સોમનાથની પુન:સ્થાપના માટે જ્યારે મરાઠા મહારાણીએ બીડું ઝડપ્યું

ઇમેજ સ્રોત, PUNNET KUMAR/BBC
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
મહિલા શાસક અહલ્યાબાઈ હોલકરની વાત, જેમને 'પુણ્યશ્લોક', 'માતોશ્રી', 'રાજમાતા', 'લોકમાતા', 'તેજસ્વિની' અને 'વીરાંગના' સહિતનાં ઉપનામથી નવાજવામાં આવે છે.
ગુજરાતમાં આવેલા સોમનાથના મંદિરનું હિંદુઓમાં મહત્ત્વ કેટલું રહ્યું એ વાત પરથી સમજી શકાય છે કે અનેક વખત જેની પર આક્રમણ થયું તેને બચાવી રાખવા અને તેનું પુન:સ્થાપન કરવા માટે સોરઠની ધરતીથી સેંકડો કિલોમિટર દૂર રાજકાજ સંભાળી રહેલાં મરાઠા શાસક અહલ્યાબાઈ હોલકરે વિશેષ રસ દાખવ્યો હતો.
સોમનાથના મંદિરના પુન:સ્થાપન બાદ સોરઠની ધરતીના સ્થાનિકોની રજૂઆતોને પગલે પેશ્વાઓએ પ્રભાસ વિસ્તારના અન્ય કેટલાંક મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું નોંધાયું છે.
આઠ વર્ષની ઉંમરે અહલ્યાબાઈનું લગ્ન થયું અને 28 વર્ષની ઉંમરે તેઓ પોતાનાં પ્રાણ આપી દેવાનાં હતાં, પરંતુ તેઓ બચી ગયાં.
મરાઠાઓના સુવર્ણકાળ દરમિયાન અહલ્યાબાઈએ મહમદ ગઝનવી દ્વારા ખંડિત કરાયેલા હિંદુઓની માન્યતા અનુસાર પ્રથમ જ્યોર્તિલિંગ મનાતા સોમનાથની પુનઃસ્થાપના કરાવી હતી અને દ્વારકાના જગતમંદિર માટે પણ વ્યવસ્થા કરી હતી. આ સિવાય પણ તેમણે અનેક હિંદુ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને હિંદુ યાત્રિકો માટે ઠેર-ઠેર વ્યવસ્થાઓ ઊભી કરાવી હતી.
થોડા સમય પહેલાં મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલીને 'પુણ્યશ્લોક અહિલ્યા દેવી' નામ આપવાની કવાયત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હતી.
ઇન્દોરનાં પૂર્વશાસક અહલ્યાબાઈ હોલકરનો જન્મ અહીંના ચૌંડી ગામ ખાતે થયો હતો.

અહલ્યાબાઈનો આરંભ

ઇમેજ સ્રોત, Getty Images
અહલ્યાબાઈ હોલકરનો જન્મ તા. 31મી મે 1725ના રોજ ચૌંડી (અહમદનગર, મહારાષ્ટ્ર) ખાતે થયો હતો. નાનપણથી જ તેઓ ખૂબ જ હાજરજવાબ અને સંવેદનશીલ હતાં. તેમનો આવો સ્વભાવ જોઈને જ મલ્હારરાવ હોલકરે તેમના પુત્ર ખંડેરાવ માટે વિવાહનો પ્રસ્તાવ આપ્યો મૂક્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શિવાજીના સમયમાં મરાઠા સામ્રાજ્યનો પાયો મજબૂત થયો અને પેશ્વાઓના સમયમાં તેનો ઉત્તરમાં પેશાવરથી લઈને દક્ષિણમાં તામિલનાડુ અને પશ્ચિમ બંગાળની સીમાઓ સુધી તેમનો વિસ્તાર થયો હતો.
એ સમયના અન્ય શાસકોની જેમ જ વિશાળ શાસનને સંભાળવા માટે પુણેના પેશ્વાઓ દ્વારા સ્થાનિક સૂબેદારોની નિમણૂકો કરવામાં આવી હતી. અર્ધ-સ્વાયત પ્રકારની આ વ્યવસ્થામાં ગાયકવાડોને વડોદરા, સિંધિયાને ગ્વાલિયર, ભોંસલેને નાગપુરના વિસ્તાર મળેલા હતા, એવી જ રીતે માળવા (વર્તમાન સમયનું ઇંદોર) મલ્હારાવ હોલકરને અધીન હતું.
ઈ.સ. 1733માં મલ્હારરાવે તેમનાં પુત્રવધૂ અહલ્યાના શિક્ષણ અને તાલીમની શરૂઆત કરાવી. 1734ના મધ્યભાગમાં પદ્ધતિસર રીતે હોલકરરાજની શરૂઆત થઈ.
ખંડેરાવનો સ્વભાવ વિલાસી હતો, એટલે રાજકાજની પ્રવૃત્તિ માટે મલ્હારરાવે તેમનાં પુત્રવધુને તૈયાર કરવાનું શરૂ કર્યું. વિજયા જાગીરદારે 'તેજસ્વિની અહલ્યાબાઈ હોલકર'નાં નામથી તેમનું જીવનચરિત્ર લખ્યું છે. તેઓ લખે છે કે અહલ્યાબાઈએ આવક અને ખર્ચ પર ધ્યાન આપ્યું હતું. રાજના ખર્ચા અને વ્યક્તિગત ખર્ચને અલગ-અલગ કર્યા.
ચોથ (ઉત્પાદનનો ચોથો ભાગ) તથા અન્ય સૈન્યઅભિયાનોમાંથી મળેલી આવકનો ભાગ પુણેમાં પેશ્વાઓ સુધી પહોંચાડવાની, અન્ય સૂબેદારો સાથે પત્રવ્યવહાર કરવો, મળેલી આવકનું વિતરણ કરવું, સેનાને તૈયાર રાખવી, જનતાને ન્યાય અપાવવાનું અને લોકકલ્યાણ જેવાં કામો કરતાં.

મૃત્યુ નજીક અહલ્યાબાઈ

ઇમેજ સ્રોત, Getty Images
ખંડેરાવ થકી અહલ્યાબાઈ માલેરાવ અને મુક્તાનાં માતા બન્યાં. પરંતુ ઈ.સ. 1754માં અહલ્યાબાઈના જીવનમાં મોટો વળાંક આવ્યો.
રાજસ્થાનમાં કુંભેરી ખાતે જાટો વિરૂદ્ધના સૈન્યઅભિયાન દરમિયાન ખંડેરાવનું મૃત્યુ થયું. માતા ગૌતમીબાઈ, મલ્હારરાવ અને અહલ્યાબાઈ માટે આ ખૂબજ આંચકાજનક સ્થિતિ હતી.
એ સમયે સમાજમાં સતીપ્રથામ પ્રવર્તમાન હતી, એટલે ખંડેરાવનાં નવ પત્નીઓને ઇંદોરથી બોલાવવામાં આવ્યાં.
28 વર્ષની ઉંમરે અહલ્યાબાઈ અન્ય પત્નીઓની જેમ જ સતી થઈ જવા માગતાં હતાં. પુત્રના મૃત્યુના શોકની વચ્ચે પણ મલ્હારરાવના મનમાં બીજો વિચાર રમી રહ્યો હતો.
ઐતિહાસિક દસ્તાવેજો મુજબ, મલ્હાર રાવે અન્ય આઠ પત્નીઓને સતી થવાની છૂટ આપી, પરંતુ અહલ્યાબાઈને એમ કરતા અટકાવ્યાં. સસરાની ખૂબ જ સમજાવટ બાદ અહલ્યાબાઈએ તેમનો નિર્ણય બદલ્યો, પરંતુ આ સાથે જ તેમણે ઘરેણાં, રંગ અને ઉપભોગની અન્ય ચીજવસ્તુઓનો ત્યાગ કર્યો. પુત્રવધૂને સતી થતાં અટકાવવા બદલ મલ્હારરાવની ટીકા પણ થઈ હતી.
અહલ્યાબાઈએ માત્ર 'શ્વેતવસ્ત્ર ધારણ કરવાનો અને પ્રજાના માટે જીવન પસાર કરવા'નો નિર્ણય કર્યો.
સસરા મલ્હારરાવ સાથેના પત્રવ્યવહાર પરથી સ્પષ્ટ થાય છે કે દૂર ઉત્તર ભારતના સૈન્યઅભિયાનો દરમિયાન હોલકરની સેનાના સરંજામ અને સગવડ માટે અહલ્યાબાઈએ અનેક વ્યવસ્થાઓ કરાવી હતી.
1766માં મલ્હારરાવનું અવસાન થયું, તે પછી પેશ્વાઓએ માલેરાવને સૂબેદારી આપી અને અહલ્યાબાઈ તેમનાં સંરક્ષક હતાં.
જાગીરદારે તેમનાં પુસ્તકમાં 'માલેરાવની અંધાધૂંધી'નાં (પેજનંબર 31-33) નામથી એક પ્રકરણ તેમનાં પુસ્તકમાં લખ્યું છે. જે મુજબ માલેરાવે તેમનાં દાસીનાં પતિની હત્યા કરી હતી.
ન્યાયપ્રિય અહલ્યાબાઈએ તેમના પુત્ર વિરૂદ્ધ પણ કાર્યવાહી શરૂ કરી. પાંચ મહિનામાં જ મૃત્યુ થયું.
કેટલાકના મતે હાથીની નીચે તેમને કચડી નાખવામાં આવ્યા હતા. જોકે, તેમના મૃત્યુના કારણ વિશે એકમત નથી.
માલેરાવના મૃત્યુ પછી તત્કાલીન માળવાનું શાસન હોલકરો પાસેથી પરત મેળવવા તત્કાલીન પેશ્વા રઘુનાથરાવે તજવીજ હાથ ધરી હતી, પરંતુ અહલ્યાબાઈની કુશળતાથી આમ થવા પામ્યું ન હતું.
ઇન્દોર નામના ગામડાને હોલકર શાસનનું કેન્દ્ર બનાવવાનું શ્રેય અહલ્યાબાઈને જાય છે.

અહલ્યા: બાઈથી પુણ્યશ્લોક સુધી

ઇમેજ સ્રોત, Getty Images
શાસન પરના સંપૂર્ણ પ્રભુત્વ બાદ અહલ્યાબાઈએ જનતાની સુખાકારી અને ધર્મના કામો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મૂર્તીભંજક આક્રમણખોરો અને મુગલકાળમાં ધ્વસ્ત થઈ ગયેલા મંદિરોને પુનઃસ્થાપિત કરવા તથા તીર્થસ્થાનોમાં સવલતો વધારવા માટે તેમણે અનેક કામ કર્યાં.
1764માં અહલ્યાબાઈએ તીર્થયાત્રા શરૂ કરી હતી, પરંતુ બક્સરના યુદ્ધમાં અંગ્રેજોએ મુગલ, અવધ અને બંગાળની સંયુક્તસેનાને પરાજય આપ્યો હતો.
મલ્હારરાવને આશંકા હતી કે એ પછી અંગ્રેજો મરાઠા પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરશે એટલે તેમણે સૈન્યને મજબૂત કરવાનો અહલ્યાબાઈને નિર્દેશ આપ્યો હતો.
અહલ્યાબાઈ તેમની તીર્થયાત્રા અધૂરી મૂકીને ઇન્દોર પર ફર્યા હતા અને પછી રાજકીય ખટપટને કારણે લાંબા સમય માટે તેઓ ઇન્દોર છોડી શક્યા નહીં, પરંતુ તેમના ધાર્મિકકાર્યો યથાવત્ રહેવા પામ્યા હતા.
જાગીરદારે (પેજનંબર 67-71) ત્ર્યંબકેશ્વર, અયોધ્યા, વારાણસી, ઉજ્જૈન, ગયા, શ્રીશૈલમ્, જગન્નાથપુરી, કેદારનાથ, નાથદ્વારા સહિત 50 કરતાં વધુ ધાર્મિક સ્થાનોનું સંકલન કર્યું છે, જેમાં ગુજરાતના સોમનાથ અને દ્વારકાનો પણ ઉલ્લેખ છે. હિંદુઓની ધાર્મિકમાન્યતા પ્રમાણે 12 શિવમંદિરને જ્યોર્તિલિંગ માનવામાં આવે છે, જેમાં સોમનાથ સૌપ્રથમ છે.
આવાં અનેક કાર્યોને કારણે આગળ જતાં તેમનાં નામ સાથે 'પુણ્યશ્લોક' જોડાયું, જેનો મતલબ ધાર્મિક,દાનકાર્ય અને સેવાકાર્ય દ્વારા ઓળખ મેળવનાર એવો થાય છે.
ગુજરાતના ઇતિહાસકાર રત્નમણિરાવ જોટે તેમના પુસ્તક 'પ્રભાસ-સોમનાથ'માં લખે (પેજનંબર 171) છે કે મરાઠાઓએ તેમના ટૂંકાગાળાના શાસન દરમિયાન સૌરાષ્ટ્રમાંથી ચોથ ઉઘરાવવા સિવાય કોઈ ખાસ કામ કર્યું ન હતું.
કાઠીઓ દ્વારા મરાઠાઓને ટક્કર આપવામાં આવતી હતી એટલે આ વિસ્તારનું નામ સોરઠમાંથી કાઠિયાવાડ પડ્યું.
જોટે લખે છે કે, 'સોમપુરના કોટમાં જૂના મંદિરથી થોડે છેટે નાનું અને સાદું તથા ભોંયરાવાળું મંદિર બાંધવામાં આવ્યું. સોમનાથની પ્રતિષ્ઠા ભોંયરામાં થઈ છે, એ પરથી એ સમયમાં પણ કોઈ વિધર્મી ભ્રષ્ટ કરે એવી બીક હશે.'

સોમનાથમાં પુનઃસ્થાપન
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
મૂળ સોમનાથના ઇતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈએ પોતાના જન્મસ્થાન વિશે 'પ્રભાસ અને સોમનાથ' (પેજનંબર 309-310) નામથી પુસ્તક લખ્યું છે. જેમાં તેઓ લખે છે:
ઈ. સ. 1782માં અહલ્યાબાઈએ રાજના કારભારી કૃષ્ણાજી બાજીને સોમનાથ મોકલ્યા. તેમણે સોમનાથના મંદિરની મહારાણીની ઇચ્છાને સ્થાનિક બ્રાહ્મણો સમક્ષ રજૂ કરી. આ કાર્યમાં તમામ પ્રકારે સહયોગ આપવાનું વચન સ્થાનિક બ્રાહ્મણોએ આપ્યું.
મંદિર મૂળસ્થાને બાંધવું કે અન્યસ્થળે તે વિશેની ચર્ચા કરવા માટે બ્રહ્મસભા ભરવામાં આવી. કૃષ્ણરાવ બાજીએ વિવાદમાં સમય પસાર ન કરતાં તત્કાળ કોઈ નિર્ણય લેવા માટે કહ્યું. ઘણા દિવસોની ચર્ચાના અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે જે સ્થળે અનેકવાર શિવલિંગનું ખંડન થયું છે અને જે સ્થાન વારંવાર અપવિત્ર થયું છે, ત્યાં નવા મંદિરનું નિર્માણ કરવું યોગ્ય નથી.
તે પછી નવું મંદિર ક્યાં બાંધવું તેનો પ્રશ્ન ઊભો થયો. જો નવેસરથી મંદિરની સ્થાપના કરવામાં આવે જ્યોર્તિલિંગના પ્રતિષ્ઠાપન્ન વગેરેમાં સમય લાગે તેમ હતો. મરાઠાઓ મજબૂત હતા, પરંતુ સમય અનિશ્ચિત હતો.
સોમનાથના મૂળ મંદિરની પાસે જ આવેલા સાંક્લેશ્વર મહાદેવ પણ સોમનાથનું જ એક સ્વરૂપ હોય, જ્યોર્તિલિંગ તરીકે તેની પ્રતિષ્ઠા કરવી. સાંકલેશ્વરનું મંદિર ભૂગર્ભમાં હતું એટલે બાણને ઉપર લાવવું કે જ્યાં હતું ત્યાં જ રહેવા દેવું તેના વિશે ચિઠ્ઠી નાખીને આજ્ઞા લેવાનું નક્કી થયું.
શિવલિંગને ન ખસેડવાની આજ્ઞા થઈ. આથી, ત્યાં જ નૂતન મંદિર બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઈસ. 1739માં (વિક્રમ સંવત 1839) નિર્માણકાર્ય શરૂ થયું અને વિક્રમ સંવત 1844માં (જેઠ મહિના) તેનું નિર્માણકાર્ય પૂર્ણ થયું.
અંગ્રેજી અને ગુજરાતી ઉપર ફારસી ભાષા પરના પ્રભુત્વને કારણે તેઓ ઇસ્લામિક વિદ્વાનો અને ઇતિહાસકારોના પુસ્તકોની પણ છણાવટ કરી શક્યા હતા. એ પછીનાં વર્ષો દરમિયાન સ્થાનિકોની રજૂઆતોને પગલે પેશ્વાઓએ પ્રભાસ વિસ્તારના અન્ય કેટલાંક મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું દેસાઈ લખે છે.














