ગુજરાતની ધરતી પર ડાયનોસોરના અવશેષોનો દુર્લભ ખજાનો ક્યાં પડેલો છે?

ગુજરાત ડાયનાસોર

ઇમેજ સ્રોત, Alamy

    • લેેખક, કમલા થિયાગરાજન
    • પદ, બીબીસી ફ્યુચર

પૃથ્વી પર સૌથી અનોખા અશ્મિભૂત અવશેષો ભારતમાં છે, જેમાં ગુજરાતમાં મળેલા ડાયનોસોરનાં ઈંડાંથી માંડીને વિચિત્ર અને વિજ્ઞાન માટે અજાણ્યા પ્રાગૈતિહાસિક પ્રાણીઓના જીવાશ્મોનો સમાવેશ થાય છે. પણ આ ખજાનો સૌની આંખોથી ઓઝલ છે.

2000માં પેલિયોન્ટોલૉજિસ્ટ જેફ્રી એ. વિલ્સને નાગપુરમાં આવેલા સૅન્ટ્રલ મ્યુઝિયમની મુલાકાત લીધી ત્યારે ત્યાં રહેલું એક જીવાશ્મ જોઈને તેઓ આભા રહી ગયા હતા.

તેમના એક સાથીદારે જ 1984માં ગુજરાતના ધોળી ડુંગરી ગામમાંથી ઉત્ખનન કરીને તેને બહાર કાઢ્યું હતું.

અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના જિયોલૉજિકલ સાયન્સીઝ વિભાગના ઍસોસિએટ પ્રોફસર વિલ્સન કહે છે, "પ્રથમ વાર એવું બન્યું હતું કે બાળ ડાયનાસોરનાં હાડકાં અને ડાયનોસોરનાં ઈંડાંના નમૂના એક સાથે મળી આવ્યા હતા."

તેમની નવાઈ વચ્ચે આ નમૂનામાં બીજું પણ કૈંક અનોખું તેમને જોવા મળ્યું હતું. "આ નમૂનામાં મેં હાડકાં તપાસ્યાં ત્યારે ખ્યાલ આવ્યો કે તેમાં વિશેષ રીતે જોડાયેલી બે નાના મેરુદંડ હતા - માત્ર સાપમાં આવું હોય છે."

પોતે સમજવામાં ભૂલ નથી કરતાંને એની ખાતરી કરવા માટે વિલ્સને કરોડરજ્જુને પણ તપાસી. તેમાં પણ એવી જ પૅટર્ન જોવા મળી.

તેઓ કહે છે, "મારા મગજમાં ત્યારે બત્તી થઈ. શું આ અવશેષો કોઈ પ્રાગૈતિહાસિક સાપના હોઈ શકે?"

અવશેષોને સારી રીતે સાફ કરીને તપાસવા માટેની વ્યવસ્થા ભારતમાં ઉપલબ્ધ નહોતી. તેને અમેરિકા લઈ જવા જરૂરી હતી, પરંતુ તેની મંજૂરી માટે સરકારના પુરાતત્ત્વ બાબતોના વિભાગ જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (GSI)માંથી મંજૂરી મેળવવા ચાર વર્ષ લાગ્યા હતા.

મંજૂરી મળી તે પછી અવશેષોને સારી રીતે પેક કરીને પોતાના બૅકપેકમાં રાખીને જ તેઓ તેને અમેરિકા લઈ ગયા હતા. અમેરિકા ગયા પછી પોચાં અને નાજુક હાડકાં પર જામી ગયેલા પથરીલા પદાર્થોને દૂર કરીને સાફ કરવામાં આખું વર્ષ લાગી ગયું હતું.

line

ગુજરાતમાં ડાયનોસોરનો ખજાનો

ગુજરાત ડાયનાસોર

ઇમેજ સ્રોત, Alamy

તે પછીનાં વર્ષો દરમિયાન વિજ્ઞાનીઓ, પેલિયોન્ટોલૉજિસ્ટ અને સાપના વિષય નિષ્ણાતો આ અવશેષ પર સંશોધન કરતા રહ્યા.

