શરદી વારંવાર થતી હોય તો શું કરવું, તેની સારવાર શું?

શરદી, કફ, સ્વાસ્થ્ય, બીમારી, ડૉક્ટર, શરદીનાં લક્ષણો, શરદીનો ઉપાય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં હવે ધીમે ધીમે ઉનાળાનો પગરવ સંભળાઈ રહ્યો છે અને શિયાળાની વિદાય થઈ ચૂકી છે.

પરંતુ ઋતુપરિવર્તનના આ ગાળામાં લોકોને શરદીની તકલીફ રહેતી હોય છે.

એ પહેલાં શિયાળામાં પણ લોકોની ફરિયાદ રહેતી હોય છે કે તેમને વારંવાર શરદી થઈ જાય છે.

શરદીનો કોઠો ધરાવતી વ્યક્તિને ગરમ પાણી પીવાની પણ સલાહ આપવામાં આવે છે. આવી વ્યક્તિ ઘણી સાવચેતી રાખતી હોય છે.

શરદી, કફ, સ્વાસ્થ્ય, બીમારી, ડૉક્ટર, શરદીનાં લક્ષણો, શરદીનો ઉપાય, બીબીસી ગુજરાતી

શરદી એ તમારા નાકમાં લાળ અને તમારા ગળામાં સાઇનસ અને કફથી થાય છે. તે સામાન્ય રીતે જાતે જ મટી જાય છે પરંતુ જો તે 2-3 અઠવાડિયાં કરતાં વધુ સમય સુધી ચાલે તો ડૉક્ટરને બતાવવું જોઈએ.

કેટલાક લોકો મોટે ભાગે શરદીની સારવાર ડૉક્ટરને બતાવ્યા વિના પણ કરતાં હોય છે. તમને એકાદ અઠવાડિયામાં રાહત ન થાય તો ડૉક્ટરને બતાવવું જોઈએ.

સવાલ એ થાય કે શિયાળામાં વારંવાર શરદી કેમ થાય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ. શરદી વિશેના તમામ મુખ્ય સવાલોના જવાબો મેળવીશું આ અહેવાલમાં...

શરદી, કફ, સ્વાસ્થ્ય, બીમારી, ડૉક્ટર, શરદીનાં લક્ષણો, શરદીનો ઉપાય, શરદીની સારવાર, બીબીસી ગુજરાતી

શરદીનાં લક્ષણો ધીમે ધીમે પ્રગટ થાય છે અને તેમાં નીચેનાનો સમાવેશ થઈ શકે છે:

  • નાકમાં અવરોધ અથવા વહેતું નાક
  • છોલાયેલ ગળું
  • માથાનો દુખાવો
  • સ્નાયુમાં દુખાવો
  • ઉધરસ
  • છીંક આવવી
  • શરીરના તાપમાનમાં વધારો
  • તમારા કાન અને ચહેરા પર દબાણ
  • સ્વાદ અને ગંધ જતા રહેવા

શરદીનાં લક્ષણો પુખ્ત વયના લોકોમાં અને બાળકોમાં એકસરખાં હોય છે. કેટલીક વાર બાળકોમાં લક્ષણો લાંબા સમય સુધી રહે છે.

શરદી, કફ, સ્વાસ્થ્ય, બીમારી, ડૉક્ટર, શરદીનાં લક્ષણો, શરદીનો ઉપાય, બીબીસી ગુજરાતી

અમદાવાદના જાણીતા એમ.ડી. ડૉ. તુષાર કાપડિયા શરદી થવાનાં કારણો જણાવતા કહે છે, "શરદી થવાના બે પ્રમુખ કારણ છે, પ્રદૂષણ અને આપણી જીવનશૈલી. શિયાળામાં ડબલ સિઝન વધી જાય છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડી પડે છે. આ કારણે શરદી થાય છે. એટલે જ્યારે દિવસમાં ડબલ ઋતુ જેટલી પરિસ્થિતિ રહેતી હોય ત્યારે શરદી થઈ જાય છે."

તેઓ કહે છે, "આપણા ખોરાકમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે એટલે શરદી વધારે થાય છે. અમદાવાદમાં રહેતા બાળકને દર બે-ત્રણ મહિને શરદી થાય છે."

તેઓ ઉમેરે છે, "ખોરાક કે હવામાનની અસરને કારણે શરદીમાં શરૂઆતમાં સોજો આવે અને ત્યારે તેનું ધ્યાન ન રાખવામાં આવે તો હવામાં રહેલા બૅક્ટેરિયા અને વાઇરસથી ચેપ વધી જાય. અને તે ગળાથી આખા શરીરમાં ફેલાઈ શકે અને ન્યુમોનિયા જેવી બીમારી થઈ શકે. આથી, શરદી પછીની તુરંતની અસર એટલે કે અસ્થમા પણ જોર પકડે છે."

શરદી, કફ, સ્વાસ્થ્ય, બીમારી, ડૉક્ટર, શરદીનાં લક્ષણો, શરદીનો ઉપાય, બીબીસી ગુજરાતી

શરદીને અને ઠંડીને બહુ સંબંધ નથી એમ ડૉ. તુષાર કાપડિયાનું કહેવું છે.

તેઓ આ વાતના સમર્થનમાં દલીલ કરતા કહે છે, "હિમાચલ કે હિમાલયમાં ભલે શૂન્ય ડિગ્રી તાપમાન હોય ત્યાં શરદી બહુ નહીં થાય અને ભીડભાડ ઓછી હોય એટલે ચેપ નહીં ફેલાય. માત્ર ઠંડીને ગણતરીમાં લઈએ તો હિમાલયમાં રહેતા દર ત્રીજા માણસને શરદી થવી જોઈએ."

બાળકોમાં વારંવાર શરદી થવાનું કારણ જણાવતા ડૉ. કાપડિયા કહે છે, "બાળકોમાં રોગપ્રતિકારક શક્તિની પ્રણાલી મોડી વિકસે છે એટલે બાળકો શરદી પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. બાકી હતું તે શાળાની પદ્ધતિએ પૂરું કર્યું છે. વહેલી સવારની શાળા અને એ.સી. ઓરડાઓ પણ શરદી ફેલાવાનું માધ્યમ બન્યા છે. ખુલ્લા ઓરડામાં ક્રૉસ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ સાવ ઓછી રહે છે."

તબીબી ઉપચારની વાત કરતા ડૉ. કાપડિયા શરદી ન થાય તેવા એટલે કે પ્રિકોશનરી ઉપચાર પર ભાર મૂકતા પ્રદૂષણથી બચવાની અને માસ્ક પહેરવાની સલાહ આપે છે.

આના સમર્થનમાં દલીલ કરતા તેઓ કહે છે, "કોવિડ થયો ત્યારે શરદીના કેસ ઘટી ગયા હતા. જાપાનમાં દર ત્રીજી વ્યક્તિ માસ્ક પહેરીને ફરે છે."

શરદી, કફ, સ્વાસ્થ્ય, બીમારી, ડૉક્ટર, શરદીનાં લક્ષણો, શરદીનો ઉપાય, બીબીસી ગુજરાતી

આ સવાલનો જવાબ આપતા ડૉ. કાપડિયા અમુક ઉપાયો સૂચવે છે.

  • શરદીની શરૂઆત શ્વસનતંત્રના ઉપરના ભાગથી થાય છે. આથી છાતીની ઉપરના ભાગમાં વાઇરસને સેટ ન થવા દેવા ગરમ પાણીના કોગળા કરવા.
  • વાઇરસ કે બૅક્ટેરિયાને સેટ થવા 12 કલાક જોઈએ એ પહેલાં એને બહાર કાઢી નાખવા જોઈએ નહીંતર એ અનેકગણી માત્રામાં વધે છે.
  • વાઇરસને ફેલાવા માટે અનુકૂળતા આપતી ગળપણવાળી, આર્ટિફિશિયલ ફ્લેવરવાળી વસ્તુઓ લેવાની બંધ કરી દેવી.
  • નાકમાંથી પાણી સૂકવી નાખવા માટે દવા ન લઈ લેવી. શરદીને દબાવી દેવાનો મતલબ નથી.
  • જો દર બે-મિનિટે ખાંસી આવતી હોય તો જ ડૉક્ટરને બતાવીને કફ સિરપ લઈ શકાય.
શરદી, કફ, સ્વાસ્થ્ય, બીમારી, ડૉક્ટર, શરદીનાં લક્ષણો, શરદીનો ઉપાય, બીબીસી ગુજરાતી

શરદીમાં આ પ્રમાણેની સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરી શકાય:

  • ત્રણ અઠવાડિયાં પછી પણ લક્ષણોમાં સુધારો થતો ન હોય
  • લક્ષણો અચાનક વધી જાય
  • તાપમાન ખૂબ ઊંચું રહે અથવા શરીર ગરમ રહે અને ધ્રુજારીનો અનુભવ થાય
  • બાળકનાં લક્ષણો ચિંતા કરાવતા જણાય
  • તમને શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા છાતીમાં દુખાવો થાય
  • ડાયાબિટીસ અથવા હૃદય, ફેફસાં અથવા કિડનીની બીમારી જેવી સ્થિતિ હોય
  • કીમોથૅરપી જેવી સારવાર લેવાના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય
શરદી, કફ, સ્વાસ્થ્ય, બીમારી, ડૉક્ટર, શરદીનાં લક્ષણો, શરદીનો ઉપાય, બીબીસી ગુજરાતી

નિષ્ણાત તબીબો શરદી માટે એન્ટિબાયોટિક્સની ભલામણ કરતા નથી, કારણ કે તે તમારાં લક્ષણોમાં રાહત આપતી નથી કે અથવા તમારી રિકવરીને ઝડપી બનાવતી નથી.

એન્ટિબાયોટિક્સ માત્ર બૅક્ટેરિયલ ચેપ સામે અસરકારક છે અને શરદી વાઇરસને કારણે થાય છે.

ઘણા લોકો શરદીની બીમારીમાં અનેક પ્રકારની ગોળી, સિરપ લઈ લે છે પરંતુ આરોગ્ય વિભાગ ચેતવણી આપે છે કે પેરાસિટામોલ અને આઇબુપ્રોફેનની ગોળી લેતા હોવ તો ઉધરસ અને શરદીની દવાઓનો ઉપયોગ ન કરવાની કાળજી રાખો.

ખાંસી અને શરદીની દવાઓમાં ઘણી વાર પેરાસિટામોલ અને આઇબુપ્રોફેન પણ હોય છે તેથી ભલામણ કરેલ માત્રા કરતાં વધુ લેવાનું ટાળો. કેટલાંક બાળકો, શિશુઓ અને સગર્ભા સ્ત્રીઓ માટે પણ તે યોગ્ય નથી.

બ્રિટિશ સરકારના આરોગ્ય વિભાગ અનુસાર, સપ્લિમેન્ટ્સ (વિટામિન-સી, લસણ વગેરે) શરદી અટકાવે અથવા રિકવરી ઝડપી કરે એવા ઓછા પુરાવા છે.

શરદી, કફ, સ્વાસ્થ્ય, બીમારી, ડૉક્ટર, શરદીનાં લક્ષણો, શરદીનો ઉપાય, બીબીસી ગુજરાતી

શરદી થઈ હોય તો વ્યક્તિ તેનાં લક્ષણો શરૂ થાય તેના થોડા દિવસો પહેલાંથી લક્ષણો બંધ થાય ત્યાં સુધી તેને ફેલાવી શકે છે.

શરદીથી બચવાની શ્રેષ્ઠ રીતો છે:

  • ગરમ પાણી અને સાબુથી હાથ ધોવા
  • શરદી હોય તેવી વ્યક્તિ સાથે ટુવાલ અથવા કપ જેવી ઘરની વસ્તુઓ શેર ન કરવી
  • જો તમે વાઇરસના સંપર્કમાં આવ્યા હો તો તમારી આંખો અથવા નાકને સ્પર્શ કરવો નહીં, આ રીતે શરીરમાં ચેપ ફેલાઈ શકે છે
  • ફ્લૂની રસી ફલૂને રોકવામાં મદદ કરે છે પરંતુ શરદીને નહીં.
શરદી, કફ, સ્વાસ્થ્ય, બીમારી, ડૉક્ટર, શરદીનાં લક્ષણો, શરદીનો ઉપાય, બીબીસી ગુજરાતી

શરદી વાઇરસના કારણે થાય છે અને સરળતાથી અન્ય લોકોમાં ફેલાય છે.

તમારાં બધાં લક્ષણો દૂર ન થઈ જાય ત્યાં સુધી તમે ચેપી છો. આમાં સામાન્ય રીતે 1થી 2 અઠવાડિયા લાગે છે.

શરદી ઉધરસ અને છીંકથી ફેલાય છે અને તેના વાઇરસ હાથ અને સપાટી પર 24 કલાક સુધી જીવિત રહી શકે છે.

શરદી ફેલાવવાનું જોખમ ઘટાડવા માટે:

  • હાથને વારંવાર ગરમ પાણી અને સાબુથી ધોવા
  • ઉધરસ કે છીંક આવે ત્યારે ટિશ્યૂનો ઉપયોગ કરો
  • ટિશ્યૂને બને તેટલા ઝડપથી બદલી નાખો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.