અમદાવાદ રથયાત્રા : જ્યારે સરજુ નામના હાથીએ રથયાત્રા અટકાવવા ઊભેલી પોલીસ વાનને સૂંઢથી ફેંકી દીધી
- લેેખક, દિલીપ ગોહિલ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ભગવાન જગન્નાથની ત્રણ રથયાત્રા સદીઓ જૂની છે, પણ તેમાંથી પુરી અને અમદાવાદ નગરમાં નીકળતી રથયાત્રા વધારે જાણીતી બની છે. ત્રીજી રથયાત્રા કોલકાતા નજીક હુગલી નદીના કિનારે મહેશ નામના નગરની છે, જેની આ વખતે 626મી યાત્રા નીકળશે.
અલબત્ત, સૌથી જૂની રથયાત્રા પુરીની ગણાય છે - પુરાણ કાળથી તે ચાલતી આવે છે માન્યતાને આધારે.

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
ઐતિહાસિક રીતે (2022ના વર્ષમાં) જગન્નાથની રથયાત્રાને 464 વર્ષ થઈ ગયાં છે. 1558માં પુરીની રથયાત્રા શરૂ થઈ હતી, જ્યારે અમદાવાદની રથયાત્રા બીજી જુલાઈ, 1878 અને મંગળવારના રોજ અષાઢી બીજે શરૂ થઈ હતી.

વસંત-રજબની મૈત્રીની ગવાહ રથયાત્રા

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
કોરોના મહામારીએ મનુષ્યના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું, અને ભગવાનની રથયાત્રાને પણ વિઘ્ન આવ્યું - 143મી રથયાત્રા યોજી શકાઈ નહીં.
ગત વર્ષે 144મી રથયાત્રા ભક્તોની હાજરી વિના વિધિ ખાતર માત્ર સવા ચાર કલાકમાં પૂર્ણ કરી દેવાઈ હતી હતી.
ત્રણ રથ સાથે માત્ર પાંચ વાહન હતાં, 20 ખલાસી હતા અને અમદાવાદની પોળોમાં ભગવાન ફર્યા તેનાં દર્શન સૌએ પોતાના ઘરની બારી અને રવેશમાંથી કર્યાં.
આ જાહેર કર્ફ્યૂ હતો કોરોનાને કારણે, પરંતુ રથયાત્રા વખતે ઘણાં વર્ષોથી જનતા કર્ફ્યૂ જૂના અમદાવાદમાં લાગતો રહ્યો છે, જેથી અશાંતિનું કોઈ કારણ ઊભું ના થાય.
144મી રથયાત્રા વખતે 'જનતા કર્ફ્યૂ' ખાતર સાબરમતી નદી પરના બ્રિજ બંધ કરી દેવાયા હતા, પણ કલમ 144મી હટાવવી પડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોરોનાને કારણે અમલમાં રહેલી 144 કલમ હટાવીને મંદિરમાં તથા સરસપુર મોસાળામાં વિધિઓ થઈ શકે તેવી જોગવાઈ કરવી પડી હતી.
અમદાવાદની રથયાત્રાનો ઇતિહાસ નિરાળો છે, પણ તેમાં રમખાણોના દાઘ લાગતા રહ્યા છે. રમખાણોની ઘટના વચ્ચે માનવતા મહોરી ઊઠી હોય તેવું પણ રથયાત્રામાં સંભવ બન્યું છે.
આઝાદી પહેલાં 1946માં અમદાવાદમાં રથયાત્રા પહેલાં જ કોમી વાતાવરણ તંગ થઈ ગયું હતું. 1 જુલાઈ 1946એ રથયાત્રા નીકળી તેમાં તોફાનો ફાટી નીકળ્યાના ખબર મળ્યા.
સાંજના સમયે જમાલપુરમાં ધમાલ વધી પડી હતી તેની ખબર વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણી નામના બે મિત્રને મળી એટલે તેઓ તોફાનીઓને રોકવા માટે દોડી ગયા.
ઉન્માદી ટોળાએ બંને મિત્રોની જ હત્યા કરી નાખી. વસંત-રજબનો આ કિસ્સો અદ્દલ માનવીય ધર્મનું પ્રતીક છે.

માત્ર મસ્તકની મૂર્તિઓનું કારણ

ઇમેજ સ્રોત, Getty Images
ઓડિશાના પુરીની યાત્રાનો ઈતિહાસ પૌરાણિક છે અને તેની સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. સુભદ્રા પિયર દ્વારકા આવ્યાં અને નગરચર્યાએ જવાની ઇચ્છા દર્શાવી. બંને ભાઈ શ્રીકૃષ્ણ અને બલરામે ત્રણ રથ તૈયાર કરાવ્યા અને બહેન સુભદ્રાનો રથ વચ્ચે રાખી નગરમાં ફર્યાં.
આ મૂળ પરંપરા અને તેની યાદમાં પુરીમાં ત્રણ વિશાળ રથ સાથે યાત્રા નીકળે છે. તે પછી તો કથાઓ જોડાતી ગઈ.
પુરીનું જૂનું નામ નીલાંચલ. નીલાંચલના રાજા ઇન્દ્રદ્યુમ્નને ત્રણેય દેવસ્વરૂપોને મૂર્તિ સ્વરૂપ આપવાની ઈચ્છા થઈ.
સમુદ્રમાંથી તરતા મળેલા કાષ્ટમાંથી મૂર્તિઓ બનાવવાની તેમની ઈચ્છા પાર પડે તે માટે વિશ્વકર્મા શિલ્પી બનીને હાજર થયા.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
કથા આગળ વધે છે - શિલ્પીએ શરત મૂકેલી કે મૂર્તિ પૂર્ણ થાય ત્યાં સુધી રાજાએ કાર્યશાળામાં આવવું નહીં. પરંતુ રાજાની ધીરજ ખૂટી એટલે અંદર આવી ગયા ત્યારે મૂર્તિઓનો ઉપરનો ભાગ જ બન્યો હતો. આજેય એ પરંપરા અનુસારની મૂર્તિઓ બનેલી છે.
રથની બનાવટ સાથે પણ કથાઓ જોડાયેલી છે. ત્રણેય રથનાં નામ પણ છે - ગરુડધ્વજ, કપિધ્વજ અને નંદીઘોષ. 45 ફૂટ ઊંચા રથને સાત સાત ફૂટનાં 16 પૈડાં જોડવામાં આવે છે.
રથને ખેંચવા 1100 મીટર કાપડમાંથી શંખચૂડ નામે દોરડાં બને છે. ખલાસીઓ અને ભક્તો દોરડાં ખેંચી રથ ચલાવે.
રથના અશ્વ, રથમાં બિરાજમાન દેવતા વગેરેનાં પણ નામ છે અને પ્રતીકો છે, જેની વિગતો ઘણી લાંબી છે - પણ સાર એ છે કે દાયકાઓ જૂની પરંપરા આવી કથાઓ સાથે જળવાઈ રહી છે.

પોળની પરંપરા અને ભરૂચના ખલાસીઓ

અમદાવાદમાં 22 કિમી જેટલો રથયાત્રાનો માર્ગ છે, જે દાયકાઓ દરમિયાન થોડો બદલાતો રહ્યો છે. છેલ્લા થોડા દાયકા દરમિયાન નવા વસેલા અમદાવાદના વિશાળ માર્ગ પર યાત્રા નીકળે તેવા પ્રસ્તાવ હતા, પણ પોળની પરંપરાને ભક્તો વધારે પસંદ કરે છે એટલે તેમાં કોઈને રસ પડ્યો નથી.
જગન્નાથ મંદિરેથી યાત્રા નીકળે તે સરસપુરમાં બપોરે ભોજન માટે રોકાય છે. સરસપુર એટલે મોસાળ અને મોસાળાની વિધિ પણ થાય, જેનો લહાવો લેવા માટે 20 વર્ષનું વેઈટિંગ લિસ્ટ છે.
અમદાવાદમાં એક જ દિવસની યાત્રા અને મોસાળે બપોરનું રોકાણ. પુરીની યાત્રામાં રથ ગુંડિચા મંદિરે રોકાય છે. ગુંડિચા મંદિર એટલે માસીનું ઘર અને અહીં અઠવાડિયાનું રોકાણ હોય છે.
દર 12 વર્ષે નવી મૂર્તિઓ તૈયાર થાય છે. ત્રીજી મહેશ રથયાત્રાની એક રસપ્રદ વાત એ છે કે અહીં જે રથ બનેલો છે તે 1885માં બનેલો છે અને આજે પણ ઉપયોગમાં લેવાય છે. 50 ફૂટ ઊંચો એ રથ 125 ટન વજનનો છે.
અમદાવાદની રથયાત્રા માટે ભરૂચના ખલાસીઓએ રથ બનાવી આપ્યા હતા. ફૂરજા બંદરે 250 વર્ષ પહેલાં રથયાત્રા નીકળી હતી અને ભોઈ સમાજે આજે પણ પરંપરા જાળવી છે.
જોકે દોઢસો વર્ષ જૂની થવા આવેલી અમદાવાદની રથયાત્રા વધારે પ્રસિદ્ધ બની છે. અમદાવાદની રથયાત્રા માટે 1878માં ભરૂચના ખલાસીઓએ રથ બનાવી આપ્યા તે નારિયેળીના થડમાંથી બનાવાયા હતા.
નારિયેળીનું વજન ઓછું હોય છતાં રથનું વજન 300 કિલો જેટલું થયું હતું. પરંતુ આ લાકડું ટકાઉ ના હોય એટલે બીજા વર્ષે ફરીથી રથ બનાવવા પડે.

પરંપરામાં પણ પરિવર્તન આવતું હોય છે અને તે રીતે 1900ની સદીના શરૂઆતનાં વર્ષોથી સાગના લાકડામાંથી રથો બનવા લાગ્યા હતા. તેના કારણે રથનું વજન પણ ઘટ્યું અને મજબૂત પણ બન્યા.
1950માં રથ થોડા મોટા થયા અને પૈડાંની સંખ્યા ઓછી કરીને 6 રાખવામાં આવી. વજન હવે ત્રણ ટન જેટલું થયું.
બાવળનાં પૈડાં ફરતે લોખંડની પ્લેટ પણ આગળ જતા લાગી અને 1992માં રથને વળાંક આપી શકાય તેવી સ્ટિયરિંગની પણ વ્યવસ્થા થઈ.
રથનું સ્વરૂપ થોડું થોડું બદલાતું રહ્યું, પરંતુ ખલાસી ભાઈઓ આજે પણ દર વર્ષે દોઢેક મહિના અગાઉથી ત્રણેય રથોને નવેસરથી સજાવવા માટે જગન્નાથ મંદિરે હાજર થઈ જાય એ પરંપરા અકબંધ રહી છે.
રથયાત્રા સાથે જોડાયેલી દરેક બાબત સાથે આ રીતે ઈતિહાસ અને રસપ્રદ આંકડાકીય માહિતીઓ જોડાયેલી છે. તેની સાથે જોડાયેલી ઘટનાઓ પણ એટલી જ રોમાંચક અને નાટકીય રહી છે.
વિઘ્નો વચ્ચે પણ સતત 142 વર્ષ રથયાત્રા નીકળી તે અનન્ય છે. ધીરે ધીરે બીજાં શહેરોમાં, અમદાવાદમાં બીજા વિસ્તારોમાં, જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ દ્વારા રથયાત્રા નીકળતી રહે છે, પણ જગન્નાથ પુરીની અને અમદાવાદ નગરીની રથયાત્રાનું માહાત્મ્ય દિવસે દિવસે વધતું જ રહ્યું છે.

સંક્ષિપ્તમાં: રથયાત્રાનો ઇતિહાસ, ત્યારથી અત્યાર સુધી

- જમાલપુરમાં સાબરમતી નદીના કિનારે આવેલું જગન્નાથ મંદિર 400 વર્ષ જૂનું મનાય છે
- ગત વર્ષે 144મી રથ યાત્રા ભક્તોની હાજરી વિના વિધિ ખાતર માત્ર સવા ચાર કલાકમાં પૂર્ણ કરી દેવાઈ
- 1993માં રથયાત્રા પર કોઈ દૂરથી ગોળીબાર ના કરે તે માટે બૂલેટપ્રૂફ કાચ લગાવાયા હતા
- 1946માં રથયાત્રામાં ફાટી નીકળેલાં તોફાનો ખાળવામાં બે હિન્દુ-મુસ્લિમ મિત્રો વસંત-રજબે શહીદી વહોરી
- જગન્નાથ મંદિરેથી યાત્રા નીકળે તે સરસપુરમાં બપોરે ભોજન માટે રોકાય છે
- અમદાવાદની રથયાત્રા માટે ભરૂચના ખલાસીઓએ રથ બનાવી આપ્યા હતા
- 1985માં રથયાત્રા માટે તે વખતની સરકારે મંજૂરી આપી નહોતી પણ સરજુપ્રસાદ નામના હાથીએ આડશ માટે મૂકેલી પોલીસ વાનને સૂંઢથી ધક્કો મારીને હટાવી દીધી
- 1993માં એવી સ્થિતિ હતી કે રથયાત્રા પર કોઈ દૂરથી ગોળીબાર ના કરે તે માટે બુલેટપ્રૂફ કાચ લગાવાયા હતા
- કોઠા તરીકે ઓળખાતી કૉર્પોરેશનની કચેરી પાસે લઘુમતી સમાજના અગ્રણીઓ પણ રસ્તામાં રથયાત્રાનું સ્વાગત કરે છે
- રથયાત્રામાં નેત્રોત્સવ થાય, ભગવાનની આંખ આવી જાય એટલે મૂર્તિને પાટા બાંધવામાં આવે, આંખો સારી થાય એટલે જાંબુનો પ્રસાદ હોય, મગના પ્રસાદનું ભોજન પણ હોય
- આ વર્ષે બે મહિલા આઈપીએસ ઑફિસરો અને મહિલા પોલીસે પોળમાં વિવિધ કોમની બહેનો સાથે બેઠકો કરી છે


જ્યારે સરજુ હાથીએ પોલીસ વાનને સૂંઢથી ફેંકી

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
1946માં કોમી તોફાનો થયાં તે પછી પણ તોફાનો વચ્ચે રથયાત્રા નીકળતી રહી છે. 1985માં ગુજરાતમાં ભારે તોફાનો ફાટી નીકળ્યાં હતાં ત્યારે રથયાત્રા કેવી રીતે કાઢવી તે એક સમસ્યા હતી.
રથયાત્રા માટે તે વખતની સરકારે મંજૂરી આપી નહોતી, પરંતુ શ્રદ્ધાળુઓ પરંપરાને તૂટવા દેવા માગતા નહોતા. તે વખતે જગન્નાથ મંદિર ફરતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો, પરંતુ મંગળા આરતી અને યાત્રાના પ્રારંભની વિધિ પછી હાથીની સવારી આગળ નીકળે તે માટે ભક્તોમાં જોશ હતો.
સરજુપ્રસાદ નામનો હાથી આગળ વધ્યો અને મંદિરના દરવાજા સામે પોલીસ વાન આડશ તરીકે હતી તેને સૂંઢથી ધક્કો મારીને હટાવી દીધી.
ભગવાન નગરચર્યાએ જવા માગે છે એવા સંકેત તરીકે આ ઘટનાને લઈને ભક્તોનો પ્રવાહ પણ બેરિકેડ તોડીને આગળ વધી ગયો. કર્ફ્યૂ અને તોફાનોના માહોલ વચ્ચે પણ રથયાત્રા નીકળી.
1993માં એવી સ્થિતિ હતી કે રથયાત્રા પર કોઈ દૂરથી ગોળીબાર ના કરે તે માટે બૂલેટપ્રૂફ કાચ લગાવાયા હતા.
લઘુમતી વિસ્તારમાં રથોને ખેંચી જવાની ઘટના બની તેના કારણે ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં તે લાંબો સમય ચાલ્યાં હતાં.
બહુ મહેનતે અને રાજકીય હસ્તક્ષેપ બંધ થાય તો તોફાનો કાબૂમાં આવી શકે તેવું પ્રામાણિક પોલીસ અધિકારીઓએ કહ્યું ત્યાર બાદ તોફાનો અટક્યાં હતાં.

ઇમેજ સ્રોત, SHUKDEV BHACHECH
તે પછી એવી સ્થિતિ પણ આવી કે પોળની સાંકડી શેરીઓમાં અને લઘુમતી વિસ્તારમાંથી રથયાત્રા પસાર થાય ત્યારે સ્વેચ્છાએ જનતા કર્ફ્યૂ પાળવાની શરૂઆત થઈ હતી.
જોકે સાથે જ સૌહાર્દ માટેની બીજી પરંપરાઓ પણ રથયાત્રા સાથે જોડાતી રહી છે. કોઠા તરીકે ઓળખાતી કૉર્પોરેશનની કચેરી પાસે રથયાત્રા પહોંચે ત્યારે સ્વાગત થાય છે અને લઘુમતી સમાજના અગ્રણીઓ પણ રસ્તામાં રથયાત્રાનું સ્વાગત કરે છે.
રથની ચાંદીની પ્રતિકૃતિ જગન્નાથ મંદિરના મહંતને અર્પણ કરવાની પરંપરા પણ શરૂ થઈ છે. રસ્તામાં રથયાત્રીઓ માટે પાણી અને સરબત પીરસવા માટે પણ સ્વંયસેવકો ઊભા રહી જાય છે.
1969માં અમદાવાદમાં બહુ ગમખ્વાર કોમી રખમાણો ફાટી નીકળ્યાં હતાં. તે વર્ષે પણ રથયાત્રા કેવી રીતે નીકળશે તેની ચિંતા વચ્ચે ભગવાન નગરચર્યાએ નીકળ્યા જ હતા.
માનવીય આફતો વચ્ચે પરંપરા તૂટી નહીં, પરંતુ કુદરતી આફતને કારણે આખરે પરંપરા તોડવી પડી. 2020ના વર્ષમાં કોરોના મહામારી ફૂંફાડા મારી રહી હતી ત્યારે 143મી રથયાત્રા કેવી રીતે યોજવી તે માનવીય મતિને સૂઝે તેમ નહોતું.

ઇમેજ સ્રોત, SHUKDEV BHACHECH
રથયાત્રા સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે એટલે સરકારની હિંમત નહોતી કે તેના પર પ્રતિબંધ મૂકે. છેવટે હાઈકોર્ટના આદેશના બહાને રથયાત્રાની વિધિ માત્ર મંદિરમાં જ થઈ.
જગન્નાથ મંદિરના પરિસરમાં જ ત્રણેય રથને ફેરવવામાં આવ્યા અને સંતોષ માની લેવો પડ્યો. પુરીની રથયાત્રાનો મામલો પણ સુપ્રીમ કોર્ટે સુધી પહોંચ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ભીડ એકઠી ના થાય તે રીતે રથયાત્રાની પરંપરાને મર્યાદિત શ્રદ્ધાળુઓની હાજરીમાં મંજૂરી આપી હતી. તે આધારે જ 144મી યાત્રા અમદાવાદમાં પણ નીકળી.
હવે 145મી યાત્રા ફરીથી પૂર્ણ રીતે નીકળે તેની ધામધૂમ શરૂ થઈ ગઈ છે. રથયાત્રાના રથ, તેની જૂની પરંપરા, કેટલા કિલો પ્રસાદ વહેંચાય, સરસપુરમાં લાખો લોકો પંગતમાં બેસીને જમણવાર કરે, નેત્રોત્સવ થાય, ભગવાનની આંખ આવી જાય એટલે મૂર્તિને પાટા બાંધવામાં આવે, આંખો સારી થાય એટલે જાંબુનો પ્રસાદ હોય, મગના પ્રસાદનું ભોજન પણ હોય - આવી અનેક અનેક બાબતો રથયાત્રા સાથે જોડાયેલી છે.

