જૈન ધર્મના લોકો મોત માટે ઉપવાસની આ રીતે કેમ પસંદ કરે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, જૈન ધર્મ, જૈન ધર્મની માન્યતાઓ, સંથારા, સંથારો

ઇમેજ સ્રોત, Pranay Modi

ઇમેજ કૅપ્શન, સંથારો ગ્રહણ કરીને મૃત્યુને વહાલું કરવાની પરંપરા જૈનોમાં જોવા મળે છે, જોકે તેનો કેટલાક લોકો વિરોધ પણ કરે છે
    • લેેખક, સ્વામીનાથન નટરાજન
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

સર્વાઇકલ કૅન્સરનું નિદાન થયાનાં ત્રણ સપ્તાહ બાદ 88 વર્ષીય સાયરદેવી મોદીએ સારવાર ન કરાવવાનો નિર્ધાર કરી લીધો. તેમણે આમરણ ઉપવાસનો માર્ગ અપનાવ્યો.

તેમના પૌત્ર પ્રણય મોદી આ ઘટના વાગોળતા કહે છે, "તેમનો બાયૉપ્સી રિપોર્ટ 25મી જૂને આવ્યો, જેમાં તેમનું કૅન્સર પ્રસરી રહ્યું હોવાનું જાણવા મળ્યું. 13મી જુલાઈ, 2024ના રોજ તેમણે પ્રાર્થના કરીને સૂપ પીધો. બીજા દિવસે તેમણે અમને બોલાવીને સંથારો લેવાની ઇચ્છા અમારી સમક્ષ પ્રગટ કરી."

સંથારો (જેને સંલેખના તરીકે પણ ઓળખવામાં આવે છે) એ જૈન ધર્મના કેટલાક અનુયાયીઓ દ્વારા અપનાવવામાં આવતી પ્રણાલી છે, જેમાં વ્યક્તિ અન્ન-જળનો ત્યાગ કરીને 'મૃત્યુને આમંત્રિત' કરે છે.

શ્રદ્ધા કે આસ્થાના પાલન માટે આ જરૂરી કે આવશ્યક નથી અને ભારતીય મીડીયામાં દર વર્ષે ઘણી ઓછી સંખ્યામાં - આશરે 200થી 500 જૈન અનુયાયીઓ આ માર્ગે મોતનો વિકલ્પ પસંદ કરે છે.

કેટલાક લોકો આ પ્રથાને 'આત્મહત્યા' ગણાવી તેનો વિરોધ કરે છે અને સંથારા પર પ્રતિબંધ લગાવવાની માગણી કરતી એક યાચિકા સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, જૈન ધર્મ, જૈન ધર્મની માન્યતાઓ, સંથારા, સંથારો

જૈન ધર્મ

અહિંસા ઓછામાં ઓછા 2,500 વર્ષ પુરાણા જૈન ધર્મના મૂળમાં વસેલી છે. જૈનો શુદ્ધ, શાશ્વત, વ્યક્તિગત અને સર્વજ્ઞ આત્મામાં વિશ્વાસ કરે છે.

મહદ્અંશે તમામ જૈન અનુયાયીઓ શાકાહારી હોય છે અને આ ધર્મમાં નૈતિક મૂલ્યો પર અને સાંસારિક સુખોનો ત્યાગ કરવા પર ભાર મૂકવામાં આવે છે.

ભારતમાં જૈનોની વસ્તી આશરે પચાસ લાખ જેટલી છે અને તેઓ મોટાભાગે સુશિક્ષિત હોય છે અને તે પૈકીના ઘણાં લોકો પ્રમાણમાં સમૃદ્ધ હોય છે. અમેરિકા સ્થિત પ્યૂ રિસર્ચ સેન્ટર અનુસાર, એક તૃત્યાંશ જૈન વયસ્કો યુનિવર્સિટીની ડિગ્રી ધરાવે છે, જેની તુલનામાં સામાન્ય ભારતીય વસ્તીમાં આ પ્રમાણ નવ ટકા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જૈન ગુરુઓને ભારતીય સમાજમાં ઘણું આદરભર્યું સ્થાન આપવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી વખત જૈન મુનીઓ પાસે આશીર્વાદ માગ્યા હતા અને આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના નિધનને દેશ માટે કદીયે ન પૂરાય તેવી ખોટ ગણાવી સોશ્યલ મીડીયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

જૈન સમાજ માટે આદરણીય એવા આ ગુરુએ 77 વર્ષની વયે ત્રણ દિવસના ઉપવાસ પછી અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કારમાં હજારો લોકોએ હાજરી આપી હતી.

જૈન અનુયાયીઓ એવી દલીલ કરે છે કે, સંથારા થકી જીવન પૂરું કરવાની આ પ્રક્રિયાની સરખામણી મર્સી કિલિંગ કે આત્મહત્યા સાથે ન કરવી જોઈએ.

યુનિવર્સિટી ઑફ કૉલોરાડો-ડેન્વર ખાતે જૈન ધર્મના નિષ્ણાત અને આસિસ્ટન્ટ પ્રોફેસર સ્ટિવન એમ. વૉઝે બીબીસીને જણાવ્યા પ્રમાણે, "સંલેખના કે સંથારો આસિસ્ટેડ સ્યૂસાઈડથી કે આત્મહત્યાથી જુદો હોય છે, કારણ કે, તેમાં કોઈ ફિઝિશિયનની મદદ નથી લેવાતી કે તેમાં ઘાતક હોય તેવી ચીજનું સેવન કે ઇંજેક્શન નથી આપવામાં આવતું."

પ્રોફેસર વૉઝ જેને "શરીરનો ત્યાગ" કરવો કે "શરીરને સૂકાવા દેવું" ગણાવે છે, તે સંથારાની પ્રથાનો ઐતિહાસિક પુરાવો છઠ્ઠી સદીમાં જોવા મળે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, જૈન ધર્મ, જૈન ધર્મની માન્યતાઓ, સંથારા, સંથારો

કર્મ, આત્મા, પુનર્જન્મ અને મોક્ષમાં વિશ્વાસ એ સંધારાનાં ચાવીરૂપ તત્વો છે.

સાયરદેવી જેવાં કેટલાંક જૈન અનુયાયીઓને જ્યારે મૃત્યુ નજીક હોવાનો અણસાર આવી જાય અથવા તો અસાધ્ય બિમારીનું નિદાન થાય, ત્યારે તેઓ આ પ્રકારે જીવન પૂરું કરવાનો માર્ગ અપનાવતાં હોય છે.

ઉપવાસ દરમિયાન લેવાયેલા વીડિયોમાં સાયરદેવીને સફેદ સાડીમાં સજ્જ અને મોંને ચોરસ કપડાથી ઢાંકતાં જોઈ શકાય છે.

પ્રણય મોદી યાદ કરે છે, "તેઓ શાંત હતાં, ભાનમાં હતાં અને છેલ્લા સમય સુધી વાત કરતાં હતાં."

મોદી જણાવે છે કે, તેમનાં દાદીના અંતિમ ઉપવાસ દરમિયાન મધ્ય ભારતના કબીરધામમાં આવેલા તેમના વતનના ઘરમાં ઉત્સવ જેવો માહોલ હતો અને ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

"તે મૃત્યુનું સ્થળ લાગતું નહોતું. પરિવારજનો, સંબંધીઓ, મિત્રો, આડોશી-પાડોશીઓ અને અજાણ્યા લોકો સુદ્ધાં આવીને તેમનાં આશીર્વાદ મેળવતા હતા. છેલ્લા દિવસમાં પણ સાયરદેવીમાં 48 મિનિટ સુધી જૈન ધર્મની પ્રાર્થના કરવાની શક્તિ હતી. મને વિશ્વાસ છે કે, દવાઓ બંધ કરી દીધા પછી તેમને ઘણી પીડા થઈ હશે, પણ તેમણે કોઈ વસ્તુની ફરિયાદ કરી નહોતી. તેમના ચહેરા પર શાંતિ અને ઓજસ પથરાયેલાં હતાં," એમ મોદીએ જણાવ્યું હતું.

સાયરદેવીનાં સંતાનો, પૌત્ર-પૌત્રીઓ અને પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ તેમનાં જીવનની પૂર્ણાહૂતિનાં સાક્ષી બન્યાં.

તેઓ આગળ કહે છે, "તેમને આ રીતે મૃત્યુ પામતાં જોવા, મારા માટે ઘણું મુશ્કેલ હતું, પણ હું જાણતો હતો કે, તેઓ બહેતર જગ્યાએ જઈ રહ્યાં છે. તેમના નિર્ણયનો અમે આદર કરીએ છીએ."

બીબીસી ગુજરાતી, ગુજરાત, જૈન ધર્મ, જૈન ધર્મની માન્યતાઓ, સંથારા, સંથારો

સંથારાનો અંત હંમેશા શાંતિપૂર્ણ ન પણ હોઈ શકે.

પ્રોફેસર મિકી ચેઝે આ વિષય પર તેમનો પીએચડી શોધ-નિબંધ કર્યો છે, એટલું જ નહીં, ડઝનબંધ સંથારાના તેઓ સાક્ષી બન્યા છે.

યુનિવર્સિટી ઑફ વિસ્કોન્સિન-મેડિસન ખાતે જૈન સ્ટડીઝના શ્રી અનંતનાથ અધ્યક્ષ તથા આસિસ્ટન્ટ પ્રોફેસર ચેઝ કહે છે, "એક વ્યક્તિને કૅન્સરનું નિદાન થતાં તેણે સંથારો ગ્રહણ કર્યો અને તે ઘણી યાતના ભોગવી રહી હતી. આ સ્થિતિમાં તેનો પરિવાર સંથારાના તેના નિર્ણય બદલ ગૌરવ અનુભવી રહ્યો હોવા છતાં તે વ્યક્તિને પીડા સહન કરતી જોઈને તેઓ પણ દુઃખ અનુભવતા હતા."

અન્ય એક કિસ્સામાં ચેઝે જોયું કે, કૅન્સરગ્રસ્ત એક મહિલા ઉપવાસ પર ઊતર્યા બાદ ઘણી શાંત થઈ ગઈ હતી.

"તેમની પુત્રવધૂએ મને જણાવ્યું હતું કે, તેમનું માનવું હતું કે, પરિવાર તરીકે તે મહિલાને તેનો સંકલ્પ દ્રઢ રાખવા માટે પ્રોત્સાહન પૂરું પાડવું, એ તેમની જવાબદારી છે. આથી, તેઓ તેની સમક્ષ ભજન-કીર્તનનું ગાન કરતાં હતાં."

પ્રોફેસર વૉઝનું માનવું છે કે, અમુક હદ સુધી સંઘર્ષ અનિવાર્ય છે.

તેઓ કહે છે, "કોઈને ભૂખમરો વેઠતાં જોવું કદી સુખદ ન હોઈ શકે અને અંતિમ ક્ષણો ભારે પીડાદાયક હોઈ શકે છે. શરીર સ્વયંનું રક્ષણ કરવા માટે સંઘર્ષ કરે છે અને અંતમાં વ્યક્તિ ભોજન કે પાણીની માગણી કરે, એવું પણ બને અને તેની એ માગણી કદાચ પૂરી કરવામાં ન આવે, પણ સામાન્યપણે તેને અંતનો ભાગ માનવામાં આવે છે."

આ પ્રકારે જીવનનો અંત આણનારા દિગંબર (નગ્નાવસ્થામાં ફરતા) સાધુઓની સોશ્યલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં તેમના ગાલ બેસી ગયેલા અને પાંસળી બહાર નીકળેલી જોવા મળે છે - જે ભૂખ અને નિર્જળીકરણ (ડિહાઈડ્રેશન)નો સંકેત આપે છે.

સંથારાનો માર્ગ અપનાવનારા જૈન અનુયાયીઓમાં મહિલાઓની સંખ્યા વધુ હોવાનું મનાય છે.

પ્રોફેસર વૉઝનું માનવું છે કે, આમ થવાનું કારણ એ છે કે, મહિલાઓને મોટાભાગે પવિત્ર માનવામાં આવે છે અને પુરુષો કરતાં તેઓ લાંબુ આયુષ્ય ભોગવે છે.

પ્રોફેસર ચેઝ કહે છે કે, જૈન સંપ્રદાય સંથારાને "એક અદ્ભૂત આધ્યાત્મિક સિદ્ધિ" તરીકે જુએ છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, જૈન ધર્મ, જૈન ધર્મની માન્યતાઓ, સંથારા, સંથારો

શ્રી પ્રકાશચંદ મહારાજજી (જન્મ 1929)ની ગણના શ્વેતાંબર સંપ્રદાયના સૌથી વરિષ્ઠ જૈન ભિક્ષુઓમાં થાય છે. તેમણે 1945માં દિક્ષા લીધી હતી. તેમના પિતા અને નાના ભાઈ પણ ભિક્ષુ હતા અને તેમણે સંથારો લીધો હતો.

તેઓ કહે છે, "મારા પિતા અને ભાઈને જોઈને હું નિરાશ થયો નહોતો. મને સંપૂણર્પણે અલગાવનો અનુભવ થતો હતો. મને અનાથ હોવાની કે જીવનમાં ખાલીપો આવી જવાની અનુભૂતિ થઈ નહોતી."

95 વર્ષના મહારાજ ઉત્તર ભારતના ગોહના શહેરના એક જૈન મંદિરમાં રહે છે. તેઓ ફોન કે લૅપટૉપ વાપરતા નથી. તેમના અનુયાયી આશિષ જૈન મારફત તેમણે બીબીસી સાથે વાત કરી હતી.

તેમણે બીબીસીને જણાવ્યું હતું, "આ જીવનના આદર્શ અંત તથા આગામી જીવનનો આદર્શ આરંભ મારા દાર્શનિક, આધ્યાત્મિક અને ધાર્મિક સિદ્ધાંતો પર આધારિત છે."

જૈન સાધુ આગળ જણાવે છે કે, સંથારામાં ઘણાં ચરણનો સમાવેશ થાય છે અને તે અચાનક કે અવિચારી પગલું ન હોઈ શકે. તે માટે પરિવારની સંમતિ અને મહારાજજી જેવા આધ્યાત્મિક ગુરુઓનું માર્ગદર્શન લેવું જરૂરી હોય છે.

સંથારાનું પ્રથમ ચરણ સ્વયંના તમામ પાછલાં પાપ અને ખોટાં કાર્યો પર વિચાર કરવાનું અને તેનો સ્વીકાર કરવાનું છે. તે પછી વ્યક્તિએ ક્ષમા માગવાની હોય છે.

મહારાજજી કહે છે, "ઉપવાસ તથા મૃત્યુને સ્વીકારવાથી શરીર તથા આત્માને શુદ્ધ કરવામાં અને ખરાબ કર્મો ઓછાં કરવામાં મદદ મળી રહે છે, જેનાથી આગામી જન્મમાં બહેતર આધ્યાત્મિક જીવન પ્રાપ્ત થાય છે."

"તેનું પરિણામ આખરે એ આવે છે કે, આત્મા જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, જૈન ધર્મ, જૈન ધર્મની માન્યતાઓ, સંથારા, સંથારો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જૈનો ઇસવીસન પૂર્વ છઠ્ઠી સદીના શિક્ષક, મહાવીરને આધુનિક ધર્મના સ્થાપક માને છે
બીબીસી ગુજરાતી, ગુજરાત, જૈન ધર્મ, જૈન ધર્મની માન્યતાઓ, સંથારા, સંથારો

2015માં ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્ય રાજસ્થાનની હાઇકોર્ટે આ પ્રથા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો, પરંતુ પછીથી સર્વોચ્ચ અદાલતે આ પ્રતિબંધ પર સ્ટે લગાવી દીધો હતો.

સંથારાની પ્રથાને જાળવી રાખવાની માગણી કરનારા અરજીકર્તાઓમાં ભૂતપૂર્વ સરકારી અધિકારી ડી. આર. મહેતાનો સમાવેશ થાય છે.

ભારતની કેન્દ્રીય બૅન્કના ડેપ્યુટી હેડ તથા સ્ટૉક માર્કેટ નિયમનકારી સંસ્થાના અધ્યક્ષ જેવા મહત્ત્વના હોદ્દાઓ સંભાળી ચૂકેલા મહેતા જણાવે છે, "જૈન અનુયાયીઓ સંથારાને મૃત્યુનું સર્વશ્રેષ્ઠ સ્વરૂપ માને છે. તે મૃત્યુનો સચેત, શાંતિપૂર્ણ અને ગરિમાપૂર્ણ રીતે કરવામાં આવતો સ્વીકાર છે. આધ્યાત્મિક શુદ્ધિ અને શાશ્વત શાંતિ જ તેનો મુખ્ય ઉદ્દેશ છે."

2016માં હૈદરાબાદની એક 13 વર્ષની કિશોરીનાં મૃત્યુ બાદ આ પ્રથા સામે ફરી વિરોધ શરૂ થયો. 68 દિવસોના ઉપવાસ બાદ તેનું મોત નીપજ્યું, પરંતુ તાજેતરનાં વર્ષોમાં સંથારો ગ્રહણ કરનારા તમામ લોકો પાકટ વયના જ રહ્યા છે.

મહારાજજીએ 2016માં સંલેખનાની પ્રક્રિયા શરૂ કરી, જે સંથારા પહેલાની પ્રક્રિયા છે. શરૂઆતમાં તેણે તેમનો આહાર દસ ચીજો પૂરતો નિયંત્રિત કરી દીધો અને હવે તેઓ માત્ર બે ખાદ્ય ચીજો પર જીવિત છે. જોકે, હજુયે તેઓ સક્રિય છે.

તેમના શિષ્ય આશિષ જૈન કહે છે, "તેઓ કદી બિમાર કે કમજોર જણાતા નથી, હંમેશા ખુશ રહે છે. મહારાજજી વધુ બોલતા નથી."

મહારાજજીનું માનવું છે કે, તેમની મિતવ્યયી જીવનશૈલીને કારણે તેમને આધ્યાત્મિક પ્રગતિ સાધવામાં સહાય મળી છે.

"મારો અંતરાત્મા અને મન અત્યંત પ્રસન્ન છે. હું આનંદિત અવસ્થામાં છું."

બીબીસી ગુજરાતી, ગુજરાત, જૈન ધર્મ, જૈન ધર્મની માન્યતાઓ, સંથારા, સંથારો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.