શું સ્પંજ વડે વાસણ ધોવાં જોખમી છે? એની જગ્યાએ બીજા શેનો ઉપયોગ કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જેસ્મિન ફૉક્સ સ્કૅલી
- પદ, .
આપણે જે વાસણોમાં ખોરાક ખાઈએ છીએ તેને ધોવા માટે જે સ્પંજનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ સ્પંજ રસોડાના બૅક્ટેરિયાને વિકાસ માટે એક અનુકુળ વાતાવરણ પૂરું પાડે છે.
તો શું વાસણો ધોવા માટે સ્પંજને બદલે બ્રશનો ઉપયોગ કરવો જોઈએ?
વિપરીત સંજોગોમાં પણ કેવી રીતે ટકી રહેવું અને વિકસવું એ બૅક્ટેરિયાની ઘણી પ્રજાતિઓ જાણે છે. કેટલાક પૃથ્વીના પોપડાની નીચે ઊકળતા હાઇડ્રોથર્મલ વેન્ટ્સમાં ખીલે છે, જ્યારે કેટલાક ઠંડાં સ્થળોએ વિકસવાના રસ્તાઓ શોધે છે.

બૅક્ટેરિયાના વિકાસ માટે આદર્શ વસ્તુ છે સ્પંજ
પરંતુ જો કદાચ તેમને પૂછવામાં આવે કે તેઓ ક્યાં રહેવા માંગશે? તો તેમના માટે રસોડાના સ્પંજ શ્રેષ્ઠ જગ્યા હશે.
પ્લેટો અને કાચનાં વાસણો સાફ કરવા માટે સ્પંજનો ઉપયોગ એક સાધન તરીકે થાય છે. સ્પંજ બૅક્ટેરિયા માટે સ્વર્ગ સમાન છે. તેમાં બૅક્ટેરિયા માટે પૌષ્ટિક ખોરાકના ટુકડા રહી જતા હોય છે.
જર્મનીની ફર્ટવેંગેન યુનિવર્સિટીના માઇક્રૉબાયૉલૉજિસ્ટ માર્કસ એગરટ્સે રસોડાના સ્પંજમાં રહેલા બૅક્ટેરિયા અંગે નવો ડેટા પ્રકાશિત કર્યો છે. તેમણે સ્પંજમાં રહેતી બૅક્ટેરિયાની 362 પ્રજાતિઓ શોધી કાઢી છે.
કેટલીક જગ્યાએ બૅક્ટેરિયાની ઘનતા પ્રતિ ચોરસ સેન્ટિમીટરમાં 54 અબજ સુધી પણ પહોંચી ગઈ છે.
એગરટ્સે કહે છે, "આ એક ખૂબ મોટી સંખ્યા છે." સાથે જ ઉમેરે છે, "આ માનવમળમાં જોવા મળતી બૅક્ટેરિયાની સંખ્યા જેટલી જ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્પંજમાં ખૂબ છિદ્રો હોય છે. જે દરેક બૅક્ટેરિયા માટે રહેઠાણ પૂરું પાડે છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડ્યૂક યુનિવર્સિટીના કૃત્રિમ જીવવિજ્ઞાની લિંગચોંગ યુ અને તેમની ટીમે 2022 માં સ્પંજના જટિલ વાતાવરણનું મૉડલ બનાવવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કર્યો હતો.
તેમને જાણવા મળ્યું કે છિદ્રો અને પૉકેટ્સ ધરાવતાં સ્પંજ સુક્ષ્મ જીવોના વિકાસને પ્રોત્સાહન આપે છે. તેમની ટીમે સ્પંજમાં બૅક્ટેરિયાના વિવિધ પ્રકારો દ્વારા આ પરિણામોની નકલ કરી હતી.
એગરટ્સ કહે છે, "બૅક્ટેરિયાના વિકાસ માટે રસોડાના સ્પંજમાં રહેલાં છિદ્રોનું કદ ઘણું મહત્ત્વનું છે."
"કેટલાક બૅક્ટેરિયા એવા હોય છે જે આપમેળે જ વધે છે, જ્યારે અન્યને વધવા માટે યોગ્ય વાતાવરણની જરૂર હોય છે, પરંતુ સ્પંજની અંદર એવી રચનાઓ હોય છે જે બધા પ્રકારના બૅક્ટેરિયા માટે સાનુકૂળ છે."
દેખીતી રીતે જ સ્પંજ બૅક્ટેરિયા માટે એક સારું ઘર છે. જોકે, એ જરૂરી નથી કે આ વાસણો આપણા સ્વાસ્થ્ય માટે ખતરો ઊભો કરે.
બૅક્ટેરિયા દરેક જગ્યાએ હોય છે, પછી ભલે તે આપણી ત્વચા હોય કે આપણી આસપાસની માટી. બધા હાનિકારક નથી હોતા, જ્યારે કેટલાકની ભૂમિકા તો ઘણી મહત્ત્વપૂર્ણ હોય છે.
હવે પ્રશ્ન એ છે કે આપણે સ્પંજમાં રહેલાં બૅક્ટેરિયા વિશે ચિંતા કરવાની જરૂર છે કે નહીં?
2017ના તેમના અભ્યાસમાં એગરટ્સ બૅક્ટેરિયાની સામાન્ય પ્રજાતિઓના ડીએનએનું ક્રમાંકન કર્યું છે. જોકે, બૅક્ટેરિયાની દરેક પ્રજાતિને શોધી કાઢવી શક્ય નથી હોતું. આ અભ્યાસમાં બૅક્ટેરિયાની દસમાંથી પાંચ પ્રજાતિઓ એવી મળી આવી છે કે જે માણસોમાં ચેપ ફેલાવી શકે છે.

ગરમ પાણીનો ઉપયોગ કરવા જેવી અન્ય પદ્ધતિઓ કેટલાક બૅક્ટેરિયાને મારી શકે છે. પરંતુ કેટલાક બૅક્ટેરિયા આની સામે પણ ટકી શકે છે અને પોતાને વધુ સક્ષમ બનાવી શકે છે.
એગરટ્સના મતે, "અમારું માનવું છે કે સફાઈ માટે એક અલગ પસંદગીની પ્રક્રિયા હોઈ શકે છે. જ્યાં બચેલા કેટલાક બૅક્ટેરિયા મોટી સંખ્યામાં વધી શકે છે. બૅક્ટેરિયાની ઓળખ પછી સફાઈ કરવાની પદ્ધતિ પસંદ કરી શકાય છે."
એ જાણવું પણ મહત્ત્વપૂર્ણ છે કે એગરટ્સના રિપૉર્ટમાં જોવા મળતા બૅક્ટેરિયા ફૂડ પૉઇઝનિંગ કે અન્ય ગંભીર રોગનું કારણ નથી બનતા. ખોરાકજન્ય બીમારીઓના 90 ટકા માટે પાંચ જંતુઓ જવાબદાર હોય છે જેમાંથી ત્રણ બૅક્ટેરિયા હોય છે: કેમ્પાયલોબેક્ટર, સાલ્મોનેલા અને ઈ. કોલી. સ્પંજમાં આ ત્રણ બૅક્ટેરિયા જ્વલ્લે જ જોવા મળે છે.
એગરટ્સ કહે છે, "અમને એવા બૅક્ટેરિયા મળ્યા કે જે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, જેમ કે વૃદ્ધો અથવા બાળકો માટે હાનિકારક હોઈ શકે છે."
સાથે જ ઉમેરે છે, "સ્વસ્થ લોકો માટે સ્પંજમાં જોવા મળતા બૅક્ટેરિયા હાનિકારક નથી."
A&M યુનિવર્સિટીમાં ફૂડ સેફ્ટીના પ્રોફેસર જેનિફર કુનલાન અને તેમના સાથીઓએ ફિલાડેલ્ફિયાના 100 ઘરોમાંથી સ્પંજ એકત્રિત કર્યા. તેમાંથી માત્ર એક કે બે ટકામાં એવા બૅક્ટેરિયા જોવા મળ્યા જે માણસોમાં ફૂડ પૉઇઝનિંગનું કારણ બની શકે છે. જોકે, તેમાં બૅક્ટેરિયાનું પ્રમાણ પણ ખૂબ ઓછું હતું.
નૉર્વેની ફૂડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નોફિમા ખાતે વૈજ્ઞાનિક સોલ્વિગ લેંગ્સરુડ દ્વારા 2022માં પ્રકાશિત થયેલ એક અભ્યાસ પણ આ વાતને સમર્થન આપે છે. તેમના અભ્યાસમાં સ્પંજમાં એવા બૅક્ટેરિયા પણ મળ્યા જે હાનિકારક નથી.

બ્રશમાં સ્પંજ કરતાં બૅક્ટેરિયા ઘણાં ઓછાં હોય છે.
કુનલના મતે, "સ્પંજમાં રહેલા મોટા ભાગના બૅક્ટેરિયા હાનિકારક નથી હોતા."
"તેઓ ફક્ત એવી ગંધ પેદા કરે છે જે સમય જતાં તમને ગમશે નહીં."
"જો તમે વાસણોમાં ચોંટેલા કાચા માંસને સાફ કરવા માટે સ્પંજનો ઉપયોગ કરો છો, તો હાનિકારક બૅક્ટેરિયા સ્પોન્જમાં રહેવાનું જોખમ રહે છે."
સ્પંજમાં રહેલા બૅક્ટેરિયાના વધવાથી તમને કોઈ નુકસાન નથી. પરંતુ જો સાલ્મોનેલા બૅક્ટેરિયા તમારા સ્પંજ સુધી પહોંચી જાય તો તે હાનિકારક બૅક્ટેરિયાને વિકાસ માટે અનુકુળ બને છે.
આના પુરાવા પણ મળ્યા છે. લેંગ્સરુડના અભ્યાસમાં જાણવા મળ્યું કે જ્યારે સાલ્મોનેલા બૅક્ટેરિયા સ્પંજ સુધી પહોંચે છે ત્યારે તે વધતા જ જાય છે. જ્યારે બ્રશથી સાફ કર્યુ તો આ બૅક્ટેરિયા ખતમ થઈ ગયા.
આનું કારણ એ છે કે બ્રશમાં ભેજ હોતો નથી અને તે સાલ્મોનેલાને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે, પરંતુ સ્પંજમાં આમ નથી થતું.
આ હાનિકારક બૅક્ટેરિયા સ્પંજમાંથી તમારા વાસણો સુધી પહોંચી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images

તો શું આપણે સ્પંજને બદલતા રહેવું જોઈએ? આના જવાબમાં કુનલને કહ્યું કે તમારે અઠવાડિયામાં એકવાર તમારા સ્પંજને બદલી નાંખવાની આદત રાખવી જોઈએ.
કુનલન કહે છે, "તેને સાફ કરવાની બે સરળ રીતો છે."
"તમે સાંજે ઉપયોગ કર્યા પછી તેમને ડીશવૉશરમાં મૂકી શકો અથવા તો થોડી મિનિટો માટે તેને માઇક્રોવેવમાં મૂકી શકો છો. જેનાથી તેનો બધો ભેજ દૂર થશે અને મોટાભાગના હાનિકારક બૅક્ટેરિયાનો નાશ થશે."
અભ્યાસો દર્શાવે છે કે તેને ડીશવોશર અથવા માઇક્રોવેવમાં રાખવાથી બૅક્ટેરિયાની સંખ્યા ઓછી થાય છે.
પરંતુ એગરટ્સ આ અભ્યાસની તરફેણ કરતા નથી. તેઓ માને છે કે થોડા સમય પછી બૅક્ટેરિયા આનાથી બચવાનાં રસ્તા શોધી નવો સ્ટ્રેન વિકસાવી ટકી જ જશે.
ગરમ પાણીમાં સ્પંજને પલાળી રાખવાથી મોટાભાગના હાનિકારક બૅક્ટેરિયા મરી જાય છે. કેટલાક બૅક્ટેરિયા બાકી રહી જાય છે. પરંતુ આ પદ્ધતિનો ઉપયોગ કરીને હાનિકારક સાલ્મોનેલા બૅક્ટેરિયાને દૂર કરી શકાય છે.
બીજો રસ્તો એ હોઈ શકે છે કે તમે સ્પંજને સિંકની અંદર ન રાખો. સિંકની બહાર રાખવાથી સ્પંજ તેનો ભેજ ગુમાવશે અને બૅક્ટેરિયાને વિકસવા માટે અનુકુળ વાતાવરણ મળશે નહીં.
પરંતુ કેટલાક માને છે કે વાસણો સાફ કરવા માટે અન્ય સાધનોનો ઉપયોગ કરવો જોઈએ.
એગરટ્સ કહે છે, "હું ક્યારેય રસોડામાં સ્પંજનો ઉપયોગ નહીં કરું."
"તેનો ઉપયોગનો કોઈ અર્થ નથી. તે એક એવી વસ્તુ છે કે જે રસોડામાં ના હોવી જોઈએ. બ્રશનો ઉપયોગ વધુ સારો છે, કારણ કે તેમાં ઓછા બૅક્ટેરિયા હોય છે અને તેને સાફ કરવું પણ ખૂબ સરળ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