હરિ અનંત, હરિકથા અનંતા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
રથયાત્રાની પરંપરા જેટલાં વર્ષો જૂની એટલી જ આ બાબતોની લાંબી વિક્રમજનક વાતો છે.
કથાઓ જાણીતી જ હોય છે, પણ આપણે વારંવાર તેની પુનરોક્તિ કરીને પરંપરામાં જીવવાના આનંદને મમળાવતા હોઈએ છીએ. તે રીતે અમદાવાદની રથયાત્રાના ઇતિહાસની થોડી વિગતોની પુનરુક્તિ કરી લઈએ.
જમાલપુરમાં સાબરમતી નદીના કિનારે આવેલું જગન્નાથ મંદિર 400 વર્ષ જૂનું મનાય છે. મૂળ અહીં હનુમાનજીનું મંદિર હતું. હનુમાન મંદિરના મહંત સાંરગદાસને સ્વપ્નમાં સંદેશ મળ્યો અને તેઓ જગન્નાથ પુરી જઈને નીમકાષ્ટની મૂર્તિઓ લઈ આવ્યા અને અહીં સ્થાપના કરી. તે રીતે જગન્નાથ મંદિર બન્યું.
પણ રથયાત્રાની પરંપરા શરૂ થવાને હજી વાર હતી. ગુરુ-શિષ્ય પરંપરા પ્રમાણે મહંત નરસિંહદાસજી ગાદીએ આવ્યા તે પછી 1878માં તેમણે પ્રથમ વાર રથયાત્રા કાઢી હતી.
રથયાત્રામાં તે જમાનામાં ગાડાં જોડવામાં આવતાં અને સાધુ-સંતો તેમાં યાત્રાએ નીકળતા. બપોરના સમયે સાળંગપુરમાં મોસાળમાં ભોજન માટે વિરામની પરંપરા જોડાઈ.

રથયાત્રામાં હાથીઓની સવારી પણ જોડાતી રહી અને આજે શણગારેલા ટ્રક્સ અથવા ફ્લોટ્સ જોડાય છે, અખાડાના કુસ્તીબાજો જોડાય છે, કરતબો દેખાડનારા કલાકારો સાથે રથયાત્રાની ઝલક જોવા નવી પેઢીના લોકો પણ પોળમાં પહોંચી જાય છે.
તોફાનો રોકવા વસંત-રજબ સ્વંય દોડી ગયા, જ્યારે આજે દર વર્ષે સૌહાર્દનું વાતાવરણ ઊભું કરવા સત્તાવાર રીતે બેઠકો, કાર્યક્રમો, સમિતિઓ મળતી રહે છે.
આ વર્ષે પણ એક અનોખી પહેલ કરવામાં આવી છે. બે મહિલા આઈપીએસ ઑફિસર અને મહિલા પોલીસે પોળમાં વિવિધ કોમની બહેનો સાથે બેઠકો કરી છે.
વિશાળ દેશ ભારતમાં કોમી ઘટનાઓ બનતી રહે છે, પણ તેને ભૂલીને ભગવાન ખુદ ભક્તો વચ્ચે આવે તેની પરંપરા જાળવવા માટેના પ્રયાસો પણ અથાક થતા રહ્યા છે. તેમાં નારીશક્તિને જોડવાનો આ પ્રયાસ અમદાવાદની રથયાત્રાના ઈતિહાસમાં વધુ એક કલગી બનીને ઉમેરાયો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













