શિવસેના : ગુજરાતમાં જ્યારે મહારાષ્ટ્ર જેવું જ રાજકારણ ખેલાયું અને કેશુભાઈને CMની ખુરશી ગુમાવવી પડી

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી

- શંકરસિંહ વાઘેલાએ કરેલા બળવાની મહારાષ્ટ્રની હાલની રાજનીતિ સાથે ચર્ચા કેમ થઈ રહી છે?
- શંકરસિંહ વાધેલાને કેશુભાઈ પટેલ સામે શું વાંધો હતો એમણે કેમ બળવો કર્યો હતો?
- શંકરસિંહ વાઘેલાએ નરેન્દ્ર મોદીને ગુજરાતના પૉલિટિક્સમાંથી દૂર કરવાની માગ કેમ કરી હતી?
- મે-1996થી માર્ચ-1998ના સુધી દેશમાં ત્રણ વડા પ્રધાન બદલાયા હતા તો તેની સમાંતર ગાળામાં જ ગુજરાતમાં ચાર મુખ્ય મંત્રીઓ બદલાયા હતા.

મહારાષ્ટ્રમાં કેટલાક દિવસોના રાજકીય સંકટ બાદ હવે બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે મુખ્ય મંત્રી બન્યા છે અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસ ઉપમુખ્ય મંત્રી.
એકનાથ શિંદે પહેલાં તેમની સાથેના ધારાસભ્યોને લઈને સુરત પહોંચ્યા હતા અને બાદમાં ગૌહાટી ગયા હતા. જોકે બાદમાં આવીને તેમણે મુખ્ય મંત્રીપદના શપથ લઈ લીધા છે.
જોકે દેશના રાજકારણમાં રિસોર્ટ પૉલિટિક્સ નવું નથી. છેલ્લા પાંચેક વર્ષ દરમિયાન કર્ણાટક, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં રાજકીય ઊથલ-પાથલની વચ્ચે પોતાની સાથે આવેલા બળવાખોર ધારાસભ્યોને સાચવવા અથવા તો વિપક્ષથી પોતાના ધારાસભ્યોને બચાવવા માટે રિસોર્ટ પૉલિટિક્સનો આશરો લેવામાં આવે છે.
ગુજરાતના રાજકારણમાં પણ રિસોર્ટ પૉલિટિક્સ નવું નથી, જેના જનક શંકરસિંહને ગણી શકાય, જેઓ ભાજપના બળવાખોર ધારાસભ્યોને ખજૂરાહો લઈ ગયા હતા. જેને ખજૂરિયા-હજૂરિયાકાંડ તરીકે ઓળખાય છે અને થોડા વર્ષ પહેલાં તેની 'લઘુ આવૃત્તિ' પણ જોવા મળી હતી.

ખજૂરાહોની પૃષ્ઠભૂમિ

ઇમેજ સ્રોત, Getty Images
1980 અને એ પછી 1985માં KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) સમીકરણના જોરે સતત બીજી વખત વિપક્ષને સત્તામાંથી દૂર રાખવામાં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કૉંગ્રેસને સફળતા મળી હતી.
એપ્રિલ-1980માં સ્થપાયેલા ભાજપમાં તેના પુરોગામી જનસંઘના અનેક નેતાઓ કાર્યરત હતા. સંગઠનસ્તરે પાર્ટીને મજબૂત કરવા સંઘ દ્વારા તેના પ્રચારક નરેન્દ્ર મોદીને મોકલવામાં આવ્યા.
મોદીની કામ કરવાની પદ્ધતિ અને ભાજપને ચલાવવાની નીતિના પગલે શંકરસિંહ વાઘેલા અને મોદી વચ્ચે વિરોધ ઊભો થવાનું શરૂ થઈ ગયું. વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ડૉ. શિરીષ કાશીકરના મતે શંકરસિંહ વાઘેલાની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ અને નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષાઓ વચ્ચે ટકરાવ થવાને કારણે તેમની વચ્ચે ફાટ પડી હોવાનું માની શકાય.
ડૉ. કાશીકર ઉમેરે છે, "અન્ય પણ એક કારણ હતું કે ગુજરાતના મુખ્ય મંત્રી બનવા માટે શંકરસિંહ વાઘેલા લાઇનમાં હતા. તે સમયે દરેક લોકોએ કેશુભાઈ પટેલને મુખ્ય મંત્રી તરીકે સહયોગ આપ્યો જેમાં નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થતો હતો. વાઘેલાના મનમાં એ વાત ખટકી ગઈ કે નરેન્દ્ર મોદીને કારણે તેઓ મુખ્ય મંત્રી નથી બની શક્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાજપેયી અને પ્રમોદ મહાજન જો વાઘેલા તરફે હતા તો લાલકૃષ્ણ અડવાણીને મોદી પર ભરોસો હતો. 1995ની વિધાનસભાની ચૂંટણી ગાજી રહી હતી અને ભાજપતરફી માહોલ જામી રહ્યો હતો, ત્યારે શંકરસિંહનો 'પ્લાન-બી' ઘડાઈ રહ્યો હતો, જેનો તેમને લાભ પણ થયો.

