પાર્વતીબાઈ : 22 બૅન્કોએ જેમને લોન ના આપી હવે કરોડોની જમીનમાં 51 ઉદ્યોગ સ્થાપશે

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC
- લેેખક, શ્રીકાંત બંગાળે
- પદ, બીબીસી સંવાદદાતા, ઔરંગાબાદથી

- નવ ધોરણ પાસ પાર્વતીબાઈ ફુંદે આજે સફળ ઉદ્યોગસાહસિક છે
- એક સમયે તેઓ પૂરતો અભ્યાસ ધરાવતા ન હોવાથી તેમને લોન આપવામાં આવી ન હતી
- આજે તેઓ પોતાના સફળ બિઝનેસ સહિત અન્ય મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે
- તેમણે અત્યાર સુધીમાં 30-35 મિલાઓને પગભર કરી છે, આગળ પણ તેઓ આમ કરતા રહેવા માગે છે

“22-23 બૅન્કોમાં વિનંતી કરી હતી, પરંતુ મને કહેવામાં આવ્યું હતું કે ભણતરના અભાવે તમે આ ઉદ્યોગ ચલાવી શકશો નહીં. આ એન્જિનિયરિંગ ઝોન છે. તમે પાઇપઉદ્યોગ ચલાવી શકશો નહીં. તમે પાપડઉદ્યોગ શરૂ કરો, અમને તમને રૂ. 50 લાખની લોન આપીશું.”
નવમું ધોરણ પાસ જે પાર્વતીબાઈ ફુંદેને નેંવુના દાયકામાં આવી સલાહ આપવામાં આવી હતી, એ જ પાર્વતીબાઈ આજે મહારાષ્ટ્રના ઔરંગાબાદની શેંદ્રા ઔદ્યોગિક વસાહતમાં પાઈપનું ઉત્પાદન કરતી કંપનીનાં માલિક છે.
પાર્વતીબાઈ કારમાંથી ઊતરે છે ત્યારે તેમના હાથમાં પર્સ અને પર્સમાં મોબાઇલ ફોન હોય છે. તેમનો ફોન સતત રણકતો રહે છે. કેટલાક લોકો બિઝનેસ સંબંધે તેમની સલાહ લેવા માટે તો કેટલાક તેમની સાથે મિટિંગનો સમય નક્કી કરવા માટે ફોન કરતા હોય છે.
પાર્વતીબાઈની કંપનીનું પ્રવેશદ્વાર ખોલીને અંદર પ્રવેશતાં મોટા અક્ષરે કિસન પીવીસી પાઇપ કંપની એવું લખેલું જોવા મળે છે. તેની સાથે પાર્વતીબાઈને વર્ષ 2000 યાદ આવે છે.
તેઓ કહે છે કે “કશુંક કરવું જોઈએ તેવું મારા મનમાં હતું. મેં ઘણા ઉદ્યોગમાં હાથ અજમાવ્યો હતો. કાપડની દુકાન શરૂ કરી, પાપડ-અથાણાનો ઉદ્યોગ શરૂ કર્યો. છેવટે 2005માં પાઇપઉત્પાદનના ક્ષેત્રમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. હું એક ખેડૂતની દીકરી છું અને મને પૂરતું શિક્ષણ મળ્યું ન હતું” તેથી પાર્વતીબાઈએ પાઇપનો વ્યવસાય પસંદ કર્યો હતો.

ઉદ્યોગસાહસિક બનવાનો વિશ્વાસ કેવી રીતે વધ્યો?

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC
એ માટે પાર્વતીબાઈએ વર્ષ 2000માં મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ(એમઆઈડીસી)નું ફોર્મ ભર્યું હતું. 2005માં તેમને ઔદ્યોગિક વસાહતમાં જગ્યા મળી હતી. એ પછી બૅન્ક લોન અને પતિની આર્થિક મદદ વડે તેમણે પીવીસી પાઇપ ઉત્પાદક કંપની શરૂ કરી હતી. એ માટે મશીનરી લાવ્યાં અને પાઇપનું ઉત્પાદન શરૂ કર્યું.
પાર્વતીબાઈ કહે છે કે “અમે કંપની શરૂ તો કરી દીધી, પરંતુ બે મહિના સુધી એક પણ પાઇપનું વેચાણ થયું નહીં એટલે અમે માર્કેટિંગનો નિર્ણય લીધો. એ માટે અમે કોઈ ખેતરમાં ખેડૂતને જોતાં ત્યારે તેની પાસે જતાં હતાં. તેમને પાઇપ વિશે માહિતી આપતાં હતાં. અમારી બ્રાન્ડ કેવી છે તે સમજાવતાં હતાં. સાપ્તાહિક બજાર ભરાય ત્યાં પણ જઈને લોકોને પાઇપ વિશે માહિતી આપતી હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી પાર્વતીબાઈએ વ્યવસાય માટે શાસ્ત્રશુદ્ધ તાલીમ લેવાનું નક્કી કર્યું હતું. વર્ષ 2000માં તેમણે મહારાષ્ટ્ર સરકારના આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેન્ટર(એમઈસીડી)માંથી તાલીમ લીધી હતી. એ તાલીમે તેમનો ઉદ્યોગસાહસિક બનવાનો વિશ્વાસ વધાર્યો હતો.

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એમઈસીડીનાં વખાણ કરતાં પાર્વતીબાઈ કહે છે કે “પાપડ-અથાણાંથી માંડીને એન્જિનિયરિંગ સુધીની, બૅન્કની પસંદગી કઈ રીતે કરવી, બૅન્ક લોન કઈ રીતે મેળવવી, સબસિડી કઈ રીતે મેળવવી, કઈ પદ્ધતિથી મેળવવી, કઈ યોજના અમલમાં છે એ બધાની માહિતી મને તાલીમ દરમિયાન મળી હતી. શાળામાં જે રીતે શિક્ષક હોય છે તેમ ઉદ્યોગો માટે શિક્ષકનું કામ એમઈસીડી કરે છે એમ કહો તો પણ ચાલે.”
પાર્વતીબાઈના શેન્દ્રામાં આવેલા ઔદ્યોગિક એકમમાં વિવિધ કદના પીવીસી પાઈપનું ઉત્પાદન કરવામાં આવે છે. તેઓ 10 લોકોને રોજગાર આપે છે. ઔરંગાબાદ અને જાલના જિલ્લાના એ 10 લોકોના આવાસની વ્યવસ્થા પણ તેમણે એકમના પાછળના હિસ્સામાં કરી છે.
પાર્વતીબાઈ કહે છે કે “અમે કાચો માલ જલગાંવથી લાવીએ છીએ. ક્યારેક સુરતથી લાવીએ છીએ. અમારી કંપનીમાં અડધા, એક, દોઢ, બે, અઢી, ત્રણ અને ચાર ઇંચની પાઈપનું ઉત્પાદન કરવામાં આવે છે. 12 કલાકમાં અરધા ઇંચની 500-700, એક ઇંચની 450, બે ઇંચની 350, અઢી ઇંચની 200 અને ચાર ઇંચની 200 પાઈપનું ઉત્પાદન થાય છે. કદ વધે છે તેમ પાઈપના ઉત્પાદનનું પ્રમાણ ઓછું થાય છે.”
કંપનીમાં ત્રણ-ચાર જગ્યાએ ઉત્પાદિત પાઈપ જોવા મળી હતી. આ પાઈપનું ઉત્પાદન સમગ્ર મહારાષ્ટ્રમાં કરવામાં આવે છે. ખેડૂતો તથા નાના દુકાનદારો તેમના મુખ્ય ગ્રાહકો છે. પાર્વતીબાઈની કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂ. એકથી દોઢ કરોડનું છે.

અન્ય મહિલાઓને પણ આપે છે પ્રેરણા

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC
પોતાના બિઝનેસ ઉપરાંત પાર્વતીબાઈએ અન્ય અનેક મહિલાઓને બિઝનેસ શરૂ કરવામાં મદદ પણ કરી છે. હવે તેમનું સપનું મોટું છે.
તેઓ કહે છે કે “અત્યાર સુધીમાં મેં લગભગ 30-35 મહિલાઓને પગભર કરી છે. અથાણું હોય, પાપડ હોય કે પછી લોટની ચક્કી હોય. ધંધો ભલે ગમે તેટલો નાનો હોય, પણ આપણે તેમને સહકાર આપવો જોઈએ. તું શરૂ કર, ચાલશે એવું કહેવું જોઈએ. હવે અમે ‘સાર્થક મહિલા સાહસિક સહકારી સંસ્થા’ શરૂ કરી છે. હવે અમે એક વર્ષમાં 51 મહિલાઓને પગભર કરીશું.”
તેઓ ઉમેરે છે કે “અમે સાર્થક મહિલા ઉદ્યોગ સંસ્થામાં 51 મહિલાઓએ મળીને પાંચ એકર જગ્યા ખરીદી છે. એ માટે એમઆઈડીસીને રૂ. પાંચ કરોડ ચૂકવ્યા છે. અમને જગ્યા ફાળવી દેવામાં આવી છે. આ છેડાથી પેલા છેડા સુધીની પાંચ એકર જમીન અમારી છે. હવે અહીં 51 મહિલાઓ ઉદ્યોગ શરૂ કરશે.”
અહીં જે ઉદ્યોગની શરૂ થવાના છે તેમાં પીવીસી પાઈપના ત્રણ અને ડ્રિપર્સ, મોલ્ડિંગ મશીન તથા બૉટલના ચાર-પાંચ એકમોનો સમાવેશ થાય છે. ચટાઈના ચાર-પાંચ એકમ પણ શરૂ થશે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલી છ યુવતીઓને પણ પાર્વતીબાઈએ આ પ્રોજેક્ટમાં સહભાગી બનાવી છે.
ઔદ્યોગિક વસાહતમાં જગ્યા મેળવવા માટે પાર્વતીબાઈ 2011થી મંત્રાલયમાં ચક્કર મારતાં હતાં. 11 વર્ષ પછી 2022માં તેમને જમીનની ફાળવણી કરવામાં આવી હતી. આ દ્રઢતા તેમને બિઝનેસમાં મળેલી સફળતાનો મંત્ર છે.
પાર્વતીબાઈ કહે છે કે “સફળ થવું હોય તો માથા પર બરફ અને જીભમાં મીઠાશ રાખવાની. ગુસ્સો કરવાથી કશું થતું નથી. નમ્રતા જરૂરી છે. ગડબડ કરવાની નહીં. થોડું દેવું થઈ જાય ત્યારે આપણે સરકારને ગાળો આપીએ છીએ. આત્મહત્યા જેવું અંતિમ પગલું પણ લઈએ છીએ, પરંતુ આત્મહત્યા એ કોઈ વિકલ્પ નથી. સંઘર્ષ કરો. સંઘર્ષ કરશો તો તમને સફળતા આપોઆપ મળશે.”
પાર્વતીબાઈનો ઔદ્યોગિક એકમ જોવા, તેમનું માર્ગદર્શન મેળવવા માત્ર મહિલાઓ જ નહીં, કૉલેજના વિદ્યાર્થીઓ પણ આવે છે.
પાર્વતીબાઈને મહારાષ્ટ્ર સરકાર ઉપરાંત બીજા અનેક પુરસ્કાર મળ્યા છે.
બાવન વર્ષનાં પાર્વતીબાઈ હવે એક મોટો ઉદ્યોગ શરૂ કરવાનું સપનું જોઈ રહ્યાં છે.














