આધાશીશી કેમ થાય છે અને તેની સારવાર માટે શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
આધાશીશી કે માથાનો દુ:ખાવો, આ એક સામાન્ય જણાતી શારીરિક સમસ્યા લાગે પણ તેની સામે અનેક લોકોને ઝઝૂમવું પડે છે.
આપણામાંથી ઘણા લોકોને આ પીડાનો અનુભવ થયો હશે.
ઘોંઘાટ હોય, વ્યસ્તતા હોય કે અન્ય કોઈ કારણસર ઘણી વાર આધાશીશીની આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ઘણા ઘરેલુ ઉપચારો પણ સૂચવવામાં આવે છે.
પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે આધાશીશી, માઇગ્રેન કે સામાન્ય ભાષામાં માથાનો દુ:ખાવો આખરે કેમ થાય છે?
તેનાં લક્ષણો શું છે? અને તેનાથી છુટકારો મેળવવા માટે કેવા અકસીર ઉપાય અજમાવી શકાય છે?
આધાશીશી થવાનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદના ન્યૂરોલૉજિસ્ટ પ્રો. ડૉ. સુધીર વી. શાહના કહ્યા અનુસાર, આધાશીશી આ કારણોથી થાય છે...
- ખોરાક અને જીવનશૈલીમાં થયેલો ફેરફાર
- ભૂખ્યા રહેવાથી કે શરીરમાં પાણી ઘટવાથી
- ઉજાગરો કરવાથી કે પછી માનસિક ટેન્શનથી
- વાતાવરણમાં ફેરફારથી કે અવાજ-ઘોંઘાટના કારણે
ડૉ. શાહ આગળ જણાવતાં કહે છે કે, "મહિનામાં આશરે એકથી છ વખત માઇગ્રેનનો દુખાવો થઈ શકે છે. દુ:ખાવો માથાની એક કે બંને બાજુ થતો હોય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આધાશીશીનાં લક્ષણો અંગે વાત કરતાં કહે છે કે, "માઇગ્રેનમાં દુખાવો સણકા સ્વરૂપે થાય છે. ઘણી વાર ઊબકા, ઊલટી આવે, આંખ સામે અંધારા આવી શકે અને પ્રકાશ સામે બહુ જોઈ ન શકાય, જેવાં લક્ષણો જોવા મળે છે."
આધાશીશી કોને થઈ શકે?
આધાશીશી બાળકો અને તરુણો સહિત વયસ્ક લોકોને પણ થઈ શકે છે.
પરંતુ આધાશીશી થવા પાછળ કેટલાક કારણો જવાબદાર છે.
- પારિવારિક લક્ષણો: જો તમારા પરિવારમાં કોઈને માઇગ્રેન હોય, તો તમને પણ થઈ શકે તેવી પૂરતી શક્યતા છે.
- ઉંમર: આધાશીશી કોઈપણ ઉંમરે થઈ શકે છે, જોકે તે સામાન્ય રીતે તરુણાવસ્થામાં પહેલી વાર જોવા મળે છે. 30ની ઉંમર વટાવ્યા પછી તેની તીવ્રતા ઘટતી જાય છે અને પછીના દાયકામાં તે ઓછું થતું જાય છે.
- જાતિ: પુરુષો કરતાં સ્ત્રીઓમાં આધાશીશીની સમસ્યા થવાની સંભાવના ત્રણ ગણી હોય છે.
- હૉર્મોનલ ફેરફારો: સામાન્ય રીતે મહિલાઓને આધાશીશીની સમસ્યા હોય છે ત્યારે માસિક આવવાના સમય પહેલાં માથાનો દુ:ખાવો થતો હોય છે.
આધાશીશીને નાથવાનો ઉપાય શું?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર આધાશીશીની સમસ્યા એટલી વ્યાપકપણે જોવા મળે છે કે વિશ્વમાં લગભગ અડધી પુખ્ત વસતીને એક વર્ષમાં એક વખત તો આ સમસ્યાનો સામનો કરવો જ પડે છે.
સમગ્ર વિશ્વમાં માથાના દુ:ખાવાની સમસ્યાને ઓછી આંકવામાં આવે છે, કંઈક આવું જ તેના ઉપચાર માટે પણ કહી શકાય.
વિશ્વ આરોગ્ય સંસ્થાની વેબસાઇટ પર માથાના દુખાવા જેવા કે આધાશીશીની સમસ્યાને લગતા ઉપચાર અંગે વિગતવાર માહિતી અપાઈ છે.
તે અનુસાર, આધાશીશીની સારવાર માટે નીચેની વસ્તુઓ જરૂરી છે...
- યોગ્ય સારવાર માટે પરવડે તેવી દવા અને લાઇફસ્ટાઇલમાં થોડો બદલાવ
- દર્દીઓને પણ તાલીમ આપવાની જરૂરિયાત
- માથાના દુ:ખાવાને દૂર કરવા માટે એનેલજેસિક્સ, ઍન્ટિ- ઇમેટિક્સ, ઍન્ટિ-માઇગ્રેન દવા અને પ્રોફિલૅક્ટિક મેડિકેશન વર્ગની દવા કારગર
આધાશીશીના ઉપચારો અંગે જણાવતાં પ્રો. ડૉ. સુધીર વી. શાહ જણાવે છે કે, "માઇગ્રેનની સમસ્યા દૂર કરવા આહારવિહારમાં નિયમિતતા, મનની શાંતિ, પૂરતો આરામ, કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખવું વગેરે જેવી સલાહો અનુસરવી જોઈએ. આ સિવાય યોગ્ય નિદાન બાદ ડૉક્ટરની સલાહનુસાર દવા લેવાથી પણ લાભ થઈ શકે છે."
આધાશીશીમાંથી છૂટકારો કેવી રીતે મેળવી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
સમગ્ર વિશ્વમાં ઘણા ઓછા લોકો આ સમસ્યાના ઇલાજને પ્રાધાન્ય આપે છે. મોટા ભાગના લોકો ડૉક્ટર પાસે જવાનું ટાળીને મેડિકલેથી દવા લેવાનું ઠરાવે છે.
વિશ્વસ્તરે આના માટે પ્રજામાં જાગૃતિનો અભાવ પણ જોવા મળે છે. લોકો આ પ્રકારની સમસ્યાને લઈને જાગૃત નથી તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ આને વધુ ગંભીર માનતા નથી કારણ કે તે ક્યારેક થનારી સમસ્યા છે. પરંતુ જીવનશૈલીમાં સામાન્ય ફેરફારો કરવાથી તેનાથી છૂટકારો મેળવી શકાય છે...
- શાંત વાતાવરણમાં રહો, વધુ પડતી લાઈટથી દૂર રહો
- પૂરતી ઊંઘ મેળવો
- નિયમિતપણે ખોરાક લો, અને ઉપવાસ ન કરો
- નિયમિત કસરત કરો
- સ્ટ્રેસનું નિયમન કરો, જીવનમાં સરળતા લાવો
- આધાશીશીને વધારે તેવો ખોરાક ન લો. ઉ.દા. વાસી ચીઝ, ચોકલેટ, દારૂ વગેરેથી ક્યારેક માથાના દુ:ખાવામાં વધારો થઈ શકે છે.
- ડૉક્ટરની સતત સલાહ લેતાં રહો
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












