્રાયઃ વન્યજીવોના અસ્તિત્વ ઉપર જોખમ ઊભું કર્યું.

વળી, જંગલવિસ્તારમાં માનવીઓની વધતી જતી દખલ તથા રાની પશુઓના શિકારના મનુષ્યો દ્વારા શિકારને કારણે તેમના ભોજન ઉપર જોખમ ઊભું થયું.

આ સિવાય આઝાદી પછી (એ સમયે બૉમ્બે સ્ટેટ) પાકોના સંરક્ષણના નામે ખેડૂતોને આડેધડ બંદૂકોના લાઇસન્સ આપવામાં આવ્યાં, જેનો દુરુપયોગ થયો તથા વ્યવસાયિક હેતુ માટે પણ શિકાર થવા લાગ્યો.

તેમણે અવલોક્યું કે ગુજરાતની પૂર્વપટ્ટીમાં રહેતા આદિવાસીઓ પરંપરાગત રીતે શિકારી અને માંસાહારી હોવાથી તેમને બંદૂકો મળતા વન્યજીવોનો શિકાર વધી જવા પામ્યો. આ સિવાય રાજ્યમાં આ મુદ્દે ઉદાસીનતા પ્રવર્તતી હોવાનું પણ રાશિદ નોંધે છે.

ઉનાળામાં ટ્રાઇબલ અને ટાઇગર વચ્ચે ભારે સંઘર્ષ થતો, જેના કારણે વાઘોને ખાવાનાં સાંસાં પડી જતાં. વાઘ કોઈ મારણ કરે એટલે તેને ભગાડી મૂકીને વનમાં રહેતા લોકો પોતાના વપરાશ માટે માંસનો ઉપયોગ કરતા હોવાનું પણ રાશિદ નોંધે છે.

એ પછી સમયાંતરે ગુજરાતમાં વાઘ દેખાતા રહ્યા છે. ઘણી વખત દીપડા કે જરખને પણ વાઘ સમજીને ગ્રામજનો તેમના વિશે વનવિભાગને રિપોર્ટ કરતા હોય છે. ફેબ્રુઆરી-2019માં મહીસાગર જિલ્લામાં વાઘ દેખાયો હતો, પાછળથી ભૂખમરાને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું નોંધાયું હતું. ગુજરાતમાં જોવા મળતાં વાઘ મોટાભાગે મહારાષ્ટ્ર કે રાજસ્થાનથી વિચરતા અહીં આવી પહોંચ્યા હોય છે.

આ સિવાય દીપડા બહુ મોટી સંખ્યામાં જોવા મળે છે, તેમની સાથે હદવિસ્તારને કારણે પણ ઝડપ થઈ શકે છે, જેના કારણે તેઓ બહુ ઊંડે સુધી પ્રવેશી નથી શકતા.

વાઘ તેના મૂળનિવાસથી ભોજન તથા સાથીની શોધમાં સેંકડો કિલોમીટરનો 'નૉન-લિનિયર' પ્રવાસ ખેડી શકે છે. સિંહથી વિપરીત તે માનવથી છૂપાઈને, જંગલ કે ખેતરમાં કે આડશમાં રહીને આગળ વધી શકે છે, જેથી તે આ પ્રવાસ ખેડી શકે છે.

line

સેક્સ માટે સંહાર

વાઘનો શિકાર કરીને તેના મૃતદેહમાંથી મળતી વસ્તુઓની દુનિયામાં ઘણી માગ હોવાના કારણે શિકાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાઘનો શિકાર કરીને તેના મૃતદેહમાંથી મળતી વસ્તુઓની દુનિયામાં ઘણી માગ હોવાના કારણે શિકાર

1930ના દાયક દરમિયાન દેશમાં લગભગ 40 હજાર વાઘ હોવાનું અનુમાન છે, જોકે આ સંખ્યા ઘટતી રહી અને 1970ના દાયકામાં 1800 આસપાસ રહેવા પામી હતી. આ સમયે કેન્દ્ર સરકાર દ્વારા વન્યજીવ સંરક્ષણ ધારો-1973 પસાર કરવામાં આવ્યો. જે પછી લુપ્તપ્રાયઃ વન્યજીવ, પક્ષી અને સરિસૃપોનું સંરક્ષણ શક્ય બન્યું. કેન્દ્ર સરકાર દ્વારા નિયમિત રીતે આ પ્રકારના પ્રાણીઓની યાદી બહાર પાડવામાં આવે છે.

1990ના દાયકાની શરૂઆતમાં 'પ્રોજેક્ટ ટાઇગર'ની અસર દેખાવા માંડી હતી, પરંતુ એ પછી વૈશ્વિક બજાર ખૂલતાં પૂર્વ એશિયાના માફિયાઓએ ભારત તરફ નજર દોડાવી હતી.

રણથંભોર ટાઇગર પાર્કના વાલ્મીક થાપરે તેમના પુસ્તક The secret life of tigersમાં ઉલ્લેખ કરતાં લખે છે કે સંવનનકાળ દરમિયાન માદા વાઘના શરીરમાંથી સુગંધ છૂટે છે, જેના તરફ વાઘ આકર્ષાય છે.

ત્રણથી ચાર દિવસ દરમિયાન તે અનેક વખત સંબંધ બાંધે છે, દરેક ક્રિયા અમુક સેકંડથી લઈને મિનિટ સુધી ચાલે છે. રણથંભોરમાં વાઘે 88 મિનિટમાં 11 વખત સંવનન કર્યું હોવાનું નોંધાયું છે. જે તેની જાતીયક્ષમતા અંગે મોટી આભા ઊભી કરે છે.

પુસ્તકમાં થાપર લખે છે (પેજ નંબર 89-92), "1992 પછી પૂર્વ એશિયાના માફિયાઓની નજર ભારત પર પડી. જેના કારણે દર વર્ષે 15થી 20 વાઘોનો શિકાર થવા લાગ્યો. રણથંભોરમાં જે કંઈ થઈ રહ્યું હતું, તે દેશનું પ્રતિબિંબ જ હતું.

વાઘોનાં ચામડાં અને નહોર ઉપરાંત તેનાં હાડકાં અને લિંગ માટે તેનો શિકાર થઈ રહ્યો હતો. તેનાં હાડકાંમાંથી આર્થરાઇટિસની સારવાર થઈ શકતી હોવાની માન્યતા હતી."

"આ સિવાય હાડકાંમાંથી જાતીય ઉત્તેજના વધારતી વાઇન બનાવવામાં આવતો હોવાનું તથા વાઘના લિંગના સૂપની ડિમાન્ડની હોવાની વાત બહાર આવી. જે અમારા માટે આઘાતજનક હતું."

રાજસ્થાનના સરિસ્કા અભ્યારણ્યમાંથી વાઘ લુપ્ત થઈ ગયા. ફરી આ દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા, જેના કારણે આજે સરિસ્કામાં લગભગ 25થી વધુ વાઘ છે.

અગાઉ જમીન પર પડેલા વાઘના પંજાની છાપ ઉપર કાચ મૂકીને તેની ઉપર પારદર્શક કાગળ રાખીને પેન્સિલથી તેનો પંજો દોરીને, તેના આધારે વજન, ઉંમર, નર, માદા કે બાળનું અનુમાન લગાવવામાં આવતું.

હવે જળસ્રોતો તથા તેમની વધુ-પડતી અવરજવર હોય તેવા વિસ્તારમાં કૅમેરા-ટ્રૅપ ગોઠવીને તેમનાં શરીર પરના પટ્ટાના આધારે સૉફ્ટવૅર દ્વારા તસવીરોનું વિશ્લેષણ કરીને તેમની ઓળખ કરવામાં આવે છે.

2018ની ગણતરી પ્રમાણે, દેશમાં બે હજાર 967 વાઘ છે, જે વિશ્વની કુલ વસતિના 75 ટકા જેટલા છે.

એ સમયે કૅમેરા-ટ્રૅપના ઉપયોગનો પણ વર્લ્ડ રેકર્ડ પ્રસ્થાપિત થયો હતો. 18 રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના 52 વિસ્તારોને વાઘો માટે અનામત રાખવામાં આવ્યા છે. વાઘો તથા માણસોની વચ્ચે સંઘર્ષ ન થાય તે માટે પણ વિશેષ જોગવાઈઓ કરવામાં આવે છે.

line

ફરી દેખાશે વાઘ?

સફારી પાર્કના સ્વરૂપે ત્યાં વાઘોને લાવવાની વિચારણા હાથ ધરવામાં આવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સફારી પાર્કના સ્વરૂપે ડાંગમાં વાઘોને લાવવાની વિચારણા હાથ ધરવામાં આવી

'પ્રોજેક્ટ ટાઇગર' હેઠળ ડાંગ જિલ્લામાં વાઘો માટે અભ્યારણ્ય જાહેર કરવાની વિચારણા હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે શક્ય બન્યું ન હતું. હવે ફરી એક વખત સફારી પાર્કના સ્વરૂપે ત્યાં વાઘોને લાવવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.

વનવિભાગના અધિકારીના કહેવા પ્રમાણે, "અંબારડીમાં સફારી પાર્ક માટે 2006માં પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, જેને વર્ષ 2008માં સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ હતી, પરંતુ ટેકનિકલ કમિટીની મંજૂરી છેક વર્ષ 2017માં મળી હતી. કેન્દ્રની સરકારનું વલણ જોતાં ડાંગ ખાતેના સફારી પાર્કને મંજૂરી મળતા કદાચ આટલો સમય નહીં લાગે."

"છતાં ચૂંટણીવર્ષમાં સરકાર આ દિશામાં ઉતાવળ કરે તેમ નથી લાગતું. ખાસ કરીને જે રીતે પાર-તાપી-નર્મદા રિવરલિંક યોજનાનો વિરોધ થયો અને તે પછી આ યોજનાને મોકૂફ રાખવામાં આવી હતી, તે જોતાં સરકાર સફારી પાર્કની દિશામાં ઉતાવળ ન પણ કરે."

"એક વખત સીઝેડએ (સેન્ટ્રલ ઝૂ ઑથૉરિટી) પાસે પ્રસ્તાવ જાય તે પછી સૈદ્ધાંતિક મંજૂરી અને ટેકનિકલ કમિટીની મંજૂરી જેવા તબક્કા પસાર કરવાના રહે છે."

"નાના ઝૂ (20થી 50 હેક્ટર વિસ્તાર) માટે ત્રણ વર્ષની મંજૂરી આપવામાં આવતી હોય છે. આ સિવાય નક્કી કરાયેલા વિસ્તારને ફેન્સિંગ કરવાનું રહે છે."

"આ સિવાય પર્યટકો માટે રિસૅપ્શન, ટૉઇલેટ, જમવાની વ્યવસ્થા, દુકાનો, કૃત્રિમ જળસ્રોત, સફારી ટ્રૅક, જીપ, બસ વગેરે જેવી વ્યવસ્થા કરવાની રહે."

"આ સિવાય જે કોઈ અધિકારી, કર્મચારી, ગાર્ડ અને ફૉરેસ્ટરની નિમણૂક કરવામાં આવે તેમને વાઘોની સાથે કેવી રીતે વર્તવું તેનું કેવી રીતે ધ્યાન રાખવું વગેરે બાબતો શીખવવા માટે તાલીમ આપવાની રહે."

"આ સિવાય તેમને શિયાળામાં અને ઉનાળામાં કેટલું માંસ આપવું, અઠવાડિયામાં કોઈ એક દિવસ ભોજન ન આપવું. ભોજનની ગુણવત્તાની ચકાસણી, દર ત્રણેક મહિને માંસની સાથે શરીરના પરોપજીવીનાશક દવા આપવાની હોય છે."

"આ સિવાય રોજમદાર તથા છૂટક શ્રમિકોને પણ વાઘો સાથે કેવી રીતે વર્તવું તેની પણ તાલીમ આપવાની રહે."

ડાંગના વિચારાધીન સફારી પાર્ક માટે વાઘ ક્યાંથી આવશે તેના વિશે ઉપરોક્ત અધિકારીએ જણાવ્યું, "સામાન્ય રીતે આ પ્રકારના સફારી પાર્ક માટે જે પ્રાણીઓનો જન્મ ઝૂમાં થયો હોય તેની પસંદગી કરવામાં આવે છે. કારણ કે તેઓ માનવીય અવરજવર સાથે સહજ હોય છે."

"આ સિવાય તેમને શિકાર કરતાં આવડતું નથી હોતું, જે પર્યટકોની સલામતી વધારે છે. બે નર વાઘ, બે માદા વાઘ તથા તેમનાં બે-બે બચ્ચાંને સફારી પાર્કમાં લાવવાની યોજના છે."

"પર્યાવરણ મંત્રાલયના નિયમો મુજબ આ પ્રકારનાં જંગલી પશુઓનું ખરીદ-વેચાણ નથી થઈ શકતું. આ સિવાય એક રાજ્ય બીજા રાજ્ય પાસેથી ખરીદી નથી શકતું કે તેનું વેચાણ પણ નથી કરી શકતું. આ સંજોગોમાં સીઝેડએ મારફત આપ-લે થઈ શકે છે. ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, જૂનાગઢ વગેરે જેવાં ઝૂમાં વધારાની સંખ્યા હોય તો તેમને પણ ટ્રાન્સફર કરવામાં આવી શકે છે."

આવતાં વર્ષે પ્રોજેક્ટ મૂકવામાં આવે અને તેની ઉપર વહીવટી કામગીરી પૂર્ણ થાય તો પણ તેને પૂર્ણ થતાં ત્રણેક વર્ષ નીકળી જાય તેવું અનુમાન આ આધિકારી મૂકે છે. જોકે, ઝૂમાં ઉછરેલા સિંહ-વાઘ મનુષ્ય ઉપર હુમલો ન જ કરે એવું નથી હોતું. દેવળિયા ખાતે સિંહે એક સંરક્ષકનો શિકાર કર્યો હતો, જ્યારે અન્ય બેને ઈજા પહોંચાડી હતી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન