તવાયફ પ્રેમિકાને બેગમ બનાવી તેને દરરોજ ગુલાબથી તોલાવનાર નવાબની પ્રેમકહાણી

હીરામંડીની તવાયફ
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

દિલશાદ મંઝીલમાં બાલી તેમના પતિને મળવા તડપી રહ્યાં હતાં. તેઓ મુલાકાત કરાવી દેવા માટે બધાને વિનંતી કરતા, પરંતુ તેમની વાત કોઈએ કાને ન ધરી. ખુદ મીર અલી નવાઝ નાઝ પણ તેમને મળવા માગતા નહોતા.

એક સમયે તવાયફ રહી ચૂકેલાં બાલી માટે ઘણું મોડું થઈ ગયું હતું. તેમણે કદાચ બહુ નાજ અને નખરાં કરી લીધાં હતાં અને હવે સમાધાન મુશ્કેલ બની ગયું હતું.

જોકે, આ પ્રેમકહાણીની શરૂઆત કોઈ ફિલ્મની કહાણીને ટક્કર મારે એવી હતી. જેમાં અમીર-ગરીબના ભેદભાવ, યુવક અને યુવતીની સંપૂર્ણપણે અલગ પૃષ્ઠભૂમિ, યુવકના પરિવારજનોની નારાજગી, સ્થિતિ અનુકૂળ થવી, પછી યુવતીના પરિવારજનોને મનાવવા. એ પછી બંને પ્રેમીજનોમાં તિરાડ આવી.

ખૈરપુરના નવાબ અને હીરામંડીનાં તવાયફ બાલી વચ્ચેની પ્રેમકહાણીને પાકિસ્તાનના સિંધમાં 'મૉર્ડન ડે ક્લાસિક' તરીકે ઓળખવામાં આવે છે.

ગ્રે લાઇન

ખૈરપુરના નવાબજાદા અને હીરામંડીની તવાયફ

રાજકુમારો અને નવાબજાદાઓના સંમેલનની તસવીર
ઇમેજ કૅપ્શન, રાજકુમારો અને નવાબજાદાઓના સંમેલનની તસવીર

મીર અલી નવાઝ ખાન ખૈરપુરના નવાબ મીર ઇમામ બખ્શના સૌથી મોટા દીકરા અને વારસદાર હતા. તેમનો અભ્યાસ વિદેશમાં થયો હતો. એક વખત નવાબે કેટલાક નોકરોને કામ પરથી કાઢી મૂક્યા. જ્યારે મીર અલી નવાઝ ખાનને આના વિશે જાણ થઈ, તો તેઓ પણ નોકરો સાથે નિર્વસનમાં જતા રહ્યા.

થોડો સમય માટે તેઓ રાજસ્થાનના અજમેરમાં પણ રહ્યા. એ પછી નવાબનું દીલ પીગળ્યું અને તેમને પરત બોલાવી લીધા. અહીંથી તેમને લાહોરની વિખ્યાત ઍચીસન કૉલેજમાં અભ્યાસ માટે મોકલી દેવામાં આવ્યા.

રાજકોટની રાજકુમાર કૉલેજમાં જેમ જ ઍચીસનમાં રાજા, નવાબ અને સરદારોના સંતાનોને ભાવિ શાસક અને રાજવીની જેમ ઘડવામાં આવતા અને તેમને ઉચ્ચશિક્ષણ આપવામાં આવતું. આ કૉલેજમાંથી પાકિસ્તાનના અનેક વડા પ્રધાન, રાષ્ટ્રપતિ, સૈન્ય અધિકારી અને ઉચ્ચઅધિકારીઓએ શિક્ષણ લીધું છે.

લાહોર જો તેના ભોજન, આતિથ્ય સત્કાર, ઐતિહાસિક કિલ્લા અને ઔરંગઝેબ દ્વારા બાંધવામાં આવેલી મસ્જિદ માટે વિખ્યાત છે. અહીંનું એક આકર્ષણ હીરામંડી પણ છે. આજે 'બદનામ ગલી' તરીકે ઓળખાતો વિસ્તાર એક સમયે તહઝીબ, ગીત-સંગીત અને નૃત્યનો વિસ્તાર હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સિંધી લેખક મુમતાઝ બુખારીના કહેવા પ્રમાણે, "મીર નાઝ કવિ હતા અને તેમના સંગ્રહ પણ પ્રકાશિત થયા હતા. તેમને ગીત, સંગીત અને નૃત્યનો શોખ હતો. એક વખત તેઓ હીરામંડીમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને એક અવાજ સંભળાયો. જેને સાંભળીને મીર નાઝ તેના તરફ આકર્ષિત થયા."

"તપાસ કરતા માલૂમ પડ્યું કે ગાયિકાનું નામ ઇકબાલ બેગમ છે. જેઓ પટિયાલા ઘરાનાના વિખ્યાત ગાયક અને ગુરૂ આશિક અલી ખાનનાં શાર્ગિદ હતાં. હવે તેમની ઉત્કંઠા વધી ગઈ હતી."

કહેવાય છે કે ઇકબાલ બેગમ સુધી પહોંચવા માટે મીર નાઝે તેમને ભેટસોગાતો મોકલાવી અને ખૂબ પ્રયાસ કર્યા પછી તેમની મુલાકાત શક્ય બની. બુખારીનું કહેવું છે કે ઇકબાલ બેગમના ભાઈઓએ ખૈરપુરના 'વલી અહદ'ના (વારસદાર) આકર્ષણનો પૂરેપૂરો લાભ લીધો. મીર નાઝના એ સમયના સર્જનોમાં પણ અનિર્ણયતા અને પ્રેમ માટેની ઉત્કંઠા ધ્યાન ખેંચે છે.

વરિષ્ઠ નાટ્ય નિર્દેશિકા પ્રો. ત્રિપુરારી શર્માના કહેવા પ્રમાણે, "આજે આપણે જે રીતે કોઠાનો શબ્દપ્રયોગ કરીએ છીએ, તે યોગ્ય નથી. એક સમયે કોઠા એ કળાકેન્દ્ર સમાન હતા. જ્યાં ગીત, સંગીત, નૃત્ય હતાં. તેઓ પોતાને ફનકાર કે અદાકારા તરીકે ઓળખાવતા. ત્યાં લખવાનું કામ થતું અને શેર-શાયરી પણ થતાં."

"આ એવી મહિલાઓ હતી, જે ઘરની બહાર નીકળી અને પરપુરુષ સાથે હળતી-મળતી. તેમની સાથે શબ્દો, લખાણ અને વિચારોનું આદાનપ્રદાન થતું. ત્યાં ઉચ્ચકક્ષાનો સંવાદ થતો. લોકો વાતચીત અને સામાજિક સંવાદના પાઠ શીખવા માટે કોઠા ઉપર જતા."

નિકટતા વધતા મીર નાઝ તેમનાં પ્રેયસી ઇકબાલ બેગમને બાલી કહીને બોલાવવા લાગ્યા. જ્યારે નવાબ મીર ઇમામ બખ્શને લાહોરમાં નવાબજાદાની પ્રવૃત્તિઓ અંગે જાણ થઈ, ત્યારે તેમને ખૈરપુર પરત બોલાવી લીધા. નવાબસાહેબ નહોતા ઇચ્છતા કે ખૈરપુરના ભાવિ નવાબ કોઠા ઉપર જાય.

મીર નાઝે જેમતેમ કરીને ઇકબાલ બેગમના ભાઈઓને મનાવી લીધાં કે તેમને ખૈરપુર લઈ આવે. કહેવાય છે કે 'પ્રેમ,ઘાયલ અને પાયલ ક્યારેય છૂપાય નહીં' આવું જ મીર નાઝ અને ઇકબાલ બેગમના કિસ્સામાં થયું.

ગ્રે લાઇન

વિરહ, વેદના, વિનંતી

ઇકબાલ બેગમ

તેમના પ્રેમપ્રકરણ વિશે લોકોમાં ચર્ચા થવા લાગી. આથી નવાબ વધુ વ્યથિત થયા. યેન કેન પ્રકારેણ ઇકબાલ બેગમને લાહોર પરત મોકલી દીધાં. બીજી બાજુ, મીર નાઝ મનોમન બાલી સાથે નિકાહ કરવાનું નક્કી કરી ચૂક્યા હતા. અત્તા મોહમ્મદ હામી લખે છે કે, મીરસાહેબની નજર મહિલા પર હતી અને મહિલાની નજર તેમની સંપત્તિ પર. મીર નાઝના નાના ભાઈ અંગ્રેજસેનામાં મેજર હતા. મીર નાઝે તેમના નાના ભાઈને વિનંતી કરી હતી કે તેઓ અંગ્રેજોને તેમનાં અને ઇકબાલ બેગમના પ્રેમસંબંધ માટે મનાવે.

ભારે પૈસા આપવા છતાં ઇકબાલ બેગમના ભાઈઓ તેમની મુલાકાત થવા દેતાં ન હતાં. એટલે મીર નાઝે બૉમ્બેના ગવર્નરને પણ પત્ર લખ્યો હતો કે તેઓ મળવા માટે મદદ કરે છે.

બુખારીના મતે અંગ્રેજ સરકારે આ પત્ર ઉપર કોઈ કાર્યવાહી ન કરી. ઊલટું, જ્યારે રાજકુમારોની બેઠક મળી ત્યારે મીર નાઝને જણાવવામાં આવ્યું કે તેઓ ઇકબાલ બેગમથી દૂર રહે અન્યથા તેઓ તાજ પણ ગુમાવી દેશે.

મીર ઇમામ બખ્શ બીમાર પડ્યા અને 11 વર્ષ શાસન કરીને મૃત્યુ પામ્યા. એમના અવસાન પછી છ મહિના સુધી મીર નાઝને તખત ઉપર બેસાડવામાં આવ્યા ન હતા. જ્યારે એજન્ટ પોપ ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે પિતાની જેમ જ વફાદાર રહેવાની ખાતરી આપી એ પછી તેઓ તખ્તનશીન થયા. તેમને 17 તોપની સલામી મળતી.

નવાબ બનતાની સાથે જ મીર નાઝે બધાને મનાવી લીધા. બુખારીનું અનુમાન છે કે તેમણે વર્ષ 1925માં નિકાહ કર્યા, જ્યારે પીર અલી મહોમ્મદ શાહ વર્ષ 1923 કે 1924માં નિકાહ થયા હોવાનું અનુમાન મૂકે છે.

બીબીસી ગુજરાતી

શાહી શાદી, ભવ્ય જલસો

લાહોરની હીરામંડી વિશે સંજય લીલા ભણશાલી વેબસિરીઝ તૈયાર કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, BHANSALIPRODUCTIONS/TWITTER

ઇમેજ કૅપ્શન, લાહોરની હીરામંડી વિશે સંજય લીલા ભણશાલી વેબસિરીઝ તૈયાર કરી રહ્યા છે

પીર અલી મોહમ્મદ શાહ પણ આ લગ્નસમારંભમાં સામેલ થયા હતા. તેમના કહેવા પ્રમાણે, રેલવેસ્ટેશનની બહાર મેદાનમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય મીર નાઝના નિવાસસ્થાને મહેમાનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

દિલ્હી, તત્કાલીન બૉમ્બે, અમૃતસર અને લાહોર સહિત અવિભાજિત ભારતભરમાંથી મહેમાનોના 80 જેટલા કાફલા આવ્યા હતા. તેમને ઉતારો આપવા માટે ખૈરપુરની હાઇસ્કૂલ અને બૉર્ડિંગોની ઇમારતો ખાલી કરાવી દેવામાં આવી હતી.

મહેમાનોના મનોરંજન માટે નાચગાન, આતશબાજી, જાદુના ખેલ, મુશાયરા, કવિતાપાઠ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમૃતસરથી મુખ્તાર બેગમ આવ્યાં હતાં, જેમણે 'મેં તો સે નહીં બોલું રે...' ઠુંમરી ગાઈ હતી.

આ સિવાય મુંબઈથી વિખ્યાત તવાયફ હીરાબાઈ આવ્યાં હતાં. કહેવાય છે કે તેમનાં વાળ એટલા લાંબા હતાં કે જે તે જમીનને અડકતાં. જ્યારે તેઓ નાચતાં, ત્યારે વાળ હવામાં લહેરાતાં. રશીદી લખે છે કે આ બધા કાર્યક્રમો પાછળ ભારે ખર્ચ થયો હતો, જેના કારણે રાજની તિજોરી ખાલી થઈ ગઈ હતી અને તવાયફોએ તેમના પૈસા મેળવવા માટે ધક્કા ખાવા પડ્યા હતા.

નવાબ તેમનાં બેગમ બાલીને ખૈરપુર લાવ્યા. નવાબ અગાઉથી જ બે વખત પરિણીત હતા, એટલે બાલીને ફૈઝ મહલમાં લાવવાનું શક્ય નહોતું. રાજસ્થાની વાસ્તુકલાની અસર હેઠળ નિર્મિત આ મહેલનું નિર્માણ વર્ષ 1786માં શરૂ કરવામાં આવ્યું હતું.

ગ્રે લાઇન

દીનેઇલાહી, દીને અલ્લાહ

ખૈરપુરના મહેલની આંતરિક તસવીર
ઇમેજ કૅપ્શન, ખૈરપુરના મહેલની આંતરિક તસવીર

સાથે રહેવું શક્ય ન હોવાથી બાલીને માટે દિલશાદ મંઝીલના નામથી અલગ રહેણાંકની વ્યવસ્થા ગોઠવવામાં આવી. જે બાલી બંગલા તરીકે પણ ઓળખાય છે. પાસે જ દીલશાદ બાગ પણ હતો. અહીં નાચગાન, મહેફિલો અને મુશાયરાના આયોજન થતા.

એક મુશાયરા દરમિયાન બાલીએ મીરનવાઝ, ગાલિબ અને સૂફી કલામ પઢ્યા હતા. અહીંની છતો ઉપર શ્રૃંગારિક ચિત્રો દોરવામાં આવ્યા હતા. જ્યારે કાચ ઉપર થ્રી-ડી અસર ઉપસે એ રીતે કારીગરી કરવામાં આવી હતી. પછીના વર્ષોમાં તેને અશ્લીલ ગણીને તેની ઉપર સફેદ રંગ ફેરવી દેવામાં આવ્યો હતો.

પાકિસ્તાની અખબાર 'ધ ડૉન'ના અહેવાલ મુજબ, મીરસાહેબે નારા કેનાલમાં બેગમસાહેબા સાથે સૂર્યાસ્તની મજા માણી શકાય તે માટે 'લેડી વાયોલૅટ' નામની બૉટનું કરાચીની એક કંપની પાસે નિર્માણ કરાવડાવ્યું હતું. તેમાં ડ્રૉઇંગરૂમ, બેડરૂમ, બાલ્કની, કિચન અને બાથરૂમની વ્યવસ્થા હતી. તા. 14 ફેબ્રુઆરી 1924ના મીરસાહેબે તે ભેટ આપી હતી.

બેગમ બાલીને દરરોજ સવારે ગુલાબના ફૂલોથી તોલવામાં આવતાં, એ પછી તેઓ થોડો સમય ફૂલો સાથે ગમ્મત કરતાં અને ઝૂલે ઝૂલતાં.

પીર અલી મોહમ્મદ શાહ રશીદી તેમના સ્મરણિકામાં લખે છે કે મીર નાઝ શાસક બન્યા એ પછી તેમના અંગતજીવન વિશે વ્યાપક ચર્ચાઓ થવા લાગી હતી. એટલે તેમના ઉપરથી ધ્યાન ખસેડવા માટે દરબારીઓએ નવો ધાર્મિકપંથ સ્થાપવા સૂચન કર્યું.

મુગલ શાસક અકબરે 'દીન-એ-ઇલાહી' ધર્મની સ્થાપના કરી હતી, એવી જ રીતે તેમણે દીનઅલ્લાહની સ્થાપના કરી અને તમામ ફિરકાના મુસલમાનોને તેમાં જોડાવા માટે આહ્વાન કર્યું. પરંતુ દીનેઇલાહીની જેમ મીર નાઝના આ પ્રયાસને પણ સફળતા ન મળી.

જોકે મીર નાઝ અને બેગમ ઇકબાલનાં સંબંધમાં સમય સાથે તિરાડ આવવા લાગી હતી. બેગમ ઇકબાલ વારંવાર નારાજ થઈ જતાં અને લાહોર જતાં રહેતાં. મીરસાહેબ તેમને મનાવવા માટે બેબાકળાં થઈ જતાં.

એક વખત તો તેમણે એક વર્ષનું મહેસૂલ ઍડ્વાન્સમાં ઉઘરાવ્યું હતું. ટ્રેન ભરીને ખૈરપુરના લોકોને લાહોર લઈ ગયા હતા અને બેગમસાહેબાને મનાવ્યાં હતાં, ત્યારે તેઓ માંડમાંડ ખૈરપુર પરત આવવા તૈયાર થયાં હતાં.

ગ્રે લાઇન

તિરાડ, તકરાર અને તિલાંજલી

બાલી બંગલા તરીકે ઓળખાતી ખૈરપુરની દીલશાદ મંઝીલ
ઇમેજ કૅપ્શન, બાલી બંગલા તરીકે ઓળખાતી ખૈરપુરની દીલશાદ મંઝીલ

નવાબે ઉર્દૂ, ફારસી તથા સિંધી ભાષામાં કવિતાઓ અને પ્રવાસનિબંધોનું સર્જન કર્યું હતું. મૌલાના હઝરત મોહાની, હકીમ મહોમ્મદ શૂઝા તથા હાફિઝ જલંધરી તેમના મિત્ર હતા અને તેમના મુશાયરાઓનું આયોજન થતું.

મુમતાઝ બુખારીના કહેવા પ્રમાણે, મીર નાઝની વિલાસિકતા અને બેફામ ખર્ચાને કારણે રાજ્યની તિજોરી ખાલી થઈ ગઈ. રાજના કર્મચારીઓને પગાર ચૂકવવાના ફાંફા પડી ગયા.

એ પછી અંગ્રેજોએ રાજનો વહીવટ પોતાને હસ્તક લીધો અને નવાબને બહુ થોડી રકમ વર્ષાસન રૂપે આપવામાં આવતી. જેનાથી તેમનું ગુજરાન નહોતું ચાલતું. ટાઇમ મૅગેઝિને પણ વિલાસિકતા વિશે અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

મુમતાઝ બુખારીના કહેવા પ્રમાણે, મીર નાઝ પાછળથી દત્તા ફકિરાની નામનાં મહિલાનાં અનુયાયી બની ગયા હતા, જેઓ કબીર તથા બીજી અલૌકિક વાતો તેમને કરતા. પીર અલી મોહમ્મદ શાહ લખે છે કે એક ફકીરની સાથે રહીને તેમણે નારંગી વસ્ત્ર અને જંતર (એક તંતુવાદ્ય) ધારણ કરી લીધાં.

તેઓ બાલીથી અંતર જાળવવા લાગ્યા અને આખરે તેમનું મોં જોવાનો પણ ઇન્કાર કરી દીધો. બાલીને નવાબના પ્રેમની કદર સમજાવા લાગી અને તેમને મળવા માટે કરગરવા લાગ્યાં.

વર્ષ 1935માં મીર નાઝનું અવસાન થયું. પહેલાં તેમને કોટ દીજીમાં અને પછી તેમને કરબલામાં દફનાવવામાં આવ્યા. વર્ષ 1967 આસપાસ બેગમ ઇકબાલનું અવસાન થયું. તેમને પણ મુસ્લિમોના પવિત્ર શહેર કરબલામાં નવાબની પાસે દફનાવવામાં આવ્યાં.

વિખ્યાત ઉર્દૂ શાયર મિર્ઝા ગાલિબે લખ્યું હતું, 'ઇશ્કને 'ગાલિબ' નિકમ્મા કર દિયા, વર્ના હમ ભી આદમી થે કામ કે.' એ વાત ગાલિબના સમયમાં સાચી હશે તો કદાચ પછીના વર્ષોમાં પણ એટલી જ સુસંગત રહેવા પામી છે.

ભાવાનુવાદ – જયદીપ વસંત. આ અહેવાલ માટે બીબીસી ઉર્દૂના રિયાજ સુહૈલના રિપોર્ટનો આધાર લેવામાં આવ્યો છે. મૂળ અહેવાલ અહીંવાંચો.

રેડ લાઇન
રેડ લાઇન