સોયાબીન : સુપરફૂડ ગણાતી સોયાબીન તમારા માટે નુકસાનકારક છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગેસિકા બ્રાઉન
- પદ, બીબીસી ફ્યૂચર

- સામાન્ય રીતે એવું મનાય છે કે સોયાબીન પ્રોટીનનો સારો સ્રોત છે, તે લેવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે
- પરંતુ ક્યારેક તમને એવું કહેવાય તો સોયાબીન કૅન્સરનું કારણ પણ બની શકે છે?
- સુપરફૂડ મનાતી સોયાબીનના ગુણો અને તેને લગતી માન્યતાઓ વિશે જાણો મહત્ત્વની બાબતો આ અહેવાલમાં

સોયાને આજકાલ સુપરફૂડ તરીકે ગણાવવામાં આવે છે. ભારત સહિત ઘણા એશિયન દેશોમાં હજારો વર્ષોથી સોયા ખવાય છે. જોકે, પશ્ચિમના દેશોની વાત કરીએ, તો ત્યાં સોયા ખાવાનું ચલણ 60 વર્ષ જૂનું જ છે.
આજની તારીખમાં પશ્ચિમના દેશોના સુપરમાર્કેટ સોયાની વસ્તુઓથી ભરાયેલા છે. સોયા મિલ્ક, સોયા બર્ગર, સોયા સૉસ અને ટોફૂ જેવી પેદાશોની ભારે માગ છે. તેમને પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે. લાલ માંસને કૅન્સર સહિત ઘણી બીમારીઓનું કારણ હોવાનું જાણવા મળ્યું છે. આના કારણે પશ્ચિમના દેશોમાં આજકાલ લોકો સોયા પેદાશોને જ પ્રોટીનનો સારો સ્રોત માનવા લાગ્યા છે. કારણ કે તેમાં ફૅટ પણ ઓછું હોય છે.
આના કારણે જ સોયા ખાનારાને હૃદયરોગ થવાની આશંકા ઓછી થઈ જાય છે. તેમાં પ્રોટીન, અનસૅચુરેટેડ ફૅટ, વિટામિન બી, ફાઇબર, આયર્ન, કૅલ્શિયમ અને ઝિંક જેવાં માણસના સ્વાસ્થ્ય માટે જરૂરી તત્ત્વો હોય છે.
પરંતુ, આજે જ્યારે લોકો સોયા ઉત્પાદનોને સારા સ્વાસ્થ્ય સાથે જોડીને જુએ છે, તો કેટલાક લોકોએ આને લઈને આશંકા વ્યક્ત કરી છે, જેમાં કહેવાઈ રહ્યું છે કે આ આપણા હોર્મોન પર અસર કરે છે.
આ વિવાદ એટલા માટે પણ છે, કારણ કે સોયામાં આઇસોફ્લેવન્સ મળી આવે છે. તેમાં મહિલાઓના હોર્મોન ઑસ્ટ્રોજેન જેવા ગુણ હોય છે. તો, સોયામાં મળી આવતા આઇસોફ્લેવન્સ, ઑસ્ટ્રોજેન જેવું કામ કરે છે. તે શરીરમાં ઑસ્ટ્રોજેન સાથે જોડાણ રાખતાં તત્ત્વો સાથે જોડાવા લાગે છે. આના કારણે જ ઘણા લોકો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે વધુ સોયા ખાવાથી મહિલાઓને સ્તન કૅન્સર થઈ શકે છે.
જોકે, વૈજ્ઞાનિકોએ પાછલા એક દાયકામાં આઇસોફ્લેવન્સને લઈને ઘણું સંશોધન કર્યું છે. તેમ છતાં એ પ્રશ્નનો સીધો જવાબ નથી મળ્યો કે શું સોયા ખાવાથી મહિલાઓને સ્તન કૅન્સર થવાની આશંકા વધી જાય છે?
ઘણાં સંશોધનોમાં તો એવી વાત સામે આવી છે કે સોયા ખરેખર કૅન્સરનું કારક નથી, બલકે તેનાથી બચાવે છે. પરંતુ, આ વાત એકદમ ખાતરીપૂર્વક કહેવાથી જાણકારો દૂર રહે છે.

બ્રેસ્ટ કૅન્સરની આશંકા

એશિયન દેશોમાં ઘણી સદીઓથી સોયા ખાવામાં આવે છે. પરંતુ આ દેશોની મહિલાઓમાં સ્તન કૅન્સરની આશંકા, અમેરિકન મહિલાઓની સરખામણીએ, 30 ટકા ઓછી થઈ જાય છે. આને એ વાતથી પણ સમજી શકાય કે જાપાનમાં દરેક મહિલા સરેરાશ 30થી 50 મિલિગ્રામ સુધી આઇસોફ્લેવન્સ સોયા મારફતે લે છે. જ્યારે યુરોપિયન દેશો અને અમેરિકામાં મહિલાઓ સરેરાશ ત્રણ મિલીગ્રામ આઇસોફ્લેવન્સ જ સોયા મારફતે લેવાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોયા વિશે કહેવાય છે કે આ મહિલાઓમાં સ્તન કૅન્સરની આશંકા ઘટાડે છે. અમેરિકાની ટફ્ટ્સ યુનિવર્સિટીના ઍસોસિએટ પ્રોફેસર ફૅંગ ફૅંગ ઝૅંગે બ્રેસ્ટ કૅન્સરનાં શિકાર છ હજાર અમેરિકન મહિલાઓ પર સંશોધન કર્યું.
તેમને જાણવા મળ્યું કે જો સ્તન કૅન્સરનાં શિકાર મહિલાએ પોતાનાં ખાનપાનમાં સોયાનો ઉપયોગ વધુ કરે છે, તો તેમના બ્રેસ્ટ કૅન્સર દ્વારા મરવાની આશંકા 21 ટકા કરતાં ઓછી થઈ જાય છે.

સોયા વિશે કોઈ મત બાંધવો સરળ નથી

સોયાના કેટલા ફાયદા છે, આ વિશે જાણકાર ખાતરીપૂર્વક કંઈ પણ કહેવાનું ટાળે છે. આને સામાન્યપણે લાલ માંસના વિકલ્પ તરીકે લેવામાં આવે છે. કારણ કે લાલ માંસ હૃદયરોગ અને કૅન્સરનું સૌથી મોટું કારણ મનાય છે.
જો હવે સોયાથી બ્રેસ્ટ કૅન્સરનો ખતરો ઓછો થાય, તો આના કારણે તેમાં મળી આવતા આઇસોફ્લેવન્સ હોઈ શકે છે. કારણ કે શરીરની કોશિકાઓમાં એપૉપ્ટોસિસની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે. ત્યારે એવું થાય છે , જ્યારે કોઈ કોશિકાનો ડીએનએ કૅન્સરના કારણે વિકૃત થઈ જાય છે, ત્યારે કોશિકાઓ પોતાની જાતને ખતમ કરી લે છે. જેથી ઈજાગ્રસ્ત કોશિકાથી કૅન્સર ન બને.
પછી, સોયાથી કૅન્સર થવાની વાત કેવી રીતે ચર્ચામાં આવી?
પ્રયોગશાળામાં સોયાના કારણે કૅન્સરગ્રસ્ત કોશિકાઓમાં વધારો થતો જોવા મળ્યો છે. આ પ્રયોગ વર્ષ 2001માં ઉંદર પર કરાયા હતા. પરંતુ, વર્ષ 2010માં થયેલા એક પ્રયોગમાં જોવા મળ્યું કે સોયાના કારણે બ્રેસ્ટ કૅન્સર પર કોઈ ખાસ અસર નથી થતી.
વૈજ્ઞાનિકો આનું કારણ સોયામાં મળી આવતા તત્ત્વ આઇસોફ્લેવન્સને માને છે. જ્યારે આપણે સોયા ખાઈએ છીએ, તો તેમાં હાજર આઇસોફ્લેવન્સ કાં તો આલ્ફા ઓસ્ટ્રોજેને રિસેપ્ટર સાથે જોડાય છે, કાં પછી બીટા સાથે. આલ્ફા સાથે જોડાનારા આઇસોફ્લેવન્સ કૅન્સરને પ્રોત્સાહન આપે છે. જ્યારે એવું જોવા મળ્યું છે કે આઇસોફ્લેવન્સ સામાન્યપણે ઓસ્ટ્રોજેનેના બીટા રિસેપ્ટર સાથે જ જોડાય છે. તેથી આના કારણે કૅન્સર વધવાની આશંકા ઓછી થઈ જાય છે.

એશિયન દેશોમાં મહિલાઓના ગર્ભથી જ આઇસોફ્લેવન્સ મળવા લાગે છે. તેમજ, પશ્ચિમના દેશોમાં સોયા ખાવાથી શરૂઆત મોડે થાય છે. એ પણ આઇસોફ્લેવન્સના અલગ અલગ વર્તનનું કારણ બની શકે છે.
શરૂઆતના જીવનથી જ સોયા ખાવાનો એક ફાયદો એવો પણ જોવા મળ્યો છે કે આનાથી હૃદયરોગની આશંકા ઘટી જાય છે. એશિયન અને પશ્ચિમના દેશોનાં મહિલાઓમાં થયેલા સંશોધનમાં આ વાત ખબર પડી છે. કારણ કે સોયામાં લો ડેન્સિટી લિપોપ્રોટીન કૉલેસ્ટ્રૉલ ઓછું હોય છે. આ કૉલેસ્ટ્રોલ હૃદયરોગના જોખમને વધારે છે.

કેવી રીતે ખવાય છે સોયા?

ઇમેજ સ્રોત, Getty Images
સોયા ખાવાનો એક ફાયદો એ પણ છે કે તેમાં ખરાબ ફૅટ એટલે કે સૅચુરેટેડ ફૅટ ઓછાં હોય છે. તેથી તે નુકસાન પણ ઓછું કરે છે. આ સંશોધનમાં એવું જોવા મળ્યું છે કે સોયા, પુરુષોમાં પ્રોસ્ટેટ કૅન્સરની આશંકા પણ ઘટાડે છે. અમેરિકાની ઇલિનૉય યુનિવર્સિટીનાં કૅથરીન એપલગેટે આ અંગે ઘણું સંશોધન કર્યું છે. એપલગેટનું કહેવું છે કે સોયા પ્રોસ્ટેટ કૅન્સરના વિકાસને રોકવામાં મદદગાર હોય છે.
સોયા તમે કેવી રીતે લો છો, તેનો પણ ઘણો ફરક પડે છે. જો તમે સીધેસીધી સોયાબીન ખાતા હો, તો તેમાં આઇસોફ્લેવન્સનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ, તમે જો સોયા મિલ્ક લો, તો તેમાં આઇસોફ્લેવન્સનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.
કુલ્લે, આપણે એવું કહી શકીએ કે સોયાથી નુકસાન થાય છે, એ મત બાંધવો યોગ્ય નહીં કહેવાય. પાછલા અમુક દાયકામાં સોયા પર ઘણાં સંશોધન થયાં છે. તેમાંથી એક પણ સંપૂર્ણપણે સાબિત નથી થયું. તો, સોયાના અમુક ફાયદા છે, તો રિસર્ચમાં અમુક નુકસાન અંગે પણ ખબર પડી છે.
પરંતુ, વૈજ્ઞાનિકનો સામાન્ય મત એ છે કે સોયા ખાવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે, અને નુકસાન ઓછું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













