ગિરનાર પર લીલી પરિક્રમાની શરૂઆત કેવી રીતે થઈ અને કોણે કરાવી હતી?

ગિરનાર પર્વતની તસવીર

ઇમેજ સ્રોત, Gujarat Tourism

ઇમેજ કૅપ્શન, ગિરનાર પર્વતની તસવીર
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

દરવર્ષે શ્રદ્ધાળુઓ કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનારના પર્વતની પરિક્રમા હાથ ધરે છે, જેને 'લીલી પરિક્રમા' તરીકે પણ ઓળખવામાં આવે છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત, દીવ, દમણ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત દેશભરમાંથી 'લાખોની સંખ્યા'માં શ્રદ્ધાળુઓ એકઠા થાય છે.

સામાન્ય પદયાત્રીઓએ પરિક્રમા શરૂ કરતા પહેલાં કેટલીક બાબતો ધ્યાને લેવી જોઈએ, તો વૃદ્ધો અને મેડિકલ હિસ્ટ્રી ધરાવારાઓને વિશેષ કાળજી લેવાની ભલામણ કરવામાં આવે છે, જેની મદદથી તેઓ આ યાત્રા સુપેરે પાર પાડી શકે છે.

લીલી પરિક્રમા ક્યારે શરૂ થઈ અને કોણે શરૂ કરાવી એ અંગે પૌરાણિક સંદર્ભો મળે છે, પરંતુ તેનો ઇતિહાસ અર્વાચીન છે. આ સિવાય મધ્યકાલીન ઉલ્લેખ પણ મળે છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

લીલી પરિક્રમા અને લીલીઝંડી

જૂનાગઢમાં ગિરનાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગિરનારને દેવતુલ્ય માનીને તેની પરિક્રમા થતી હોવાથી ઘણાં લોકો પરિક્રમા પહેલાં અને પછી ગિરનાર ચઢતા નથી (ફાઇલ તસવીર )

હિંદુધર્મમાં પરિક્રમાનું મહત્ત્વ રહેલું છે, જેમાં શ્રદ્ધાના કેન્દ્રરૂપ પ્રતિમા, સ્થાન કે મંદિરને કેન્દ્રમાં રાખીને તે જમણી બાજુ રહે તે મુજબ ફરતે પ્રદક્ષિણા કરવામાં આવે છે. આવી જ રીતે લીલી પરિક્રમાના કેન્દ્રમાં ગિરનારનો પર્વત હોય છે, જે હિમાલય કરતાં પણ જૂનો છે.

લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી શરૂ થાય છે. જેને દેવઊઠી અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુઓની માન્યતા છે કે આ દિવસે દેવતાઓ લાંબી ઊંઘમાંથી જાગે છે.

વીડિયો કૅપ્શન, Junagadh : લીલી પરિક્રમાની શરૂઆત કોણે અને કેમ કરી હતી?

તિથિ મુજબ આ દિવસે મધ્યરાત્રિએ લીલી પરિક્રમાની શરૂઆત કરાવવામાં આવે છે. હોદ્દાની રૂએ જિલ્લા કલેક્ટર તથ સંત સમાજના અગ્રણીઓ શ્રીફળ વધેરીને યાત્રાની સફળતા માટે કામના કરે છે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત પોલીસના જવાનો દ્વારા હવામાં ગોળીબાર કરીને સન્માન પ્રગટ કરવામાં આવે છે.

જોકે, દરવર્ષની જેમ આ સાલ પણ યાત્રાને વહેલી શરૂ કરાવી દેવામાં આવી હતી, જેથી કરીને ભીડને નિવારી શકાય.

ચાલુ (2024) વર્ષે યાત્રા દરમિયાન ભીડ થતી નિવારવા 42 કલાકે અગાઉથી રૂટને ખોલી નખાયો હતો અને શ્રદ્ધાળુઓને ઇટવા ઘોડીથી મઢી તરફથી આગળ વધવાની છૂટ આપવામાં આવી હતી.

શ્રદ્ધાળુઓના ધસારાને આધારે તેને નિર્ધારિત સમયમર્યાદા પછી પણ ચાલુ રાખવામાં આવે છે. કેટલાક લોકો શરૂ કરવાની સાથે જ અવિરત ચાલીને પૂર્ણ કરે છે.

સૌરાષ્ટ્રવિસ્તારમાં ચોમાસું અને દીવાળીનો તહેવાર પૂરો થયા પછીનો આ સૌથી પહેલો અને મોટો ધાર્મિક-સાંસ્કૃતિક મેળાવડો હોય છે. ચોમાસા દરમિયાન વરસાદને કારણે ગિરનાર તથા પરિક્રમાના માર્ગ ઉપર હરિયાળી છવાયેલી હોય છે એટલે તેને 'લીલી પરિક્રમ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

36 કિલોમીટર લાંબી પરિક્રમા ઔપચારિક રીતે ભવનાથની તળેટીથી શરૂ થાય છે. પદયાત્રી દૈનિક સરેરાશ આઠ કિલોમીટર જેટલી યાત્રા કરે છે. ગિરનારને દેવતુલ્ય ગણીને તેની પૂજા થતી હોવાથી ઘણાં શ્રદ્ધાળુઓ પરિક્રમા પહેલાં અને પછી ગિરનાર ચઢતા નથી.

વીડિયો કૅપ્શન, જંગલનો રાજા સિંહ ગુજરાતના દરિયાકાંઠે કેવી રીતે અને શા માટે પહોંચી ગયો?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ દરમિયાન સાગના વૃક્ષ, વાંસના ઝાડ, પાણીનાં ઝરણાં અને નાળાંનાં રમણીય દૃશ્યો શ્રદ્ધાળુઓને જોવા મળે છે. યાત્રા દરમિયાન સાડા ત્રણસોથી માંડીને લગભગ 950 મીટર સુધીની ઊંચાઈના ચઢાણ આવે છે, જેને 'ઘોડી' તરીકે ઓળખવામાં આવે છે.

યાત્રિકો ભવનાથની તળેટી, ઝીણાબાવાની મઢી, સૂરજકૂંડની જગ્યા, સરખડિયા હનુમાનની જગ્યા, માળવેલા તથા બોરદેવી ખાતે રાતવાસો થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.

યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ 'જય ગિરનારી' , 'અલખ નિરંજન' , 'જય ગિરનારી, ખબર લે હમારી' જેવા નારા લગાવે છે. અગાઉ લોકોએ ભોજન માટે સિદ્ધુ સાથે લઈને પરિક્રમા કરવી પડતી, પરંતુ હવે માર્ગમાં અલગ-અલગ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ તથા નાગરિકોના સ્વયંભૂ સદાવ્રત ચાલે છે.

ભજનમંડળીઓ, ભવાઈ, ડાયરા, ધૂન વગેરે જેવા કાર્યક્રમો ચાલતા હોય છે. જે ભોજનની સાથે ભક્તિ અને ભજનનું પરિમાણ ઉમેરે છે.

કોરોનાકાળ દરમિયાન, બીજા વિશ્વયુદ્ધ સમયે પરિક્રમાને અટકાવી દેવામાં આવી હતી અથવા તો સાંકેતિક પરિક્રમા કરવામાં આવી હતી.

આઝાદી સમયે જૂનાગઢના નવાબ ભારતમાં જોડાયા ન હતા અને અંધાધૂંધી પ્રવર્તમાન હતી, ત્યારે પણ પરિક્રમા ચાલુ રહી હોવાનું ઇતિહાસકાર હરીશ રાવત જણાવે છે.

હિંદુઓમાં નર્મદાની પરિક્રમા, વ્રજની પરિક્રમા, પુષ્કરની પરિક્રમા, ઓમકારનાથની નાની-મોટી પરિક્રમા, નૈમિષારણ્યની 84 ગાંવ પરિક્રમા, વારાણસીની પંચકોશી પરિક્રમા તથા રામેશ્વરની પંચકોશીય પરિક્રમા જેવી અન્ય કેટલીક પરિક્રમા પણ થાય છે.

પરિક્રમાનો પ્રારંભ

લીલી પરિક્રમા, જૂનાગઢ, ગિરનાર, ભવનાથ તળેટી,

ઇમેજ સ્રોત, X/collectorjunag

ઇમેજ કૅપ્શન, પરિક્રમા દરમિયાનના મહત્ત્વપૂર્ણ ફોન નંબર

ગુજરાતના મેળા અંગે તીર્થસ્થળો અંગે વર્ષ 1961માં આર.કે. ત્રિવેદીએ સૅન્સસ ઑફ ગુજરાત 1961, વૉલ્યુમ, 5, ગુજરાત, VII – B ખંડ સંપાદિત કર્યો છે. જેમાં તેમણે લીલી પરિક્રમા (પેજ નંબર 216થી 221) અંગે ઉલ્લેખ કર્યો છે.

તેઓ લખે છે કે નાથ સંપ્રદાયના જલંધરનાથજીએ મધ્યકાલીન યુગમાં પોતના સંપ્રદાયના સાધુઓની સાથે ગિરનારની ગોદમાં નાથ સંપ્રદાયના સાધુઓના સ્થાનોની પરિક્રમા કરી હતી.

જલંધરનાથ નાથ સંપ્રદાયના ગુરૂ હતા અને તેઓ 13મી સદી આસપાસ થઈ ગયા હતા. પંજાબ અને હરિયાણામાં તેમના મંદિરો તથા અનુયાયીઓ જોવા મળે છે.

જૂનાગઢસ્થિત ઇતિહાસના પ્રાધ્યાપક ડૉ. પ્રદ્યુમન ખાચરે 'જૂનાગઢનો ઇતિહાસ' નામથી પુસ્તક લખ્યું છે. જેમાં તેમણે એક પ્રકરણ લીલી પરિક્રમા (પૃષ્ઠ 205-212) વિશે લખ્યું છે. તેઓ લખે છે :

'પુરાણોમાં ગિરનારની પ્રદક્ષિણાનું માહત્મય વાચવા મળે છે, પરંતુ પરિક્રમા ક્યારે શરૂ થઈ અને કોણે શરૂ કરાવી તેના કોઈ પ્રાચીન ઉલ્લેખ મળતા નથી. અંગ્રેજ સૈન્ય અધિકારી કર્નલ ટોડ (વર્ષ 1822) તથા જેમ્સે (1869) ગિરનારની મુલાકાત લીધી હતી, પરંતુ તેમના વિવરણોમાં નિયમિત લીલી પરિક્રમાનો ઉલ્લેખ નથી મળતો.'

'પહેલાના સમયમાં એકલદોકલ સંઘ પરિક્રમા કરતા હશે, પરંતુ મુસ્લિમકાળ દરમિયાન તેમાં અડચણો આવી હશે અને બંધ થઈ હશે.'

ડૉ. ખાચરના મતે છેલ્લાં લગભગ દોઢસો વર્ષથી જ વર્તમાન સ્વરૂપે પરિક્રમા થઈ રહી છે, જેના માટે ત્રણ લોકોએ મોટી ભૂમિકા ભજવી હતી.

કોણે શરૂ કરાવી યાત્રા

લીલી પરિક્રમા, જૂનાગઢ, ગિરનાર, ભવનાથ તળેટી,

ઇમેજ સ્રોત, X/collectorjunag

ઇમેજ કૅપ્શન, દેવઉઠી અગિયારસની મધ્યરાત્રિએ જૂનાગઢના કલેક્ટર તથા સાધુ-સંતો નાળિયેર ફોડીને યાત્રા શરૂ કરાવે છે

ડૉ. ખાચર તેમના ઉપરોક્ત પુસ્તકમાં લખે છે કે તાજેતરના ઇતિહાસમાં ગિરનારની વ્યવસ્થિત અને શાસ્ત્રોક્ત વિધિથી પરિક્રમા કરવાનો વિચાર જૂનાગઢના તત્કાલીન દીવાન અનંતજી અમરચંદ વસાવડાને (સંવત 1920માં) આવ્યો હતો.

તેમણે લગભગ એક હજાર 900 લોકોના કાફલા સાથે પરિક્રમા કરી હતી. જેમાં જૂનાગઢના અગ્રણીઓ, સેવકો, ભવાઈ અને ભજનમંડળીઓ તથા સુરક્ષા માટે સંરક્ષકો જોડાયા હતા.

એ પછી મેંદરડા તાલુકાના લેઉઆ પટેલ સમાજના ભક્ત અજાભાઈ દેવજીભાઈ ડોબરિયાએ દેવઊઠી અગિરાયસના સંઘ કાઢ્યો હતો, જેમાં બહુ થોડા લોકો જોડાયા હતા.

ભક્ત અજાભાઈએ કારતક સુદ અગિયારસના દિવસે (ઈ.સ. 1882) શા માટે સંઘ કાઢ્યો, તેના વિશેની વાયકા ડૉ. ખાચર ટાંકે છે, જે મુજબ તેઓ ભાદરવી અમાસના દિવસે દામોદરકુંડમાં સ્નાન કરવા માટે ગયા હતા.

એ સમયે ફરાળી બાવાજીના આશ્રમે તેમણે હસ્તલિખિત પુસ્તક જોયું હતું, જેમાં પરિક્રમા અને તેની તિથિ તથા માસનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. એટલે તેમને એ પરંપરાને પુનઃજાગૃત કરવાની ઇચ્છા થઈ હતી.

આ સિવાય ડૉ. ખાચર તેમના પુસ્તકમાં વંથલીના કાનજીભાઈ જાદવજીભાઈ વકીલની ફાગણ માસની (ઈ.સ. 1904) પરિક્રમાનો પણ ઉલ્લેખ કરે છે.

આ સિવાય અલગ-અલગ સંઘો દ્વારા ધાર્મિક હેતુસર તથા સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા સફાઈના હેતુસર પરિક્રમા કરવામાં આવે છે.

પરિક્રમામાં જનારાઓ માટે કેવાં સૂચનો આપવમાં આવે છે?

લીલી પરિક્રમા, જૂનાગઢ, ગિરનાર, ભવનાથ તળેટી,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચોમાસા પછી ગિરનાર તથા પરિક્રમાના રૂટમાં હરિયાળી છવાઈ જતી હોવાથી તે લીલી પરિક્રમા તરીકે પણ ઓળખાય છે (ફાઇલ તસવીર)

વહીવટીતંત્ર ગિરનારની પરિક્રમા કરવા માગતા લોકોને કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની સલાહ આપે છે. જે વનવિભાગ, જિલ્લા વહીવટીતંત્ર તથા અનુભવીઓ દ્વારા આપવામાં આવેલા મહત્ત્વપૂર્ણ સૂચનો મુજબ :

  • જંગલવિસ્તારમાં ઠંડીથી રાહત મેળવવા માટે તાપણાં ન કરવા કે આગ ન લગાડવી
  • પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ, વિશેષ કરીને સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો
  • રાત્રિ સમયે સુગમતા માટે બૅટરીવાળી ટૉર્ચ સાથે રાખવી
  • ખરાબ પાણી કે નાળા વગેરે જળસ્રોતોનું પાણી ન પીતા ક્લૉરિનાઇઝ કરેલું પાણી જ પીવું
  • જંગલના ઝાડ-પાન તોડવા નહીં તથા વન્યપ્રાણીઓ દેખાં દે તો તેમને છંછેડવા નહીં
  • સિઝન પ્રકારના પહેરવા-ઓઢવાના કપડાં સાથે લેવાં
  • ફર્સ્ટઍઇડ કિટ સાથે રાખવી
  • છૂટાછવાયા રાતવાસો ન કરતાં નિર્ધારિત સ્થળોએ જ રાત્રિ મુકામ કરવો
  • મચ્છરની દવા લગાડીને સૂવું
  • વનવિભાગ તથા વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત રસ્તા ઉપર જ ચાલવું
  • ઍટેચીલ, સૂટકેસ ટ્રૉલી બૅગ સાથે મુસાફરી કરવી અગવડ ભરેલી હોય, સૉલ્ડરબૅગ કે ખભ્ભા પર લઈ શકાય તેવા થેલી-થેલામાં સામાન લેવો
  • જંગલીજીવોના હુમલાની આશંકાએ પદયાત્રીઓએ એકલ -દોકલ નહીં, પરંતુ સમૂહમાં જ પરિક્રમા કરવી

વૃદ્ધો અને મેડિકલ હિસ્ટ્રીવાળા માટે સૂચના

હૃદયરોગ, હાર્ટ ઍટેક, સર્જરી, ભવનાથ તળેટી લીલી પરિક્રમા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ સિવાય જૂનાગઢની જીએમઈઆરએસ જનરલ હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટ લાંબા અને ચઢાણવાળા રૂટ પર મેડિકલ હિસ્ટ્રી સાથે પદયાત્રા કરનારાઓને કેટલીક બાબતો માટે ધ્યાન રાખવાની ભલામણ કરે છે, જે મુજબ :

  • બીપી, ડાયાબિટીસ અને હૃદયરોગની તકલીફ હોય, હૃદયરોગ માટે સર્જરી કરાવી હોય, તેમણે વિશેષ કાળજી રાખવી. તેમણે નિયમિત લેવાની તથા જરૂરિયાત મુજબની દવાઓ સાથે રાખવી અને લેવી.
  • ચાલતી વખતે છાતીમાં દુખાવો, બેચેની લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા જેવા કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક ચાલવાનું બંધ કરીને આરામ કરવો
  • તંત્ર દ્વારા પરિક્રમાના રૂટ ઉપર હંગામી દવાખાના ઊભા કરવામાં આવે છે, જેનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ.
  • મેડિકલ હિસ્ટ્રી ધરાવતા શ્રદ્ધાળુઓએ એકસાથે નહીં, પણ થોડું-થોડું ચાલવું
  • દિવસ દરમિયાન ગરમી અનુભવાતી હોય ઓઆરએસના પૅકેટ સાથે રાખી શકાય અને તેનું પાણી પીવું.
લીલી પરિક્રમા, જૂનાગઢ, ગિરનાર, ભવનાથ તળેટી,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સિંગલ યૂઝ પ્લાસ્ટિક એ ગિરનારની પરિક્રમા દરમિયાનની મોટી સમસ્યા (પ્રતીકાત્મક તસવીર)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.