2013માં ભારતના પેલિયોન્ટોલૉજિસ્ટ ધનંજય મોહાબે અને GSIના નિષ્ણાતો તથા વિલ્સને સાથે મળીને એક અભ્યાસ લેખ તૈયાર કર્યો.

અવશેષના આધારે કેવી રીતે પ્રાચીન કાળમાં ઘટના બની હશે અને તેના અવશેષો સચવાઈ ગયા તેનું નાટકીય વર્ણન લેખમાં કરાયું છે.

આ અવશેષો પ્રાગૈતિહાસિક સાપના છે એવું નિર્ધારિત કરાયું અને સાથે જ વર્ણન કરાયું કે બાળ ડાયનોસોરને ગળી જવા સાપનું મોઢું ખૂલેલું હતું. ઈંડાંમાંથી હજી બહાર જ આવેલા ડાયનોસોરના બચ્ચાને ગળી જવા માટે ફૂંફાડા મારી રહેલો કાળિયો નાગ.

એક બચ્ચું ઈંડાંમાંથી બહાર આવ્યું હતું, પણ બીજાં ઈંડાં હજી એમ જ પડ્યાં હતાં. પ્રોજેક્ટનો અભ્યાસ કરનારા જિયૉલિસ્ટની ધારણા છે કે આ જ ઘડીએ ભીની ભેખડ ધસી હશે અને સાપના શિકારની એ ઘડી કાયમ માટે કાદવ વચ્ચે ઘરબાઈ ગઈ.

વીડિયો કૅપ્શન, બાલાસિનોર પાસે રૈયોલીનો જુરાસિક પાર્ક બાળકોની મનપસંદ જગ્યા

આ અભ્યાસ પછી આ જીવાશ્મને નામ મળ્યું સંહાજે-ઇન્ડિકસ - (પ્રાચીન ભારતનું બગાસું કે પ્રાચીન ભારતનો કોળિયો) ઓહિયા કરવા માટે મોં ખોલવા માટેના સંસ્કૃત શબ્દ પરથી આ નામ નક્કી કરવામાં આવ્યું હતું.

વિજ્ઞાનીઓએ નોંધ્યું છે કે પ્રાગૈતિહાસિક સાપ શિકારને ગળી જવાય એટલું જડબું પહોળું કરી શકતા નહોતા, પરંતુ ઉત્ક્રાંતિને કારણે આજે કેટલાક (અજગર જેવા) સાપ જડબું મોટું કરતા શીખી ગયા છે.

2013માં આ જ ગામમાંથી આવા જ અવશેષો મળ્યા હતા. તેના પર વધુ એક સંશોધનલેખ તૈયાર થઈ રહ્યો છે, જેમાં ધારણા બાંધવામાં આવી છે કે સંહાજે-ઇન્ડિકસ આધુનિક ગરોળીને મળતું આવતું હતું પ્રાણી હતું.

સારી રીતે સચવાયેલા આવા જીવાશ્મો મળી આવે ત્યારે પ્રાચીન સમયનાં ઘણાં રહસ્યો સમજવા મળતા હોય છે. હાલનાં વર્ષોમાં ભારતમાંથી મળેલા આવા અશ્મિભૂત અવશેષોને કાણે તદ્દન નવીન શોધો થઈ શકી છે, પરંતુ ભારતમાં આવા અવશેષોનો વિશાળ ખજાનો છે તેનો ઊંડો અભ્યાસ કરવા માટેનું પૂરતું ભંડોળ ફાળવાતું નથી તેનો અફસોસ પણ પેલિયોન્ટોલૉજિસ્ટ્સ કરી રહ્યા છે.

સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશનના પેલિયોબાયોલૉજીના રિસર્ચ એસોસિએટ્સ અદ્વૈત એમ. જુકર કહે છે, "મને લાગે છે કે ભારતના અવશેષોનો વારસો છે તે મોટા ભાગે ઉપેક્ષિત રહ્યો છે અને ભૂલી જવાયો છે."

"ભારતમાં સૌથી પહેલાં વહેલ રહેલી છે, સૌથી વિશાળ ગેંડા અને હાથી ભારતમાં રહ્યા છે. ડાયનોસોરનાં ઈંડાં મોટી સંખ્યામાં મળ્યાં છે અને ડાયનોસોર પહેલાંનાં શિંગડાંવાળા સરિસૃપોના અવશેષો મલેલા છે. પરંતુ બહુ મોટી શક્યતાઓ રહી ગઈ છે જે ભરવાની જરૂર છે."

તેનું કારણ એ છે કે પેલિયોન્ટોલૉજિસ્ટ્સ તરફથી ભારતના ઘણા વિસ્તારોમાં પદ્ધતિસર સંશોધન કરવામાં આવ્યું નથી.

line

ઉત્ક્રાંતિનો કોયડો

ગુજરાત ડાયનાસોર

ઇમેજ સ્રોત, Alamy

આવી સ્થિતિ છતાં છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન ભારતમાં મહત્ત્વની પેલિયોન્ટોલૉજિક શોધ થતી રહી છે અને તેના કારણે વિજ્ઞાનીઓને જૂની થિયરીઓને તોડીને નવેસરથી શોધ કરવાનું મળ્યું છે કે કેવી રીતે જીવનની ઉત્ક્રાંતિ થઈ હશે.

આવી ઘણી શોધના પ્રયાસોમાં કેન્દ્રસ્થાને રહ્યા છે અશોક સાહની. તેમના પિતા, કાકા અને દાદા એમ સમગ્ર પરિવાર પુરાતત્ત્વ સાથે સંકળાયેલો રહ્યો છે.

સાહની ઘણી વાર પોતાની મૂડીનો ઉપયોગ કરીને ઉત્ખનનનું કામ કરે છે. તેમણે જાતમહેનત કરીને શોધી કાઢેલા અનેક અશ્મિભૂત અવશેષો પંજાબ યુનિવર્સિટીના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં સચવાયા છે.

સાહનીને યાદ છે કે 1982માં ઉનાળાના કાળા તડકામાં તેઓ જબલપુર શહેરની નજીકની ડાયનોસોર સાઇટની એક-એક ઈંચને તપાસતા રહ્યા હતા. એક જગ્યાએ જૂતાની દોરી બાંધવા માટે તેઓ વાંકા વળ્યા અને જોયું તો ત્યાં ચારથી દડા જેવા પદાર્થો દેખાયા. 16થી 20 સેન્ટિમીટરની સાઇઝના તે હતા.

તેઓ કહે છે, "બહુ ઘસાયેલા, ગોળાકાર અને લગભગ સરખા આકારના હતા. હું મોં વકાસીને જોતો જ રહી ગયો કે શું આ ડાયનોસોરનાં ઈંડાં હશે?"

ખરેખર તે ડાયનોસોરનાં ઈંડાં જ હતાં. ચાકકલ્પ તરીકે ઓળખાતા સમયગાળાના ટાઇટેનોસોરસ ઇન્ડિકસ જાતના તૃણાહારી ડાયનોસોરોસનાં તે ઈંડાં હતાં. ભારતમાં શોધાયેલા તે પ્રથમ ડાયનોસોરસનાં ઈંડાં હતાં. તે પછીનાં આ 40 વર્ષોમાં ભારતમાં ઠેર ઠેર ડાયનોસોરનાં ઈંડાં મળ્યાં છે.

20 વર્ષ સુધી સાહની ઉત્ખનન કરતાં રહ્યા અને આખરે ઑગસ્ટ 2003માં તેમને વિશ્વપ્રસિદ્ધિ મળી. તેમણે માંસભક્ષી 'ડાયનોસોરસ રાજસોરસ નર્મદેન્સિસ'ના (નર્મદા નદીના પ્રદેશમાંથી મળેલા હોવાથી નર્મદેન્સિસ) હાડકાં બહાર કાઢીને સમગ્ર પ્રાણીનું હાડપિંજર તૈયાર કરી લીધું હતું. ભારતમાં શોધાયેલી આ તદ્દન નવીન પ્રકારના ડાયનોસોરસ હતા, જે 30 ફૂટના હોવાનું મનાય છે.

જોકે આનાથી ઓછી ચમકેલી સાહનીની બીજી શોધોને કારણે વિજ્ઞાનજગતને ઘણું જાણવા મળ્યું છે.

2010માં ભારત, જર્મની અને અમેરિકાના વિજ્ઞાનીઓની ટીમે મણિમાં સચવાયેલું એક અખંડ જીવડું શોધી કાઢ્યું તે ટીમમાં પણ સાહની હતા. આખું શરીર સચવાયેલું મળ્યું હોય એવું આ જીવડું 5.4 કરોડ વર્ષ જૂનું હોવાનું મનાય છે.

ગુજરાત ડાયનાસોર

ઇમેજ સ્રોત, Alamy

સુરતથી 30 કિમી દૂર આવેલી લિગ્નાઇટની ખાણમાંથી આ મળ્યું હતું. તેનો અર્થ થાય કે દક્ષિણ ગુજરાતમાં પૃથ્વી પરનું સૌથી જૂનું પર્ણપાતી અથવા તો ખરાઉ પ્રકારનું જંગલ આવેલું હતું.

સાહની કહે છે કે "આ શોધને કારણે ભારતનો ખંડ કોઈ કાળખંડમાં સાવ ઉજ્જડ હતો તેવી માન્યતા પડકાર થયો હતો."

એક અગત્યની ઉત્ક્રાંતિ એવી થઈ હતી કે જમીન પર રહેતા હરણ જેવા પ્રાણીમાંથી વ્હેલ બની. સંશોધન જણાવે છે કે દુનિયાભરમાં ફરતી વ્હેલ મૂળ હાલના ભારત અને પાકિસ્તાનના દરિયાકિનારે તૈયાર થઈ હતી.

જુકર કહે છે, "કચ્છમાંથી તથા ભારત અને પાકિસ્તાનના ઉત્તરના વિસ્તારોમાંથી મળેલા અવશેષો પરથી ખ્યાલ આવે છે કે પ્રારંભિક વ્હેલ કેવી લાગતી હતી. જોકે તેનો વિકાસ જેમાંથી થયો હતો તે પ્રાણી કેવું લાગતું હશે તે આપણે જાણતા નથી."

ભૂતકાળના અવશેષોનો અભ્યાસ કરવાથી આપણે ભવિષ્યને કેવી રીતે જોઈ શકીએ તેનો પણ ખ્યાલ આવે છે. સાથે જ પર્યાવરણને આપણે કેવું નુકસાન કરી રહ્યા છીએ તેને પણ સમજી શકાય છે.

તેઓ કહે છે, "દાખલા તરીકે મોટા ભાગના પેલિયોન્ટોલૉજિસ્ટ્સ સહમત થાય છે કે આપણી પ્રજાતિને કારણે (છેલ્લા શીતયુગ વખતના) વિશાળકાય મેમોથ હાથી નાશ પામ્યા હતા. બિયારણનું વિતરણ થાય અથવા પૌષ્ટિક પદાર્થોનું ટ્રાન્સપ્લાન્ટ થાય એવાં ઘણાં પર્યાવરણીય કાર્યો તેની સાથે અદૃશ્ય થઈ ગયાં."

મનુષ્યને કારણે ધરતી પર ફેરફારો થવા લાગ્યા તે પહેલાં કયાં પ્રાણીઓ ક્યાં રહેતાં હતાં તેનો અંદાજ પણ નવા અવશેષોને કારણે આવી શકે છે. તેના આધારે ભવિષ્યની સુરક્ષા માટે આયોજન પણ કરી શકીએ.

જુકર કહે છે, "આપણે જાણીએ છીએ કે ક્લાઇમેટ ચેન્જને કારણે પ્રાણીઓ સાનુકૂળ જગ્યાએ જતા રહે છે. ભૂતકાળમાં પ્રાણીઓ ક્યાં રહેતાં અને ક્યાં કેવી વનસ્પતિ થતી હતી તેના આધારે ભવિષ્યમાં હવામાન પલટાશે ત્યારે પ્રાણીઓ ક્યાં જતા રહેશે તેની ધારણા વધારે સારી રીતે બાંધી શકાય છે."

line

સામ્રાજ્યનાં પદચિહ્નો

ગુજરાત ડાયનાસોર

ઇમેજ સ્રોત, Alamy

જર્મનીની હેઇડલબર્ગ યુનિવર્સિટીના ટ્રાન્સકલ્ચર સ્ટડી સેન્ટરના સંશોધક અને સમકાલીન ભારતના ઇતિહાસકાર અમેલિયા બોનિયા કહે છે કે ઉત્તર અમેરિકા જેવા કેટલાક પ્રદેશો પ્રાચીન અવશેષો મેળવવાની બાબતમાં પ્રમુખ સ્થાને છે, કેમ કે ત્યાં ડાયનોસોરના અવશેષ સારી રીતે સચવાયેલા મળે છે. તે અવશેષોને મ્યુઝિયમમાં સારી રીતે ગોઠવીને, તેના પ્રદર્શનો યોજીને, તેના આધારે કલાના નમૂના અને ફિલ્મો તૈયાર કરીને અને હવે ઇન્ટરનેટના માધ્યમથી તેને લોકપ્રિય બનાવાયા છે.

તેઓ કહે છે, "તેની સરખામણીમાં બીજા દેશોમાં અવશેષોને આટલી સારી પ્રસિદ્ધિ મળી નથી, ભલે તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ ઘણું હોય."

ભારતમાં અવશેષોના વારસાની ઉપેક્ષા માટે તેઓ મુખ્યત્વે બે કારણો માને છે. એક કારણ ભારતમાં સામ્રાજ્યનું શાસન આવ્યું હતું તે.

દાખલા તરીકે ભારતમાંથી કોઈ જોરદાર શોધ થાય અને અવશેષો મળે ત્યારે તેને યુરોપ અથવા અમેરિકા લઈ જવાતા હતા. સ્થાનિક નિષ્ણાતો દ્વારા સંશોધન થાય તેના બદલે પશ્ચિમના વિજ્ઞાનને ફાયદો થાય તે રીતે ત્યાં અવશેષો પર સંશોધનો થતાં હતાં.

હાલમાં થયેલા એક અભ્યાસ અનુસાર છેલ્લાં 30 વર્ષમાં અવશેષો વિશેનાં સંશોધનોમાં 97% ફાળો ઉચ્ચ-મધ્યમ અને ઉચ્ચ આવક ધરાવતા દેશોના લેખકોનો રહ્યો છે.

બોનિયા કહે છે કે બીજું કારણ સામ્રાજ્યના અંત પછી આ અવશેષોનું મૂલ્ય શું છે તે સમજવામાં નવા શાસકો નિષ્ફળ ગયા તે છે. વૈજ્ઞાનિક તપાસથી થનારા ફાયદાને સમજવામાં ના આવ્યા અને સંશોધનને ઉત્તેજન મળે તેવા કોઈ પ્રયાસો પણ ના થયા.

બોનિયા કહે છે, "આ બહુ વક્રતાપૂર્ણ છે, કેમ કે ભારતમાં લખનૌમાં બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેલિયોસાયન્સિઝ જેવી અનોખી સંશોધન સંસ્થા પણ છે."

"1946માં તેની સ્થાપના થઈ ત્યારે આ પ્રકારની પેલિયોબોટનીનું સંશોધન કરનારી વિશ્વની આ માત્ર બીજી સંસ્થા હતી. બીજી આવી સંસ્થા હતી પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીની પેલિનોલૉજિકલ લૅબોરેટરીઝ."

ગુજરાત ડાયનાસોર

ઇમેજ સ્રોત, Alamy

ડાયનોસોર જેવો શબ્દ નક્કી થયો તે પહેલાં 1824માં યુકેમાં સૌથી પહેલાં આ પ્રાણીના અવશેષો નોંધાયા હતા.

