રામસિંહ માલમ: ઐતિહાસિક આયનામહેલનો સર્જક

રામસિંહ માલમ

ઇમેજ સ્રોત, Ranmal Sindhav

ઇમેજ કૅપ્શન, રામસિંહ માલમ
    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બી. બી. સી. ગુજરાતી માટે

ઈસુની સદીની શરૂઆત થઈ ત્યાંથી માંડીને પહેલાં અંદાજે 1600 વર્ષ ભારત અને ચીન દુનિયાના કુલ જી.ડી.પી (ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રોડ્કશન, કુલ ઘરેલું ઉત્પાદન) 50 ટકા કરતાં વધુ ફાળો ધરાવતાં હતાં.

અઢારમી સદીના સમય ગાળામાં જેના કારણે આ સમગ્ર પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું તેનું કારણ 1750 બાદ ધીરેધીરે યુરોપમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને ઉત્પાદનની પ્રક્રિયામાં મશીનોનો વધતો જતો પ્રભાવ હતો.

આ ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ તે સમયના બ્રિટને લીધું. આનું એક મહત્ત્વનું પરિબળ 18મી સદીના મધ્યમાં યુરોપમાં થયેલો બહુ મોટો વસતીવધારો અને એને કારણે ઉપલબ્ધ બનેલું વિપુલ માનવબળ હતું.

ખાણ અને ખનીજ પ્રવૃત્તિ, ટેક્સ્ટાઇલ અને અન્ય ઔદ્યોગિક ક્ષેત્રે મશીનો ધીરેધીરે પગપેસારો કરતાં ગયાં. ઉત્પાદન, ગુણવત્તા અને ક્ષમતા ત્રણે વધ્યાં.

ઊંચી ગુણવત્તાના સ્ટીલનું ઉત્પાદન વધવાને કારણે રેલવે લાઇનો અને સ્ટીમ એન્જિન તેમજ વેગનોની મદદથી કોલસો અને સ્ટીલની મોટી માત્રામાં પરિવહન શક્ય બન્યું.

line
કોરોના વાઇરસ
line

યુરોપમાં, બ્રિટનનું બરાબર સમકક્ષ હરીફ ફ્રાન્સ પણ ઔદ્યોગિક ક્રાંતિને રસ્તે હતું.

બેલ્જિયમ જેવો દેશ કાચી લોહધાતુ અને કોલસાની વિપુલ ઉપલબ્ધિનો લાભ લઈ સ્ટીલ તેમજ ટેક્સ્ટાઇલ મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે બ્રિટનની જેમ જ આગળ વધ્યું. સ્વિટ્ઝર્લૅન્ડ જેવો દેશ જ્યાં કુદરતી સંશાધનો એટલી વિપુલ માત્રામાં નહોતા તેણે સિલ્ક વીવિંગ, કોટન પ્રોસેસિંગ અને ઘડિયાળના ઉત્પાદન જેવી ઊંચી ઇજનેરી સ્કિલ ધરાવતાં ક્ષેત્રોમાં પગપેસારો કર્યો.

ઔદ્યોગિક ક્રાંતિ સમયનું તેલચિત્ર

ઇમેજ સ્રોત, Heritage Images

ઇમેજ કૅપ્શન, ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન ઇંગ્લૅન્ડ તથા ફ્રાન્સ વચ્ચે હરીફાઈ હતી

સ્પેન, ગ્રીસ અને બાલ્કન જેવા દેશો ઔદ્યોગિકક્ષેત્રે એટલા આગળ ન વધ્યા અને વરસો સુધી એમનાં કૃષિઉત્પાદનો અને ત્યાંના ઉપલબ્ધ કાચા માલની નિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા રહ્યા.

તે સમયગાળામાં જર્મની નાના-નાના દેશોમાં વહેંચાયેલું હતું એટલે શરૂઆતમાં ઔદ્યોગિક ક્રાંતિમાં પાછળ રહ્યું પણ આગળ જતાં નવા કેમિકલ્સ અને ઇલેક્ટ્રોટેકનિકલ ઉદ્યોગોના ક્ષેત્રે એણે ગજું કાઢ્યું.

line

ભાંગેલું ભારત

કબી કસ્ટાની તસવીર

ઇમેજ સ્રોત, Chirag Seth

ઇમેજ કૅપ્શન, કચ્છના કબી કસ્ટાએ વહાણવટામાં ડંકો વગાડ્યો હતો ('સમુદ્રમંથન' નાટકમાં કબી કસ્ટાનાં પાત્રમાં આર.જે. દેવકી)

ઔદ્યોગિક ક્રાંતિની આ ગતિ જ્યારે સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને યુરોપ તેમજ લેટિન અમેરિકાના દેશોમાં ઝડપથી આગળ વધી રહી હતી, ત્યારે ઉત્પાદનક્ષેત્રે ટેકનૉલૉજીના વિભાગમાં ભારત ઝડપી પ્રગતિ કરી શક્યું નહોતું.

અદ્યતન ટેકનૉલૉજી ન આવે અને ગુલામ ભારત માત્ર કાચામાલ તેમજ હસ્તકલા કારીગરીના ક્ષેત્રમાં જ અટવાયેલું રહે તેવી અંગ્રેજ શાસકોની ગણતરી હતી.

જેમ કે, સુરતના ભીમજી પારેખ લંડનથી પ્રિન્ટિંગ માટેની મશીનરી લઈ આવ્યા પણ એ અહીંયા સ્થાપિત કરીને ટેકનૉલૉજી અંગેનું જ્ઞાન પૂરું પાડવા માટે જે ગોરા પ્રિન્ટિંગ ટેકનૉલૉજિસ્ટ સાથે કરાર કરીને અહીં બોલાવ્યા હતા, પરંતુ તે કામ અડધું છોડીને જતો રહ્યો.

બરાબર આવા સમયે કચ્છનો રામસિંહ માલમ પોતાના અસલ વહાણવટાના વ્યવસાયમાંથી ફંટાયો ને હૉલૅન્ડમાં 18 વરસ રહ્યો. પણ છેવટે વતનની યાદ એને પાછી ખેંચી લાવી.

પ્રશ્ન એ થાય કે આ રામસિંહ માલમ હૉલૅન્ડ કેવી રીતે પહોંચી ગયો?

line

રમતારામ રામસિંહ

ગુજરાતના દેશી જહાજ દેશદેશાવરની સફર ખેડતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતના દેશી જહાજ દેશદેશાવરની સફર ખેડતા

રામસિંહ મૂળ સૌરાષ્ટ્રના ઓખામંડળનો. એની કોમ વાઘેર. મુસલમાનોમાં ભડાલા અને હિન્દુઓમાં વાઘેરનો પરંપરાગત વ્યવસાય વહાણવટાનો.

ડૉ. મકરંદ મહેતા એમના પુસ્તક "ગુજરાતના ઘડવૈયા - સ્વવિકાસની પ્રયોગ શાળા, ભાગ 1"માં લખે છે તે મુજબ સર ઍલેક્ઝાન્ડર બર્ન્સે 1834માં તેમને વિશે લખ્યું હતું કે:

"રામસિંહ તેનો પિતા રૂપસિંહ મોટો નાખુદા (વહાણવટી) હતો અને એ અનેક ટંડેલ ગોલંદાજ અને ખારવાઓને લઈને પૂર્વ આફ્રિકાની મુસાફરી કરતો. તેઓ ચતુષ્કોણીય યંત્ર, આલેખો અને નકશાનો ઉપયોગ કરી વહાણો હંકારતા. રામસિંહ તો ખૂબ પ્રવીણ હતો."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ત્યારબાદ શ્રીમતી પોસ્ટાન નામની બ્રિટિશ લેખિકાએ 1838માં લખ્યું કે "રામસિંહ માલમને આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વહાણવટીઓ યાદ કરે છે અને એના નામના ઉલ્લેખો કરતાં લોકગીતો સમૂહમાં ગવાય છે."

શ્રીમતી પોસ્ટાનને મુંબઈથી માંડવી લઈ જનાર વીરજી નામનો માલમ હતો. તેણે અંગ્રેજી મહિલાને કહ્યું "મારા પૂર્વજ રામસિંહ માલમ હોકાયંત્રનો ઉપયોગ કરતા. ખગોળશાસ્ત્રના તેઓ પાકા જાણકાર હતા. તેઓ અનેક દેશો ઘૂમ્યા હતા અને કચ્છમાં તેમને યંત્ર વિષયવિદ્યા ખીલવી હતી.

line

મધદરિયે મોત સાથે મુલાકાત

દરિયામાં તોફાનમાં ફસાયેલું જહાજ

ઇમેજ સ્રોત, Fine Art

ઇમેજ કૅપ્શન, મોતને હાથતાળી આપી રામસિંહ હૉલૅન્ડ પહોંચ્યો

આમ વહાણવટાનો કસબ રામસિંહના લોહીમાં હતો. દાદા ગજસિંહ અને પિતા રૂપસિંહનો વારસો અને કુશળતા રામસિંહને મળ્યા હતા.

આ કૌશલ્યને આધારે એક ઉત્તમ સાગરખેડુ તરીકે તેઓએ અનેક સાહસો ખેડ્યાં હતાં.

ઈ.સ. 1833માં જ્યારે એ દરિયો ખેડવા નીકળ્યો, ત્યારે ઘૂઘવતા સમુદ્રમાં તેનું વહાણ ફસાયું, વહાણ ડૂબવાની તૈયારીમાં હતું.

આવા અકસ્માતો ઘણી વાર ઇતિહાસ ઘડતા હોય છે. જીવન-મરણ સાથે જંગ ખેલી રહેલા રામસિંહને અચાનક દૈવી મદદ મળી ગઈ. બાજુમાંથી પસાર થતા ડચ વહાણે એને બચાવી લીધો અને હૉલૅન્ડ લઈ ગયા.

એ જમાનામાં ડચ નાવિકો અને વેપારીઓ ગુજરાતના માંડવી, મુંદ્રા, ભરૂચ અને સુરત જેવાં બંદરો ઉપરાંત અમદાવાદ સાથે પણ વેપાર કરતા.

line

ગુજરાતમાં વિદેશીઓનો અંતિમ વિરામ

કાંકરિયા તળાવની તસવીર

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, અમદાવાદનના કાંકરિયા તળાવની વચ્ચે અનેક વિદેશીઓની કબરો

ગુજરાતના બંદરોનું મહત્ત્વ અને આ બારાં થકી ચાલતા વેપારથી આકર્ષાઈને અંગ્રેજોએ ઇ.સ. 1600માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની અને વલંદાઓએ 1602માં ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ભારતમાં વેપાર કરવા માટેનું પહેલું થાણું (કોઠી) સુરતમાં નાખી.

આ ભૂતકાળની સાક્ષી આપતી સત્તરમા સૈકામાં ગુજરી ગયેલા અંગ્રેજ અને ડચ વેપારીઓની કબરો સુરતમાં જોવા મળે છે.

અમદાવાદના રમણીય સ્થળ કાંકરિયા તળાવની બાજુમાં એક ઊંચી ટેકરી જેવો ભાગ આવેલો છે. આ જગ્યા 'વન ટ્રી હીલ' નામે ઓળખાય છે. ભૂતકાળની યાદી આપતી ડચ અને આર્મેનિયન કબરો અહીંયાં જોવા મળે છે.

આમ ગુજરાતના બંદરીય વેપાર સાથે પીઠ પ્રદેશ (હિન્ટરલૅન્ડ)ના મુખ્ય મથક તરીકે અમદાવાદ જોડાયેલું હતું અને એના સાહસિક વેપારીઓ અહીંયાં વિદેશ સાથે વેપાર કરીને ધનના ઢગલા કરતા.

line

માલ જ નહીં, વિચારોનો વાહક

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

હૉલૅન્ડમાં પોતાના વસવાટ દરમિયાન રામસિંહે ત્યાં થઈ રહેલ વિકાસ જોયો. ક્રિશ્ચિયન હ્યુજીન્સ નામના યંત્રશાસ્ત્રીએ ઈ.સ. 1657માં લોલકના સિદ્ધાંતને આધારે દીવાલ ઘડિયાળ બનાવવાની શરૂઆત કરી.

આ ઘડિયાળના ડાયલનો ભાગ ગોળ પણ બાકીનો ભાગ લાંબા માણસના પગ જેવો હતો. સચોટ સમય દર્શાવતું આ યંત્ર રામસિંહના મનમાં ઠસી ગયું. એ ડચ ભાષા નહીં જાણતો હોવા છતાં પણ પોતાની ધગશ અને સમજશક્તિના જોરે ઘડિયાળ વિદ્યા હસ્તગત કરી.

આ ઉપરાંત લોખંડ ગાળીને ઢાળવા માટેની ફાઉન્ડ્રી વિદ્યા અને એ થકી મોટીમોટી તોપો બનાવવાનું કામ પણ એણે શીખી લીધું.

રામસિંહે સોના-ચાંદી પર મીનાકારીની ટેકનૉલૉજી તેમજ કાચનાં જુદાંજુદાં ઉપકરણ પર પણ એણે હાથ અજમાવ્યો અને કુશળતા પ્રાપ્ત કરી.

રામસિંહનો જન્મ હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં થયો હતો

ઇમેજ સ્રોત, UniversalImagesGroup

ઇમેજ કૅપ્શન, રામસિંહનો જન્મ હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં થયો હતો

આ બધી વિદ્યાનો ઉપયોગ પોતાના વતનમાં કરવા માટેનું સ્વપ્ન સેવ્યું.

રામસિંહ માલમની યુરોપ યાત્રા અને દેશમાં પરત આવ્યા બાદ એના પ્રદાન અંગે શ્રી મહેન્દ્ર મેઘાણી "અડધી સદીની વાચનયાત્રા"માં ગુણવંતરાય આચાર્યને ટાંકીને નીચે મુજબ લખે છે.

"1770ની આસપાસ દ્વારકાનો એક વાઘેર નામે રામસિંહ માલમ યુરોપના પ્રવાસે ગયેલો. ત્યાંથી એ મીનાકારી, કાચ, લોખંડ અને હથિયારો બનાવવાના ઉપયોગો શીખી આવેલો."

"કેવળ ઉદ્યોગ જ નહીં, ફ્રાન્સની મહાન ક્રાંતિનો સંદેશ પણ લાવેલો અને એના સંદેશથી પ્રેરિત થઈને કચ્છની પ્રજા 1784માં પોતાના રાજા રાયઘણને પદભ્રષ્ટ કર્યો અને કચ્છના બાર મહાલના બાર પ્રજાકીય આગેવાનોની કાર્યવાહક સમિતિનો- બારભાયા કારભાર પણ સ્થાપેલો."

આમ રામસિંહ માલમ માત્ર ટેકનૉલૉજી ટ્રાન્સફરનો જ વાહક નહીં બનતાં વિચારોનો વાહક પણ બન્યો.

line

વિદ્યાને વરી વતનવાપસી

કચ્છના રાવસાહેબ

ઇમેજ સ્રોત, Hulton Archive

ઇમેજ કૅપ્શન, કચ્છના રાવ સાહેબ (1907માં)

વતનમાં પરત આવ્યા બાદ તેનું સ્વપ્ન પોતે અઢાર અઢાર વર્ષની તપસ્યા કરી જે વિદ્યા હસ્તગત કરી હતી તે અજમાવવાનું હતું પણ પૈસા અને બીજા બીજી સવલતો રાજ્યાશ્રય વગર શક્ય નહોતી.

પોતાની વાત લઈને રામસિંહ ઝાલાવાડ, ગોહિલવાડ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રના રાજા રજવાડાંઓ પાસે ગયો, પરંતુ રજવાડાં ભવિષ્ય ન ભાખી શક્યા.

યુરોપના વસવાટ દરમિયાન રામસિંહે જે મહત્ત્વનો ગુણ અર્જિત કર્યો હતો, તે હતી ધીરજ. આ કારણથી નિરાશ થયા વગર એ પ્રયત્ન કરતો રહ્યો અને આ પ્રયત્નના ભાગરૂપે એ કચ્છ પહોંચ્યો. નક્કી કરેલ ઘડી આવી પહોંચી હતી.

કચ્છના મહારાવ લખપતસિંહજી (1842-60) એક કુશાગ્રબુદ્ધિ અને પ્રગતિશીલ, વાકેફ માણસની પરખ કરવાની એમની દૃષ્ટિ અત્યંત તીવ્ર. રામસિંહની વાતમાં તેમણે ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોયો. એની વાત ધીરજથી સાંભળી અને વિચારી.

જેમજેમ રામસિંહ સાથેનો એમનો પરિચય વધતો ગયો તેમતેમ તેમનો વિશ્વાસ દ્રઢ બનતો ગયો.

line

રામસિંહને મળ્યા લખપતસિંહ

મીનાકારી વાળી ઘડિયાલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મીનાકારી, ઘડિયાલ તથા તોપની કળાને રામસિંહ કચ્ચ લાવ્યા

મહારાજા લખપતસિંહજીના રામસિંહ ઉપરના વિશ્વાસને કારણે આ તરવરિયા વ્યક્તિને તક આપવા ભુજમાં એક વર્કશોપનો આ કારણથી જન્મ થયો.

આ વર્કશોપમાં રામસિંહના માર્ગદર્શન નીચે લોખંડ ગાળવાની ભઠ્ઠી શરૂ થઈ જેમાંથી તોપો અને તોપગોળાનું ઉત્પાદન શરૂ થયું.

અન્ય એક વર્કશોપમાં સોના-ચાંદીનું મીનાકારીનું કામ તેમજ લાકડાનું કોતરકામ અને નકશીકામ શરૂ થયું. જેમ-જેમ સફળતા મળતી ગઈ, રામસિંહ અને તેના સાથીઓનો ઉત્સાહ અને જોમ વધવા લાગ્યા, જે પરિણામ આવ્યું તે અદ્ભુત હતું.

લખપતસિંહજી આ પરિણામો જોઈને ખુશ થઈ ગયા. રામસિંહ માટે હવે આગળ નવી તકોના દરવાજા આપોઆપ ખૂલી રહ્યા હતા.

line

વર્કશોપના વિદ્યાવાનોનું વિદેશાગમન

લૂવ્ર મ્યુઝિયમની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લખપતસિંહે તેમના ટેકનિશિયનોને પેરિસના લૂવ્ર મ્યુઝિયમ સહિત યુરોપના પ્રવાસે મોકલ્યા

લખપતસિંહજીએ રામસિંહ અને આ વર્કશોપમાં નીવડેલા બીજા ત્રણ ટેકનિશિયનોને યુરોપમાં મોકલ્યા. આ રીતે પૉલેન્ડ ઉપરાંત લંડન, પેરિસ, વિયેના અને યુરેશિયાની મુલાકાત લીધી.

આ મુલાકાત દરમિયાન તેમને પેરિસમાં લૂવ્ર મ્યુઝિયમ અને ફ્રાન્સના રાજા લુઈ-14નો મહેલ જોયો. આ સ્થાપત્યોની કલાત્મક બાંધણી અને અત્યંત ચીવટથી કરવામાં આવેલું ઇન્ટિરિયર તેમજ તેની અંદરનનાં ચિત્રો વિગેરેની ગોઠવણી આ ટીમને આકર્ષી ગઈ.

લંડનની વિશ્વ વિખ્યાત ગણાય એવી બિગબેન ઘડિયાળનો ક્લોક ટાવર જોયો. બ્રિટિશરોએ જે રીતે લંડનમાં મોટાં મોટાં મહાલયો બાંધ્યાં હતાં તેનું સ્થાપત્ય તેમજ બાંધકામ તેમને પ્રભાવિત કરી ગયું.

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

આજ રીતે થોડો સમય ઍમ્સ્ટર્ડમમાં કાચ અને એના અન્ય ભાગ-વસ્તુઓ બનાવતી ગ્લાસની ફેક્ટરી, એનૅમલ વર્ક તેમજ લોખંડના કારખાનામાં તાલીમ લઈ સબંધી વિષયો અંગેનું કૌશલ્ય હાંસલ કર્યું.

નહોતી તેમને ડચ ભાષા આવડતી નહોતી અંગ્રેજી કે જર્મન આવડતી, આમ છતાં જર્મનીમાં યંત્રથી ચાલતાં રમકડા અંગે પણ કૌશલ્ય હાંસલ કર્યું.

'મન હોય તો માળવે જવાય' એ વાત અજાણ્યા પ્રદેશ, ભાષાના જ્ઞાનનો અભાવ અને પ્રમાણમાં અદ્યતન ટેકનૉલૉજી આમાંનું કશુંય આ જ્ઞાન હાંસલ કરતાં રોકી શક્યું નહીં.

line

આગમન, આયનામહેલ અને આરંભ

ભુજનો આયનામહેલ રામસિંહના સર્જનનો સાક્ષી

ઇમેજ સ્રોત, gujarattourism.com

ઇમેજ કૅપ્શન, ભુજનો આયનામહેલ રામસિંહના સર્જનનો સાક્ષી

1755માં આ ટુકડી સ્વદેશ પાછી ફરી. યુરોપમાં જે જોયું તેની સાથે તળપદી કચ્છીકલા કારીગરીનું સંયોજન કરીને એક ભવ્ય સ્થાપત્ય સ્થપાયું જેનું નામ આયનામહેલ.

અંદાજે 2500 ફૂટ લાંબા આ મહેલના નિર્માણ માટે લગભગ 270 વરસ પહેલાં બે લાખ પાઉન્ડ એટલે કે 80 કોરી, અંદાજે એ સમયના રૂપિયા 25 લાખ, જેટલો અધધ ખર્ચ થયો.

કોઈ કારીગરની ક્ષમતાઓ પર વિશ્વાસ મૂકીને એની ક્ષમતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવા આટલી મોટી રકમનું આંધણ મહારાવ લખપતજી જ કરી શકે. આ સ્થાપત્યને કાળની થપાટ લાગી છે.

2001ના ભૂકંપમાં આયનામહેલને નુકસાન થયું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2001ના ભૂકંપમાં આયનામહેલને નુકસાન થયું હતું

2001ના 26મી જાન્યુઆરીએ આવેલા ભૂકંપે એને નુકસાન પહોંચાડયું છે. આમ છતાંય એની ભવ્યતા આજે પણ આંખો આંજી દે છે.

મુગલ પરંપરામાં બંધાયેલ એનો દીવાન-એ-ખાસ, જેમાં બેલ્જિયમના અરીસાઓ, તે સમયે ચલણમાં હતી તેવી લાંબા કદની ભીંત-ઘડિયાળો, ભીંત પર શોભતા સરસ મજાનાં ઓઇલ પેઇન્ટિંગ્સ, સોના-ચાંદીથી મઢેલાં સિંહાસનો, છત્રપલંગ, ગાલીચા, તલવારો, બંદૂકો અને તોપગોળાથી માંડીને નાનામાં નાનાં યંત્રોની કળાકારીગરી કોઈ પણ મુલાકાતીને સ્તબ્ધ કરી દે તેવી હતી.

line

કસબ, કલાભવન અને કૉલેજ

બરોડાની મહારાજા સયાજીરાવ હુન્નરશાળા

ઇમેજ સ્રોત, Print Collector

ઇમેજ કૅપ્શન, બરોડાના મહારાજા સયાજીરાવે હુન્નરશાળાની સ્થાપના કરી, જે ટેકનૉલૉજી કૉલેજ બની

આયનામહેલ મહારાજા ખેંગારજી ત્રીજા 1942માં મૃત્યુ પામ્યા ત્યાં સુધી તેમનું સત્તાવાર નિવાસસ્થાન રહ્યું. બીજા વધારે સગવડવાળા મહેલમાં એ રહી શક્યા હોત પણ આયનામહેલે એમને ત્યાં જ રોકી લીધા.

માંડવી પાસે કાચ બનાવવાના કામમાં આવે તેવી રેત ઉપલબ્ધ હોવાને કારણે રામસિંહે એક ગ્લાસ ફેક્ટરી શરૂ કરી. આગળ જતાં મહારાવ ગોડજીના સમયમાં (1760-78) બે કામ કર્યા. પહેલું યુરોપિયન ટેકનૉલૉજી અનુસાર સોના-ચાંદીની મીનાકારી શરૂ કરી અને 1768માં ભુજમાં હુન્નરશાળા સ્થાપી.

યુરોપમાં આકાર થઈ લઈ રહેલ ઔદ્યોગિક ક્રાંતિના વૃક્ષમાંથી એક ડાળીની કલમ કરીને રામસિંહે એને કચ્છમાં પ્રસ્થાપિત કરી.

રામસિંહની હયાતીમાં આ કલમ કચ્છની ધરતીમાં ચોંટી પણ ખરી, એણે મૂળિયાં નાખ્યાં અને તે અંકુરિત પણ થઈ, પણ જેમ કબીરજીએ એક દાતણની ચીરી નાખી એમાંથી અંકુરિત થઈને મસમોટો કબીરવડ વિસ્તર્યો એ રીતે રામસિંહે રોપેલી આ કલમમાંથી વટવૃક્ષ ના વિકસ્યું.

મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં આવી જ એક હુન્નર શાળાનો પ્રયોગ કલાભવનના નામે કર્યો.

આ કલાભવનનો પ્રયોગ સફળ રહ્યો એટલું જ નહીં પણ વટવૃક્ષ સમાન વિસ્તરીને દેશની એક ઉત્કૃષ્ટ ઇજનેરી કૉલેજ ફેકલ્ટી ઑફ ટેકનૉલૉજી ઍન્ડ એન્જિનિયરિંગમાં પરિવર્તિત થયો.

line

સર્જનનાં સંભારણાં

ડચ ઇસ્ટ કંપનીનો ઝંડો

ઇમેજ સ્રોત, Print Collector

ઇમેજ કૅપ્શન, ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા હૉલૅન્ડે ભારતમાં પગપેસારો કરવાનો પ્રયાસ કર્યો

કચ્છની હુન્નરશાળાને આ જ રીતે જો રામસિંહના ગયા બાદ પણ દૃષ્ટિવાન અને ધગશ ધરાવતા સંવર્ધકો મળ્યા હોત તો કાચ, મીનાકારી કે મૅટલર્જી જેવા ક્ષેત્રે એક સરસ મજાની સંશોધન અને ઇજનેરી સંસ્થામાં પરિવર્તિત થઈ શકી હોત.

કમનસીબે આવું ન થયું. રામસિંહના ગયા બાદ આ સંસ્થાનો પણ વીંટો વળી ગયો.

રામસિંહ માલમે કચ્છમાં માંડવી પાસે કાચનું કારખાનું, ઘડિયાળ બનાવવાનું ઉત્પાદન કેન્દ્ર, લોખંડ ગાળવા અને ઢાળવા માટેની ફાઉન્ડ્રી, તોપ અને તોપગોળાનું ઉત્પાદન, સોનાચાંદી પર મીનાકારીની ટેકનૉલૉજી, આયના મહેલનું સર્જન, ભુજમાં હુન્નરશાળા - આ બધું સફળતાપૂર્વક કચ્છની ધરતી ઉતાર્યું.

રામસિંહ ખાસ ભણ્યો નહતો, નહોતી એને અંગ્રેજી કે કોઈ વિદેશી ભાષા આવડતી, પણ ભણતર કરતાં ગણતર આગળ નીકળ્યું. હાથ-પગ અને હૈયું લઈને સામુદ્રીક ઘાતમાંથી બચી ગયેલો રામસિંહ જ્યારે ડચ વહાણ પણ ચઢીને હૉલૅન્ડ ગયો ત્યારે તેને કદાચ ખબર પણ નહીં હોય કે બરાબર એ જ ઘડીએ ઇતિહાસ એના માટે કરવટ બદલશે. માલની એનો બાપીકો હુન્નર હતો.

હૉલૅન્ડના જહાજનું કાષ્ઠચિત્ર (1860)

ઇમેજ સ્રોત, Universal Images Group

ઇમેજ કૅપ્શન, હૉલૅન્ડના જહાજનું કાષ્ઠચિત્ર (1860)

ડચ વેપારીઓ અને નવિકો સાથેનો એનો સંપર્ક અને 18-18 વર્ષની માસ્ટર ક્રાફ્ટમૅન બનવા માટેની એની તપશ્ચર્યા પછી પણ તક સામે આવીને એને મળવા નહોતી આવી.

કાઠિયાવાડ, ઝાલાવાડ, ગોહિલવાડ જેવાં રજવાડાંઓની ડેલીઓ એણે ખટખટાવી. કોઈ એને રાજ્યાશ્રય આપવા તૈયાર ન થયું.

બરાબર ત્યારે જ કચ્છના મહારાવ લખપતસિંહજી જેવો ઝવેરી એને ન મળ્યો હોત તો આ હીરો કદાચ ક્યારેય પ્રકાશમાં ન આવત. એની વિદ્યા અને હુન્નર નિરાશાના કોચલામાં જકડાઈને મૃત્યુ પામત.

એવું ન થયું અને પરિણામે કચ્છ અને ગુજરાતને એક એવો હુન્નરી મળ્યો, જેનું સર્જન આજે પણ એની ક્ષમતાની સાક્ષી આપતું ઊભું છે.

સંદર્ભસૂચિ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

1. ગુજરાતના ઘડવૈયા, સ્વ-વિકાસની પ્રયોગશાળા (13મી સદીથી 19મી સદી સુધી), ગ્રંથ-1 - ડૉ. મકરંદ મહેતા, પ્રકાશન : અરુણોદય પ્રકાશન, વરસ 2007

2. અરધી સદીની વાંચનયાત્રા, સંપાદન - મહેન્દ્ર મેઘાણી

3. ગુજરાત અને દરિયો - મકરંદ મહેતા, પ્રકાશક : દર્શક ઇતિહાસ નિધિ, વડોદરા પ્રથમ આવ્રુતિ : 2012

4. ગુજરાતના વહાણવટીઓ, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ, વિશ્વ ગુજરાતી સમાજ, પ્રકાશન - રંગદ્વાર પ્રકાશન પ્રથમ આવૃત્તિ : 2019 પાનાં નં 68થી 70

5. Sastri, K. A. Nilakanta (1959). "Ram Singh Malam of Mandvi". Journal of the Assam Research Society. Kamarupa Anusandhan Samiti (The Assam Research Society). XIII: 19-21. OCLC 565646864

6. Jethi, Pramod; London, Christopher W. (2000). "A Glorious Heritage: Maharao Lakhpatji and the Aina Mahal". In London, Christopher W. (ed.). The Arts of Kutch. Mumbai: Marg Publications and National Centre for the Performing Arts. pp. 48-61. ISBN 8185026483. OCLC 44835875 - via EBSCOHost.

7. Watson, Paul (2001-02-11). "Treasures of India's Royal Past Among Quake Losses". Los Angeles Times. ISSN 0458-3035. Retrieved 2019-03-26.

બદલો YouTube કન્ટેન્ટ, 6
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો