47 નામ ધરાવતા ઠગાઈના વિશ્વગુરુ ગણાતા ઠગની કહાણી

47 નામ ધરાવતો વિશ્વઠગ

ઇમેજ સ્રોત, JEFF MAYSH

ઇમેજ કૅપ્શન, મહાઠગ તરીકે ઓળખાતા વિક્ટર લસ્ટિગનું સાચું નામ કોઈને ખબર નથી

જેને પાંચ ભાષા બોલતા આવડતી હોય અને 47 નામ હોય તે વ્યક્તિ કોણ હોઈ શકે? જાસુસ કે દુભાષિયો? સાચો જવાબ છે, વિક્ટર લસ્ટિગ.

જો કે, ઠગાઈના વિશ્વગુરૂ ગણાતા એ ભાઈનું સાચું નામ શું હતું એ તો કોઇને પણ ખબર નથી.

આલ્બર્ટ ફિલિપ્સ, રોબર્ટ જ્યોર્જ, ચાર્લ્સ ગ્રોમર જેવા જુદા જુદા નામોથી ઓળખાતા આ મહાઠગનું નામ અમેરિકાની ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ)નાં ચોપડે વિક્ટર લસ્ટિગ તરીકે નોંધાયેલું છે.

એફબીઆઈનાં 1935ના દસ્તાવેજો પરથી જાણવા મળે છે કે, આ વ્યક્તિ અમેરિકા અને ફ્રાન્સની સરકારોની આંખમાં કણાની જેમ ખૂંચતો રહ્યો હતો.

line

ખુલ્લેઆમ ઉડાવતો એફબીઆઈનો મજાક

FBIનો વિશ્વ ઠગને સંદર્ભે 1935નો દસ્તાવેજ

ઇમેજ સ્રોત, JEFF MAYSH

ઇમેજ કૅપ્શન, આ વ્યક્તિ અમેરિકા અને ફ્રાન્સની સરકારોની આંખમાં કણાની જેમ ખૂંચતો રહ્યો હતો

બ્રિટિશ પત્રકાર જૅફ મેશે આ ઠગના કિસ્સા પર 'હેન્ડસમ ડેવિલ' નામનું પુસ્તક લખ્યું છે. જૅફ કહે છે, "જ્યારે પણ તે એફબીઆઈથી ભાગતો હોય, ત્યારે તેનો પીછો કરનારા એજન્ટોની મજાક ઉડાવવા તે એજન્ટોના નામથી જ હોટેલ્સમાં રૂમ બુક કરાવતો. એ એજન્ટોના નામથી જ કરી જહાજોની સવારી કરતો."

એફબીઆઈના દસ્તાવેજો મુજબ તેનો જન્મ 1 ઓક્ટોબર, 1890ના રોજ હોસ્ટાઈનમાં થયો હતો. હોસ્ટાઈન તે સમયે અસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્યનો ભાગ હતું. તે હાલનું ચેક-ગણરાજ્ય છે. જો કે આ બધી કહેવાતી વાતો જ છે.

જૅફ વધુ માહિતી આપતા કહે છે, "તેના વિશે એટલા કિસ્સા છે કે, કોઈ હજી સુધી એ પણ નથી જાણતા કે તેનો જન્મ ક્યાં થયો હતો.

મેં એક સ્થાનિક ઈતિહાસકાર સાથે આ બાબતની વાત કરી હતી. પરંતુ, અહીંના દસ્તાવેજોમાં તેના આટલા બધા નામોમાંથી કોઈપણ નામની નોંધણી થયેલી જ નથી. એટલે તે અહીં તો હતો જ નહીં."

line

પ્રેમમાં ઘાયલ થયો હતો આ ઠગ

વિશ્વઠગ અને એફિલ ટાવર

ઇમેજ સ્રોત, GETTY IMAGES/JEFF MAYSH

ઇમેજ કૅપ્શન, જેલ તોડવી, તેના માટે ડાબા હાથનો ખેલ હતો. પરંતુ આખરે અમેરિકન સરકારે તેને પકડી લીધો

અમેરિકામાં 1920નો દાયકો ખૂંખાર ગેંગસ્ટર અલ કપોની અને જેઝ સંગીત માટે જાણીતો છે. એ પહેલું વિશ્વયુદ્ધ પૂર્ણ થયા પછીનો સમય હતો.

