દાંતની સફાઈ માટે બે મિનિટ પૂરતી છે? બ્રશ કરવાની સાચી રીત કઈ?

દાંત

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જોસેફિન હર્શફેલ્ડ
    • પદ, બીબીસી માટે
બીબીસી ગુજરાતી
  • આપણે દાંતને દિવસમાં કમસે કમ બે વખત અને કમસે કેમ બે મિનિટ સુધી બ્રશ કરવા જોઈએ એવું દાંતના ડૉક્ટરોએ 1970ના દાયકામાં કહ્યું હતું
  • નરમ બ્રિસલવાળા ટૂથબ્રશનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી હતી
  • કેટલાકનું કહેવું એમ પણ છે કે દાંતને એક મિનિટ બ્રશ કરો તે પૂરતું છે
  • કેટલાક પુરાવા જણાવે છે કે દાંતને સાફ કરવા માટે બે મિનિટ અપૂરતી છે
  • નવા સંશોધન મુજબ, દાંત પરથી વધારે ગંદકી હઠાવવી હોય તો બ્રશ પણ વધુ સમય કરવું જરૂરી છે
  • તો આપણે દાંતને બ્રશ કરવા માટે કેટલો સમય આપવો?
બીબીસી ગુજરાતી

આપણે દાંતને દિવસમાં કમસે કમ બે વખત અને કમસે કેમ બે મિનિટ સુધી બ્રશ કરવા જોઈએ એ હકીકતથી આપણા પૈકીના ઘણા લોકો વાકેફ છે.

આપણે દાંતને રોજ બે મિનિટ સાફ કરવા જોઈએ એવી સલાહ આપવાનું દાંતના ડૉક્ટરોએ 1970ના દાયકામાં શરૂ કર્યું હતું અને પછી તેમણે નરમ બ્રિસલવાળા ટૂથબ્રશનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી હતી.

કેટલાકનું કહેવું એમ પણ છે કે દાંતને એક મિનિટ બ્રશ કરો તે પૂરતું છે, જ્યારે કેટલાક પુરાવા જણાવે છે કે દાંતને સાફ કરવા માટે બે મિનિટ અપૂરતી છે.

નવા સંશોધન મુજબ, દાંત પરથી વધારે ગંદકી હઠાવવી હોય તો બ્રશ પણ વધુ સમય કરવું જરૂરી છે. તેથી કમસે કમ ત્રણથી ચાર મિનિટ સુધી બ્રશ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. તેનો અર્થ એ થાય કે આપણે દાંતને બ્રશ કરવા માટે બમણો સમય આપવો પડશે?

બીબીસી ગુજરાતી

પ્લાક હઠાવવામાં મદદરૂપ

દાંત

ઇમેજ સ્રોત, Alamy

આ સંદર્ભે જે સર્વસંમતિ હવે સર્જાઈ છે તે મુખ્યત્વે 1990ના દાયકામાં પ્રકાશિત સંશોધન અહેવાલ પર આધારિત છે અને તે બ્રશ કરવાના સમય, તેની તકનીક અને વિવિધ પ્રકારના ટૂથબ્રશ વિશેની છે.

આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે બે મિનિટ સુધી દાંતને બ્રશ કરવાથી પ્લાક સાફ તો થઈ જાય છે, પરંતુ સારી રીતે સાફ થતો નથી. બે મિનિટથી વધારે સમય દાંતને બ્રશ કરવામાં આવ્યા ત્યારે અગાઉની તુલનામાં વધારે પ્લાક સાફ થયો હતો. બે મિનિટને બદલે બે મિનિટથી વધુ સમય સુધી બ્રશ કરવાથી આપણા દાંત લાંબા સમય સુધી સ્વસ્થ રહેશે કે કેમ તે વિશે હજુ પણ કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી.

દાંત પર વધુ પ્રમાણમાં પ્લાક ચોંટ્યો હોત તો તેનાથી કેટલું નુકસાન થાય છે એ આપણે જાણીએ છીએ. તેથી બ્રશ કરવામાં આવે ત્યારે દરેક વખતે પ્લાક સાફ થઈ જતો હોવાથી આપણા મોંનું સ્વાસ્થ્ય સુધરે તો છે જ.

જોકે, તેના કોઈ પુરાવા મળ્યા નથી અને એવું કરવું આસાન પણ નથી, કારણ કે આ પ્રકારની શોધમાં લાંબો સમય લાગી તેમ છે.

બીબીસી ગુજરાતી

શરીરની રોગપ્રતિકારક વ્યવસ્થા

દાંત
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દાંતને બ્રશ કરવાનો હેતુ તેમાંથી કીટને દૂર કરવાનો હોય છે. તેને ડૅન્ટલ પ્લાક કહે છે. આ પ્લાક બૅક્ટેરિયા, વાઇરસ અને ફંગસના સ્વરૂપમાં એકત્ર થઈને ત્યાં એક સમુદાય રૂપે રહે છે. જેને માઇક્રોબિયલ બાયોફિલ્મ કહેવામાં આવે છે.

આ બાયોફિલ્મ બહુ ચીકણી હોય છે અને તેને માત્ર બ્રશની મદદથી હઠાવી શકાય છે. ઘણા કિટાણુને કારણે તે આસાનીથી વૃદ્ધિ પામે છે અને તેમાં દાંતની સપાટી ખરબચડી થવી, બ્રશનું પેઢાના અમુક વિસ્તાર સુધી પહોંચી ન શકવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

વાસ્તવમાં મોંની સફાઈના થોડા કલાકમાં જ આ પ્લાક બાયોફિલ્મ આપણા દાંત પર ફરી જમાવટ કરવાની ક્ષમતા ધરાવતી હોય છે. તેથી દિવસમાં બે વખત બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે.

લાંબા સમય સુધી બ્રશ ન કરવાથી અને યોગ્ય રીતે દાંત સાફ ન કરવાથી તેના પર મોટા પ્રમાણમાં પ્લાક એકઠો થાય છે અને તે આપણા શરીરના રોગપ્રતિકારક તંત્રને સક્રિય કરી શકે છે. તેનાથી પેઢામાં સોજો અને પીડા જેવી સ્થિતિ સર્જાય છે.

સોજો સામાન્ય રીતે બહુ પીડાદાયક હોતો નથી, પરંતુ દાંતને બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી પડવાની સમસ્યા સર્જાય છે. કેટલાક કિસ્સામાં શ્વાસમાંથી દુર્ગંધ પણ આવે છે. બાયોફિલ્મ દાંતમાં કૅવિટીનું કારણ પણ બની શકે છે.

બીબીસી ગુજરાતી

બ્રશ કરવાની યોગ્ય રીત કઈ છે?

દાંત

ઇમેજ સ્રોત, Getty Images

બ્રશ કરવાનો ઉદ્દેશ દાંત પરથી વધુમાં વધુ પ્રમાણમાં પ્લાક હઠાવાનો હોય છે. તાજા પુરાવા દર્શાવે છે કે વધુ સમય એટલે કે પ્રત્યેક વખતે ચાર મિનિટ સુધી બ્રશ કરવામાં આવે તો પ્લાકની સફાઈ વધુ સારી રીતે કરી શકાય છે.

લાંબો સમય બ્રશ કરવાનો બીજો અર્થ એ થાય કે આપણે દાંતની મહત્તમ સફાઈ કરી શકીએ છીએ. ખાસ કરીને એ જગ્યાએથી, જ્યાં બ્રશ આસાનીથી પહોંચી શકતું નથી. ઓછો સમય બ્રશ કરીએ ત્યારે એ જગ્યાની સફાઈ બાકી રહી જતી હોય છે.

અલબત્ત, દિવસમાં બેથી વધુ વખત બ્રશ ન કરવું જોઈએ. બ્રશને દાંત સાથે જોરજોરથી ઘસવું પણ ન જોઈએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે કઠણ બ્રિસલવાળા બ્રશ અને ખરબચડા પાઉડર કે ટૂથપેસ્ટનો ઉપયોગ તો બિલકુલ ન કરવો જોઈએ, કારણ કે તેનાથી દાંતમાં વઘારે ઘર્ષણ થાય છે અને વધુ નુકસાન થઈ શકે છે.

બ્રશ કરવાની અલગ-અલગ તકનીક છે. તમે તમને અનુકૂળ હોય એ તકનીકનો ઉપયોગ કરી શકો છો.

એ પૈકીની એક તકનીક છે બાસ તકનીક. આ તકનીક મુજબ બ્રશ કરવાથી દાંતની સાથે પેઢાંની પણ સારી રીતે સફાઈ થાય છે. પેઢાંની નીચેના ભાગમાં પ્લાક સૌથી પહેલાં એકઠો થતો હોય છે અને તે સોજાનું કારણ બનતો હોય છે. બાસ તકનીક મુજબ બ્રશ કરવાથી પેઢાંના નીચેના હિસ્સાને પણ સાફ કરી શકાય છે.

દાંત પર હળવા હાથે બ્રશ કરવું જોઈએ. જોકે, દાંત સાફ કરતી વખતે કેટલું જોર આપવું જોઈએ તેના કોઈ પુરાવા નથી. આપણા મોંમાં કડક તથા નરમ એમ બન્ને પ્રકારના ટિસ્યૂ હોય છે અને હળવા હાથે બ્રશ કરવાથી તેને નુકસાન થતું નથી.

તમે ક્યા ટૂથબ્રશનો, કઈ ટૂથપેસ્ટનો અને જીભીનો ઉપયોગ કરો છો તેના પર પણ ઘણો આધાર હોય છે. દાખલા તરીકે, તેઓ મોટા પ્રમાણમાં એસિડિક સોડા પીને પોતાના દાંતની સપાટીને નુકસાન કરી ચૂક્યા હોય તેમના દાંત નબળા હોઈ શકે છે.

તેનો અર્થ એ થાય કે આવા લોકો વધારે ઘર્ષણ થાય તેવી ટૂથપેસ્ટ કે કડક બ્રિસલવાળા ટૂથબ્રશનો ઉપયોગ કરે તો તેમના દાંતને વધારે નુકસાન થઈ શકે છે.

તમારા દાંત માટે ક્યા પ્રકારના ટૂથબ્રશનો ઉપયોગ કરવો જોઇએ તે દાંતના ડૉક્ટર પાસેથી જાણી લેવું જોઈએ.

બીબીસી ગુજરાતી

ઇન્ટરડૅન્ટલ સફાઈ

દાંત

ઇન્ટરડૅન્ટલ સફાઈ શબ્દ સાંભળતાં જ સમજાય છે કે આ દાંતની વચ્ચેના હિસ્સાની સફાઈની તકનીક છે. તેને ફ્લોસિંગ પણ કહેવામાં આવે છે. ફ્લોસિંગ વડે દાંતમાંના સડા તથા પેઢાં પરના સોજો બન્નેને ઘટાડી શકાતા હોવાનું સંશોધનમાં જાણવા મળ્યું છે.

આ પદ્ધતિમાં ફ્લોસ એટલે કે દોરાના ટુકડાના બે છેડાને બન્ને હાથમાં પકડીને દાંતની વચ્ચે ફસાવવામાં આવે છે અને હળવે હાથે ફ્લોસને નીચેથી ઉપર તથા ઉપરથી નીચે એમ ઘસવામાં આવે છે.

દાંત અને પેઢાંની વચ્ચેના હિસ્સા સુધી પહોંચી શકતા ઇન્ટરડૅન્ટલ બ્રશ વધારે અસરકારક સાબિત થઈ શકે છે. ટૂથપિક્સ, વૉટર જેટ્સ કે ટંગ ક્લિનર્સ જેવી સફાઈની બીજી રીતો બાબતે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે.

આપણને દિવસમાં બે વખત દાંતની સફાઈની આદત છે તે સાચું, પરંતુ દાંતને સારી રીતે બ્રશ કરી શકાય એટલા માટે યોગ્ય તકનીકનો ઉપયોગ કરવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

બે મિનિટથી વધુ સમય સુધી બ્રશ કરવાથી દાંત પરથી વધુ પ્રમાણમાં પ્લાક હઠાવવામાં મદદ મળી શકે છે અને તેના લીધે દાંત તથા પેઢાંનું સ્વાસ્થ્ય બહેતર બની શકે છે.

(જોસેફિન હર્શફેલ્ડ બ્રિટનની બર્મિંઘમ યુનિવર્સિટી ખાતે રિસ્ટોરેટિવ ડૅન્ટિસ્ટ્રી વિષયના એકેડેમિક ક્લિનિકલ લેક્ચરર છે. ‘ધ કોન્વર્સેશન’નો આ લેખ પહેલાં બીબીસી મુંડો પર પ્રકાશિત થયો હતો)

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી