સતત 24 કલાક સુધી સેક્સ માણીને વેશ્યાઓ સામે સ્પર્ધા જીતનાર રોમન મહારાણી કોણ હતી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
- પદ, .
રોમન સામ્રાજ્યમાં રાજકારણ ષડયંત્ર તથા કાવતરાથી ભરપૂર સતત ચાલતું નિર્દય નાટક જેવું હતું, પરંતુ એ નિર્દય રાજકારણ અને ભેદી કાવતરા ઘડવાની બાબતમાં મહારાણી વેલિરિયા મેસાલિના ખૂબ બદનામ થયાં હતાં.
મેસાલિનાને સત્તાને વળગી રહેવા માટે સતત ષડયંત્ર કરતા રહેવાને કારણે જ નહીં, પરંતુ તેમની જાતીય ભૂખ માટે પણ યાદ કરવામાં આવે છે.
એટલું જ નહીં પૃથ્વી પરનાં પ્રાણીઓમાં માત્ર માનવજાતિની જાતીય ઇચ્છા લગભગ ક્યારેય સંતોષાતી ન હોવાનું પ્રાકૃતિક ઇતિહાસ વિશ્વકોશમાં નોંધાયું છે, જેને પ્લિની ધ એલ્ડર(ઇસવી 77)એ રચ્યો હતો.
રોમના લેખકના જણાવ્યા પ્રમાણે, પોતે 24 કલાકમાં સૌથી વધુ પુરુષો સાથે સહશયન કરી શકે છે એ સાબત કરી બતાવવા માટે મેસાલિનાએ સૌથી વધુ વિખ્યાત "પ્રોફેશનલ વેશ્યા સાથે" રીતસરની સ્પર્ધા કરી હતી.
પુસ્તકના દસમા ખંડના 83મા પ્રકરણમાં જણાવ્યા મુજબ, "મહારાણીએ 24 કલાકમાં 25 પુરુષો સાથે સહશયન કરીને પ્રોફેશનલ વેશ્યાને હરાવી દીધી હતી."
આવી વાર્તાઓનું મેસાલિનાની ઇમેજ ઘડવામાં મોટું યોગદાન છે અને એ કારણે એ ખરેખર રાણી કેવી હતી તે સમજવું મુશ્કેલ બની જાય છે.
જોકે, આ વર્ષે પ્રકાશિત ‘મેસાલિનાઃ અ સ્ટોરી ઑફ ઍમ્પાયર, સ્લૅન્ડર ઍન્ડ ઍડલ્ટરી’ પુસ્તકના કળા-સાહિત્યપ્રેમી લેખક ઑનર કાર્ગિલ-માર્ટિન પણ આવું સૂચવ્યું છે.

અસાધારણ શક્તિ

ઇમેજ સ્રોત, Getty Images
મેસાલિના સમ્રાટ ક્લાઉડિયસનાં ત્રીજાં પત્ની હતાં. ક્લાઉડિયસે ઉત્તર આફ્રિકામાં રોમન સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો અને બ્રિટનને એક પ્રાંત બનાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેસાલિનાનો જન્મ ચોક્કસ ક્યારે થયો તે જાણવા મળતું નથી, પરંતુ લગ્ન થયાં ત્યારે તેમની વય 15થી 18 વર્ષ વચ્ચેની અને ક્લાઉડિયસની વય પચાસેક વર્ષની હતી એવો અંદાજ છે.
મેસાલિના એ સમયના સૌથી પ્રતિષ્ઠિત તથા શ્રીમંત, ઉમદા પરિવારનું ફરજંદ હતાં અને તેમના પતિ શાહી પરિવારનો હિસ્સો હતા એ હકીકત હોવા છતાં મેસાલિનાએ ક્યારેય મહારાણી બનશે તેવા કોઈ સંકેત મળતા ન હતા.
ક્લાઉડિયસ બીમાર, લંગડા, બોલતાં થોથવાતા, અનાકર્ષક, વિચિત્ર સ્વભાવ ધરાવતો ખડૂસ માણસ હતા. તેમના આવા વ્યક્તિત્વને કારણે તેમનો રાજવી પરિવાર પારાવાર ક્ષોભ અનુભવતો હતો.
ક્લાઉડિયસ લાંબા સમય સુધી ઇતિહાસના પુસ્તકો લખતા રહ્યા હતા અને તેમના ભત્રીજા સમ્રાટ કેલિગુલાએ તેમની નિમણૂક પોતાના સલાહકાર તથા સેનેટર તરીકે કરી ન હતી ત્યાં સુધી તે સત્તાથી દૂર રહ્યા હતા.
ઇસવી 41ની 24 જાન્યુઆરીએ કેલિગુલાની હત્યા પછી ક્લાઉડિયસના હાથમાં અણધારી રીતે સત્તા આવી પડી હતી. મહેલમાં ધ્રૂજી રહેલા ક્લાઉડિયસને એક સૈનિકે શોધી કાઢ્યા હતા. બીજા દિવસે પ્રેટોરિયન ગાર્ડ્ઝે (શાહી પરિવારના રક્ષકો) તેમને સમ્રાટ બનાવ્યા હતા.

ગોપનીયતાની નીતિ

ઇમેજ સ્રોત, Getty Images
એ સમયે રોમ પણ સરકારના નવા સ્વરૂપની આદત પાડી રહ્યું હતું.
ક્લાઉડિયસ, જુલિયો-ક્લાઉડિયન રાજવંશનો ચોથો સમ્રાટ હતો. જે રોમન સામ્રાજ્યનો પ્રથમ હતો અને તે ઇસવી પૂર્વે 27થી સત્તા પર હતો.
આ તબક્કા પહેલાં મોટાભાગે રોમ એક પ્રજાસત્તાક હતું, જેમાં કુલીન સેનેટ અને ચૂંટાયેલા મેજિસ્ટ્રેટ દ્વારા શાસન ચલાવવામાં આવતું હતું, પરંતુ જુલિયસ સીઝર અને પૉમ્પી ધ ગ્રેટ વચ્ચેના ગૃહયુદ્ધની અડધી સદી પછી ઑગસ્ટસ નિરંકુશ સત્તાના બદલામાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાના વચન સાથે સત્તા પર આવ્યા હતા.
વિધાનસભાઓ અને જાહેર મંચોને બદલે શાહી દરબારની ગોપનીયતામાં રાજકારણનો ખેલ શરૂ થયો હતો. એ પછી સેનેટમાંનું કોઈનું પદ નહીં, પરંતુ તે વ્યક્તિ સમ્રાટ સાથે કેટલી નિકટતા ધરાવે છે તે મહત્ત્વનું બન્યું હતું. સિંહાસન પરના સમ્રાટની નજીક મહારાણીથી વધુ નિકટ બીજું કોઈ ન હતું.
કેલિગુલાના દરબારમાંના પોતાના અનુભવમાંથી મેસાલિના કંઈ શીખી હોય તો તે એ હતું કે સમ્રાટ સાથેની નિકટતાને લીધે કોઈ પણ રોમનને સત્તા તથા તક મળી શકે છે અને એ કારણે તેના જીવ પર જોખમ પણ સર્જાઈ શકે છે.

ઘાતકી રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images
રોમન દરબારમાં રાજકારણ બહુ ઘાતકી હતું. બીબીસી હિસ્ટરી ઍકસ્ટ્રા સાથે વાત કરતાં કારગિલ-માર્ટિને કહ્યું હતું કે "કિંમત બહુ મોટી હતી. સમ્રાટ માટે સમ્રાટપદ ગુમાવવાનો એકમાત્ર અર્થ મોત હતો. તેથી જ તેઓ સત્તાને વળગી રહ્યા હતા, કારણ કે પકડ જરાક ઢીલી થાય તો તેમનું મોત નક્કી હતું."
"ક્લાઉડિયો અને મેસાલિના તેમના પદ પરના જોખમથી બહુ સારી રીતે વાકેફ હતાં, કારણ કે તેમણે તેમના પુરોગામીઓને શાહી મહેલમાં રહેંસી નખાતા નિહાળ્યા હતા."
"કેલિગુલાની હત્યા બહુ ક્રૂર રીતે કરવામાં આવી હતી. તેના માંસના ટુકડા લોકોએ ખાધા હોવાની અફવા પણ હતી."
કારગિલ-માર્ટિને કહ્યું હતું, "કેલિગુલાની સાથે તેમનાં પત્ની તથા યુવા પુત્રીની પણ હત્યા કરવામાં આવી હતી, કારણ કે તેમને સંભવિત ભાવિ જોખમ ગણવામાં આવ્યાં હતાં."
આ બધું બન્યું ત્યારે ભાવિ કારભારીને પણ કેલિગુલાની દીકરી જેટલી જ વયની દીકરી હતી અને મેસાલિનાને આઠ માસનો ગર્ભ હતો. બાદમાં તેણે તેના પુત્ર અને વારસદાર બ્રિટાનિકસને જન્મ આપ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
"તેથી જ મને લાગે છે કે મેસાલિના સત્તા પર આવ્યાં તેના પહેલા દિવસથી જાણતાં હતાં કે સત્તા પર અંકુશ જાળવી રાખવા માટે તેમણે શક્ય તેટલું બધું જ કરવું પડશે. મેસાલિનાએ તેના સમગ્ર કાર્યકાળમાં એ જ કર્યું હતું."
લગભગ એકાદ દાયકા સુધી મેસાલિના ભૂમધ્ય સમુદ્ર પ્રદેશમાં સૌથી શક્તિશાળી મહિલા હતી. તે ખતરનાક શાહી દરબારમાં સર્વેસર્વા હતી અને પોતાનું સ્થાન જાળવી રાખવા માટે લગભગ કંઈ પણ કરવા કાયમ તૈયાર રહેતી હતી.
તે રાજકીય ષડયંત્રોમાં સામેલ થઈ હતી અને પોતાના રાજકીય દુશ્મનોના દેશનિકાલ અથવા તેમની ફાંસીનો પ્રબંધ કર્યો હતો. ઇસવી સન 48માં મેસાલિનાની બહુ રહસ્યમય સંજોગોમાં હત્યા કરવામાં આવી ત્યાં સુધી તે બહુ સફળતાપૂર્વક પોતાનું રાજ ચલાવતાં રહ્યાં હતાં.

તમામ સ્મૃતિ ભૂંસી નાખવામાં આવી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મેસાલિનાના મોત બાદ તેમના વિશેની બધી સ્મૃતિનો નાશ કરવામાં આવ્યો હતો. તેમની પ્રતિમાઓ તોડી પાડવામાં આવી હતી અને શિલાલેખોમાંથી તેમનું નામ પણ ભૂંસી નાખવામાં આવ્યું હતું.
એ પછીના દાયકાઓના ઇતિહાસમાં તેમના વિશે જાતજાતની અફવાઓ ફેલાઈ હતી અને તેમનું નામ વિકૃત અને જાતીય રીતે ભૂખાળવી સ્ત્રીનો પર્યાય બની ગયું હતું.
મેસાલિના કાળા વાળ, કામુક નિતંબ અને કોઈ પણ માણસ પ્રેમમાં પડી જાય તેવું સ્મિત ધરાવતી સુંદરી હતાં. પ્રથમ અને બીજી સદીના કવિ ડેસિમો જુનિયો જુવેનલની કૃતિઓનાં તેઓ નાયિકા હતાં. મેસાલિનાને કવિએ વ્યંગમાં ‘શાહી વેશ્યા’ ગણાવ્યાં હતાં.
મેસાલિના વિશે કહેવાય છે કે તેમના પતિ ઊંઘી જાય કે તરત તે, પોતાની ઓળખ છુપાવવા સોનેરી વિગ પહેરીને મહેલમાંથી નીકળી જતાં હતાં અને વેશ્યાલયમાં જતાં હતાં, કારણ કે તેમને આરામદાયક પલંગને બદલે સસ્તા ખાટલા વધુ પસંદ હતા.
વેશ્યાલયમાં મેસાલિના તેમના ગ્રાહકો સાથે "અનાવૃત્ત અવસ્થામાં" સહશયન કરતાં હતાં. આખી રાત જાતીય પ્રવૃત્તિ કરવાથી થાકી જવા છતાં અતૃપ્ત રહેતી મેસાલિનાને વેશ્યાના દલાલોએ વેશ્યાલયમાંથી હાંકી કાઢવાં પડતાં હતાં.
મેસાલિનાનો કથિત જાતીય વ્યભિચાર સદીઓથી નવલકથાઓ, નાટકો અને ફિલ્મોનો વિષય બનતો રહ્યો છે.
કારગિલ-માર્ટિને કહ્યું હતું કે "મેસાલિના મૃત્યુ પછી અનિયંત્રિત સેક્સ્યુએલિટીનું પ્રતીક બની ગયાં હતાં. તેમની રાજકીય કારકિર્દી વિશેની લગભગ તમામ વાર્તાઓમાં મેસાલિનાને જાતીય રીતે અત્યંત ભૂખી સ્ત્રી ગણાવવામાં આવતાં રહ્યાં છે."
"જો વધારે તપાસ કરીએ અને તેમના રાજકીય નિર્ણયોનું મૂલ્યાંકન કરીએ તો મને લાગે છે કે મેસાલિના તેમના તથા તેમના પતિ પરના તમામ સંભવિત જોખમને ટાળવા ઇચ્છતી હતી, કારણ કે પોતાનું અને પોતાના સંતાનોનું ભાવિ ક્લાઉડિયસની સર્વોપરિતા સાથે જોડાયેલું છે, એ તે જાણતી હતી," એમ તેમણે ઉમેર્યું હતું.

અપવાદરૂપ મહિલા

ઇમેજ સ્રોત, Getty Images
પ્રાચીન રોમના ઇતિહાસકારોએ જેની છબી વિકૃત નાખી હોય તેવાં મેસાલિના એકમાત્ર મહિલા નથી. કારગિલ-માર્ટિનના કહેવા મુજબ, "મેસાલિના જેટલું જટિલ વ્યક્તિત્વ બીજી કોઈનું ન હતું. તેઓ અપવાદરૂપ હતાં. તે લૈંગિક અર્થમાં ઉદાહરણરૂપ ખરાબ મહિલા બન્યાં હતાં, પરંતુ તેમની સાથે એ પણ નોંધવું જોઈએ કે રોમમાં શક્તિશાળી મહિલાઓની નિંદા કરવાનો આ એકમાત્ર માર્ગ ન હતો. બીજા વિકલ્પો પણ હતા."
તેમણે ઉમેર્યું હતું કે, "દાખલા તરીકે, મેસાલિનાની અનુગામી એગ્રિપિનાને પણ બહુ ખતરનાક પ્રકારનાં ખરાબ મહિલા ગણાવવામાં આવ્યાં હતાં, પરંતુ મેસાલિનાથી તદ્દન વિપરીત અર્થમાં. રાજકારણ તો પુરુષોનું ક્ષેત્ર છે અને મેસાલિના મહિલા હતાં એ અર્થમાં તેમનું વ્યક્તિત્વ જાતીય રીતે અત્યંત ઉન્મુક્ત, અતાર્કિક અને ઉલ્લંઘનકારી લાગે છે."
"એગ્રિપિના ખુદને ઉલ્લંઘનકર્તા તરીકે રજૂ કરે છે, કારણ કે તેમનું વર્તન પુરુષો જેવું, બહુ જ તર્કસંગત અને ખૂબ જ મહત્ત્વાકાંક્ષી છે."

મોતની સજા પહેલાં આત્મહત્યાનો પ્રયાસ

જોકે, તેમના વિશે કહેવામાં આવ્યું છે તે બધું જ ખોટું નથી.
"રોમન ઇતિહાસકારોને ચોક્કસ પ્રકારનાં પાત્રો સર્જવાનું ગમતું હતું અને મેસાલિના અનિયંત્રિત સેક્સ્યુએલિટીનું પ્રતિક હતી. તેથી તેઓ વ્યભિચારી મહિલા હતા એ વિચાર સાથે આપણે સંપૂર્ણપણે અસહમત થઈ શકીએ નહીં.”
જુવેનાલે વર્ણવેલી કથા જેવી અફવાઓ સિવાયની બીજી વાતો વધારે બુદ્ધિગમ્ય છે, એવું કારગિલ-માર્ટિને નોંધ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે એ સમયના રંગમંચના સૌથી મોટા સ્ટાર મેનેસ્ટર તેમજ આખા રોમમાં સૌથી સોહમણા ઉમરાવ ગણાતા ગાયસ સિલિયસ સાથે મેસાલિનાને લગ્નેતર સંબંધ હોય તે શક્ય છે.
પોતાની જાતીય ઇચ્છાને છુપાવ્યા વિના કોઈ પણ પ્રેમી સાથે મોજ માણવાનું તેમણે નક્કી કર્યું હોવાનું પણ કહેવાય છે.
કારગિલ-માર્ટિને કહ્યું હતું, "તેથી આપણે જેને એક અવિશ્વસનીય નાટકીય ઘટના ગણીએ છીએ તેના પર 48 વર્ષના અંતે મેસોલિનાના મોત સાથે પૂર્ણવિરામ મૂકાયું હતું."
લેખકે ઉમેર્યું હતું કે "સૂત્રોના જણાવ્યા મુજબ, ક્લાઉડિયસ, ઑસ્ટિયા તથા મેસાલિના નામના બંદરીય શહેરોની મુલાકાતે ગયા હતા અને પ્રેમમાં પાગલ ગાયસ સિલિયસે સમ્રાટ દૂર હતા ત્યારે લગ્નનો નિર્ણય કર્યો હતો. એ પછી તેમણે બળવો કર્યો હતો અને રોમ કબજે કર્યું હતું."
આ આશ્ચર્યજનક ઘટનાની નોંધ ટેસીટસ જેવા રોમન અનેક ઇતિહાસકારોએ લીધી છે. એ વૃતાંત નોંધતા ટેસીટસે લખ્યું હતું કે "હું જાણું છું કે તે અવિશ્વસનીય લાગશે, પણ રોમ જેવા જાગ્રત શહેરમાં કોઈએ ભાગ્યે જ આટલી સલામતી અનુભવી હશે. તે ચોક્કસ દિવસે સાક્ષીઓની હાજરીમાં, નિયુક્ત અધિકારી અને સમ્રાટનાં પત્ની કાયદેસરના લગ્નના હેતુ માટે મળ્યાં હતાં."
"મહિલાએ આશીર્વચન સાંભળ્યાં હતાં, બુરખો ધારણ કર્યો હતો અને લગ્નની જરૂરી વિધિ કરી હતી. બાદમાં એ બન્નેએ મહેમાનો સાથે ભોજન કર્યું હતું, એકમેકને ચુંબન કર્યું હતું, આલિંગન આપ્યું હતું અને આખરે સુહાગરાત ઊજવી હતી."
"આમાં કલ્પનાનો કોઈ રંગ ઉમેરવામાં આવ્યો નથી. હું જે નોંધીશ તે મારા વડીલોની મૌખિક અથવા લેખિત જુબાની પર આધારિત હશે."
ક્લાઉડિયસ અપેક્ષા અનુસાર ઉતાવળે રોમ પાછા ફર્યા હતા. મેસાલિનાના ભૂતપૂર્વ સાથી અને સમ્રાટના સલાહકાર ફ્રીડમૅર નાર્સિકોએ પરિસ્થિતિની લગામ સંભાળી લીધી હતી.
થોડા કલાકોમાં જ સિલિયસ અને મહારાણીના મેનેસ્ટર સહિતના આઠ પ્રેમીની ધરપકડ કરવામાં આવી હતી, તેમની સામે ખટલો ચલાવવામાં આવ્યો હતો અને તેમને ફાંસી આપવામાં આવી હતી.
મેસાલિનાએ તેમના પતિ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે નાર્સિકોએ તેમને અટકાવ્યાં હતાં અને ક્લાઉડિયસે તેમની પત્ની સામે બીજા દિવસે ખટલો ચલાવવાનો આદેશ આપ્યો હતો.
તેમને ડર હતો કે સીઝર ફરીથી મેસાલિનાના પ્રેમમાં પડી જશે અને તેને માફ કરશે. તેથી નાર્સિકોએ મેસાલિનાની હત્યા માટે રોમના ટોચના લશ્કરી અધિકારીઓને મોકલ્યા હતા.
એ વખતે મેસાલિના રાજમહેલના બગીચામાં છુપાઈ ગયાં હતાં. બચવાનો કોઈ માર્ગ નથી, એવું વિચારીને મેસાલિનાએ હત્યારાઓના આગમન પહેલાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ માટે એક વ્યક્તિની મદદ જરૂરી હતી. એ વ્યક્તિએ મેસાલિનાની છાતીમાં તલવાર ભોંકી દીધી હતી.

આવું બની શકે?
કારગિલ-માર્ટિન માને છે કે આ કથા અનેક કારણસર બહુ જ શંકાસ્પદ છે.
તેમણે કહ્યું હતું કે "મેસાલિના અને સિલિયસે ક્લાઉડિયસ સામે બળવો કરવાનો પ્રયાસ કર્યો હતો તેના કોઈ નક્કર પુરાવા નથી. વળી, તમારો પતિ જગવિખ્યાત સમ્રાટ હોય અને તમે તમારા પ્રેમી સાથે લગ્ન કરવાનું પગલું ભરો તો તમારી પાસે ભવિષ્યની યોજના હોવી જોઈએ."
એ ઉપરાંત મેસાલિના પાસે એવું કરવાનું કોઈ કારણ ન હતું, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે “તેનાથી તેની સ્થિતિમાં કોઈ ફરક પડવાનો ન હતો, પરંતુ ક્લાઉડિયસ સત્તા પર રહે તો તેમનાં બાળકોના ભાવિ પર ગંભીર જોખમ સર્જાય તે નક્કી હતું."
"મને એવું લાગે છે કે વાસ્તવમાં તે મેસાલિના સામેનો બળવો હતો. તેનું કાવતરું પોતાના ભાવિ માટે મેસાલિનાને જોખમ ગણતા શાહી પરિવારમાંના તેમના ભૂતપૂર્વ સાથીઓએ ઘડ્યું હતું. મેસાલિનાથી છુટકારો મેળવવા નાર્સિસસે આખું ષડયંત્ર રચ્યું હતું અને એમાં તે સફળ થયા હતા."
રોમના બગીચામાં મેસાલિનાની હત્યા કરવામાં આવી એ પછી ક્લાઉડિયસને તેમના મોતના સમાચાર આપવામાં આવ્યા હતા. ક્લાઉડિયસે કોઈ ખુલાસો માગ્યો ન હતો, પરંતુ વધુ એક ગ્લાસ વાઇન માગી હતી, એવું માનવામાં આવે છે.