અમેરિકા તેની ચઢતીના દિવસોમાં હતું અને ડૉલરનું મૂલ્ય ઝડપથી ઉપર-નીચે થઈ રહ્યું હતું. આ સમયમાં અમેરિકાનાં 40 શહેરોનાં જાસૂસોએ આ ઠગનું નામ 'અલ સિટ્રાઝ' પાડ્યું હતું.

સિટ્રાઝ એક સ્પેનિશ શબ્દ છે જેનો અર્થ જખમ થાય છે. આ નામ તેને તેના ડાબા ગાલ પરના એક ઘાના નિશાનને લીધે મળ્યું હતું. તે નિશાન તેને પેરિસમાં તેની પ્રેમિકા તરફથી મળ્યું હતું.

line

જ્યારે એણે એફિલ ટાવર વેચી નાખ્યો

લસ્ટિંગની ઉદ્યોગપતિઓ સાથેની બેઠક

ઇમેજ સ્રોત, JEFF MAYSH

ઇમેજ કૅપ્શન, લસ્ટિંગે તેની ઓળખાણ ફ્રેન્ચ સરકારના એક અધિકારી તરીકે આપી હતી

વાત 1925ની છે, અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટ જેન્સ જોન્સનના સંસ્મરણ મુજબ વિક્ટર લસ્ટિગ મે મહિનામાં પેરિસ પહોંચ્યો હતો.

લસ્ટિગે પેરિસની એક વૈભવી હોટેલમાં ધાતુઓના ભંગારના ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલાંક મોટા ઉદ્યોગપતિઓ સાથે એક બેઠકનું આયોજન કર્યું.

આ બેઠક માટે લસ્ટિગે તેની ઓળખાણ ફ્રેન્ચ સરકારના એક અધિકારી તરીકે આપી અને સરકારી સ્ટેમ્પ સાથેનો એક પત્ર એ ઉદ્યોગપતિઓને મોકલાવ્યો હતો.

તેણે એ મીટિંગમાં કહ્યું, "એન્જિનિયરિંગ સાથે જોડાયેલી નિષ્ફળતાઓ, ખર્ચાળ દેખરેખ અને તમને જણાવી ન શકાય તેવી કેટલીક રાજકીય સમસ્યાઓને કારણે એફિલ ટાવરને તોડી પાડવો જરૂરી છે."

તેણે કહ્યું, "સૌથી ઊંચી બોલી લગાવનારાને ટાવર આપી દેવાશે."

બેઠકમાં હાજર રહેલા એકપણ ઉદ્યોગપતિએ લસ્ટિગની આ વાત પર શંકા ન કરી. તેમને લાગ્યું કે આ ફ્રેન્ચ સરકારનું જ એક પગલું છે.

કેટલાંક સૂત્રોનું કહેવું છે કે તેણે આ કારસો ફરી એકવાર પણ કર્યો હતો. લસ્ટિગ હોટેલમાં જ છૂપાયો હતો. તેને ખ્યાલ આવ્યો કે તે આવું ફરી એકવાર કરી શકે છે. અને તેણે એ ફરી વખત કરી બતાવ્યું.

મહાઠગ લસ્ટિંગ

ઇમેજ સ્રોત, JEFF MAYSH

ઇમેજ કૅપ્શન, સરકારી દસ્તાવેજમાં તેને માત્ર એક શિખાઉ સેલ્સમેન તરીકે ઓળખાવવામાં આવ્યો હતો

વિક્ટર લસ્ટિગે તેના જીવનમાં ઘણાં એવા કાવતરાંને અંજામ આપ્યો હતો. જેણે કેટલીય સરકારોની ઊંઘ હરામ કરી હતી.

જેલ તોડવી, તેના માટે ડાબા હાથનો ખેલ હતો. પરંતુ આખરે અમેરિકન સરકારે તેને પકડી લીધો અને અલ્કાટ્રાઝ જેલમાં મોકલી આપ્યો.

જ્યાં 1947માં 11 માર્ચના રોજ સાંજે સાડા આઠ વાગ્યે ન્યુમોનિયાના કારણે તે મૃત્યુ પામ્યો.

તે ખૂબ ખર્ચાળ અને શાહી જીવન જીવનારો ઠગ હતો. પરંતુ આ મહાઠગને તેના મૃત્યુના સરકારી દસ્તાવેજમાં માત્ર એક શિખાઉ સેલ્સમેન તરીકે ઓળખાવવામાં આવ્યો હતો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન