કબજિયાત કેમ થાય છે અને તેની કેવી રીતે સારવાર કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, હિંમત કાતરિયા
- પદ, બીબીસી સંવાદદાતા
કબજિયાતનો પ્રશ્ન માત્ર વૃદ્ધોને જ સતાવે છે એવું નથી પરંતુ તમામ ઉંમરના લોકોને ક્યારેક ને ક્યારેક સતાવતો હોય છે.
બંધકોશ કે મળાવરોધ તરીકે પણ ઓળખાતી કબજિયાતની બીમારી સામાન્ય છે.
નિષ્ણાતોનું માનવું છે કે સામાન્ય સંજોગોમાં તમે સામાન્ય રીતે તમારા આહાર અને જીવનશૈલીમાં સરળ ફેરફારો સાથે તેની સારવાર કરી શકો છો.
કબજિયાત કેમ થાય છે અને તેની સારવાર શું કરવી? શું ઘરગથ્થુ ઉપાયો તેના માટે કારગર નીવડે?
કબજિયાત વિશેના સામાન્ય સવાલોના જવાબ મેળવીશું આ અહેવાલમાં...
કબજિયાત થઈ છે એ કેવી રીતે ખબર પડે?
બ્રિટિશ સરકારના આરોગ્ય વિભાગ અનુસાર, કબજિયાત થવાની શક્યતા છે જો:
- છેલ્લા અઠવાડિયા દરમિયાન તમે ઓછામાં ઓછા 3 વખત શૌચક્રિયા ન કરી હોય
- શૌચ મોટેભાગે વધારે અને સુકો, સખત અથવા ગઠ્ઠાવાળો ઉતરે
- શૌચમાં વખતે ભારે બળ કરવું પડે અથવા દુ:ખાવો થાય
- કબજિયાત થયો હોય તો તમને પેટમાં દુખાવો પણ થઈ શકે છે
- તમને પેટ ફૂલેલું લાગે અથવા બીમાર પડ્યા હો એવું લાગે
કબજિયાતના કારણો
પુખ્ત વયના લોકોમાં કબજિયાતના એક કરતા વધારે સંભવિત કારણો હોય છે. કેટલીકવાર કોઈ સ્પષ્ટ કારણ હોતું નથી.
અમદાવાદની સિવિલ હૉસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટ ડૉ. સંજય રાજપૂત બીબીસી સાથે વાત કરતા કહે છે, “કબજિયાતનું મુખ્ય કારણ આજકાલની દોડભાગવાળી જીવનશૈલી છે. લોકો પાસે ટૉઈલેટમાં બેસવાનો ટાઈમ નથી. વેસ્ટર્ન ટૉઈલેટ નુકશાનકારક છે. ભારતીય શૈલીમાં બેસે તો પેટ દબાય અને એ રીતે શૌચમાં મદદ મળે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખાનપાન અંગે તેઓ કહે છે, “આજકાલના પિઝા, બર્ગર જેવાં અનેક જંક ફૂડમાંમાં મેંદાનું પ્રમાણ વધી ગયું છે અને સાથે ક્રૅશ ડાયટિંગ (વજન ઉતારવા એકાએક ભોજન સાવ ઓછું કરી નાખવું)નું ચલણ પણ વધી ગયું છે. તેમજ ઓછા ફાઈબરવાળું ડાયટ કબજિયાતનું મુખ્ય કારણ છે. 30થી 60 ગ્રામ ફાયબર જોઈએ અને આપણે 10 ગ્રામ પણ નથી ખાતા.”

ઇમેજ સ્રોત, Getty Images
કબજિયાતના સૌથી સામાન્ય કારણો છે:
- પૂરતા પ્રમાણમાં ફાઇબરવાળો આહાર ન લેવો, જે ફળો, શાકભાજી અને અનાજમાં હોય છે
- પૂરતા પ્રમાણમાં પ્રવાહી ન પીવું
- પુરતું હલનચલન ન કરવું અને લાંબા સમય સુધી બેઠા રહેવું અથવા આડા પડ્યા રહેવું
- ઓછું સક્રિય રહેવું અને કસરત ન કરવી
- ઘણીવાર ટૉઇલેટ જવાની ઇચ્છાને અવગણવી
- તમારા આહાર અથવા દિનચર્યામાં બદલાવ કરવો
- દવાની આડ અસરને કારણે પણ કબજિયાત થઈ શકે છે
- ઓપીયોઇડ પેઇનકિલર્સ દવાઓથી પણ કબજિયાત થઈ શકે છે
- તણાવ, ચિંતા કે હતાશા પણ કબજિયાત તરફ દોરી શકે છે
- મહિલાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન અને બાળજન્મના 6 અઠવાડિયા સુધી કબજિયાત સામાન્ય છે.
- ક્યારેક કબજિયાત તબીબી સ્થિતિને કારણે થઈ શકે છે.
કબજિયાતની ઘરગથ્થુ સારવાર શું છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. સંજય રાજપૂત કબજિયાતની સારવાર અંગે વાત કરતા કહે છે, “ફાઈબરવાળો ખોરાક અને સાથે જીવનશૈલી બદલો એટલે કબજિયાતની 50 ટકા સંભાવના ખતમ થઈ જાય છે કે સારવાર થઈ જાય છે. લાઈફસ્ટાઇલમાં બદલાવ કરવો તે કબજિયાતની મુખ્ય સારવાર છે. સવારમાં કસરત કરો.”
કબજિયાતના દર્દીઓને અપાતી દવા અંગે ડૉ. રાજપૂત કહે છે, બીસાકોડીલ જેવી દવાઓ આંતરડામાંથી પાણી શોષે એટલે ઝાડો ઢીલો થઈ જાય છે. પરંતુ કસરત, પ્રાણાયામ, યોગ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવો તો કોઈપણ પ્રકારની દવા લેવાની જરૂર પડતી નથી.”
તેઓ ઉમેરે છે, “લોકો દેશી ઉપચારમાં એરંડિયો, હરડે અને તેને મિક્સ કરીને ચૂર્ણ બનાવે છે. ઈસબગુલ પણ લેવામાં આવે છે.”
તમારા આહાર અને જીવનશૈલીમાં સરળ ફેરફારો કરવાથી કબજિયાતની સારવાર કરવામાં મદદ મળી શકે છે.
એમ કરવાથી થોડા દિવસોમાં જ ફરક જોઈ શકાય છે. કેટલીકવાર તમારા લક્ષણોમાં સુધારો થતાં થોડાં અઠવાડિયાનો સમય પણ લાગી શકે છે.
શૌચ નરમ આવે અને સરળતાથી થાય તે માટે:
- પુષ્કળ પ્રવાહી લેવું અને દારૂ પીવાનું ટાળવું
- આહારમાં ફાઇબરનું પ્રમાણ વધારવું
- આહારમાં ઘઉંની થૂલી, ઓટ્સ અથવા અળસીને સમાવવી
- શૌચાલયની દિનચર્યામાં સુધારો કરવો
- નિયમિત સમયે શૌચ કરવું અને શૌચ માટે પૂરતો સમય આપો, ઉતાવળ કરવાનું ટાળો.
- જો તમને શૌચ કરવાની જરૂર લાગે તો વિલંબ કરશો નહીં.
- શારિરિક શ્રમ વધારવાનું આયોજન કરો.
- દરરોજ ચાલવાથી કે દોડવાથી તમને નિયમિતપણે શૌચ કરવામાં મદદ મળી શકે છે.
શૌચક્રિયાને સરળ બનાવવા માટે, શૌચાલયમાં તમારા પગને નીચા સ્ટૂલ પર રાખી આરામદાયક મુદ્રામાં રાખો. જો શક્ય હોય તો તમારી પરંપરાગત પદ્ધતિ પ્રમાણે ઘૂંટણને વાળીને શૌચ કરો એમ બ્રિટનનું આરોગ્ય વિભાગ પણ કહે છે.
લાંબાગાળાની કબજિયાત હોય તો?

ઇમેજ સ્રોત, Getty Images
જો આહાર અને જીવનશૈલીમાં ફેરફાર મદદ ન કરતા હોય તો ડૉક્ટરનો સંપર્ક કરો.
બ્રિટિશ સરકારના આરોગ્ય વિભાગ અનુસાર, લાંબા ગાળાની કબજિયાત મળમાર્ગને અસર કરી શકે છે. લાંબા સમય સુધી કબજિયાત રહ્યા પછી ઝાડા થવા તેનું મુખ્ય લક્ષણ છે.
આ સ્થિતિમાં સારવારમાં ડૉક્ટર ભારે રેચક આપી શકે છે. સપોઝિટરી નામની દવા આપી શકે છે, જેને ગુદામાર્ગમાં મુકવામાં આવે છે. ડૉક્ટર મીની એનિમા પણ આપી શકે છે. જેમાં ગૂદામાર્ગમાંથી પ્રવાહી આંતરડામાં પસાર થાય છે. કેટલાક કિસ્સામાં ડૉક્ટર કેટલાક મળને દૂર કરે છે, જે મળત્યાગ તમે જાતે નથી કરી શકતા.
મોટાભાગના રેચક 3 દિવસમાં કામ કરે છે. જોકે તેનો ઉપયોગ માત્ર થોડા સમય માટે જ કરવો જોઈએ.
નિયમિતપણે કબજિયાત રહે અને તે લાંબા સમય સુધી ચાલે.
બાળકોને કબજિયાત થાય તો શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટિશ સરકારના આરોગ્ય વિભાગ અનુસાર, બાળકોને કબજિયાત થવા પાછળના કારણો વયસ્કો કરતા અલગ હોઈ શકે છે.
બાળકોને કબજિયાતનાં કારણોમાં, બાળકે છેલ્લા અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 વખત શૌચ ન કર્યું હોય, ઝાડો કઠણ અને વધારે આવે, નાની ગોળીઓ જેવો ઝાડો આવે, બાળકને શૌચ વખતે બળ કરવું પડે અથવા પીડા થાય, બાળકને ભૂખ ઓછી લાગે કે પેટના દુખાવામાં શૌચ કર્યા પછી રાહત થાય વગેરે લક્ષણો છે.
જો બાળક 1 વર્ષથી મોટું હોય અને કપડામાં શૌચ કરી જાય તો તે પણ કબજિયાતની નિશાની હોઈ શકે છે, કારણ કે ભારે કબજિયાતવાળા બાળકને વા છૂટ દરમિયાન ઝાડો નીકળી શકે છે.
બાળકોમાં કબજિયાતના કારણોમાં ફળો અને શાકભાજી જેવા ઉચ્ચ ફાઇબરવાળા ખોરાક ન ખાવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી ન પીવું ઉપરાંત તેમને કોઈપણ બાબતની ચિંતા સતાવતી હોય.
જેમ કે ઘર બદલવું, ઘરમાં નવા બાળકનું આગમન કે નર્સરી અથવા શાળા શરૂ થાય ત્યારે બાળકને આવી તકલીફ થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












