અયાઝ મલિક : અર્મેનિયાનો ગુલામ, જેણે ગુજરાતના દરિયાની રક્ષા કરી

મોહમ્મ્દ બેગડાએ ગુલામ અયાઝની શક્તિ પિછાણી (પ્રતીકાત્મક)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મ્દ બેગડાએ ગુલામ અયાઝ મલિકની શક્તિ પિછાણી (પ્રતીકાત્મક)
    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

એક અગ્રણી ઉદ્યોગપતિને સફળ ઉદ્યોગસાહસિક થવા માટેના પરિબળો પૂછતાં એમણે કહ્યું કે એ માટે પાંચ D જોઈએ.

પહેલો D એટલે કે ડ્રીમ, એક એવું સ્વપ્ન કે જેની પાછળ ખુવાર થઈ જઈએ તો પણ એ વહાલું લાગે. પણ માત્ર સ્વપ્ન હોય અને શેખચલ્લી બનીને સપનાંને જોયાં કરો તો કાંઈ નીપજે નહીં. બીજો D એટલે ડિઝાયર, પોતાનું લક્ષ્ય પામવા માટેની ન રોકી શકાય તેવી ધગધગતા દાવાનળ જેવી ઇચ્છાશક્તિ.

ડ્રીમ અને ડિઝાયર બે ભેગા થયા એટલે થોડો પિંડ બંધાયો, પણ આગળ વધવા માટે હવે જોઈએ ડેરિંગ. ડેરિંગ એટલે હિંમત, સાહસ. એટલા માટે જ કહેવાય છે કે 'સાહસે શ્રી વસતી'. પોતાનું લક્ષ્ય પામવા માટે એક ચોક્કસ ગણતરી સાથેનું સાહસ એ ત્રીજું પગથિયું છે.

ત્યાર પછીનો D એટલે ડીટર્મિનેશન, કરોળિયાવૃત્તિ, ગમે તેટલી વાર નિષ્ફળ જવાય તો પણ ફરી બેઠા થઈને એ જ ધંધે લાગવાની ક્ષમતા. પણ...

આ બધું હોય તો પણ સફળતાથી એક વેંત છેટા રહી જવાય. એ માટે જોઈએ પાંચમો D એટલે ડેસ્ટિની, એટલે ભાવિ, જે સૌને દોરે છે.

line

ગુલામ તરીકે વેચાણ

અયાઝ મલિકની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Heritage Images

ઇમેજ કૅપ્શન, મૂળ અર્મેનિયાના અયાઝ મલિક સવાયા ગુજરાતી નિવડ્યા (પ્રતીકાત્મક)

આ નસીબ રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવી દે છે. કિસ્મતના જ એવા એક સર્જનની વાત માંડવી છે.

એ સર્જન એટલે 16મા સૈકામાં ફિરંગીઓ (પોર્ટુગીઝો) જ્યારે દરિયા પર આધિપત્ય જમાવીને આક્રમણ કરતા, મધદરિયે ભલભલા શાહસોદાગરોના માલ લૂંટી લેતા અને વહાણો સળગાવી દેતાં.

એ અરસામાં ગુજરાત અને તેના દરિયાઈ વેપારનું રક્ષણ કરનાર એક બાળક ઈ.સ. 1451માં જ્યોર્જિયામાં જન્મ્યો.

રશિયા, તુર્કીસ્તાન, અર્મેનિયા અને અઝરબાઇઝાનની સરહદથી વીંટળાયેલો જ્યોર્જિયા પ્રદેશ આગળ જતાં સોવિયેટ યુનિયનનો ભાગ બન્યો.

આ બાળક યુરોપ અને એશિયાની સંસ્કૃતિના મિશ્રણરૂપ લોહી ધરાવતો 'યુરેશિયન' પ્રજાનો દીકરો હતો. એનું નામ હતું મલિક અયાઝ (1451-1522).

એની તકદીરે એની સાથે ગજબની રમત માંડી હતી. એની જીવનકથની કોઈ થ્રિલરથી કમ નહોતી.

તુર્કોએ મલિક અયાઝને પકડ્યો, ગુલામ બનાવ્યો અને સુલતાન મહંમદ બેગડાના દરબારમાં એને પણ બીજા ગુલામો સાથે બાદશાહ સામે પેશ કરવામાં આવ્યો.

મહંમદ બેગડાએ આ બાળકને જોઈને કોણ જાણે શી પ્રેરણા થઈ કે એણે તેને ગુલામીમાંથી મુક્ત કરવાનું ફરમાન કર્યું. તકદિરે ફરી એક વાર પલટો લીધો.

મહંમદ બેગડાની પરખ સાચી હતી. આ યુરેશિયન મલિક અયાઝ જેમ-જેમ મોટો થતો ગયો, એક શક્તિશાળી વ્યૂહરચનાકાર અને કુશળ શાસકનાં લક્ષણો તેનામાં ભરપૂર ખીલી ઊઠ્યાં.

line

ગુલામ બન્યો દરિયાનો શાહ

અયાઝે ગુજરાતના વેપારીઓને પોર્ટુગીઝોના ત્રાસથી મુક્ત કર્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અયાઝે ગુજરાતના વેપારીઓને પોર્ટુગીઝોના ત્રાસથી મુક્ત કર્યા

પરિસ્થિતિને પારખવાની અને તેના ઉપર હાવી થઈ જવાની મલિક અયાઝની સૂઝ ગજબની હતી.

એના પરાક્રમ તેમજ કુદરતે બક્ષેલા ગુણોની કદરરૂપે મહંમદ બેગડાએ એને 1478માં દીવ બંદરનો ગવર્નર અને ગુજરાતના નૌકાધિપતિ તરીકે નિમણૂક કરી.

પોતાની આ જવાબદારીના ભાગરૂપે અયાઝે એક નવી ઓળખ સાથેનું શક્તિશાળી નૌકાદળ ઊભું કર્યું. ગુજરાતનો દરિયાકાંઠો સુરક્ષિત કરી ગુજરાતના વેપારીઓને નિર્ભય બનીને દરિયો ખેડતા કર્યા.

આ નૌકાદળની મદદ વડે હિંદ મહાસાગરમાં આરબોનો ભય દૂર કરીને હિંદ મહાસાગર સુરક્ષિત કર્યો.

અગાઉ સોલંકીકાળમાં ગુજરાતના જૈન, હિંદુ અને મુસલમાન વેપારીઓ રશિયા અને આફ્રિકા સાથે બેરોકટોક વેપાર કરતા અને એ દેશોમાંથી રળેલી મબલક સંપત્તિ ગુજરાતને સમૃદ્ધ બનાવતી.

અયાઝ માત્ર યુરેશિયન યોદ્ધા ન હતા એ પોતે પણ વેપારવણજની ઊંડી સૂઝ ધરાવતો ચૌલ, મલબાર અને કોરોમંડળના કિનારા ઉપરાંત ઇન્ડોનેશિયા, ચીન, ઈરાન, અરેબિયા અને ઇજિપ્ત સાથે વેપાર કરતા.

500થી 800 ટનનાં ચાર વહાણ એની અંગત માલિકીનાં હતાં.

line

દીવનો દરિયાદિલ

પોર્ટુગીઝોના કબજામાં દીવના કિલાનો નક્શો (1738)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોર્ટુગીઝોના કબજામાં દીવના કિલાનો નક્શો (1738)

આમ અયાઝ મલિક ગુજરાતનો નૌકાધ્યક્ષ હોવા ઉપરાંત એક રાજદ્વારી પુરુષ પણ હતો.

અયાઝે પહેલાં મહંમદ બેગડો અને ત્યારબાદ તેના અનુગામી સુલતાન મુઝફરશાહ (1511 -1526)નો વિશ્વાસ સંપાદન કર્યો હતો.

આ બધા રાજાઓ અને સુલતાનો પાસે જમીન ઉપર ભીષણ યુદ્ધને અંજામ આપી શકે તેવો શસ્ત્રસરંજામ હતો, પણ પોતાની જમીનની સરહદને લગોલગ આવેલ દરિયાના પાણીમાં યુદ્ધ કરવાની એમની સૂઝ-સમજ કે તાકાત નહોતી.

અયાઝ મલિકની ચકોર દૃષ્ટિમાંથી આ બહાર રહી શકે ખરું? તત્કાલીન શાસકોનો સહકાર અને રજામંદીથી અયાઝે પોતાના નૌકાદળને તોપખાનાં અને તોપચીઓથી સજ્જ કર્યું.

આ પ્રકારે શસ્ત્રસજ્જ નૌકાદળ હિંદ મહાસાગરમાં ડારો દેવા લાગ્યું. અયાઝ પોતે પણ વેપારી તરીકે કાઠું કાઢ્યું હતું.

એની વેપારી તરીકેની સૂઝને કારણે દેશ-વિદેશના વેપારીઓ દીવ તરફ આકર્ષાય એ હેતુથી દીવની કસ્ટમ-ડયૂટી ઘટાડી.

સાથોસાથ વહાણોને સલામત રીતે લંગારવા તેમજ તેમાં માલ ચડાવવા-ઉતારવા માટેની આંતર માળખાકીય સવલતોમાં પણ દીવ બંદરે કાઠું કાઢ્યું.

line

તોપ : મલિકની તાકત

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

પરિણામ સ્વરૂપ 1515માં ગુજરાતની મુલાકાત લેનાર પોર્ટુગીઝ મુસાફર ડુરાટ બાર્બેસાએ મલિક અયાઝને એક દક્ષ વહીવટકર્તા, સમર્થ વ્યાપારી, મુત્સદ્દી રાજનીતિજ્ઞ, નૌકાઅધ્યક્ષ અને દીવ બંદરના ઘડવૈયા તરીકે બિરદાવ્યો છે.

ડુરાટ બર્બોસાના શબ્દોમાં : "જ્યોર્જિયાનો આ મુસલમાન વેપારી અને નૌકાધિપતિ સહિષ્ણુ છે, તેનામાં ધર્માંધતાનો છાંટો પણ નથી, તેથી જ ગુજરાતના વૈશ્યો ઉપરાંત કેટલાક ભાટિયા, લોહાણા અને રાજપૂતો નિર્ભીક રીતે દરિયો ખેડી શકે છે."

"મુસલમાનોમાં તુર્ક, આરબ. તુરાની, ઈરાની, ઇજિપ્તના મામલૂકો, ખુરસાની વગેરે જેવી અલગ અલગ ઓળખ છે."

"મલિક અયાઝ તેમની અને મૂર્તિપૂજકોની વચ્ચે ભેદભાવ રાખતો નથી.... મલિક અયાઝનાં વહાણ યુદ્ધજહાજો અદ્યતન તોપો અને તોપચીઓથી સજ્જ છે. સૌ તોપચીઓ 'મૂર' (મુસલમાન) છે."

"ગુજરાતના મૂર લોકો અને જેન્ટુ (જૈન અને હિન્દુ) વેપારીઓ જ્યારે તેમનાં વહાણો સાથે દરિયાઈ સફર કરે છે, ત્યારે મલિક આયઝનું નૌકાદળ તેમનું રક્ષણ કરે છે. મલિકે દીવને આંતરરાષ્ટ્રીય બંદર તરીકે વિકસાવ્યું છે."

સમય બદલાતો જતો હતો. ધીરે-ધીરે દરિયા ઉપર પોર્ટુગીઝોનું પ્રભુત્વ વધવા માંડ્યું હતું. ઈસ 1512માં પોર્ટુગીઝોએ હિન્દ મહાસાગર ઉપર પોતાનું પ્રભુત્વ જમાવ્યું.

પોતાનો માલ સલામતીપૂર્વક દરિયાઈમાર્ગે લાવવો લઈ જવો હોય તો પોર્ટુગીઝોની આણ સ્વીકારીને ગુજરાતી વેપારીઓએ તેમની પાસેથી પરવાના ખરીદવા જ પડે. જે આવું ન કરે એનાં વહાણો મધદરિયે લૂંટાઈ જાય કે તેને સળગાવી નાખવામાં આવે.

આ કિસ્સામાં 'હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' જેવો ઘાટ હતો. પોર્ટુગીઝ વહાણવટી વાસ્કો-દ-ગામાને દીવો લઈને ઘર બતાવવાનું કામ કચ્છી વહાણવટી કાનજી માલમે કર્યું હતું.

વાસ્કો-દ-ગામા 1948માં છેક લિસ્બન બંદરેથી કાલિકટ આવ્યો હતો. તે સમયે પૂર્વ આફ્રિકાના મલિંદી બંદરેથી કાલિકટ સુધી એનું વહાણ હંકારીને લઈ આવનાર કચ્છીમાંડુ કાનજી માલમ હતો.

ભારતનો વિદેશી વ્યાપાર એ જમાનામાં ધમધમતો હતો. એનું નાક દબાવવા માટે પોર્ટુગીઝોએ 15મા સૈકાની શરૂઆતથી હિંદ મહાસાગરમાં બેફામ ચાંચિયાગીરીનું સામ્રાજ્ય ઊભું કર્યું.

line

મલિક અયાઝ વિ. મલિક ગોપી

શિવાજીની તસવીર
ઇમેજ કૅપ્શન, સુરતની સંપત્તિથી આકર્ષાઈને શિવાજીએ તેની ઉપર આક્રમણ કરેલું

બરાબર આ જ સમયે મલિક અયાઝે એના નૌકાદળને વધારે લડાયક બનાવીને હિંદી મહાસાગરને ગુજરાતીઓ માટે ભયમુક્ત ઝોન બનાવ્યો.

હવે પોર્ટુગીઝો મહંમદ બેગડા ઉપર દબાણ કરવા લાગ્યા કે એ દીવમાં પોર્ટુગીઝોને કિલ્લો બાંધવા દે.

પોર્ટુગીઝોની ધાક એટલી બધી વધી ગઈ હતી કે એમના નક્કી કર્યા મુજબ ગુજરાતીઓનાં વહાણો સૌપ્રથમ ગોવા આવે, ત્યાં કસ્ટમ-ડ્યૂટી ભર્યા પછી જ બીજે સફર કરી શકે.

જો ગુજરાતીઓએ પોર્ટુગીઝ ચાંચિયાઓથી તેમનાં વહાણોનું રક્ષણ કરવું હોય તો ગોવાના ગવર્નર પાસેથી પાસ ખરીદવો અનિવાર્ય હતો.

અયાઝના સમકાલીન સુરતના નાગર મલિક ગોપીનું સુલતાનોને સૂચન હતું કે જો ગુજરાતના વેપારને ટકાવી રાખવો હોય તો સમાધાન કરવું જોઈએ.

મલિક ગોપીની મુસદ્દીગીરીમાં ભલે ફિરંગીઓ ખંભાત અને ઘોઘા બંદર પર કિલ્લા બાંધે અને પોતાની સલામતી ખાતર ભલે વેપારીઓ પાસ ખરીદે.

આ મુદ્દે પોર્ટુગીઝો સાથે સંઘર્ષમાં ઊતરવાના બદલે બાંધછોડનો રસ્તો શાણપણ છે.

કદાચ મલિક અયાઝના મન શૈશવકાળના ગુલામીના અનુભવો ઊંડી રીતે અંકિત હતા એટલે જ એને મલિક ગોપી જેવી મુસદ્દીગીરીમાં કોઈ ભલીવાર નહોતી દેખાતી.

ગોપી મલિક હંમેશાં મહંમદ બેગડા અને મુઝફ્ફરશાહને રાંદેર અને સુરતનું ઉદાહરણ આપતા. સમાધાન કર્યા બાદ પણ પોર્ટુગીઝો એ આ બંને સ્થળને લૂંટીને બાળી નાખ્યાં હતાં.

line

દરિયામાં ફિરંગીઓનું પાણી ઉતાર્યું

દીવના સંઘર્ષની તસવરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દીવના સંગ્રામ અંગે પોર્ટુગલની નેશનલ લાઇબ્રેરીમાં મૂકવામાં આવેલું જોસેફ ફ્રાન્સિયસનું ચિત્ર (સર્જન-1733)

અયાઝના મતે આમ કરવાથી સદીઓ જૂના વહાણવટાનું નખ્ખોદ નીકળી જાય. ફિરંગીઓએ એક વખત કિલ્લેબંધી કરી લે તો ગુજરાતને ગુલામ બનાવી દે, જે એને મંજૂર નહોતું.

1776ના અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે પેટ્રિક હેન્રીનું સૂત્ર હતું, "Give me liberty or give me death" અને સદીઓ પહેલાં આ જ વાત અયાઝ મલિકે સુલતાન સમક્ષ મૂકી હતી.

ક્યારેક એને યોગ્ય ગણી બાંધછોડ પણ કરી હશે પણ અયાઝ અણનમ રહ્યો.

1508થી 1521માં ઇજિપ્તના વહાણવટિયાઓનો સહકાર પ્રાપ્ત કરી એણે પોર્ટુગીઝ વહાણોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. મૃત્યુપર્યંત એ લડતો રહ્યો.

મૂળ યુરેશિયન ગુલામ તરીકે મહંમદ બેગડાના દરબારમાં પેશ થયો અને બાદશાહની માણસ પારખું નજરે એને ગુલામીમાંથી મુક્ત કર્યો.

ત્યારબાદ હંમેશાં એણે ફિરંગીઓની ગુજરાતમાં થાણા નાખવાની અને ગુજરાતી વ્યાપારીઓને લૂંટવાની ક્ષમતા ઉપર સીધો પ્રહાર કરી તેમને નમાવ્યા.

line

ગુજરાતી નહીં, સવાયો ગુજરાતી

દીવના સંઘર્ષ અંગેની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દીવના સંઘર્ષ (નવેમ્બર-1546) અંગે લિસ્બનમમાં મુકાયેલું ચિત્ર (1764)

છેવટે 1521માં 70 વર્ષના વયોવૃદ્ધ ઍડમિરલે પોતાના નાયબ ઍડમિરલ આગા મહુમદની મદદથી ડિયોગો લોએઝોનો જાફરાબાદ પરનો હલ્લો વહાણો ઉપર સતત તોપમારો કરીને ખાળ્યો.

બીજે જ વરસે 1522માં મલિક અયાઝ દીવની પાસે આવેલા ઉના ટાપુમાં મૃત્યુ પામ્યો, જ્યાં આજે પણ એની એકલીઅટૂલી કબર છે.

પારકી ધરતી ઉપર જન્મેલા અયાઝ આજીવન ગુજરાતી બની રહ્યા અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ફિરંગીઓને એણે ગુજરાતની ધરતીમાં ઠરીઠામ ન થવા દીધા કે ન તો હિંદ મહાસાગરમાં પોર્ટુગીઝ ચાંચિયાઓનું આધિપત્ય સ્થાપવા દીધું.

ગોપી મલિકના લોહીમાં મુસદ્દીગીરી હતી. આથી, ઊલટું મલિક અયાઝ યુરેશિયન હતો. એક ગુલામ તરીકેની જિંદગી જીવી હતી.

ગુલામીની મજબૂરીઓ અને યાતનાઓ એના બાળપણની સ્મૃતિના ભંડકિયામાં સંગ્રહાયેલી પડી હતી અને એટલે એ છેવટ સુધી સંઘર્ષ કર્યો.

પોતાને જે જવાબદારી સોંપવામાં આવી હતી તે નૌકાઅધ્યક્ષ તરીકેની જવાબદારી ખુમારીપૂર્વક અદા કરી.

જો મલિક ગોપીની માફક એણે સમાધાનકારી માર્ગ સ્વીકાર્યો હોત, તો કદાચ ભારતની ગુલામીનો ઇતિહાસ જુદી જ રીતે લખાયો હોત. એટલે જ માલિક અયાઝ યુરેશિયન નહીં, પણ સવાયો ગુજરાતી હતો.

line

દીવ, દમણ, ગોવા અને ફિરંગી

ગોવામાં ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટે પોર્ટુગીઝોએ અનેક ચર્ચનું નિર્માણ કરાવ્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગોવામાં ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટે પોર્ટુગીઝોએ અનેક ચર્ચનું નિર્માણ કરાવ્યું

મલિક અયાઝના મૃત્યુ બાદ ગુજરાત સલ્તનતના આ અગત્યના બંદર દીવને પોર્ટુગીઝોથી બચાવનાર કોઈ રહ્યું નહીં.

મજબૂર બની ગયેલા ગુજરાતના બાદશાહ બહાદુર શાહે સુલેહના ભાગરૂપે પોર્ટુગીઝોને દીવ પર કિલ્લો બાંધવાની મંજૂરી આપી.

એકવાર આ લોકોએ બાદશાહને દરિયામાં મિજબાની અને મંત્રણા માટે આમંત્રણ આપ્યું. બાદશાહ પોર્ટુગીઝોના આમંત્રણને માન આપી દરિયામાં ગયો ત્યારે એની હત્યા કરી દેવાઈ, બાદમાં તેમનું શરીરને દરિયામાં વહાવી દેવાયું

પોર્ટુગીઝોની આણ હવે દીવ પર વરતાવા માંડી અને છેક 1961 સુધી દીવ, દમણ અને ગોવા ઉપર પોર્ટુગીઝ ઝંડો ફરકતો રહ્યો. મલિક અયાઝની આશંકા સાચી પડી.

line

સંદર્ભસૂચિ :

પુસ્તકોની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

1. ગુજરાતના ઘડવૈયા, સ્વ-વિકાસની પ્રયોગશાળા (1૩મી સદીથી 19મી સદી સુધી), ગ્રંથ-1 - ડૉ. મકરંદ મહેતા, પ્રકાશન : અરુણોદય પ્રકાશન, વરસ 2007 પાનાં 9 થી 12

2. The book of Duarte Barbosa: an account of the countries bordering on the Indian Ocean and their inhabitants", p.130, Duarte Barbosa, Mansel Longworth Dames, Asian Educational Services, 1989, ISBN 81-206-0451-2

3. "A military history of modern Egypt: from the Ottoman Conquest to the Ramadan War", p.20, Andrew James McGregor, Greenwood Publishing Group, 2006, ISBN 0-275-98601-2

4. Portuguese and the Sultanate of Gujarat, p. 30 Mittal Publications

5. Michael Naylor Pearson, "Merchants and rulers in Gujarat: the response to the Portuguese in the sixteenth century", p. 70 University of California Press, 1976 ISBN 0-520-02809-0

6. 'અમદાવાદ સલ્તનતનું બંદર દીવ અને તેનો અજેય જનરલ મલિક અયાઝ', નવગુજરાત સમય દૈનિક, તા. 25.11.2019, પાના નં-2

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન