રા'નવઘણે જ્યારે સિંધ પર ચડાઈ કરી ત્યારે સેનામાં કોણ હતું અને હમીર સુમરાના સામે યુદ્ધમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
રા'નવઘણના પિતા રા'દયાસ હતા, જેઓ પાટણના શાસક દુર્લભરાજના સમકાલીન હતા. પાટણનાં રાણીની જૂનાગઢયાત્રા દરમિયાન બનેલી એક ઘટનાને કારણે તેમની વચ્ચે વેર બંધાયું હતું.
'ગુજરાતનો ઇતિહાસ – સોલંકી કાલ' (સંપાદક રસિકલાલ પરીખ અને હરીપ્રસાદ શાસ્ત્રી, પેજ નંબર 135) પર એક અનુશ્રુતિને ટાંકતાં લખે છે કે રા'દયાસ (ઈ.સ. 1003-1010) જૂનાગઢની ગાદી ઉપર હતા ત્યારે અણહિલવાડ પાટણના સોલંકીરાજ દુર્લભરાજ (ઈ.સ. 1010- ઈ.સ. 1022) તેમના સમકાલીન હતા. દુર્લભરાજનાં રાણી ગિરનારની યાત્રાએ ગયાં હતાં, ત્યારે દામોદર કુંડમાં સ્નાન કરવા બદલ તેમને કર આપવા માટે કહેવામાં આવ્યું હતું.
પાટણનાં રાણી પાસેથી કર માગવાની ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે એ સમયે જૂનાગઢ સોલંકીરાજને અધીન ન હતું અને ચુડાસમા સ્વતંત્ર રીતે જૂનાગઢ તથા આસપાસના વિસ્તારો પર શાસન કરતા હતા અને વંથળી તેમનું શાસનકેન્દ્ર હતું.
રાણીના આ અપમાન બદલ દુર્લભરાજે સોરઠ ઉપર ચઢાઈ કરી અને દુર્લભરાજે વંથળી કબજે કર્યું. રા'દયાસ ઉપરકોટમાં ભરાઈ ગયા. દુર્લભરાજે ઉપરકોટના કિલ્લા પર હલ્લો કર્યો. કિલ્લામાં પ્રવેશ મુશ્કેલ હતો, પરંતુ એ સમયે એક કુનેહ કામ કરી ગઈ હતી.

અંધ પણ ચપળ ચોકીદાર

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
અન્ય એક વાયકા પ્રમાણે જાત્રાળુઓ પાસેથી કર ન લેવાના બદલામાં રા'દયાસે પાટણનાં કુંવરીનો હાથ માગ્યો, જેની સુંદરતાની દેશદેશાવરમાં ચર્ચા હતી. જૂનાગઢના દીવાન રણછોડજી અમરજીએ 'તારીખ-એ-સોરઠ' નામથી પુસ્તક લખ્યું છે. જેમાં ઉપરકોટ પર થયેલા હલ્લાનું વિવરણ અને કારણ (પેજ નંબર 102-103) આપ્યું છે. તેઓ લખે છે :
જ્યારે કાફલાના સરદારને લાગ્યું કે સલામત રીતે જૂનાગઢની બહાર નીકળવા માટે બીજો કોઈ રસ્તો નથી, ત્યારે તેણે લગ્નની તૈયારીઓ કરવા માટે પાટણ જવાની મંજૂરી માગી, જેથી કરીને વિધિવત્ લગ્ન અને કરિયાવરની તૈયારી કરી શકાય. રા'દયાસે આ વાત સ્વીકારી લીધી.
પાટણના તત્કાલીન શાસકને આ ઘટનાક્રમમાં ગિરનારનો ગઢ પોતાને આધીન કરવાની તક દેખાઈ. અપ્રતિમ સુંદરતા ધરાવતી યુવતીએ રાજકુંવરીનો સ્વાંગ લીધો. તેની સાથે સ્ત્રીવેશે સૈનિકો પણ જોડાયા. 500 ગાડાંનો કાફલો દાયજા અને દાસીઓ સાથે પાટણથી જૂનાગઢ પહોંચ્યો.

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
કાફલા સાથે સુરક્ષા કરવા માટે એક રક્ષકદળ પણ હતું. રા'દયાસને કશું શંકાસ્પદ ન લાગ્યું. તેણે દુલ્હનના આગમન માટે રાજની તિજોરીઓ ખોલી દીધી અને પોતે કુંવરીના રથ પર જઈ બેઠા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે કાફલો શહેરમાં પ્રવેશ્યો ત્યારે એક અંધ દ્વારપાળે બળદગાડાનો ભારે અવાજ સાંભળીને ભેદ પામી લીધો. તેણે કહ્યું કે, "આ ગાડાંમાં યુવતીઓના બદલે જુવાન અને ખડતલ પુરુષો બેઠા છે." કાફલાની સુરક્ષા કરી રહેલા સૈનિકોને લાગ્યું કે તેમનો ભેદ ખૂલી ગયો છે, એટલે તેમણે સાથી સૈનિકોને સ્ત્રીવેશ ત્યજીને હલ્લો કરવાના આદેશ આપ્યા. રા'દયાસ અને તેમના સાથી હણાઈ ગયા અને ગઢ પર પાટણની પ્રભુતા પ્રસ્થાપિત થઈ.
દીવાન રણછોડજી અમરજી લખે છે એ સમયે પાટણમાં સિદ્ધરાજનું શાસન હતું, જોકે સમયની તવારીખ જોતાં તેઓ વર્ષો પછી શાસન પર આવ્યા હતા. આ તકે આપણને એ. કે. ફાર્બસ 'રાસ માલા-1' (પૃષ્ઠ ક્રમાંક 150) પર લખેલી વાત વાજબી જણાય છે. જેમાં તેઓ લખે છે કે, "નવઘણ અને ખેંગાર નામોની વચ્ચે ભારે ગૂંચવાડો ઊભો કરે છે. જે જૂનાગઢના શાસક યાદવકુળમાં પિતા-પુત્રને આપવામાં આવ્યા છે."
જ્યારે યાદવશાસકોના કાર્યકાળ ટૂંકા હોય અને તેમના સમકાલીનોએ લાંબું શાસન કર્યું હોય ત્યારે આ ગૂંચ વધુ ગાઢ બનતી જણાય છે. છતાં ઘટનાઓ અને આનુષંગિક વિગતોના આધારે વ્યક્તિત્વોને પ્રસ્થાપિત કરી શકાય છે.

દેવાયત આહીરના આશરે

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જૂનાગઢને કબજામાં લીધા પછી સોલંકીઓએ રા'દયાસના દીકરાની શોધ હાથ ધરી હતી અને કિલ્લાને ઘેરો ઘાલ્યો હતો. એ પછી શું થયું તેના વિશે અલગ-અલગ વાયકા પ્રચલિત છે. જે મુજબ રા'નવઘણનાં માતા તેમના દીકરાને લઈને (હાલના) ભરૂચ પહોંચ્યાં હતાં અથવા દીકરાને કોડીનાર પાસે અડીદર-બોડીદરના આહીર દેવાયતને ત્યાં મોકલી આપ્યો હતો.
એક માન્યતા પ્રમાણે વાલ્મીકિ સમાજના એક પુરુષે પોતાના જીવના જોખમે ટોપલામાં બાળકને લઈને સોલંકીના ચોકીદારોને થાપ આપીને રા'નવઘણને અડીદર-બોડીદરના દેવાયત આહીરના ઘરે પહોંચાડ્યા હતા. જેઓ રાજમાં કોડીનારના મુકાદમ હતા. તત્કાલીન વ્યવસ્થા પ્રમાણે, શાસકવર્ગનું કોઈ બાળક આવી રીતે વાલ્મીકિ સમાજની વ્યક્તિને સોંપે નહીં એવું સોલંકીના સૈનિકોએ વિચાર્યું હશે.
'તારીખ-એ-સોરઠ'માં (પૃષ્ઠ 104) જણાવ્યા અનુસાર આશરે આવેલા રા'નવઘણને બચાવવા માટે દેવાયત તથા તેમનાં પત્નીએ તેમના સાત-સાત દીકરાનાં બલિદાન આપ્યાં હતાં. મૃત્યુ પહેલાં તેમના ઉપર અત્યાચાર આચરવા છતાં આહીર દંપતીએ ઊંહકારો ન કર્યો હોવાનું અનેકવિધ વર્ણન ભાટ-ચારણોનાં વિવરણોમાં મળે છે.
પરીખ અને દેસાઈ તેમના ઉપરોક્ત પુસ્તક (પેજ 135) પર બાળક માતાના દૂધ ઉપર હોઈ માતા સતી થઈ હોવાની શક્યતાને નકારે છે અને પિતાના મૃત્યુ સમયે તેની ઉંમર પાંચેક વર્ષની હોય અને એકવીસ વર્ષની ઉંમરે પિતાની હત્યાનું વેર લીધું હોવાની શક્યતા વ્યક્ત કરે છે.
કર્નલ જેમ્સ વૉટ્સન તેમના પુસ્તક 'સ્ટેટિસ્ટિકલ એકાઉન્ટ ઑફ જૂનાગઢ'માં સોલંકીઓના સૂબેદારની કચેરીમાં શું થયું, તેનું વિવરણ આપે છે, જેના આધારે પિતાના મૃત્યુ સમયે રા'નવઘણ પુખ્ત હશે, એવી સંભાવના નકારી ન શકાય.
રા'દયાસનો દીકરો તેમને ત્યાં છે કે કેમ તેની પૃચ્છા કરવા માટે કોડીનારના મુકાદમ દેવાયત આહીરને બોલાવવામાં આવ્યા હતા, ત્યારે તેમણે વાતનો સ્વીકાર કર્યો હતો. તેમણે સંદેશ મોકલાવ્યો જેનો સાર હતો કે "રા રહેવા દેજો અને દીકરાને મોકલજો."
વાંચનારને લાગે કે "ફરિયાદ (રા) ન કરશો અને દીકરાને મોકલજો." પરંતુ દેવાયત આહીરનાં પત્ની વાત પામી ગયાં હતાં અને "રા (રાજાને) રહેવા દેજો અને દીકરાને મોકલજો." મતલબ કે આપણા દીકરા વાસણને મોકલજો.
વાસણનું તાજેતરમાં જ લગ્ન થયું હતું અને તે વરરાજાની જેમ સજ્જ થઈને જૂનાગઢમાં સોલંકીના થાણેદાર પાસે પહોંચ્યા, જ્યાં પિતાના હાથે પુત્રની હત્યા કરાવવામાં આવી હતી અને આશ્રિતને કાજે પિતાએ એમ કર્યું.

નવઘણ : નવો અધ્યાય
દેવાયત આહીરનાં દીકરી જાસલ અને કુંવર નવઘણનો ઉછેર એક સાથે થયો હતો. બંને ભાઈ-બહેનની જેમ સાથે રમતાં. સમયનાં વહાણાં વીતતાં ગયાં. જાસલની ઉંમર પરણાવવા જેવડી થઈ હતી. સિંધના યુવક સાથે તેનું લગ્ન નિર્ધારિત કરવામાં આવ્યું. (કેટલાંક લખાણો તથા અનુશ્રુતિ પ્રમાણે જાહલ)
'તારીખ-એ-સોરઠ' (પૃષ્ઠ 104-105) અને કર્નલ વૉટ્સનના (પેજ 102) વિવરણ પ્રમાણે, જાસલનાં લગ્ન પૂર્વે દેવાયતે આસપાસના આહીરોની બેઠક બોલાવી હતી અને રા'નવઘણને સત્તા ઉપર બેસાડવાનો અને જૂનાગઢસ્થિત સોલંકીઓના દંડાધિપતિને (થાણેદાર) ઉઠાડી મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો, જેનો સ્વીકાર થયો.
દીવાન રણછોડજી અમરજીના વિવરણ પ્રમાણે, ભોજનસમારંભમાં દંડાધિપતિ તથા અન્ય અધિકારી-સામંત દેવાયતને ત્યાં આવ્યા હતા ત્યારે આહીરો તેમની ઉપર તૂટી પડ્યા હતા. જ્યારે 'સ્ટેટિસ્ટિકલ એકાઉન્ટ ઑફ જૂનાગઢ'ના વિવરણ પ્રમાણે, થાણેદારની કચેરીએ આમંત્રણ આપવા જતી વખતે દેવાયત આહીર અને રા'નવઘણના નેતૃત્વમાં આહીરોએ હલ્લો કર્યો હતો અને થાણેદારને ઉઠાડી મૂક્યો હતો. એ પછી જાસલંનાં ધામધૂમપૂર્વક લગ્ન થયાં અને રા'નવઘણે તેમને બે ગામ આપ્યાં અને જાસલ તેમના પતિ સાથે સિંધમા ગયાં.
મોહમદ ગઝનવીની ચડાઈને કારણે સોમનાથભંગ (ઈ.સ. 1026) થયા પછી ગુજરાત પરથી સોલંકીઓની પકડ નબળી પડી ત્યારે રા'નવઘણે સત્તા હસ્તગત કરી. દેવાયત આહીર તેમના સંરક્ષક અને માર્ગદર્શક બન્યા.

છ મહિનાનું શિયળવ્રત

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
'તારીખ-એ-સોરઠ'ના (105-107) વિવરણ પ્રમાણે, ભારે દુકાળ પડ્યો, એટલે ઢોરઢાંખરને બચાવવા માટે આહીરો સિંધ હિજરત કરી ગયા. જ્યાં ખૂબ જ પાણી હતું અને મકાઈ-ઘાસચારો સસ્તા હતા. દેવાયત અને જાસલ પણ ત્યાં પહોંચ્યાં હતાં.
સિંધના તત્કાલીન શાસક હમીર સુમરાએ જાહલની સુંદરતાનાં વખાણ સાંભળી અને શિકાર ખેલવાના બહાને આહીરોના પડાવ પાસે પહોંચ્યા, જ્યાં તેમણે જાસલને જોયાં અને તેનાં પર મોહિત થઈ ગયા.
સુલતાને જાસલની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ 'વિધર્મી' સાથે લગ્ન કરાવવાનું આહીરોને યોગ્ય ન લાગ્યું. હમીર સુમરા તેનું અપહરણ કરીને જાસલને હરમમાં લઈ ગયો.
તેમણે સોરઠની સાથે કોઈ પણ સંદેશાવ્યવહાર ન થાય, તે માટે અવરજવર પર નિયંત્રણો લાદી દીધાં, જેથી કરીને જાહલ કે આહીરો કોઈ સંદેશો મોકલાવી ન શકે. આમ છતાં જેમ-તેમ કરીને જાસલ પોતાના ભાઈ રા'નવઘણને સંદેશો મોકલવામાં સફળ રહ્યાં. તેમણે 'મહાભારત'માં કૃષ્ણ જેમ દ્રૌપદીનાં ચીર પૂરવા આવ્યા હતા, તેમ સહાય કરવા માટે આવવા આહ્વાન કર્યું.
આહીર, રાજપૂત, ખાંટ, કોળી, બાબરિયા અને મેર સૈનિકોને લઈને સિંધ તરફ રવાના થયા, પરંતુ તાત્કાલિક કેવી રીતે પહોંચવું, તેની મૂંઝવણ હતી, ત્યારે તેને ચમત્કારિક સહાય મળી હતી.
કહેવાય છે કે જાસલે માતાજીનું અનુષ્ઠાન અને છ મહિના સુધી શિયળવ્રત ચાલતું હોવાથી હમીર સુમરાને પોતાની નજીક ન આવવા વિનંતી કરી હતી, જેનો સિંધના શાસકે સ્વીકાર કર્યો હતો.
દીવાન રણછોડજી અમરજી ઈ.સ. 838માં દુકાળ પડવાથી આહીરોની હિજરત થઈ હોવાનું નોંધે છે, પરંતુ સમય અને કાળક્રમ સાથે તે સુસંગત નથી જણાતું.

રા'નવઘણને લઈને દંતકથાઓ
હમીર સુમરાના જ અન્ય એક દરબારી મહેન્દ્ર અને મૂમલની પ્રેમકહાણી રાજસ્થાનમાં ખૂબ જ વિખ્યાત છે.
બહુપ્રચલિત દંતકથા પ્રમાણે રા'નવઘણ તેમની સેના સાથે ધુડશિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આઈ વરૂડીએ તેમને અટકાવ્યા અને આટલી મોટી સેનાની કૂચનું કારણ પૂછ્યું, એટલે રા'નવઘણે આઈ વરૂડી સમક્ષ સમગ્ર બીના વર્ણવી અને સિંધ જવાની ઇચ્છા વ્યક્ત કરી.
આઈ વરૂડીએ તેમના નેસમાં કાફલાને રોકાઈ જવા અને ભોજન કરીને જવા કહ્યું. જોકે, રા'નવઘણે પથ લાંબો હોવાથી અને જમવામાં સમય લાગે તેમ હોવાથી અટકવામાં ખચકાટ વ્યક્ત કર્યો હતો. છતાં વરૂડી આઈના આગ્રહને પગલે તેઓ કાફલા સાથે અટક્યા.
ત્યારે એક જ કુલડીમાંથી તેમણે રા'નવઘણ તથા અન્યોને માટીની એક જ કુલડીમાંથી જમાડ્યા હતા અને ઘોડાઓ માટે પણ વ્યવસ્થા કરી આપી.
જ્યારે રા'નવઘણ જવા માટે રવાના થયા ત્યારે તેમને કાફલા સાથે સીધા જ આગળ વધવા કહ્યું. પરંતુ ત્યાં દરિયો હોવાની વાત રા'નવઘણે કહી. એટલે આઈ વરૂડીએ કહ્યું કે દરિયાકિનારે પહોંચતા તમારા ભાલા ઉપર ચકલી આવીને બેસશે. તમારો ઘોડો પાણીમાં છબછબિયાં કરતા આગળ વધશે, જ્યારે પાછળના ઘોડા ધૂળની ડમરીઓ ઉડાડતાં આગળ વધશે. આ દંતકથા તરીકે પ્રખ્યાત છે અને તેના કોઈ ઐતિહાસિક પુરાવાનો ઉલ્લેખ નથી મળતો.
આવી જ દંતકથા યહૂદીઓના ઇતિહાસમાં નોંધાયેલી છે. મુસા (Moses)ના નેતૃત્વમાં (ઈસુના 14-13 સદી અગાઉ) યહૂદીઓએ ઇજિપ્તમાંથી હિજરત કરી, ત્યારે 'મૃત સમુદ્ર'એ રસ્તો કરી આપ્યો.
'તારીખ-એ-સોરઠ'ના વિવરણ (પૃષ્ઠક્રમાંક 108-109) પ્રમાણે, રા'નવઘણ અને હમીર સુમરાની વચ્ચે સવારથી સાંજ સુધી લડાઈ જામી, જેમાં સિંધના શાસકે ભારે ખુંવારી વેઠી. રાજપૂતોએ જાહલને છોડાવ્યાં, સખીઓ સાથે તેમને રા'નવઘણને સોંપ્યાં.
આ અભિયાન દરમિયાન તેમને એક લાખની મતા મળી હતી. રા'નવઘણની સાથે-સાથે લોહાણા, ભાટિયા, ખત્રી તથા સારસ્વત સમુદાયના લોકો કચ્છના રસ્તે પરત ફર્યા અને જૂનાગઢમાં સ્થાયી થયા હતા.
રા'નવઘણના તથા તેમના પરિવારનાં પુત્રવધૂ 'રાણકદેવી' પર ગુજરાતી ભાષામાં ફિલ્મો પણ બની છે. એક હજાર વર્ષ જેટલો સમય વીતવા છતાં આ બધું ગઢવી-ચારણ અને બારોટોની ગાથાઓ અને લખાણોમાં જીવિત છે.















