કાનમાં સતત ઇયરફોન વાપરવાથી સંભળાવવું ઓછું થઈ જાય?

ઇમેજ સ્રોત, Getty Images

- ઇયરફોનમાં કેટલા વૉલ્યૂમમાં અવાજ સાંભળો તો તે સલામત કહેવાય?
- અઠવાડિયાના કેટલા કલાક સુધી તમે ઊંચા અવાજે ઇયરફોનમાં વીડિયો-મ્યુઝિક સાંભળો તો સલામત કહેવાય?
- શ્રવણશક્તિની સલામતી માટે શું શું પગલાં લઈ શકાય?

શું તમે પણ વધુ અવાજમાં મ્યુઝિક સાંભળવા ટેવાયેલા છો?
શું તમે કે તમારા ઓળખીતામાં કોઈ એવા છે જે કલાકો સુધી ઇયરફોન વડે લાઉડ મ્યુઝિક કે અન્ય કન્ટેન્ટ સાંભળે છે?
જો કોઈ વ્યક્તિ આવું કરતી હોય તો તેણે તરત અટકી જવાની જરૂરિયાત છે.
આમ, તો લગભગ દરેક સ્માર્ટફોનમાં એક રૅન્જ કરતાં વધુ વૉલ્યુમ વધારો ત્યારે તરત વૉર્નિગ નોટિફિકેશન આવે છે, કે એક હદ કરતાં વધુ લાઉડ અવાજ સતત સાંભળવાથી કાનને નુકસાન થઈ શકે છે.
પરંતુ આપણા પૈકી ઘણા બધા લોકો આ નોટિફિકેશનને લગભગ વાંચ્યા વગર જ ઓકે પર પ્રેસ કરીને આગળ વધી જાય છે.
કાન બાબતે કંઈક આવું જ છે, શરીરનાં અન્ય અંગોની માફક તેની ખૂબ ઝાઝી સંભાળ રાખવામાં ઘણા લોકો માનતા નથી.
પરંતુ સતત વધુ અવાજમાં મ્યુઝિક સાંભળવું શ્રવણશક્તિને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.
વર્ષ 2022માં થયેલા એક અભ્યાસ અનુસાર સમગ્ર વિશ્વમાં 140 કરોડ લોકો બેકાળજીભરેલી સાંભળવાની પ્રૅક્ટિસના કારણે શ્રવણશક્તિ ગુમાવી દેવાના ભય હેઠળ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું દરરોજ ઇયરફોન પહેરવાથી નુકસાન થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાના (WHO) કન્સલ્ટન્ટ અને અભ્યાસના લેખક ડૉ. લૉરેન ડિલર્ડ જણાવે છે, કે સલામતીપૂર્વક સાંભળવાની ક્રિયાની વ્યાખ્યામાં અવાજની તીવ્રતા, અને સાંભળવાનો ગાળો ધ્યાનમાં લેવાય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સલામતીપૂર્વક સાંભળવાની મહત્તમ મર્યાદા જણાવે છે.
સંગઠનના સૂચન પ્રમાણે અઠવાડિયામાં 40 કલાક સુધી 80 ડેસિબલ તીવ્રતાનો અવાજ સાંભળવો એ સલામત છે.
85 ડેસિબલ કરતાં વધુ અવાજ સાંભળવો એ વ્યક્તિની શ્રવણશક્તિ માટે ખતરારૂપ છે.
ઑડિયોલૉજી ઍડવાઇઝર ફ્રૅન્કી ઑલિવર આ મુદ્દે વાત કરતાં કહે છે કે, “85 ડેસિબલ અવાજ એટલે ફૂડ બ્લેન્ડરનો અવાજ જેટલી તીવ્રતાવાળો અવાજ. જો તમે આ પ્રકારની તીવ્રતાનો અવાજ સતત આઠ કલાક કરતાં વધુ સમય સુધી સાંભળો તો તમારી શ્રવણશક્તિને અવળી અસર પડવાની શરૂઆત થઈ શકે છે.”
તેઓ આ બાબતે આગળ વાત કરતાં કહે છે કે, “જેમ જેમ અવાજની તીવ્રતા વધતી જાય તેમ તેમ શ્રવણશક્તિને નુકસાન શરૂ થવાનો સમયગાળો ખૂબ ઝડપથી ઘટતો જાય છે.”
ફ્રૅન્કી કોઈ વ્યક્તિને સાંભવામાં તકલીફ છે કે કેમ તે નક્કી કરવા માટેનું ઉદાહરણ આપતાં કહે છે કે, “જો તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હો અને તે તમારાથી માત્ર બે મિટર જ દૂર હોય તેમ છતાં તમારે બૂમો પાડીને તેમની સાથે વાત કરવી પડતી હોય તો, સમજી જવું કે એ વ્યક્તિને સાંભળવામાં કોઈ તકલીફ પડી રહી છે.”

કાનને નુકસાન કર્યા વગર ઇયરફોન કેવી રીતે વપરાય?
ફોન, લૅપટૉપ અને ટૅબલેટ, કમ્પ્યુટર આ બધાં ઉપકરણો આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયાં છે. અને તેમની સાથે ઇયરફોન અને હેડફોન પણ આપણે વાપરીએ જ છીએ. તો ઇયરફોન વાપરતી વખતે શ્રવણશક્તિને નુકસાન ન થયા તે માટે શું કરવું જોઈએ?
- વધુ અવાજવાળી જગ્યાઓએ જતી વખતે મોલ્ડેડ ઇયરપ્લગનો ઉપયોગ કરી શકાય, જેથી આવી જગ્યાઓએ આવતા ઊંચા અવાજવાળી ફ્રિકવન્સીથી બચી શકાય છે.
- આ સિવાય તમારા ડિવાઇસમાં આવતા અવાજના લેવલના 60 ટકાથી વધુ ઊંચા સ્તરે ઇયરફોનમાં કંઈ ન સાંભળવું, આવુંજ ઇયરફોન વગર પણ અપેક્ષિત છે.
- જો તમારા ડિવાઇસમાં વધુ અવાજ સાંભળવાનો પ્રયત્ન કરવા પર ઍલર્ટ સિસ્ટમ હોય તો તેની સલાહને અનુસરો.
- આ સિવાય ક્યારેય માત્ર બૅકગ્રાઉન્ડના ઘોંઘાટથી બચવા માટે વધુ અવાજે મ્યુઝિક ન સાંભળો, જો આવું કરશો તો શ્રવણશક્તિનું નુકસાન થવાની સંભાવના વધુ છે. આવી પરિસ્થિતિમાં તમને ખબર પણ ન પડે અને તમે ખતરનાક લેવલ સુધી અવાજ વધારી દો છો.














