ગિરનાર પર્વત નજીક જ્યાં દરિયો હતો ત્યાં પર્વત કેવી રીતે બની ગયો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
જૂનાગઢથી લગભગ સાત કિલોમીટર (ગૂગલ મૅપ્સ પ્રમાણે) દૂર આવેલો ગિરનાર પર્વત, એ વાસ્તવમાં ગુજરાતની ગિરિમાળાનો સમૂહ છે.
ગિરનારનો પર્વત એ હિંદુઓ માટે પવિત્ર ધાર્મિકસ્થાન છે તો જૈનોનાં પાંચ મહત્ત્વપૂર્ણ તીર્થધામોમાંથી એક અહીં આવેલું છે.
કેટલીક માન્યતાઓ આ સ્થળને પુરાણો તથા મહાભારતમાં વર્ણિત શ્રીકૃષ્ણની દ્વારકાનગરી ડૂબવા તથા જળથળ થઈ જવાની હોનારત સાથે પણ જોડે છે. જોકે, મહાભારતથી પણ હજારો લાખો વર્ષ પહેલાં એવું શું થયું હતું કે જેના કારણે ગિરનારનો પહાડ અસ્તિત્વમાં આવ્યો? ગિરનાર દેશની સુરક્ષા કરતા હિમાલયના પહાડ કરતાં પણ 'સિનિયર' છે.
એક સદીથી વધુ સમયના અભ્યાસ દરમિયાન (1880 આસપાસથી શરૂ છે એટલે) વિજ્ઞાનીઓ ગિરનારનો પહાડ અને તેની આસપાસના ડુંગરા કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા અને તેની ઉંમર વૈજ્ઞાનિકઢબે અંદાજવામાં સફળ રહ્યા છે.

ગિરનારની ઉંમર કેટલી છે?

ઇમેજ સ્રોત, https://junagadh.nic.in/
ગિરનારને સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશની દક્ષિણની ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે, જે માંગરોળથી થઈને ગિરનાર સુધી ફેલાયેલી છે. ‘યુનિવર્સિટી ગ્રથનિર્માણ બોર્ડ’ના પુસ્તક ‘ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ’માં ડૉ. મંજુલાબહેન દવે-લેન્ગ લખે છે કે ગિરનારની ટેકરીઓ 24 કિલોમીટર લાંબા અને લગભગ સાડા છ કિલોમીટર પહોળા વિસ્તારમાં ફેલાયેલી છે. આ ટેકરીઓ 250થી 640 મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવે છે.
ગુરુ ગોરખનાથનું શિખર સૌથી ઊંચું છે, જેની ઊંચાઈ અંદાજે એક હજાર 117 મીટર છે. દાતારનું શિખર 847 મીટર ઊંચું છે. આ સિવાય અંબાજી, દત્તાત્રેય, કાળકા અને ઓઘડ નોંધપાત્ર શિખર છે. ગીરપ્રદેશની અન્ય નોંધપાત્ર ટેકરીઓમાં સાસણ, તુલસીશ્યામ અને નંદીવેલ વગેરેનો સમાવેશ થાય છે.
ગિરનાર તથા તેના ગિરિમાળામાં ગૅબ્રો, લેમ્પ્રોફાયર, લિમ્બરગાઇટ, ડાયોરાઇટ અને સાયનાઇટથી માંડીને ગ્રેનોફાયર જેવા અલગ-અલગ પ્રકારના અગ્નિકૃત ખડકો જોવા મળે છે. આ પથ્થરોનો અભ્યાસ કરીને જે-તે ઉંમરનો અંદાજ મૂકવામાં આવે છે.
ઇતિહાસકાર ડૉ. પ્રદ્યુમ્ન 'ગિરનારનો ઇતિહાસ'માં અનુશ્રુતિ (પેજ-1) ટાંકતા લખે છે, 'પહેલાં ગિરનારના સ્થાને દરિયો હતો, જે ધીરે-ધીરે ખસતો ગયો અને વેરાવળ પહોંચી ગયો. એટલે જ આજે પણ જૂનાગઢમાં અમુક પ્રકારની દરિયાઈ વનસ્પતિ જોવા મળે છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Prit Garala/Getty
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તો ઑસ્ટ્રેલિયાની મૅલબોર્ન યુનિવર્સિટીના સંશોધક ડૉ. જોન વેનરે તેમના પુસ્તક 'ગિરનાર'ના પાંચમા વૉલ્યુમમાં ઉંમર અંદાજવા માટે થયેલા અલગ-અલગ અભ્યાસને સંકલિત કર્યા છે. જે મુજબ, "જિયોલૉજિસ્ટ એવી મુરલીના મતે, 'ગિરનારના બેસાલ્ટ પથ્થરો ખંડીય અગ્નિકૃત પથ્થરો કરતાં અલગ ગુણધર્મ ધરાવ છે અને સમુદ્રીય બેસાલ્ટ સાથે ઘણી સામ્યતા ધરાવે છે.' એમએન બાલાસુબ્રમણ્યન અને એનજે સ્નેલિંગ ગિરનારના આલ્કલાઇન પથ્થરો માટે પાંચ કરોડ 70 લાખ વર્ષનો ગાળો અંદાજે છે."
જિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના સંશોધનમાં ગ્રૅબ્રો પ્રકારના પથ્થરના નમૂના છ કરોડ 36 લાખ વર્ષ, ડાયોરાઇટ ખડકના નમૂના છ કરોડ 20 લાખ વર્ષ, સાયનાઇટ પ્રકારના નમૂના પાંચ કરોડ 83 લાખ વર્ષ જૂના છે.
આ વિસ્તારમાં ઘટેલી ભૂસ્તરીય ઘટનાઓનો કાલખંડ એકબીજાથી નજીક છે. ગિરનાર એ માત્ર પર્વત નથી, પરંતુ ગિરિમાળા અને ડુંગરાઓની શ્રેણી પણ છે. એટલે અલગ-અલગ વિસ્તારની ઉંમર અલગ-અલગ છે.
વળી, તેમાં ભૂસ્તરશાસ્ત્રના અમુક સંશોધનોમાં વધતા-ઓછાં 12થી 20 લાખ વર્ષની ત્રુટિ અંદાજવામાં આવી છે. છતાં ગિરનારની ઓછામાં ઓછી ઉંમર સાડા પાંચ લાખ વર્ષ અંદાજવામાં આવે છે. એટલે તે હિમાલય કરતાં 'સિનિયર' તો છે જ.
લાખો વર્ષ પહેલાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
કોઈ પણ ભૂમિપ્રદેશ તેની આસપાસની ભૂમિ કરતાં 300 મીટર કે એથી વધારે ઊંચો હોય અને તેનું મોટા ભાગનું ક્ષેત્રફળ ત્રાંસા, ઊંચા કે નીચા ઢોળાવવાળું હોય, તેના ઊંચા મથાળાનો (શિખર) ભાગ સાંકળો હોય છે. તેને પર્વત કહેવાય છે.
નકશા ઉપર ગુજરાતનો ભૂભાગ 1960માં અસ્તિત્વમાં આવ્યો, પરંતુ ભૂસ્તરીય દૃષ્ટિએ ખૂબ જ જૂનો અને લાંબો છે. ‘ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ’માં ડૉ. મંજુલાબહેન દવે-લેન્ગ જણાવે છે કે કુલ 17 પ્રકારના ભૂસ્તર પેટાવિભાગમાંથી માત્ર આઠ પ્રકાર જ ગુજરાતમાં જોવા મળે છે, જેમાંથી પણ અમુક છુટાછવાયા જ જોવા મળે છે.
ગુજરાતમાં આદિજીવયુગ તથા દ્વિતીય જીવયુગ સમયના વિસ્તાર જોવા મળે છે, પરંતુ તેમની વચ્ચેના પ્રથમ જીવયુગ દરમિયાનના વિસ્તાર જોવા નથી મળતા. આ સિવાય ગુજરાતમાં તૃતીય જીવયુગ સમયના વિસ્તાર જોવા મળે છે.
સૌરાષ્ટ્રના મૂળ ખડકો ગ્રેનાઇટ પ્રકારના હતા, પરંતુ પાછળથી ફાટ-પ્રસ્ફોટન થતાં, લાવા પથરાઈ જતાં અને લાંબી પ્રક્રિયાને પરિણામે બેસાલ્ટ પ્રકારના ભૂમિસ્વરૂપે રચાયા. ગીર અને બીજી ટેકરીઓના વિસ્તાર ગ્રૅનાઇટના બનેલા છે.
ગિરનારનો પર્વત 'લૅકોલિથ' પ્રકારનો માનવામાં આવે છે. ‘ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ’માં ભૌતિક ભૂગોળ પર સમજણ આપતાં પ્રોફેસર કાનજીભાઈ જસાણી અને પ્રોફેસર મહેન્દ્રકુમાર શાહ કહે છે કે પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણને કારણે લાવા અંદરથી બહાર નીકળવા માટે પ્રયાસ કરે છે, પરંતુ તેને બહાર નીકળવાનો માર્ગ ન મળતા બાહ્ય આવરણની નીચે જ ફેલાઈ જાય છે. જોકે, આંતરિક ગતિવિધિને કારણે ભૂસ્તર ઉપર તે પહાડ જેવું સ્વરૂપ ધારણ કરે છે. આકારના આધારે તેને 'ઘુમ્મટાકાર' પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પ્રકારના પહાડોમાં બહારનાં ભૂસ્તરોને હજારો-લાખો વર્ષના વાતાવરણ, વરસાદ, જમીનના ધોવાણ, પાણી વગેરેને કારણે ઘસારો લાગે એટલે આંતરિક ભાગમાં ઠરી ગયેલો લાવા ખુલ્લો પડી જાય છે અને તેનું નિરીક્ષણ શકાય છે. ગિરનારમાં તથા આસપાસના ડુંગરાળ પ્રદેશોમાં અનેક ‘ડાઇક’ જોવા મળે છે.
આ ઘટનાને વાહનવ્યવહારના સુરક્ષા ઉપકરણ હૅલ્મેટ સાથે જોડીને સમજીએ. ધરતીની નીચે ધગધગતો લાવારસ અને વાયુઓ ડાઇક મારફત પેટાળમાંથી બહાર નીકળવા પ્રયાસ કરે છે, પરંતુ ઉપરના આવરણની મજબૂતીની સરખામણીમાં આંતરિક દબાણ ઓછું હોવાને કારણે પ્રસ્ફોટન નથી થઈ શકતું. છતાં તે બહારની બાજુએ ઊભરી આવે છે. જેમ સમય જતાં હૅલ્મેટના વપરાશથી અને ઘસારો લાગવાથી અમુક જગ્યાએથી તેનું ઉપરનું રંગનું આવરણ ઊતરી જાય છે અને તેનું અંદરનું આવરણ દેખાવા લાગે છે, એમ ધરતીનું ઉપરનું થર ઘસાઈ જવાથી લાવાનું સ્તર દેખાવા લાગે છે.
દવે-લેન્ગ લખે છે કે દ્વિતીય જીવયુગના જુરાસિક-કાળ દરમિયાન એટલે કે લગભગ 15 કરોડ વર્ષ પહેલાં ગુજરાતના ઘણો મોટો વિસ્તાર સમુદ્રના પાણી હેઠળ ડૂબેલો હોવાનું મનાય છે અને એ યુગના ખડકો પણ ગુજરાતમાંથી મળી આવે છે.
કચ્છ-સૌરાષ્ટ્રનો સૌથી જૂનો સ્તર જુરાસિક-કાળનો જ છે, જે દરિયાની નીચે પાણીની નીચે છે. કચ્છમાં પણ તે સમયના ભૂસ્તર મળી આવે છે એટલે એવું માનવામાં આવે છે કે એ સમયે સમુદ્ર પશ્ચિમમાં છેક મડાગાસ્કર સુધી વિસ્તરેલો હતો.
દ્વિતીય જીવયુગના છેલ્લેથી બીજા તબક્કા એવા જુરાસિક-કાળના અંતભાગમાં સમુદ્રકિનારાના પ્રદેશોનો ઊંચકાવ થયો અને એ પછી સમુદ્રનાં પાણી વધતાં સમુદ્રનાં પાણી જમીનપ્રદેશો ઉપર ફરી વળ્યાં. દ્વિતીય જીવ યુગના છેલ્લા તબક્કામાં (ક્રિટેસીયસ કાળ) એટલે કે આજથી લગભગ 12 કરોડ વર્ષ પૂર્વે સમુદ્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને નર્મદા ખીણમાં છેક અંદર સુધી ફરી વળ્યો હતો.
લગભગ સાડા છ કરોડ વર્ષ પહેલાં ભારતમાં મોટી ભૂસ્તરીય ઘટના ઘટી. ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં ભયંકર ફાટ-પ્રસ્ફોટન (Fissure-Eruption) થયું, જેનો વ્યાપ દક્ષિણ રાજસ્થાનથી ધારવાડ અને સૌરાષ્ટ્રથી લઈને છેક નાગપુર સુધીનો હતો. એ વખતે ભૂગર્ભમાંથી ધગધગતો લાવા બહાર નીકળ્યો અને તેના સેંકડો મીટર જાડા સપાટ થર રચાયા. આ સ્તરોની જાડાઈ અમુક જગ્યાએ 1800 મીટર જેટલી હતી, જેમાંથી દક્ષિણભારતના ઉચ્ચપ્રદેશ સર્જાયા. જેને 'ડેક્કન ટ્રૅપ' તરીકે ઓળખવામાં આવે છે. અહીં 'ટ્રૅપ' શબ્દએ સ્વીડીશ શબ્દ 'ટ્રૅપ્સ' પરથી ઊતરી આવ્યો છે, જેનો મતલબ 'દાદર' એવો થાય છે. જે તેની ભૂસ્તરીય સંરચનો નિર્દેશ કરે છે.
જાપાની સંશોધકો આઈ. કાનેઓકા તથા એચ. હારામુરા ડાયોરાઇટ પથ્થરના અભ્યાસના આધારે છ કરોડ 53 લાખ વર્ષ ડેક્કન ટ્રૅપની રચના થઈ હોવાનું અનુમાન મૂકે છે.
ગિરનારમાં લાવાના સપાટ પડોના ધોવાઈ-ખવાઈ ગયેલા અવશેષો જોવા મળે છે. ગિરનારમાં પ્લુટોનિક અગ્નિકૃત ખડકો પણ જોવા મળે છે. બૅસાલ્ટિક લાવા ક્ષિતિજને સમાંતર પથરાઈ જવાથી નીચે દ્વિતીય જીવયુગના છેલ્લા તબક્કાના તથા તે પહેલાંના ખડકો દટાઈ ગયા. સંશોધકો આ ઘટનાના સમયમાં વત્તાઓછા પાંચ લાખ વર્ષની ત્રુટિ હોવાનો અંદાજ મૂકે છે.
આ પછી તૃતીય જીવયુગ દરમિયાન ફરી એક વખત દરિયો ગુજરાતના કિનારાના વિસ્તાર પર ફરી વળ્યો, જેના કારણે કચ્છમાં ડેક્કન ટ્રૅપનો વિસ્તાર દટાઈ ગયો. આને કારણે જ છિપોલીવાળા સ્તર ભરૂચ, અને સુરત જિલ્લામાં તથા ખંભાતના અખાતમાં જોવા મળે છે.
આ વિસ્તારના ભૂસ્તરને સરળ શબ્દોમાં સમજવા માટે તમે કાચના પારદર્શક પાત્રમાં બ્લૂરંગનો પાઉડર ઠાલવો, તેની ઉપર સફેદ રંગનો પાઉડર ભરો. અહીં બ્લૂ રંગએ ગુજરાતનો પ્રદેશવિસ્તાર પાણીની નીચે હતો તે સમયનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે સફેદ રંગે જ્યારે દરિયો છેક નર્મદા સુધી પહોંચી ગયો એ સમયનું પ્રતિનિધિત્વ કરે છે.
એ પછી કાચના પાત્રમાં ભૂરો રંગ ઠાલવો. જે ડેક્કન ટ્રૅપ સમયના લાવાકૃતસ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. એ પછી પાત્રના કિનારાના વિસ્તારમાં સફેદ પાઉડરનું સ્તર રચો. જે કિનારાના પ્રદેશો ઉપર દરિયાના પાણી ફરી વળવાનું પ્રતિનિધિત્વ કરે છે.
પાત્રને ઉપરથી જોતાં ભૂરા રંગનું સૌથી પહેલું સ્તર જ દેખાય છે, પરંતુ તેની નીચે બ્લૂ અને સફેદ રંગ દબાઈ ગયા છે. આ સ્તરોના આધારે સંશોધકો ગુજરાતના અલગ-અલગ વિસ્તારોની ઉંમર તથા કાલખંડ અંગે અંદાજ મૂકે છે.

દ્વારકા, દરિયો અને ગિરનાર વચ્ચે કોઈ સંબંધ?

ઇમેજ સ્રોત, Getty Images
ગિરનારના પર્વત 'ગિરિવર', 'ઉજ્જૈયન્ત' તરીકે તથા રેવંતકૂંડની ઉપરનો પહાડ 'રેવાંતચલ' કે રૈવતક તરીકે પણ ઓળખાય છે. જેના કારણે કૃષ્ણની દ્વારકા અંગે સંશોધકોમાં અવઢવ ઊભી થઈ હતી.
મહાભારતના 'મૌસલપર્વ', હિંદુઓનાં સર્જનના દેવ વિષ્ણુના અવતારો પર આધારિત ધાર્મિકગ્રંથ 'વિષ્ણુ પુરાણ' તથા 'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ'માં આપવામાં આવેલા વિવરણ પ્રમાણે, કૃષ્ણે દરિયાદેવ પાસેથી 12 યોજન જમીનની માગણી કરી. જે તેમણે આપી.
કેટલાંક જૈન લખાણોમાં તેજપાલપુરની પશ્ચિમે ઉગ્રસેન ગઢ હોવાના ઉલ્લેખ છે. ગિરનારની ગોદમાં આવેલા ઉપરકોટના કિલ્લાનું આ પણ એક નામ છે, જેને યાદવકૂળના શાસક ઉગ્રસેન સાથે જોડવામાં આવે છે.
'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ'માં ઉલ્લેખ મુજબ યાદવાસ્થળી અને કૃષ્ણના દેહોત્સર્ગ પછી તેમના મહેલને બાદ કરતાં દરિયાએ બધી જમીન પરત લઈ લીધી. સ્થાનિકોનું માનવું છે કે અત્યારસુધીમાં છ વખત દ્વારકા દરિયામાં ડૂબી છે.
પૌરાણિક વિવરણો મુજબ દ્વારકાની આજુબાજુ રૈવતક પર્વત આવેલો હતો. હાલની દ્વારકાની આજુબાજુમાં પર્વત આવેલો ન હોવાથી કેટલાક ઇતિહાસકારો અને સંશોધકોમાં વર્તમાન સમયનું દ્વારકા શહેર જ પ્રાચીન નગર હોવા અંગે વાદ રહ્યો છે અને કોડીનાર નજીકના મૂળ-દ્વારકાને પણ સંશોધનપાત્ર દ્વારકા ગણે છે.
દ્વારકાના સ્થાનિકોનું કહેવું છે કે જો લૉકડાઉન દરમિયાન પ્રદૂષણ ઓછું થવાથી પંજાબના જલંધરથી હિમાલયની ધૌલાધાર પર્વતશ્રૃંખલા જોઈ શકાતી હોય, સદીઓ પહેલાંના સમયમાં દ્વારકાના કોઈ ઊંચાસ્થળેથી ગિરનાર પર્વત પણ દેખાતો હોવાની શક્યતા નકારવી ન જોઈએ.
વર્તમાન સમયના દ્વારકા, દરિયાની વચ્ચેના બેટ-દ્વારકા, પ્રભાસ-પાટણ નજીકના મૂળ દ્વારકા અને પોરબંદર તથા મિયાણીની વચ્ચે મૂળ-દ્વારકા એમ કુલ્લે ચાર દ્વારકા પ્રાચીનનગરના દાવેદાર હતાં. જોકે, અત્યારસુધી મોટાભાગના સંશોધન-ઉત્ખનન ઓખામંડળ વિસ્તારમાં આવેલા દ્વારકા અને બેટ-દ્વારકા ખાતે થયા છે અને તેમાં સકારાત્મક પરિણામ મળ્યાં છે.

જૂનાગઢ કેટલું ઐતિહાસિક?

ઇમેજ સ્રોત, Getty Images
હિંદુઓના પવિત્ર ધર્મપુરાણો અને મહાભારતમાં ગિરનારની તળેટીમાં વસેલા નગરનો ઉલ્લેખ જોવા મળે છે. શંભુપ્રસાદ દેસાઈ તેમના પુસ્તક 'જૂનાગઢ અને ગિરનાર'માં પર કેટલાંક નામ અને તેની સાથે જોડાયેલી માન્યતાઓનો ઉલ્લેખ કરે છે:
હિંદુઓના ધાર્મિક પુરાણોને ટાંકતાં ગિરનારની તળેટીમાં વસેલા નગરનું નામ 'કરણકુબ્જ', 'કરણકોજ' અને 'કુવિર' હોવાનો ઉલ્લેખ કરે છે. અહીં કરણ કોણ હતો, તેના વિશે સ્પષ્ટતા પુરાણકારો નથી કરતા. મહાભારતના મહારથી કર્ણે અહીં કોઈ નગર વસાવ્યું હોવાનો ઉલ્લેખ નથી મળતો.
એક તબક્કે આ નગરનું નામ 'મણિપુર' હતું. તે નામ કોણે આપ્યું, શા માટે આપ્યું અને કયા યુગમાં પ્રચલિત હતું, તેના વિશે પુરાણકારો મૌન સેવે છે.
કલિકાલની શરૂઆતમાં આ નગર 'ચંદ્રકેતુપુર' હતું. સૂર્યવંશી રાજા ચંદ્રકેતુ પરથી આ નગરને આ નામ મળ્યું હતું. 'મહાભારત'ના હજારો વર્ષ પહેલાં 'રેવંત' નામથી ઓળખાતું. જે રેવંતક પર્વત પરથી પડ્યું હશે. કૃષ્ણના દેહોત્સર્ગ પછી આ નગર 'પુરાતનપુર' તરીકે ઓળખાયું.
ઈસવીસન પૂર્વે ત્રીજી અને ચોથી સદીમાં થઈ ગયેલા ચંદ્રગુપ્ત મૌર્યે આ ગિરિનગર વસાવ્યું. તેમના દીકરા અશોકે પોતાની આજ્ઞાઓ પથ્થરો પર કોતરાવી હતી. ત્યારે ફરી એક વખત આ નગરને 'ચંદ્રકેતુપુર' કે 'ચંદ્રગુપ્તનગર' તરીકે ઓળખાતું હતું.
મૌર્ય સામ્રાજ્યના પતન પછી નજીકના પર્વતના આધારે આ વિસ્તારનું નામ 'ગિરિનગર' સ્થાપિત થયું હતું. અશોકના શિલાલેખ પાસે શક ક્ષત્રપ રુદ્રદામાના શિલાલેખમાં 'ગિરિનગર' તરીકે ઉલ્લેખ જોવા મળે છે.
ઈસવીસન છઠ્ઠી કે સાતમી સદીમાં સ્કંદપુરાણનો પ્રભાસખંડ લખાયો ત્યારે ગિરિનગરની ઓળખ 'જીર્ણદૂર્ગ' તરીકે પ્રસ્થાપિત થઈ હતી. ઈસવીસન ત્રીજી સદીમાં શકોએ ઉજ્જૈન ગુમાવ્યું એ પછી તેમણે ગિરિનગરમાં તેમની રાજધાની સ્થાપિત કરી હતી અને તેને 'સુવર્ણગિરિનગર' કે 'સાર્વભૌમ નરેન્દ્રપુર' એવું નામ આપ્યું હતું.
આ નગર ગિરનારનો તળેટીપ્રદેશમાં જ હતું કે કેમ તેના વિશે દેસાઈ નિશ્ચિતપણે કોઈ મત રજૂ નથી કરતા, પરંતુ શકકાળમાં આ નગર તેમને અધીન હતું, તે વાત નિશ્ચિતપણે જણાવે છે.
ગુપ્તશાસનકાળમાં ગિરિનગર પ્રાંતીય રાજધાની જેવું હતું, કાળક્રમે તેનું પ્રચલિત નામ માત્ર 'નગર' જ રહ્યું. ઈસવીસન 640 આસપાસ ચીનના મુસાફર હ્યુએન સાંગે સૌરાષ્ટ્રની મુસાફરી ખેડી હતી અને તેઓ માત્ર 'નગર'ના નામથી જ ઉલ્લેખ કરે છે, એક એવું નગર કે જેનાથી થોડે દૂર 'ઉજ્જન' નામનો પર્વત છે, જેની ફરતે ગાઢ વન છે. જે નગરથી 10 માઇલ દૂર હતું.
ઈસવીસન 662 આસપાસ નગર માટે મહત્ત્વપૂર્ણ જળસ્રોત સમાન સુદર્શન તળાવ ફાટવાથી કે અજ્ઞાત કારણોસર જનતા હિજરત કરી ગઈ. ઈસવીસન 770માં વલભી સામ્રાજ્યના પતન પછી સૌરાષ્ટ્રમાં અંધાધૂંધી વ્યાપી ગઈ. ભાષા, લિપિ, ધર્મ, રાજવિસ્તાર સભ્યતા અને સંસ્કૃતિમાં ભારે પરિવર્તન આવ્યાં.
'મિરાતે સિકંદરી'માં ઉપરકોટ વિશે એક અનુશ્રુતિ ટાંકવામાં આવી છે, જે મુજબ, "સોરઠ પ્રદેશની રાજધાની વંથલીમાં હતી. વંથલી અને (હાલના) જૂનાગઢની વચ્ચે ગાઢ જંગલ આવેલું હતું, જેમાં ખૂંખાર પ્રાણીઓ રહેતાં. તેમાં કોઈ ઘોડેસવાર પ્રવેશી શકતો નહીં. ત્યાં આદમજાત રહેતી ન હતી.
એક વખત એક કઠિયારો ભારે મુશ્કેલીથી જંગલમાં ખૂબ જ અંદર સુધી પ્રવેશ્યો, જ્યાં તેણે કિલ્લાના દરવાજા જોયા. પરત ફરીને તેણે આ વાત રાજાને કહી. રાજાએ જંગલ કપાવી નાખ્યું અને કિલ્લો ઉઘાડો પડી ગયો. આ અંગે દેશના કારીગરો અને ઇતિહાસના જાણકારોને પૃચ્છા કરી, પરંતુ દરેકે આના વિશે અજ્ઞાનતા વ્યક્ત કરી એટલે તે 'જૂનાગઢ' અર્થાત્ 'જૂના કિલ્લા' તરીકે ઓળખાયો, કારણ કે કોણે આ કિલ્લો બનાવડાવ્યો અને શા માટે બનાવડાવ્યો તેના વિશે કોઈ જાણતું ન હતું."
રાજા ચંદ્રચૂડ અથવા તેમના અનુગામીઓએ દુર્ગનું સમારકામ કરાવડાવ્યું હશે. આમ 'ગિરિદુર્ગ' કે 'ઉપરકોટ'નું પુનઃનિર્માણ થયું. તેની નજીક વસતા નગરનું પણ પુનઃનિર્માણ કર્યું હશે એટલે તે નગર પણ 'જીર્ણદુર્ગનગર' તરીકે ઓળખાયું હોવાનું તારણ દેસાઈ રજૂ કરે છે.
ઈસવીસન 1025માં રા’નવઘણના આમંત્રણથી નાગર મંત્રીઓ 'જીર્ણદુર્ગ' આવ્યા હોવાની ઇતિહાસમાં નોંધ મળે છે. કાળક્રમે તે 'જૂનોગઢ', 'જૂનાગઢ' કે 'જૂનેગઢ ' તરીકે પણ લોકભાષામાં પ્રચલિત થયો.
સલ્તનત કાળમાં મોહમ્મદ બેગડાના શાસનકાળ દરમિયાન ચૂડાસમા શાસકોનું પતન થયું, ત્યારે તેને 'મુસ્તફાબાદ' એવું નામ આપ્યું હતું. જોકે, શાસકના મૃત્યુ બાદ ફરીથી જૂનું નામ જ પ્રચલિત રહ્યું હતું.
બાબી નવાબો, કંપની સરકાર અને એ પછીના સમયગાળામાં આસપાસનો વિસ્તાર સામૂહિક રીતે 'સોરઠ' તરીકે ઓળખાતો. સ્વતંત્રતા પછી આ વિસ્તાર સૌરાષ્ટ્ર સ્ટેટ હેઠળ આવતો અને 'સોરઠ ડિસ્ટ્રિક્ટ' તરીકે ઓળખાતો. 1959માં સૌરાષ્ટ્ર રાજ્યના વિસ્તારનું પુનર્ગઠન થયું, ત્યારે તે જિલ્લો 'જૂનાગઢ' તરીકે ઓળખાયો અને 1960માં અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ, ત્યારે પણ તે નામ જ યથાવત્ રહેવા પામ્યું. આગળ જતાં તેમાંથી ગીર-સોમનાથ તથા પોરબંદર એમ અલગ-અલગ જિલ્લા ગઠિત થયા.