ઑક્સફર્ડશાયરમાં મળી આવેલા અવશેષોને મેગાલોસોરસ નામ અપાયું હતું અને તે (લગભગ 17.4થી 16.4 કરોડ જૂના) મધ્ય જુરાસિક યુગના હોવાનું મનાયું હતું.

સૌથી ઓછી જાણીતી વાત એ છે કે તેના થોડા જ સમય પછી ભારતમાં પણ ડાયનોસોરનાં પ્રથમ હાડકાં મળી આવ્યાં હતાં.

ચાર જ વર્ષ પછી 1828માં ડબ્લ્યૂ એચ સ્લીમેનને મધ્ય ભારતમાં જબલપુરમાંથી બે પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા. તેનું નામ ટાઇટનોસોરસ ઇન્ડિસ (એટલે કે "ટાઇટેનિક ઇન્ડિયન લિઝાર્ડ" - ગંજાવર ભારતીય ગરોળી) એવું રખાયું હતું.

આ અવશેષો જુદા જુદા હાથોમાં ફરતા રહ્યા અને છેવટે એક બ્રિટિશ અધિકારીએ તેને ઇંગ્લૅન્ડ મોકલી દીધા. આવા બીજા હજારો અશ્મિભૂત અવશેષોને પેટીઓમાં પેક કરીને, જહાજમાં ચડાવીને ઇંગ્લૅન્ડ ભેગા કરી દેવાયા હતા.

વિલ્સન કહે છે, "1900ના દાયકાની શરૂઆતમાં બ્રિટનના જીયોલૉજિસ્ટ્સ ભારત પહોંચી ગયા હતા અને અવશેષોની શોધ કરવા લાગ્યા હતા. એટલે આજે તમારે ભારતના ડાયનોસોરસના અવશેષોના સંપૂર્ણ સંગ્રહનો અભ્યાસ કરવો હોય તો તમારે લંડન અને ન્યૂયૉર્ક જવું પડે."

આની એક અસર એવી થઈ કે ભારતમાં વિદ્યાર્થીઓને ભાગ્યે જ ભણવા મળ્યું કે ભારતીમાં પ્રાચીન સમયમાં ડાનયોસોરસ ઘૂમતા હતા.

વિલ્સને ભારતમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમનું ધ્યાન આ બાબત તરફ ગયું હતું. ભારતનાં મ્યુઝિયમોમાં તેઓ જતા ત્યારે ત્યાં ટાઇરનોસોરસ રેક્સ અને ટ્રાઇસેરેટોપ્સના મૉડલ મૂકેલા જોયા હતા.

તેઓ કહે છે, "મને નવાઈ લાગતી કે આ મૉડલ અહીં શા માટે મૂક્યા હશે? અહીં ખરેખર તો રાજસોરસ, જૈનોસોરસ, રોહિલોસોર જેવાં મૉડલ હોવાં જોઈએ, જેથી ભારતના કિશોરોને ભારતના ડાયનોસોરસ વિશે જાણકારી મળી."

શાળાના અભ્યાસક્રમમાં પણ તેના કોઈ પાઠ ના હોય ત્યારે આવી બાબતમાં જાગૃતિ ફેલાવવી મુશ્કેલ હોય છે. જોકે હાલના સમયમાં વ્યક્તિગત પ્રયાસોના કારણે જાગૃતિ ફેલાતી રહી છે - ખાસ કરીને શિક્ષકો, પોડકાસ્ટર્સ અને બાળવાર્તાના લેખકોએ આ દિશામાં કામ કર્યું છે.

line

ભારતમાં સમૃદ્ધ વારસો

ગુજરાત ડાયનાસોર

ઇમેજ સ્રોત, Alamy

2019માં વૈશાલી શ્રોફનું પુસ્તક બાળકોને બહુ પસંદ પડે તેવું હતું, જેનું શીર્ષક હતું ધ ઍડવેન્ટર ઑફ પદ્મા ઍન્ડ બ્લ્યૂ ડાયનોસોર.

ભારતના ડાયનોસોરસની માહિતી અને તેમાં કલ્પનાના રંગ ઉમેરીને તૈયાર થયેલું બાળકોનું આ પુસ્તક પર્યાવરણ કૅટેગરીમાં બાળકોના ઉત્તમ સાહિત્ય તરીકે ઈનામ જીતી શક્યું હતું.

પુસ્તકને ઈનામ મળ્યું તે પછી વૈશાલી શ્રોફને જુદી જુદી શાળાઓમાં ભારતના વિવિધ પ્રકારના ડાયનોસોર વિશે વિદ્યાર્થીઓને જણાવવા આમંત્રણ મળતું રહ્યું છે.

શ્રોફ કહે છે, "દેશનો ડાયનોસર અવશેષોનો મોટો ખજાનો છે તેમાં વિદ્યાર્થીઓ રસ લેતા થાય તેમ હું ઇચ્છું છું. હું તેમને એ કહેવા માગતી હતી કે તમારા જ પ્રદેશમાં ડાયનોસોરના અવશેષો મળે છે તે જાણો."

ભારતના આ સમૃદ્ધ વારસાની માહિતી આપવા માટે દેસી સ્ટૉન્સ ઍન્ડ બૉન્સ એવા નામે ઓડિયો સ્ટોરી પણ તૈયાર કરાઈ છે. ચેન્નાઈના પત્રકાર અનુપમા ચંદ્રશેખરને આ પહેલ કરી છે.

2013થી અત્યાર સુધીમાં તેમણે 8 પોડકાસ્ટ તૈયાર કર્યા છે, જેમાં ભારતના અવશેષોના વારસાને શ્રેણીબદ્ધ રીતે આવરી લીધો છે. વારસાને સાચવવા માટે પ્રયાસરત સ્થાનિક લોકો તથા પેલિયોન્ટોલૉજિસ્ટ્સના ઇન્ટરવ્યૂ તેમણે કર્યા છે.

ચંદ્રશેખરન કહે છે, "ભારતના ડાયનોસોરના વારસાની ઉપેક્ષા જ થતી રહી છે, પણ કેટલાક પ્રદેશોમાં સ્થાનિક લોકો તેને જાળવી રાખવા માટે જ ઉત્સાહથી કામ કરે છે તેનાથી હું પ્રભાવિત થઈ છું."

મધ્ય પ્રદેશમાં મણવર શહેરમાં વિશાલ વર્માને તેઓ 2018માં મળ્યા હતા. ભૌતિક વિજ્ઞાનના આ શિક્ષકના ઘરે તેમણે એકઠો કરેલો ખજાનો જોઈને ચંદ્રશેખરન વિસ્મય પામી ગયાં હતાં.

તેમના ઘરમાં ખોખા ભરીને અવશેષો એકઠા કરાયા છે. તેમણે ચંદ્રશેખરને સમજાવ્યું કે કઈ રીતે ઈંડાંના અવશેષોની પતરી મળે તેના આધારે નક્કી કરી શકાય કે આ તૃણાહારી ડાયનોસોરનાં ઈંડાં હશે કે માંસાહારી ડાયનોસોરનાં. ભારતના ડાયનસોર વિશેની આવી માહિતી ઉત્સાહીઓ જાતે એકઠી કરી રહ્યા છે, પણ તેનું દસ્તાવેજીકરણ નથી થઈ રહ્યું એ વાતની તેમને નવાઈ લાગે છે.

line

પડકારો ઊભા જ છે

ગુજરાત ડાયનાસોર

ઇમેજ સ્રોત, Alamy

હાલનાં વર્ષોમાં આ દિશામાં જાગૃતિ વધી છે, પણ મહત્ત્વની ગણાતી ડાયનોસોર સાઇટ પરથી હવે અવશેષોની ચોરી અને નુકસાનનું પ્રમાણ વધ્યું છે. આ વારસાની સંભાળ લેવાનો પડકાર હવે ઊભો થયો છે.

વિલ્સન કહે છે કે આવી સમસ્યા માત્ર ભારતમાં નથી, વિશ્વભરમાં છે.

તેઓ કહે છે, "અમેરિકામાં પણ તમારી જમીનમાંથી તમને અવશેષો મળે તો તેનું શું કરવો તેનો અધિકાર તમારી પાસે હોય છે. ડાયનોસોરના અવશેષોની સુરક્ષા માટેનો કોઈ કાયદો નથી - તેને ખનીજ સમાન ગણી લેવામાં આવે છે. આ અભિગમને કારણે ઘણા પડકારો ઊભા થયેલા છે."

ખનીજની જેમ અવશેષોનું મૂલ્ય તરત નક્કી કરી શકાતું નથી. વિલ્સન અફસોસ વ્યક્ત કરે છે કે ભારતમાં પેલિયોન્ટોલૉજિકલ રીતે ઉપયોગી અવશેષો ખાણકામ અને બીજાં વિકાસકાર્યોમાં નાશ પામે છે.

સાહની કહે છે કે ભારતમાં મુશ્કેલીઓ પાયાની છે, જેમ કે હાડકાં મળે તેને સાચવવાં ક્યાં. યોગ્ય સંસાધનો સાથેના મ્યુઝિયમના હોય તેના કારણે યુનિવર્સિટીના ધૂળિયા કમરામાં તેને રાખી મૂકવામાં આવે છે.

તેઓ કહે છે કે "રાજસોરસના અવશેષો મળ્યા તેની હાલત પણ એવી જ થઈ હતી."

20 વર્ષ સુધી હાડકાં એમ જ પડ્યાં હતાં અને તે પછી છેક તેની ઓળખ થઈ અને તેને એકબીજા સાથે જોડીને આખું હાડપિંજર તૈયાર કરી શકાયું હતું.

અનિયમિત ભંડોળ પણ પ્રોજેક્ટ્સ અટકાવી રાખે છે. સાહની કહે છે, "એક ભૂગર્ભજળ માટેની યોજના હોય અને એક પેલિયોન્ટોલૉજીની તો પછી તમે સમજી શકો છો કે વિકાસશીલ દેશમાં કઈ યોજનાને ફંડ મળે."

દેશનો જીડીપી કેટલો છે અને કેટલા અવશેષો પ્રાપ્ત થયા તેના વિશે સીધો સંબંધ દેખાય છે, કેમ કે આ પ્રકારના સંશોધન માટે મોટા ફંડની જરૂર પડતી હોય છે જે મળે નહીં.

ઉત્ખનન માટે, વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ માટે, અવશેષોને સાચવવા અને સંશોધન કરવા પ્રયોગશાળાઓ માટે નાણાં જોઈએ તે વિકાસશીલ દેશોમાં મળવા મુશ્કેલ છે તેમ જુકર માને છે.

ભારતમાં બીજી એક મુશ્કેલી છે જુદા જુદા દેશોમાં કામ કરી રહેલા વિજ્ઞાનીઓ વચ્ચે સંકલનનો અભાવ.

વિલ્સન કહે છે કે સંયુક્ત રીતે પ્રયાસો કરવામાં આવે તો જ ભારતમાં પેલિયોન્ટોલૉજીનો વિકાસ થઈ શકે. આવા અવશેષની બાબતમાં પાકિસ્તાન, મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે પણ ભારત જોડાયેલું છે.

ભૌતિક રીતે આ સમગ્ર ઉપખંડ એક છે, પરંતુ રાજકીય રીતે જુદા દેશો છે એટલે વિજ્ઞાનીઓ માટે એક બીજાના દેશમાં પ્રવાસ કરવો અને માહિતીની આપલે કરવી મુશ્કેલ હોય છે.

તેઓ ઉમેરે છે, "આ દિશામાં સંકલન થઈ શકે તો જ્ઞાનની દિશામાં વધુ એક મહત્ત્વનું પગલું ગણાશે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન