માણસના મોત પછી પણ મૃતદેહના નખ અને વાળ વધતા રહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ક્લાઉડિયા હૅમંડ
- પદ, બીબીસી ફ્યૂચર
હૈયાના ધબકાર થંભી જાય. લોહી જામી જાય. હાથ-પગ અકડાઈ જાય. આ બધા સંકેત છે, જેનાથી ખબર પડે છે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામી છે, પરંતુ કોઈક માણસના નખ તથા વાળ તેના મોત પછી પણ વધતા રહ્યા હોવાના દાવા કરવામાં આવતા રહે છે.
એરિક માર્કની નવલકથા 'ઓલ ક્વાયેટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ'માં વાર્તાકાર જુએ છે કે ગેંગ્રીનને લીધે મૃત્યુ પામેલા તેના એક દોસ્તના નખ તેના મોત પછી પણ વધી રહ્યા છે.
પછી વાર્તાકાર એવું પણ જુએ છે કે સારી જમીનમાં જે રીતે ઘાસ ઊગે તે રીતે તેના એ દોસ્તના વાળ પણ વધી રહ્યા છે. આ એક એવો વિચાર છે, જેના વિશે વિચારવું ગમતું નથી, પણ તેની ચર્ચા બહુ થાય છે.

હકીકત શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ બાબતે જાતજાતની કથાઓ સાંભળવા મળતી હોવા છતાં આ સંદર્ભે નક્કર વૈજ્ઞાનિક સંશોધન બહુ ઓછું થયું છે, તે અફસોસની વાત છે. માણસ મરી ગયા પછી પણ તેના નખ અને વાળ વધતા રહે છે કે કેમ એ બાબતે કોઈએ ઊંડું સંશોધન કર્યું નથી.
ઇતિહાસમાં આવા અનેક કિસ્સા નોંધાયેલા છે. તબીબી શાસ્ત્રનો અભ્યાસ કરી ચૂકેલા ઘણા લોકોએ આ વાતના ઉદાહરણનો ઉલ્લેખ કર્યો છે.
માણસના શરીરના ઘણા અંગનો આકાર, તેના મર્યા પછી વિસ્તર્યો હોય, એવું અંગ પ્રત્યર્પણનું કામ કરતા ઘણા સર્જનના ધ્યાનમાં પણ આવ્યું છે.
વાસ્તવમાં વ્યક્તિના મૃત્યુ પછી તેના શરીરના વિવિધ ભાગોમાંના કોષો અલગ-અલગ સમયે કામ કરવાનું બંધ કરે છે. હૃદય કામ કરતું બંધ થઈ જાય છે ત્યારે મગજને ઓક્સિજનનો પુરવઠો મળતો બંધ થાય છે.
મગજના કોષો પાસે કામ કરવાની ઊર્જા હોતી નથી. તેથી હૃદયના ધબકારા બંધ થયાની પાંચ-સાત મિનિટ પછી મગજના તમામ કોષો મૃત્યુ પામે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોઈ વ્યક્તિના અંગોનું પ્રત્યર્પણ કરવાનું હોય તો તે વ્યક્તિના મૃત્યુના અરધા કલાકમાં તેના શરીરમાંથી લિવર, કિડની અને હૃદય કાઢી લેવાં જરૂરી હોય છે. તેને એ પછીના છ કલાકમાં અંગદાન લેનારી વ્યક્તિના શરીરમાં આરોપીત કરવા જરૂરી હોય છે.
જોકે, ચામડીના કોષો મૃત્યુ પછી લાંબા સમય સુધી જીવંત રહેતા હોય છે. કોઈ વ્યક્તિના મૃત્યુના બાર કલાક સુધી તેની ચામડી અન્યના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે.

નખનું વિજ્ઞાન

ઇમેજ સ્રોત, Getty Images
આપણા શરીરમાં નવા કોષોનું નિર્માણ ચાલુ રહે તે નખની વૃદ્ધિ માટે જરૂરી છે. આપણું શરીર ગ્લુકોઝ વિના રહી શકતું નથી. આપણા નખ રોજ સરેરાશ 0.11 મિલીમીટરના દરે વૃદ્ધિ પામતા હોય છે. વય વધવાની સાથે નખની વૃદ્ધિ ધીમી પડી જાય છે.
નખની નીચેના સ્તરને જર્મિનલ મેટ્રિક્સ કહેવામાં આવે છે. તેમાં બનતા કોષોને લીધે આપણા નખ વધતા રહે છે. નવા કોષ જૂના કોષને નીચેથી ધક્કો આપીને આગળ વધારતા રહે છે. આ રીતે આપણા નખ ઉપરની તરફ વધતા રહે છે.
વ્યક્તિના મૃત્યુ બાદ આ કોષોને ઈંધણ એટલે કે ગ્લૂકોઝનો પુરવઠો મળતો બંધ થઈ જાય છે. તેથી નખની વૃદ્ધિ પણ અટકી જાય છે.
વાળના કિસ્સામાં પણ લગભગ આવું જ થાય છે. પ્રત્યેક વાળ નીચેના ફોલિકિલમાં નવા કોષો બનતા રહે છે. તેને કારણે આપણા વાળ વધે છે. આ ફોલિકિલ મેટ્રિક્સના કોષો બહુ ઝડપથી વધતા હોય છે.
તેનાથી આપણા વાળ મજબૂત થાય છે, પરંતુ આ કોષોને ઈંધણ એટલે કે ગ્લુકોઝનો પુરવઠો લોહી મારફત નિરંતર મળતો રહે તો જ આ પ્રક્રિયા ચાલુ રહે છે.
મૃત્યુ પછી હૃદયના ધબકારા બંધ થઈ જાય છે. તેથી શરીરમાં લોહીનો પ્રવાહ અટકી જાય છે. પરિણામે આપણા વાળની વૃદ્ધિ પણ અટકી જાય છે, કારણ કે તેની વૃદ્ધિમાં મદદગાર કોષોને ખોરાક મળતો નથી.

આવી વાતો શા માટે થતી રહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ વૈજ્ઞાનિક હકીકત પછી પણ, માણસના મોત બાદ તેના નખ તથા વાળ વધતા હોવાની વાતો શા માટે થતી રહે છે?
આ બધા દાવા ખોટા હોય છે, પરંતુ આવી અટકળનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે. વાસ્તવમાં વ્યક્તિના મોત બાદ તેના નખ કે વાળ વધતા નથી, પરંતુ લોહીનો પ્રવાહ અટકી જવાને કારણે તેની આસપાસની ચામડી સુકાઈને સંકોચાઈ જાય છે. મૃત્યુ પછી નખ અને વાળ વધતા હોય તેવું આ કારણે લાગે છે.
મૃતદેહને દફનાવતા પહેલાં ઘણી વાર તેની ચામડીને ભીંજવવામાં આવે છે, જેથી તેનો ચહેરો નૉર્મલ દેખાય. મૃત્યુ પામેલી વ્યક્તિના ગાલની આસપાસની ચામડી પણ સુકાઈ જાય છે. તેથી તે ખોપરી તરફ ખેંચાય છે. તેને લીધે મૃતકની દાઢીના વાળ પણ વધ્યા હોય તેવું લાગે છે.
તેથી તમને મૃતકની કબરમાંથી નખ ઊગેલા દેખાતા હોય કે લાશ પર વાળ ઊગેલા દેખાતા હોય તો એ ભ્રમ છે. આ ભ્રમનું તાત્કાલિક નિરસન કરવું જોઈએ.
હોરર ફિલ્મો તથા ડરામણી નવલકથાઓમાં આવો ઉલ્લેખ ભલે થતો હોય, પણ વાસ્તવિકતા સાથે તેને કોઈ સંબંધ નથી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













