સોમનાથ મંદિરમાં વિખ્યાત ફારસી શાયર શેખ સાદીને ખરેખર ચમત્કાર દેખાયો હતો?

ઇમેજ સ્રોત, Alamy
- લેેખક, મિર્ઝા એબી બેગ
- પદ, બીબીસી ઉર્દૂ, દિલ્હી

સમગ્ર વિશ્વમાં એક જમાનામાં કોઈની શૈક્ષણિક યોગ્યતા અને તેની ક્ષમતાની જાણકારી તેણે મેળવેલી ડિગ્રીઓથી મળતી હતી, પરંતુ આજથી લગભગ 100 વર્ષ પહેલાં ભારતીય ઉપખંડમાં કોઈના શૈક્ષણિક સ્તરની પરખ એ વાત પરથી થતી હતી કે તેણે ‘ગુલિસ્તાં’ અને ‘બોસ્તાં’ પુસ્તક વાંચ્યાં છે કે નહીં.
આ બન્ને પુસ્તક કોઈ ડિગ્રીથી કમ ન હતાં અને મહત્ત્વના અનેક લોકોની જીવનકથામાં એવો ઉલ્લેખ ગર્વભેર જોવા મળે છે કે તેમણે પુખ્ત વયના થતા સુધીમાં આ બન્ને પુસ્તક વાંચી લીધાં હતાં. કોઈક તો એવું પણ જણાવતું હતું કે તેને આ પુસ્તકો કંઠસ્થ છે.
આ બન્ને પુસ્તક લગભગ 750 વર્ષ પહેલાં તેરમી સદીમાં અબુ મોહમ્મદ મુસ્લેહ ઉદ્દીન બિન અબ્દુલ્લાહ શીરાઝીએ લખ્યાં હતાં અને તેનો દબદબો આજે પણ યથાવત્ છે.
તેમને સામાન્ય રીતે શેખ સાદી અથવા સાદી શીરાઝીના નામે ઓળખવામાં આવે છે. તેમના નામ સાથે શીરાઝી જોડવાનું કારણ એ છે કે તેઓ ઇરાનના શીરાઝ શહેરના વતની હતા.
ગુલિસ્તાંની એક નઝમની પંક્તિ “બની આદમ આઝાઈ યક દીગરન્દ” ઈરાનના ચલણી સિક્કા પર લખવામાં આવી છે. તેનો અર્થ છે – દરેક માણસ એકમેકનો અંશ છે.
2005માં સંયુક્ત રાષ્ટ્રસંઘના ન્યૂયૉર્કસ્થિત મુખ્યાલયને ઈરાન તરફથી ભેટ આપવામાં આવેલા ગાલીચા પર આ આખી નઝમ ટાંકવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ બાન કી મૂને આ બાબતે કહ્યું હતું કે “સંયુક્ત રાષ્ટ્રસંઘના અંદરના દરવાજા પર એક શાનદાર ગાલીચો લગાવવામાં આવ્યો છે, જે સંયુક્ત રાષ્ટ્રસંઘની દીવાલને શોભાવી રહ્યો છે. તે ઈરાનવાસીઓ તરફથી મળેલી ભેટ છે અને તેના પર ફારસીના મહાન શાયર સાદીના લાજવાબ શબ્દો લખેલા છે.”
કોલકાતા યુનિવર્સિટીમાં ફારસીના પ્રોફસર મોહમ્મદ શકીલનું કહેવું છે કે કોઈ કવિ 700 વર્ષ પછી પણ આટલો મહત્ત્વપૂર્ણ અને સમકાલીન હોય તો તેને બુલબુલ-એ-શીરાઝ (શીરાઝનું બુલબુલ) અથવા શબ્દોનો પયગંબર શા માટે ન કહેવો જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પ્રારંભિક જીવન

ઇમેજ સ્રોત, Alamy
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મોહમ્મદ શકીલના જણાવ્યા મુજબ, સાદીનો અર્થ છે – સૌભાગ્યવંત. આજ સુધી એમની લોકપ્રિયતા “નામ તેવું કામ”નું ઉત્તમ ઉદાહરણ છે.
તેમણે ઉમેર્યું હતું કે શેખ સાદીના જીવન વિશે બહુ માહિતી મળતી નથી, પરંતુ તેમણે તેમનાં પુસ્તકોમાં પોતાના વિશે જે લખ્યું છે તેના આધારે તેમના જીવનની રૂપરેખા મળે છે અને તે પૂરતી છે.
શેખ સાદીના જન્મ વિશે ‘સનાદીદ-એ-અઝમ’ નામના ફારસી પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ સન 1200ના પહેલા દાયકામાં શીરાઝમાં જન્મ્યા હતા અને લગભગ 100 વર્ષ જીવ્યા હતા.
જોકે, બીજા ઇતિહાસકારોના મતે શેખ સાદીનું આયુષ્ય 81-82 વર્ષનું હતું. તેમને જન્મ 1210ની આસપાસ અને મૃત્યુ 1291-92માં થયું હતું.
ઉર્દૂના વિખ્યાત શાયર અને ઇતિહાસકાર અલતાફ હુસેન હાલીએ તેમના પુસ્તક ‘હયાત-એ-સાદી’માં લખ્યું છે કે શેખ સાદીને તેમના પિતાએ શિક્ષા-દીક્ષા આપી હતી અને તેમના પિતાને શિક્ષણ કરતાં અધ્યાત્મમાં વધારે રસ હતો. તેથી શેખ સાદી પર પણ શરૂઆતથી જ અધ્યાત્મનો રંગ ચઢ્યો હતો.
પિતાના દેહાંત પછી શેખ સાદી એ સમયે સૌથી વધુ લોકપ્રિય શૈક્ષણિક સંસ્થા મદરસા નિઝામિયામાં અભ્યાસ કરવા ગયા ત્યારે તેમનામાં શિક્ષણ પ્રત્યે રુચિ પેદા થઈ હતી.

વિદ્યાર્થી જીવનમાં સૂફી નૃત્ય પ્રત્યે આકર્ષણ

ઇમેજ સ્રોત, Getty Images
હાલી લખે છે કે શેખ સાદી બાળપણથી જ સૂફી સ્વભાવના હતા. તેઓ વિદ્યાર્થી જીવન દરમિયાન વજ્દ વ સમાઅ (સૂફી કવ્વાલી અને નૃત્ય)ની મહેફિલોમાં નિયમિત રીતે સામેલ થતા હતા.
તેમના ઉસ્તાદ એવી મહેફિલોમાં જવાની મનાઈ તેમને કરતા હતા, પરંતુ શેખ સાદીને એવો ચસકો લાગ્યો હતો કે આ બાબતમાં તેઓ કોઈની વાત સાંભળતા ન હતા.
એક દિવસ કોઈ મહેફિલમાં કર્કશ અવાજવાળો કવ્વાલ આવી ગયો હતો અને તેમણે એ કાર્યક્રમમાં મજબૂરીમાં આખી રાત પસાર કરવી પડી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા પછી શેખ સાદીએ પોતાના મસ્તક પરથી પાઘડી ઉતારી હતી તથા ખિસ્સામાંથી એક દિનાર કાઢી હતી અને એ બન્ને ચીજ પેલા કવ્વાલને ભેટ આપી દીધી હતી.
અમેરિકન ફિલસૂફ અને કવિ વાલ્ડો એમર્સનના જણાવ્યા મુજબ, શેખ સાદીના સમયમાં પુસ્તકોના પ્રકાશનની પૂરતી વ્યવસ્થા ન હતી ત્યારે ત્યાંના લોકોને જ્ઞાન-વિવેકની વાતોની ખબર ક્યાંથી હોય.
તેમણે લખ્યું છે કે “એક એવો દેશ, જ્યાં પુસ્તકાલય ન હતાં, પ્રિન્ટિંગ પ્રેસ ન હતાં. તેથી લોકો જ્ઞાન-વિવેકની વાતો જુમલામાં વ્યક્ત કરતા હતા.”

વિવેક અને આશાનો શાયર

ઇમેજ સ્રોત, Alamy
શેખ સાદીના સર્જનમાં વિવેકની આવી વાતો મોટા પ્રમાણમાં મળે છે.
એમર્સન લખે છે કે શેખ સાદીનું સર્જન પ્રભાવશાળી છે અને સ્પષ્ટ રીતે વિનોદપૂર્ણ છે. તેને કારણે તેમનું નામ ઉત્કૃષ્ટતાનો પર્યાય બની ગયું છે. શેખ સાદી વાચકોમાં ઉજ્જવળ જીવનની આશા જગવે છે.
શેખ સાદીની તુલના અંગ્રેજીના પ્રસિદ્ધ કવિ લૉર્ડ બાયરન સાથે કરતાં તેઓ લખે છે કે “બાયરનની શુષ્ક શૈલી અને સાદીના કૃપાળુ વિવેકમાં કેટલું અંતર છે? પોતાની ફારસી ભાષામાં તેઓ તમામ વર્ગો સાથે વાત કરે છે અને હોમર, શેક્સપિયર, સર્વેન્ટિસ તથા મોન્ટેનની માફક કાયમ આધુનિક છે.”

ગઝલના પયગંબર

ઇમેજ સ્રોત, MOHAMMAD SHAKEEL
શેખ સાદીની શાયરીને ત્રણ પયગંબરોમાં ‘ગઝલના પયગંબર’ કહેવામાં આવી છે.
ફારસી વિખ્યાત શાયર જામી લખે છે કે “હવે કોઈ નવો ઈશદૂત આવવાનો નથી, પરંતુ શાયરના ત્રણ પયગંબર છે. અબયાત (શાયરીનું એક સ્વરૂપ)ના પયગંબર ફિરદૌસી, કસીદા (પ્રશંસાની કવિતા)ના અનવરી અને ગઝલના પયગંબર સાદી છે.”
પ્રોફેસર શકીલે બીબીસીને જણાવ્યું હતું કે પૂર્વમાં તેમનો પ્રભાવ પાછલી સદીમાં ઘટ્યો છે, જ્યારે પશ્ચિમમાં પૂર્વના કવિઓ વધુ વખણાતા થયા છે અને હાફિઝની તથા રૂમીની સાથે સાદીના સર્જનનો પ્રભાવ પણ સ્વીકારવામાં આવ્યો છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે સાદીએ માત્ર કવિતામાં જ નહીં, પરંતુ ગદ્યમાં પણ અમર છાપ છોડી છે અને માણસને માણસાઈની જરૂર પડશે ત્યારે તેમના શબ્દો જ લોકોનું માર્ગદર્શન કરશે.
રાલ્ફ વાલ્ડો એમર્સને સાદી વિશેના એક અત્યંત જ્ઞાનવર્ધક લેખમાં એ બાબતે અફસોસ વ્યક્ત કર્યો છે કે તેમનો પરિચય પશ્ચિમી દુનિયાને થવામાં ઘણા કારણસર વિલંબ થયો હશે, પરંતુ તેમનો પરિચય વહેલો થઈ ગયો હોત તો સાહિત્યની દિશા તથા ગતિ વેગળા હોત.
એમર્સને તે લેખમાં લખ્યું છે કે “સાદી પાસે હાફિઝ જેવી શાયરીની કલ્પનાશીલતા નથી, પરંતુ તેમના સર્જનમાં બુદ્ધિ, વ્યાવહારિક અનુભૂતિ અને નૈતિક લાગણી છે. તેમની પાસે શીખવવાનો સ્વભાવ છે અને ફ્રેંકલીનની માફક દરેક ઘટનાનું નૈતિક પાસું જોવાનું કૌશલ્ય છે. તેઓ દોસ્તી, પ્રેમ અને સંતોષના શાયર છે.”

