લાવણી: ‘વિકૃત લોકોની સામે હું જિંદગીભર નાચતી રહી છું, પણ મારી દીકરીને નાચવા નહીં દઉં’

લાવણી નૃત્ય

ઇમેજ સ્રોત, BBC/MANGESH SONAWANE

    • લેેખક, અનઘા પાઠક
    • પદ, બીબીસી મરાઠી
    • લેેખક, અક્ષય યેડગે
    • પદ, બાયમાણુસ
બીબીસી ગુજરાતી
  • સમાજના બીજા જૂથોથી વિપરીત અહીં છોકરી જન્મે ત્યારે ઉજવણી થાય છે, પણ માતા તો નિસાસા જ નાખે છે.
  • આ છે સંગીત બાડી. મુખ્યત્વે કોલ્હાટી અને દલિત સમાજની મહિલાઓ અહીં પરંપરાગત લાવણી નૃત્ય કરે છે.
  • આ મહિલાઓનું જીવ અહીં જ વીતે છે. તેઓ અહીં જ ભોજન કરે છે, સૂઈ જાય છે અને નાચે છે. પરિવારના પોષણનો ભાર તેમના પર જ હોય છે. તેમના પરિવારમાં બીજું કોઈ કામ કરતું નથી. આ કહાની છે આવી નારીઓ અને તેમની દિકરીઓની.
બીબીસી ગુજરાતી

(બાઈમાણુસ ના સહયોગ સાથે આ અહેવાલ તૈયાર કરાયો છે, જે બીબીસી શી (BBCShe) પ્રૉજેક્ટના ભાગરૂપે છે. આ પ્રૉજેક્ટના માધ્યમથી મહિલા વાચકો માટેનું પત્રકારત્વ અમે કરીએ છીએ.)

બીબીસી ગુજરાતી

મહારાષ્ટ્રનાં બે શહેરો અહમદનગર અને બીડને જોડતો મહામાર્ગ જામખેડ નામના ધૂળિયા ગામ પાસેથી પસાર થાય છે.

દિવસ દરમિયાન ગામમાં સુસ્તી હોય છે, પણ રાત પડે એટલે ગામ જાગી જાય છે. આસપાસના ગામ અને શહેરોના પુરુષો નાચ જોવા માટે અહીં એકઠા થાય છે. આ છે લાવણી નૃત્યની દુનિયા.

જામખેડ જેવા નાના ગામમાં મનોરંજન માટેનાં 10 થિયેટર છે, જ્યાં ઝાકઝમાળ સાથે કાર્યક્રમો થાય છે, પૈસા ઊડે છે અને ખર્ચો કરી શકે તેમના માટે 'ખાનગી' શૉ પણ થાય છે.

પેઢીઓથી અહીં મહિલાઓ પુરુષોને મનોરંજન આપવા માટે નાચતી આવી છે. ઘણી વાર તેમની જાતીય સતામણી પણ થાય છે અને ગરીબીને કારણે આ મહિલાઓ દેહવ્યાપારમાં ધકેલાઈ જાય છે.

આ દેહવ્યાપારની સામે જ અહીંની મહિલાઓમાં હલચલ મચી છે. અહીં એકલે હાથે મહિલાઓ બાળકોને ઉછેરે છે. અત્યાર સુધી તેમની દિકરીઓ પણ આ જ ધંધામાં ધકેલાઈ જતી હતી. પણ હવે પોતાનાં સંતાનોને, પુત્રીઓનું ભાવી સુધારવા માટે આ મહિલાઓ ભારે મથામણ કરી રહી છે.

અહીં જ અમારી મુલાકાત 18 વર્ષની ગીતા બાર્ડે સાથે થઈ, જે નર્સ બનવાં માગે છે. તેઓ પોતાનાં માતાને નાચગાનમાંથી છોડાવવાં માગે છે અને બંને સારી રીતે જીવી શકે એમ ઇચ્છે છે.

એવું કરવું એટલું સહેલું નથી.

બીબીસી ગુજરાતી

તમારે અહીં જ જીવવાનું છે અને અહીં જ નાચવાનું છે

લાવણી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગીતા એક સાંજને યાજ કરતાં કહે છે, “નૃત્યનો એક ખાનગી કાર્યક્રમ ગોઠવાયો હતો અને તેમાં મારાં માતા નાચવાનાં હતાં. બહુ વરસાદ હતો અને તેઓ કમરામાં રાહ જોઈને બેઠી હતી. કોઈએ મને જોઈને પૂછ્યું કે આ કોણ છે. મારાં માતાએ કહ્યું કે મારી દિકરી છે. એટલે કોઈએ કહ્યું કે પછી તારે ક્યાં જવાની જરૂર છે, આને નાચવાં માટે મોકલી આપ. શેની રાહ જુએ છે?”

આ રીતે માની સાથે દીકરી હોય ત્યારે બહુ કફોડી સ્થિતિ થાય છે. નાચગાનનું કામ ઘરે જ કરવાનું હોય અને ત્યાં દિકરી હાજર હોય છે. તેને પણ નાચવાનું કહેવામાં આવતું હોય છે અને એ રીતે દેહ વ્યાપાર શરૂ થઈ જતો હોય છે.

સંગીત બાડી આવા કાર્યક્રમ માટેનું જાણીતું સ્થળ છે. નૃત્યાંગનાઓ અહીં લાંબો સમય રહેતી હોય છે. એક હોસ્ટેલ જેવું છે, જ્યાં રહેવાનું, ખાવાપીવાનું અને ત્યાં જ કાર્યક્રમ આપવાનો.

આવા દરેક થિયેટરમાં 8-10નું જૂથ હોય છે, જેમાં એક ગાયક હોય છે, વાદ્યકારો હોય છે અને 4-5 નૃત્યાંગનાઓ હોય છે.

એક સંગીત બાડીમાં ઓછામાં ઓછા 70-80 લોકો હોય છે.

રાત પડે એટલે મહિલાઓ તૈયાર થઈ જાય. એ પછી વિશાળ લોખંડના દરવાજા ખૂલી જાય અને ગ્રાહકોને રાહ જોવામાં આવે.

એટલે જ દીકરીઓને સલામત રાખવી હોય તો માતાથી વિખૂટી પાડવી પડતી હોય છે.

ગીતાનાં માતા ઉમાએ તેમના પતિના મૃત્યુ પછી નાચવાનું શરૂ કર્યું હતું. તેમની એકલી પર જ બે બાળકોને ઉછેરવાની જવાબદારી આવી હતી. ઉમા સાથે ગીતાને જોઈને મજાકો થતી હોય છે અને ઇશારા થતા હોય છે કે હવે ગીતાને પણ નાચતી કરી દે.

ઉમા કહે છે, “અમારી પર હસનારાના દાંત તોડી નાખું એમ મને થાય. આ લોકો એવું કહે છે કે નારી અબળા છે, જે એકલે હાથે બે સંતાનોને ઉછેરે છે. પોતાનાં સંતાનોના ભાવી માટે એ બીજું કરેય શું? પણ હું એ લોકોનું ચાલવા દેવાની નથી. હું ધરતી આકાશ એક કરી નાખીને પણ મારાં બાળકોને ભણાવીશ. હું વિકૃત અને દારૂડિયા લોકોની સામે નાચું છું, પણ હું મારી દીકરીને આ ગંદવાડમાં નહીં નાખું.”

પોતાની દીકરીઓને વિકૃત નજરોથી બચાવવાનું બહુ મુશ્કેલ હોય છે, પણ આ માતાઓ સમજી ગઈ છે કે તેમણે દીકરીઓ અને સંતાનોને પોતાના ઘરેથી દૂર મોકલવા પડશે.

ગ્રે લાઇન

કમાણીની લાલચ

લાવણી

સંગીત બાડીની દુનિયા બહુ અજબ છે.

અહીં મોટા ભાગે કોલ્હાટી જ્ઞાતિની સ્ત્રીઓ નાચગાનનું કામ કરે છે અને આ સમાજ માતૃસત્તાક છે. અહીં કુટુંબનો ભાર મહિલા પર હોય છે, તે જ બધા નિર્ણય કરે છે અને નાણાકીય વહીવટ પણ મહિલાઓના હાથમાં જ હોય છે.

પણ કડવી વાસ્તવિકતા એ છે કે આ મહિલાઓ નાચગાન કરીને પૈસા કમાય છે અને તેના પર તેના ભાઈઓ અને ભાઈઓનાં બાળકો પણ નભે છે. પોષણ કરનારી આ નારીઓનું કોઈ માનસન્માન નથી હોતું.

કમાણી કરીને લાવનારી આ મહિલાઓના હાથમાં કોઈ સત્તા નથી. કુટુંબમાં બીજું કોઈ કામ કરતું નથી અને તે કમાઈને લાવશે એના પર જ બેઠું રહે છે.

દાયકાઓથી આ સ્ત્રીઓ કમાણી માટે નાચતી આવી છે.

મધ્યવયસ્ક અને પોતાની નાચ મંડળી ધરાવતી બબિતા અક્કલકોટકર કહે છે, “મને થાય છે કે ઘરના બીજાએ પણ કામ કરવું જોઈએ. મારા ભાઈએ ક્યારેય તો જાતે કમાણી કરીને મીઠાનું એક પડિકું તો લાવવું જોઈએ.”

સંગીત બાડી અને તમાશા થિયેટર વચ્ચે ફરક છે, ભલે બંને જગ્યાએ લાવણી નૃત્ય થતું હોય. તમાશા કાર્યક્રમ કરનારી મંડળી એક ગામથી બીજે ગામે ફરતી રહે છે.

અગાઉ લાવણીને જાહેર મનોરંજનનું એક માધ્યમ માનવામાં આવતું હતું. લોકો લાવણી જોવા આવે, તેના માટે મામૂલી કિંમતની હોય તે ટિકિટો ખરીદે, નાચગાન જુએ અને પછી જતા રહે.

પણ હવે આવા થિયેટરીમાં થતી લાવણી મોંઘી થતી જાય છે.

આવી મંડળીઓની અસલી કમાણી હવે ખાનગી શો દ્વારા થાય છે. નાના કમરામાં થોડા લોકો સામે આ મહિલાઓ નાચગાન રજૂ કરે છે. ઓરડો કેટલો સજાવેલો છે તેના આધારે ખાનગી શોનો ભાવ નક્કી થાય. કાર્યક્રમ કેટલો લાંબો ચાલશે, કેવો હશે અને ખાસ કરીને નાચનારીઓ કેટલી જુવાન છે તેના આધારે વધારે ભાવ લેવાતા હોય છે.

નાચનારી વધારે જુવાન હોય એટલે વધારે કમાણી થાય. પણ આ જ બાબતથી જુવાન દીકરીની માતાઓ ચિંતામાં છે.

લતા કહે છે, “મારી દીકરીને હું મારી સાથે રાખું તો આ બધા માહોલમાં તે રંગાઈ જાય. તેમના પર તરત અસર પડે. ગ્રાહકો સાથે અમારું વર્તન જોઈને શીખે, મેકઅપ કરતાં જુએ. ઘણી માતાઓએ પોતાની દિકરીઓને આ રીતે બરબાદ થતાં જોઈ છે. હું મારી દીકરીની એવી હાલત થાય તેમ ઇચ્છતી નથી. એટલું હું મારી દિકરીને મારાથી દૂર જ રાખું છું.

ગ્રે લાઇન

બહાર નીકળવાનો માર્ગ

લાવણી

આવી કેટલીક મહિલાઓએ હવે એક થઈને મંડળ બનાવ્યું છે, થોડી બચત કરી છે અને પોતાનાં સંતાનોને રહેવા માટે, ખાસ કરીને દીકરીઓ માટે એક હોસ્ટેલ બનાવી છે. અહીં સલામત રીતે તેઓ રહી શકે અને શાળાએ પણ જઈ શકે. આ બાળકોના ભણતરના સાધનો, કપડાં અને તેમને ક્યારેય મીજબાની આપવા માટે સાથે મળીને ફાળો કરે છે.

આવી હોસ્ટેલ ચલાવનારા અરૂણ જાધવને અમે મળ્યા. તેઓ કહે છે, “સિંધુ ગુલાબ જાધવ, કાંતા જાધવ, અલ્કા જાધવે આ હોસ્ટેલ બનાવી છે. એ બધી જ નાચનારી છે. તે લોકો પોતાના ગ્રાહકોને વિનંતી કરીને આર્થિક સહાય માગે છે. પૂણેમાં કલાકેન્દ્ર છે - આર્યભૂષણ. ત્યાંની એક બહેન સવિતા પોતાનો નૃત્યનો કાર્યક્રમ હોય ત્યારે દાન ઉઘરાવે છે. દરેક ગ્રાહક પાસેથી 500 રૂપિયાનો ફાળો લે છે. સવિતાએ એકલે હાથે 50થી 60 હજાર રૂપિયા એકઠા કરે છે.”

લાવણી કરનારી માતાઓ જે સ્થિતિમાં રહે છે તેનાથી આ હોસ્ટેલ બહુ અલગ છે.

નૃત્ય મંડળીને એક કે બે રૂમમાં મળતા હોય તેમાં સાંકડમૂકડ રહેવું પડે. આ કમરામાં મહિલાઓ સૂતી રહે છે, જ્યારે પુરુષ સંગીતકારો બીજે રહેતા હોય છે.

અહીં જ વળી કેટલાક સજાવેલા રૂમ પણ હોય છે. તેમાં એસી હોય, કૂલર હોય, જોરદાર ટાઇલ્સ અને ગાલીચા હોય, કેમ કે અહીં જ ખાનગી શો થતા હોય છે.

મહિલાઓ મોડે સુધી સૂતી રહે છે. ઘણીવાર તો બપોરે દિવસ શરૂ થાય. દરેક મંડળી સાથે રસોઇયા અને કામવાળી બાઈ હોય છે. કમાણી કરનારી મહિલાએ નૃત્ય કરવાનું હોય એટલે તે ઘરકામ કરવા ના બેસી શકે.

સાંજના ચાર વાગ્યા પછી તેઓ સજવાં લાગે. ત્યારબાદ બહારની બાજુએ બેસીને ગ્રાહકની રાહ જોવાની. પુરુષો આવવા લાગે, ઘણી વાર ચહેરા ઢાંકીને આવ્યા હોય. પોતાને ગમતી મહિલાઓ પસંદ કરે અને પ્રાઇવેટ શો નક્કી કરે.

આ પુરુષો ઘણી વાર ખુશ થઈને નાચનારી પર પૈસા ફેંકતા હોય છે. આ રીતે રાતના ચાર વાગ્યા સુધી નાચગાન ચાલતા હોય છે.

ક્યારેય અમુક મહિલા ગ્રાહક સાથે બહાર જવા તૈયાર થઈ જાય છે. તેનો અર્થ એ થયો કે તે પુરુષ સાથે સહશયન માટે તૈયાર છે. તેના બદલામાં વધારે પૈસા મળતા હોય છે. આ રીતે બહાર જનારી મહિલાની એક કમાણી તેની પોતાની રહે છે. આ કમાણીમાં તેણે મંડળીના માલિક કે સંગીતકારોને ભાગ આપવાનો હોતો નથી.

બીબીસી ગુજરાતી

વિસરાતી કલા

લાવણી

લાવણીને મહારાષ્ટ્રનું લોકનૃત્ય ગણવામાં આવે છે. કથક સાથે તે ઘણું મળતું આવે છે. લાવણીમાં ચહેરા પર હાવભાવ જરૂરી હોય છે એટલે તેને શીખવું અઘરું ગણાય છે. લાવણી કરવી અઘરી છે, કેમ કે તેમાં હાથની થોડી મૂવમેન્ટ સાથે માહોલ ઊભો કરવાનો હોય છે.

લાવણી નૃત્ય ઉત્તેજક હોય છે અને એટલે તેને સૂગથી જોવાતું રહ્યું છે. જોકે કેટલીક નૃત્યાંગનાએ લાવણીમાં એટલી મહારત હાંસલ કરી હતી કે આજેય તેની કલા માટે યાદ કરાય છે.

પણ હવે લાવણીની પરંપરા ઘસાતી જાય છે. સંગીતકારોના સૂર અને તાલ એવા રહ્યા નથી અને નાચનારી નારીઓના લય પણ તેની સાથે મળતા નથી.

સિનિયર નૃત્યાંગના અને ગાયિતા લતા પરભણીકર કહે છે, “એક જમાનો હતો કે અમારી કલાને દર્શકો સન્માન આપતા હતા. હવે તો સૌને ઉઘાડા દેહ જોવા છે એટલે કોઈને કલાની પડી નથી. હવે તો એ એક ધંધો જ રહી ગયો છે.”

ઘણી મહિલાઓ આમાંથી નીકળી જવા માગે છે, પણ દરેક માટે તે શક્ય નથી. દરેક યુવતીને એવાં માતા નથી મળતાં જે તેના ભવિષ્યની ચિંતા કરે.

ઘણી યુવતીઓને પૈસાની કમાણીની જરૂર હોય છે. તે ગરીબીના વિષચક્રમાંથી નીકળવા માગતી હોય અને ઘરે રોજેરોજ શોષણનો ભોગ બનવું પડે છે તેમાંથી નીકળી જવા માગે છે. આવી છોકરીઓ માટે સંગીત બાડી જ એક આશ્રયસ્થાન છે.

આ બાજુ જય અંબિકા કલા કેન્દ્રમાં ફરી એક સાંજ સજવાની તૈયારીમાં છે. હલચલ મચી છે, રંગો ખીલ્યા છે અને મહિલાઓ સજીધજીને તૈયાર થઈ ગઈ છે. દરવાજા ખૂલી ગયા છે અને ગ્રાહકોની રાહ જોવાઈ રહી છે.

બીજી બાજુ દૂર હોસ્ટેલમાં રહેતાં તેમનાં સંતાનો હવે સાંજની પ્રાર્થના માટે તૈયારી કરી રહ્યા હશે. અહીં માતાઓ પણ મનોમન પ્રણ લેતી હશે કે તે તેમની દિકરીઓને ક્યારેય આ દિશામાં આવવા નહીં દે.

(BBCShe સિરીઝનાં પ્રૉડ્યૂસર: દિવ્યા આર્ય, બીબીસી)

રેડ લાઇન
રેડ લાઇન