વાઘેલા, વાજપેયી અને મોદી

ઇમેજ સ્રોત, Getty Images
માર્ચ- 1995માં ગુજરાતમાં પ્રથમ વખત ભાજપની પૂર્ણ બહુમતવાળી સરકાર બની, જેનું નેતૃત્વ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જનસંઘ અને ભાજપને મજબૂત કરવા માટે પ્રયાસ કરનારા કેશુભાઈ પટેલને સોંપવામાં આવ્યું હતું.
કેશુભાઈ સરકારમાં અધિકારીઓની નિમણૂકો અને બદલીઓમાં નરેન્દ્ર મોદીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. અનેક પત્રકારોએ મોદીને કેશુભાઈ પટેલની 'ઍન્ટિ-ચૅમ્બર'માં બેઠકો લેતા જોયા છે. શંકરસિંહ વાઘેલાની ભલામણ મુજબ ધારાસભ્યોને નિગમોમાં પદ મળ્યા ન હતા.
સપ્ટેમ્બર-1995માં શંકરસિંહ વાઘેલાને કેશુભાઈ પટેલ સામે વાંધો પડતા તેઓ પાર્ટીના 47 ધારાસભ્યને લઈને મધ્ય પ્રદેશના ખજૂરાહો જતા રહ્યા અને સરકાર સામે બળવો પોકારી દીધો. એ સમયે મધ્ય પ્રદેશમાં દિગ્વિજયસિંહના નેતૃત્વમાં કૉંગ્રેસની સરકાર હતી. અહીં બધી વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.
આ તેમનો 'પ્લાન-બી' હતો. શંકરસિંહે એવા અનેક લોકોને ટિકિટ અપાવી હતી, જેને તેઓ કાર્યકર્તા હતા ત્યારથી ઓળખતા હતા અથવા તે જેમના ઉપર તેઓ વિશ્વાસ કરી શકે તેમ હતા, અણિના સમયે તેમણે શંકરસિંહને સાથ પણ આપ્યો.
આ બળવાને ગુજરાતી મીડિયામાં 'ખજૂરિયા-હજૂરિયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. જે લોકો પાર્ટી સાથે રહ્યા તેઓ 'હજૂરિયા' તરીકે ઓળખાયા તથા જેઓ શંકરસિંહ સાથે ખજૂરાહો ગયા, તેઓ 'ખજૂરિયા' તરીકે ઓળખાયા.

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
શંકરસિંહ વાઘેલાને કારણે કેશુભાઈ પટેલની સરકાર પડી ભાંગી. કેન્દ્ર દ્વારા તેના પીઢ નેતા અટલ બિહારી વાજપેયીને સમાધાનની ફૉર્મ્યુલા ઘડી કાઢવા માટે ઉતારવામાં આવ્યા.
સમાધાન માટે 'બાપુ' તરીકે ઓળખાતા શંકરસિંહ વાઘેલાની ત્રણ મુખ્ય માગો હતી, જેમાંની એક હતી કે કેશુભાઈ પટેલને મુખ્ય મંત્રી પદ પરથી હઠાવવામાં આવે.
બીજું કે તેમના સાથી ધારાસભ્યોમાંથી ઓછામાં ઓછા છ લોકોને મંત્રીપદ આપવામાં આવે અને ત્રીજું કે નરેન્દ્ર મોદીને સ્થાનિક રાજકારણમાંથી હઠાવવામાં આવે.
વાજપેયી સહિત ભાજપનું કેન્દ્રિય નેતૃત્વ 1996ની લોકસભા ચૂંટણી તરફ મીટ માંડીને બેઠું હતું. તેઓ ગમે તે ભોગે ગુજરાતના અસંતોષની આગને ઠંડી પાડવા માગતા હતા.
શંકરસિંહ વાઘેલાની આ ત્રણેય માગો સંતોષાઈ ગઈ, ઑક્ટોબર-1995માં કેશુભાઈ પાસેથી સુકાન લઈને સુરેશ મહેતાને સોંપવામાં આવ્યું. કહેવાય છે કે, દિલ્હીગમન પછી આનંદીબહેન પટેલ અને અમિત શાહ જેવા વિશ્વાસુઓની મદદથી મોદીના ગુજરાતની ધરતી પર 'આંખ અને કાન' રહેવા પામ્યા હતા.

કેન્દ્ર તો ગયું, ગુજરાત પણ ગયું

આ વ્યવસ્થા પણ લાંબાગાળા સુધી ન ચાલી શકી અને એક વર્ષની અંદર પડી ભાંગી. સપ્ટેમ્બર-1996માં સુરેશ મહેતા સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને પસાર પણ થઈ ગયો.
આ પહેલાં દિલ્હીમાં એક મહત્ત્વપૂર્ણ ઘટના ઘટી. કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં સરકાર બની અને વાજપેયી તેના વડા પ્રધાન બન્યા, પરંતુ તેઓ 14 દિવસ જ આ પદ પર રહ્યા અને વિશ્વાસનો મત હાંસલ ન કરી શક્યા. જેની સીધી અસર ગુજરાતના રાજકારણ પર પણ પડી હતી.
ગોધરાની લોકસભા બેઠક પરથી શંકરસિંહ વાઘેલાનો પરાજય થયો હતો, એટલે કેન્દ્રીય રાજકારણમાં આગળ વધવાની તેમની આકાંક્ષા પર પાણી ફરી વળ્યું હતું. તેમને આશંકા હતી કે તેમને આંતરિક કઠુરાઘાત કરીને હરાવવામાં આવ્યા છે.
એટલે જ કેન્દ્રમાં ત્રીજા મોરચાની સરકારના ગઠન બાદ વાઘેલાએ બળવાખોર ધારાસભ્યોને સાથે લઈને 'રાષ્ટ્રીય જનતા પાર્ટી'ની સ્થાપના કરી હતી. માંડ એક વર્ષ તેઓ કૉંગ્રેસના ટેકાથી સત્તા પર રહ્યા. વાઘેલાની કાર્યપદ્ધતિ સામે કૉંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં વિરોધ નોંધાવ્યો. અંતે વાઘેલાએ પદ છોડી દેવું પડ્યું, તેમણે પોતાના વિશ્વાસુ એવા દિલીપ પરીખને મુખ્ય મંત્રી બનાવ્યા. ફરી એક વખત મતભેદ ચાલુ રહ્યાં.
અંતે વિધાનસભાનું વિસર્જન કરી દેવામાં આવ્યું. ફરી એક વખત કેન્દ્રીય રાજકારણની અસર ગુજરાતના રાજકારણ પર પડવાની હતી.

ગુજરાત તો મળ્યું, કેન્દ્ર પણ મળ્યું

ઇમેજ સ્રોત, Getty Images
મે-1996થી માર્ચ-1998ના બે વર્ષમાં દેશે વાજપેયી, એચડી દેવેગૌડા તથા ઇન્દ્રકુમાર ગુજરાલ એમ ત્રણ વડા પ્રધાન જોયા હતા, તો ગુજરાતે માર્ચ-1995થી પટેલ, મહેતા, વાઘેલા અને પરીખ એમ ચાર મુખ્ય મંત્રી જોયા હતા.
ગુજરાત તથા દેશની જનતાએ સ્થિરતા માટે મત આપ્યો. કેન્દ્રમાં વાજપેયીના નેતૃત્વમાં નેશનલ ડેમૉક્રૅટિક અલાયન્સની (એનડીએ) પ્રમાણમાં સ્થિર અને મજબૂત ગઠબંધન સરકાર બની. જ્યારે કેશુભાઈ પટેલને ગુજરાતની ગાદી મળી.
વાઘેલાની સામે કોઈ વિકલ્પ રહ્યો ન હતો, એટલે તેમણે પોતાની પાર્ટીનું કૉંગ્રેસમાં વિલિનીકરણ કરી નાખ્યું. જેના કારણે મૂળ કૉંગ્રેસીઓ નારાજ થયા હતા, પરંતુ હાઇકમાન્ડના નિર્ણયની સામે તેમણે મૌન સાધી લીધું. એ પછી જ્યારે કેન્દ્રમાં યૂપીએની સરકાર બની ત્યારે તેઓ કાપડમંત્રી પણ બન્યા. 2017 સુધી તેઓ પાર્ટીમાં અલગ-અલગ પદ પર રહ્યા. ગત વિધાનસભા ચૂંટણી વખતે વિખવાદ થતા તેમણે કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી.
એ પછી તેઓ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા, એ પ્રયોગ નિષ્ફળ રહેતા 'જનવિકલ્પ મોરચા' દ્વારા તેમણે રાજકીય સાંપ્રતતા જાળવી રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં નિષ્ફળતા સાંપડી.

ખજૂરાહોની 'મિનિ આવૃત્તિ'

ઑગસ્ટ-2017માં સંસદના ઉપલા ગૃહમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર ત્રણ સંસદસભ્ય કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, કૉંગ્રેસના ચાણક્ય મનાતા અહમદ પટેલ તથા દિલીપ પંડ્યા નિવૃત થઈ રહ્યા હતા.
સંખ્યા બળને જોતા ભાજપના બે તથા કૉંગ્રેસના એક સંસદસભ્ય ચૂંટાઈ આવે તેમ હતા. ભાજપે સ્મૃતિ ઈરાનીને રિપીટ કર્યાં. કેન્દ્રીય રાજકારણમાં પાંખ ફેલાવવા તલપાપડ અમિત શાહને ઉમેદવાર બનાવવામાં આવ્યા. આ સિવાય બળવંતસિંહ રાજપૂતને ઊભા રાખ્યા.
સંબંધમાં બળવંતસિંહ રાજપૂત શંકરસિંહ વાઘેલાના વેવાઈ થાય. આને કારણે રાજકીય ગણિત વિખેરાઈ ગયું. કૉંગ્રેસે તત્કાળ તેના ધારાસભ્યોને બેંગ્લુરુ ખસેડ્યા, જ્યાં સિદ્ધારમૈયાના નેતૃત્વમાં કૉંગ્રેસની સરકાર હતી. ધારાસભ્યોને 'સાચવવાની' જવાબદારી ડી.કે. શિવકુમારને સોંપવામાં આવી.
બે મત રદ થતા અને એ સમયે જનતાદળ યુનાઇટેડમાં રહેલા છોટુભાઈ વસાવાએ વ્હીપથી ઉપરવટ જઈને અહમદ પટેલના તરફેણમાં મતદાન કર્યું હતું અને તેઓ રાજ્યસભા સુધી પહોંચી શક્યા હતા. ભાજપે બળવંતસિંહ રાજપૂતને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલ્પમેન્ટ કૉર્પોરેશનના વડા બનાવીને તેમને સાચવી રાખવાનો પ્રયાસ કર્યો છે.
2020માં ચાર બેઠકની ચૂંટણી પર સંખ્યાબળના આધારે માત્ર બે સંસદસભ્ય ચૂંટાઈ આવે તેમ હોવા છતાં નરહરી અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા. આ વખતે ધારાસભ્યોનું રાજીનામું લઈને કૉંગ્રેસનું સંખ્યાબળ ઘટાડવાની ભાજપની વ્યૂહરચના કામ કરી ગઈ અને રમીલા બહેન બારા અને અભય ભારદ્વાજ ઉપરાંત અમીન ચૂંટાઈ આવ્યા.
કૉંગ્રેસ પાર્ટીએ શક્તિસિંહ ગોહિલને પ્રથમ ક્રમાંકના જ્યારે ભરતસિંહ સોલંકીને દ્વિતીય ક્રમાંકના ઉમેદવાર બનાવ્યા હતા. ગોહિલ તો ચૂંટાઈ ગયા, પરંતુ સોલંકી હારી ગયા. સોલંકી પરિવારની આ બેવડી હાર હતી, કારણ કે તેમના ભાઈ અમિત ચાવડા ગુજરાત કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