પ્રવાસમાં ઇબ્ને બતૂતા સાથે મુકાબલો

ઇમેજ સ્રોત, MAKTAB JAMIA
સાદી વિશે કહેવાય છે કે તેમણે 30 વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો, જ્યારે 30 વર્ષ યાત્રા-પ્રવાસમાં અને બાકીનાં 30 વર્ષ શીરાઝમાં એકાંતવાસમાં પસાર કર્યાં હતાં.
તેમની યાત્રા બાબતે ખ્વાજા અલ્તાફ હુસેન હાલીએ સરગોરા વસ્લીને ટાંકતા લખ્યું છે કે “પૂર્વના પ્રવાસીઓમાં ઇબ્ને બતૂતા પછી શેખ સાદીથી વધારે કોઈ પર્યટક બાબતે સાંભળવા મળ્યું નથી. તેમણે ભારત, એશિયા કોચક (તુર્કીનો એક ભાગ), ઇથિયોપિયા, ગ્રીસ, સીરિયા, પેલેસ્ટાઈન, આર્મિનિયા, અરબસ્તાન, ઈરાન અને ઇરાક સુધીનો પ્રવાસ કર્યો હતો.”
અલબત્ત, તેમના બયાનને અતિશયોક્તિપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેમણે શેખના હિંદુસ્તાનની ચાર વખત મુલાકાત લીધી હોવાનો ઉલ્લેખ કર્યો છે.
‘ગુલિસ્તાં’ અને ‘બોસ્તાં’માં તેમણે જે લખ્યું છે એ હિસાબે અલતાફ હુસેન હાલી લખે છે કે તેઓ પૂર્વમાં ખુરાસાન, તુર્કિસ્તાન અને તાતાર સુધી ગયા હતા તેમજ બલ્ખ (અફઘાનિસ્તાન) અને કાશગર (ચીન)માં રહ્યા હતા.
દક્ષિણમાં સોમનાથ સુધી ગયા હતા અને ત્યાં લાંબો સમય રહ્યા હતા. પછી પશ્ચિમ ભારતનો પ્રવાસ કર્યો હતો અને સમુદ્રમાર્ગે અરબસ્તાન ગયા હતા.
તેઓ મંગોલ તથા અંગ્રેજોની કેદમાં પણ રહ્યા હતા. તેમણે તેમના કારાવાસની એક ઘટનાની નોંધ ગુલિસ્તાંમાં કરી છે. તે મુજબ, તેઓ દમિશ્કના લોકોથી નારાજ થઈને પેલેસ્ટાઈનના જંગલમાં રહેવા લાગ્યા હતા. ત્યાંથી ખ્રિસ્તીઓએ તેમને પકડી લીધા હતા. એ સમયે ટ્રિપોલી શહેરની સલામતી માટે ખાઈ ખોદવામાં આવી રહી હતી અને તેમને યહૂદી કેદીઓની સાથે ખાઈ ખોદવાના કામમાં જોતરી દેવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, GALLICA DIGITAL LIBRARY
એ દરમિયાન હલબ (સીરિયા)ની એક વ્યક્તિ ત્યાંથી પસાર થઈ હતી અને તેમણે શેખને ઓળખી લીધા હતા. તેમણે દીનાર ચૂકવીને સાદીને મુક્ત કરાવ્યા હતા અને પોતાની પુત્રી સાથે 100 દીનાર મહેર આપીને તેમના લગ્ન કરાવ્યા હતા.
શેખે તે મહિલા સાથે થોડો સમય પસાર કર્યો હતો, પરંતુ પત્નીના ખરાબ વર્તનથી તેઓ વાજ આવી ગયા હતા. એક વખત તેમની પત્નીએ તેમને ટોણો માર્યો હતો કે તમે એ જ છોને, જેમને મારા પિતાએ 10 દીનાર આપીને ખરીદ્યા હતા? શેખે કહ્યું હતું કે હા, હું એ જ છું, જેને 10 દીનારમાં ખરીદવામાં આવ્યો હતો અને 100 દીનારમાં તમને વેચી દેવામાં આવ્યો હતો.
શેખ સાદી મોટા ભાગે ફકીરની માફક બેઘર રહ્યા હતા અને પ્રવાસ દરમિયાન અનેક મુશ્કેલીનો સામનો કર્યો હતો. જ્યાં ગયા ત્યાં કામ કર્યું હતું. ‘નફખાતુસ અનસ’માં લખવામાં આવ્યું છે કે શેખે બૈતુલ મુકદ્દસ અને સીરિયાના શહેરોમાં લાંબા સમય સુધી પાણી ભરવાનું અને પીવડાવવાનું કામ કર્યું હતું.
પોતાની તકલીફોનો ઉલ્લેખ કરતાં તેમણે ‘ગુલિસ્તાં’માં લખ્યું છે કે “મને લોકો તરફથી કે આસમાન તરફથી થયેલી તકલીફોના ફરિયાદ મેં ક્યારેય કરી નથી, પરંતુ એક સમય મારા પગમાં પગરખાં ન હતાં કે પગરખાં ખરીદવાની હેસિયત ન હતી ત્યારે મારી ધીરજ ખૂટી ગઈ હતી. એવી કષ્ટદાયક સ્થિતિમાં હું જામા મસ્જિદ પહોંચ્યો ત્યારે પગ વિનાનો એક માણસ જોવા મળ્યો હતો. એ વખતે મેં ખુદાનો આભાર માન્યો હતો અને મારા ઉઘાડા પગની ઈશ્વરની કૃપા માન્યા હતા.”

ભારતની યાત્રા અને સોમનાથ મંદિરની હાલત

ઇમેજ સ્રોત, Getty Images
‘બોસ્તાં’ના આઠમા પ્રકરણમાં ભારતનો ઉલ્લેખ છે. તેમાં શેખ સાદીએ લખ્યું છે કે “સોમનાથ પહોંચ્યો ત્યારે જોયું તો હજારો લોકો એક મૂર્તિની પૂજા કરવા દૂર-દૂરથી આવતા હતા અને આશીર્વાદ માગતા હતા. મને આશ્ચર્ય થયું કે જીવતા લોકો એક નિર્જીવ મૂર્તિની પૂજા શા માટે કરે છે?”
“એ જાણવા માટે મેં એક બ્રાહ્મણ સાથે દોસ્તી કરી અને તેને પૂછ્યું તો તેણે એ વાત મંદિરના પૂજારીઓને જણાવી હતી. બધાએ મને ઘેરી લીધો હતો. મેં સમયની નજાકત સમજીને તેમના સરદારને જણાવ્યું હતું કે હું પોતે આ મૂર્તિથી મોહિત છું, પરંતુ અહીં નવો હોવાથી તેનું રહસ્ય જાણતો નથી. તેથી સચ્ચાઈ જાણવા ઇચ્છું છું, જેથી માહત્મ્ય સમજીને તેની પૂજા કરી શકું.”
“એ વાત સાંભળીને બધાને સારું લાગ્યું અને મને એ રાતે મંદિરમાં રોકાવા જણાવ્યુ હતું. હું આખી રાત ત્યાં રહ્યો હતો. સવારે ગામનાં બધાં સ્ત્રી-પુરુષ ત્યાં એકઠાં થયાં હતાં અને મૂર્તિએ, કોઈ દુવા માગે તેમ પોતાનો હાથ ઉઠાવ્યો હતો અને એ જોતાંની સાથે જ બધા જય-જય પોકારવા લાગ્યા હતા.”
“બધા લોકો ચાલ્યા ગયા ત્યારે બ્રાહ્મણે હસીને કહ્યું હતું કે હવે તો કોઈ શંકા નથી ને? હું જોરથી રડવા લાગ્યો હતો અને મારા સવાલ બાબતે ખેદ વ્યક્ત કર્યો હતો. બધાએ મારા પર મહેરબાની કરી હતી અને મારો હાથ પકડીને તેની પાસે લઈ ગયા હતા. મેં મૂર્તિના હાથને ચૂમ્યા હતા અને ઉપરછલ્લી રીતે થોડા દિવસ માટે બ્રાહ્મણ બની ગયો હતો.”
“મંદિરમાં બધાનો મારો પરનો ભરોસો દૃઢ થયો પછી એક રાતે બધા ચાલ્યા ગયા ત્યારે મેં મંદિરમાં જઈને દરવાજા બંધ કરી દીધા હતા અને મૂર્તિના તખ્ત પાસે જઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ત્યાં એક પડદો હતો અને તેની પાછળ એક પૂજારી છુપાઈને બેઠો હતો. તેના હાથમાં દોરી હતી. એ જોયા પછી ખબર પડી હતી કે પૂજારી દોરી ખેંચે ત્યારે મૂર્તિનો હાથ ઊંચકાતો હતો અને સામાન્ય લોકો તેને ચમત્કાર સમજતા હતા.”

ઇમેજ સ્રોત, PUNEET BARNALA/BBC
“પૂજારીએ જોયું કે રહસ્ય ઉઘાડું પડી ગયું છે ત્યારે એ શરમ અનુભવતો ત્યાંથી ભાગી ગયો હતો. હું પણ તેની પાછળ દોડ્યો હતો. તે મને પકડીને ખતમ કરાવી નાખશે એવા ડરથી મેં તેને પકડીને એક કૂવામાં ફેંકી દીધો હતો તથા ત્યાંથી નાસીને યમનના માર્ગે હિજાઝ (અરબસ્તાન) પહોંચ્યો હતો.” આવું શેખ સાદીએ લખ્યું છે.
જોકે, ફારસી સાહિત્યના અનેક વિવેચકોનું કહેવું છે કે શેખ સાદીએ ભારતની યાત્રા ક્યારેય કરી જ ન હતી અને તેમણે જે કથા કહી છે એ તેમણે સાંભળેલી છે. તેમની આપવીતી નથી.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પ્રોફસર અખલાક અહમદ આહને બીબીસીને કહ્યું હતું કે “બલબનના જમાનામાં યુવા અમીર ખુસરો અને તેમના દોસ્ત હસન દેહલવી મુલતાનમાં શાહઝાદા મોહમ્મદના દરબાર સાથે જોડાયેલા હતા. એ બન્ને સાદીના પ્રશંસક અને અનુયાયી હતી. તેમના કહેવાથી શાહઝાદાએ સાદીને ભોજન માટે નિમંત્રણ આપ્યું હતું, પરંતુ વધતી વયને કારણે તેમણે આમંત્રણનો ક્ષમાયાચના સાથે અસ્વીકાર કર્યો હતો. એ પછી તેમના માર્ગે ચાલીને હસન દેહલવી ભારતના સાદી કહેવાયા હતા અને ખુસરો પોતાના અલગ માર્ગે આગળ વધ્યા હતા.”
તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે હાલીનું ‘હયાત-એ-સાદી’ પુસ્તક સાદી વિશેનું સૌપ્રથમ ઉર્દૂ પુસ્તક છે અને તેમાં ઇતિહાસની અનેક વાતો દેખીતી રીતે અસ્પષ્ટ છે. જે સોમનાથ સાદીના જન્મના લગભગ 200 વર્ષ પહેલાં બરબાદ થઈ ગયું હતું તેને જોવા સાદી કઈ રીતે ગયા હશે?

‘ગુલિસ્તાં’ની રચના

ઇમેજ સ્રોત, ARCHIVE.ORG
સાદી તેમના દેશ પાછા ફર્યા પછી એકાંતવાસમાં રહેવા લાગ્યા હતા, કારણ કે સાદ જંગી પછી તેમના પુત્ર કુતગલ ખાન અબુ બક્રે ગાદી સંભાળી હતી. તેમણે ફારસ (આધુનિક ઇરાન તથા તેને સંલગ્ન ક્ષેત્રોમાં ફેલાયેલો પ્રદેશ)ને સમૃદ્ધ તથા ખુશહાલ બનાવ્યું હતું, પરંતુ તેમના દરબારમાં અજ્ઞાનીઓનો દબદબો હતો અને જ્ઞાની લોકો પોતાની વાત કહેતા ડરતા હતા.
સાદીને એ વાતનો અફસોસ થવા લાગ્યો હતો કે તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું અને દુનિયાની યાત્રા કરી, પરંતુ કોઈ ઉલ્લેખનીય કામ કર્યું નહીં.
તેઓ એકાંતવાસમાં દિવસો પસાર કરવા લાગ્યા હતા, પરંતુ એક દોસ્તની જીદને કારણે તેમણે તેમનો સંકલ્પ તોડ્યો હતો અને ઘરની બહાર કદમ માંડ્યા હતા.
કહેવાય છે કે તેઓ વસંત ઋતુમાં શેખ સાદી સાથે શીરાઝના બાગ-એ-બહિશ્ત પહોંચ્યા હતા. ત્યાં તેમના દોસ્તે કેટલાંક ફૂલ ચૂંટ્યા હતાં, પરંતુ શેખ સાદીએ તેના પર ધ્યાન આપ્યું ન હતું.
લેખક જોબેન બખદારના જણાવ્યા અનુસાર, કવિ અને દાર્શનિક ખૈયામના અંદાજમાં શેખ સાદીએ એ ચીજો ક્ષણિક હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને તેમના દોસ્તને જણાવ્યું હતું કે તેઓ એવું પુસ્તક લખશે, જે ફૂલની માફક કરમાઈ ન જાય, જ્ઞાનવર્ધક હોય અને રોચક પણ હોય.
તેથી તેમણે તેમની એ કૃતિનું નામ ‘ગુલિસ્તાં’ રાખ્યું હતું અને જણાવ્યું હતું કે તે સ્થાયી રહેશે.
સાદીના મૃત્યુની નિશ્ચિત તારીખ કોઈને ખબર નથી, પરંતુ તેમના પુસ્તક ‘ગુલિસ્તાં’નું સર્જન જે દિવસે પૂર્ણ થયું એ દિવસે તેમની મઝાર પર મેળો ભરાય છે અને વિશ્વભરમાંથી લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા આવે છે.














