4500 વર્ષ જૂનું 'આધુનિક શહેર', જે 40,000 લોકો સાથે 'ગાયબ' થઈ ગયું

 વિશ્વનું સૌથી પ્રાચીન શહેર

ઇમેજ સ્રોત, nadeem khawar/ Getty Image

    • લેેખક, સામંથા શેઆ
    • પદ, બીબીસી ટ્રાવેલ

દક્ષિણ પાકિસ્તાનના વર્તમાન સિંધના ધૂળિયા મેદાનોમાં વિશ્વના સૌથી પ્રાચીન શહેર પૈકીના એક એવા શહેરના અવશેષો પડ્યા છે, જેના વિશે મોટાભાગના લોકોએ ખાસ કશું સાંભળ્યું નથી.

હું મારી આસપાસના પ્રાચીન શહેર પર નજર ફેરવતી હતી, ત્યારે પવનની લહેરખી ફરી વળી હતી. લાખો ઈંટો વડે બનાવવામાં આવેલા રસ્તાઓ અને કૂવાઓ સાથેનો સમગ્ર વિસ્તાર એક જાળાના સ્વરૂપમાં ફેલાયેલો હતો. સમયની સાથે જીર્ણ થઈ ગયેલી શેરીઓમાં એક પ્રાચીન બૌદ્ધ સ્તૂપ ઊભો હતો. પહોળા દાદર સાથેનો એક વિશાળ સામુદાયિક પુલ હતો. અહીં જૂજ લોકો જ હાજર હતા. વ્યવહારુ અર્થમાં બધું જ જાણે કે મારાં એકલાં માટે હતું.

હું દક્ષિણ પાકિસ્તાનના ધૂળિયા શહેર લરકાના ખાતેના ઐતિહાસિક સ્થળ મોંહે-જો-દડો પાસે હતી. આજે તો તેના અવશેષ જ બાકી રહ્યા છે. 4,500 વર્ષ પહેલાં આ વિશ્વના સૌથી પ્રાચીન શહેરોમાંનું એક શહેર જ નહીં, પરંતુ અત્યાધુનિક માળખાકીય વ્યવસ્થા સાથેનું એક સંપન્ન મહાનગર હતું.

બીબીસી ગુજરાતી

1980માં મોંહે-જો-દડોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો

સમગ્ર મોહેંજો-દડોમાં ગટર મળી આવી હતી

ઇમેજ સ્રોત, nadeem khawar/Getty Image

મોંહે-જો-દડો શબ્દનો અર્થ સિંધી ભાષામાં મૃત માણસોનો ટેકરો એવો થાય છે. આ નગર એક સમયે ફૂલીફાલી રહેલી (હડપ્પા તરીકે પણ ઓળખાતી) સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું શહેર હતું. કાંસ્ય યુગમાં તે ઉત્તર-પૂર્વ અફઘાનિસ્તાનથી ઉત્તર-પશ્ચિમ ભારત સુધી ફેલાયેલી હતી. મોંહે-જો-દડોમાં કમસેકમ 40,000 લોકો રહેતા હતા અને તે ઈસવી પૂર્વે 2500થી 1700 દરમિયાન સમૃદ્ધ થયું હતું, તેવું માનવામાં આવે છે.

મોંહે-જો-દડો ખાતે કાર્યરત પરિવારની ત્રીજી પેઢીના સભ્ય અને મારા સ્થાનિક માર્ગદર્શન ઈર્શાદ અલી સોલંગીએ કહ્યું હતું કે, “આ મેસોપોટેમિયા અને ઈજિપ્ત સાથે સાંસ્કૃતિક, આર્થિક અને ધાર્મિક સંબંધ ધરાવતું શહેરી કેન્દ્ર હતું.”

જોકે, એ જ સમયે વિકસેલાં ઈજિપ્ત તથા મેસોપોટેમિયાના પ્રાચીન શહેરોની સરખામણીએ બહુ ઓછા લોકોએ મોંહે-જો-દડો વિશે સાંભળ્યું છે. ઈસવી પૂર્વે 1700માં તેને ત્યજી દેવામાં આવ્યું હતું અને લોકોએ તેને શા માટે ત્યાગી દીધું હતું અથવા એ લોકો ક્યાં ગયા હતા તે આજે પણ કોઈ ખાતરીબંધ રીતે જણાવી શકતું નથી.

આ વિસ્તારમાં ઈંટના કામની જાણકારી મળી એ પછી 1911માં અહીં આવેલા પુરાતત્ત્વવિદોને સૌપ્રથમ વખત અહીં પ્રાચીન નગર હોવાની ખબર પડી હતી. જોકે, ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઈ) વિભાગે ઈંટો પ્રાચીન હોવાના દાવાને ફગાવી દીધો હતો અને આ સ્થળ વર્ષો સુધી અજાણ્યું રહ્યું હતું.

અહીં એક બૌદ્ધ સ્તૂપ અને બૌદ્ધધર્મીઓ ધ્યાન કરતા હોય છે તેવું ગોળ માળખું દટાયેલું જોવા મળ્યું હોવાનું એએસઆઈના અધિકારી આર ડી બેનર્જીએ 1922માં જણાવ્યું, પછી આ સ્થળ પ્રત્યે સંબંધિતોનું ધ્યાન આકર્ષાયું હતું.

તેને પગલે, ખાસ કરીને બ્રિટિશ પુરાતત્ત્વવિદ્ સર જૉન માર્શલ દ્વારા અહીં મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું હતું અને આખરે 1980માં મોંહે-જો-દડોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યો હતો.

તેમણે જે અવશેષો શોધી કાઢ્યા હતા, તેના પરથી જાણવા મળ્યું હતું કે અહીં જે સ્તરનું શહેરીકરણ હતું તે ઇતિહાસમાં અગાઉ ક્યાંય જોવા મળ્યું નથી.

યુનેસ્કોએ સિંધુ ખીણના “ઉત્તમ રીતે સંરક્ષિત” ખંડેર તરીકે મોંહે-જો-દડોના વખાણ કર્યાં હતાં.

બીબીસી ગુજરાતી

ઐતિહાસિક સ્થળ આજે સ્થાનિક પાર્કમાં પરિવર્તિત

2.5 મીટર ઊંડો ગ્રેટ બાથ

ઇમેજ સ્રોત, nadeem khawar/Getty Image

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ શહેરનું સૌથી વધુ આશ્ચર્યજનક પાસું તેની સ્વચ્છતા પ્રણાલી હતી, જે તેના સમકાલીનો કરતાં ઘણી જ આગળ હતી. ઇજિપ્ત અને મેસોપોટેમિયા ગટર તથા ખાનગી શૌચાલય જોવા મળ્યાં હતાં, પરંતુ એ તો શ્રીમંતોની લક્ઝરી હતાં.

મોંહે-જો-દડોમાં દરેક જગ્યાએ છૂપાયેલાં શૌચાલય તથા ગટર હતાં. અહીં ખોદકામ શરૂ થયું ત્યારથી 700થી વધુ કૂવાઓ ઉપરાંત ખાનગી અને સામુદાયિક સ્નાન વ્યવસ્થા ખોળી કાઢવામાં આવી છે.

ઘણાં ખાનગી રહેઠાણોમાં પણ શૌચાલય મળી આવ્યાં હતાં અને કચરાનો નિકાસ સમગ્ર શહેરમાં પથરાયેલી ગટર વ્યવસ્થા મારફત કરવામાં આવતો હતો.

બ્રૂકલિનની પ્રેટ ઇન્સ્ટિટ્યૂટના પુરાતત્વવિદ્ અને સહયોગી પ્રાધ્યાપક ઉઝમા ઝેડ રિઝવી 2011માં પ્રકાશિત નિબંધ ‘મોહન-જો-દરોઃ ધ બોડી એન્ડ ડોમેસ્ટિકેશન ઓફ વેસ્ટ’નાં લેખિકા પણ છે. તેમણે કહ્યું હતું કે “તે શહેરના સ્તરે એક જટિલતા છે.”

મોંહે-જો-દડોના રહેવાસીઓ તેમના પરિવેશને બરાબર સમજતા હતા. આ શહેર સિંધુ નદીની પશ્ચિમે આવેલું હોવાથી તેમણે વાર્ષિક પૂર સામે રક્ષણ માટેની ગટર વ્યવસ્થાનું નિર્માણ કર્યું હતું. એ ઉપરાંત મધ્ય એશિયાથી મધ્ય પૂર્વ સુધી ફેલાયેલા સમુદ્રી વ્યાપાર નેટવર્કમાં તેઓ પ્રમુખ ખેલાડી હતા. તેઓ સદીઓથી જટિલ નકશીકામ વાળા માટીનાં વાસણ, આભૂષણ, મૂર્તિઓ તથા બીજી સામગ્રી બનાવતા હતા, જે મેસોપોટેમિયાથી માંડીને આજના ઓમાન સુધી પહોંચતા હતા.

આજે તો આ ઐતિહાસિક સ્થળને પિકનિક ટેબલ્સ અને છાયાદાર હરિયાળા બગીચા સાથેના સ્થાનિક પાર્કમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે. જોકે, પાકિસ્તાનના અન્ય વિસ્તારમાંથી પ્રવાસીઓ ભાગ્યે જ આ અંતરિયાળ સ્થળે આવે છે, જ્યારે વિદેશી પર્યટન દુર્લભ છે. મેં એકમેકની સાથે જોડાયેલી શેરીઓમાં આંટા માર્યા હતા. અનેક કૂવા જોયા હતા, ઢંકાયેલી ગટરો જોઈ હતી અને જરૂરી છાંયડો આપતી ઊંચી દિવાલો પણ જોઈ હતી. આ બધું અનેક સહસ્રાબ્દી પહેલાં બનાવવામાં આવ્યું હોવાનું જાણીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

સ્વચ્છતાની જાળવણી તથા કચરાના નિકાલની કળામાં મોંહે-જો-દડોની નિપૂણતા જ તેના નિવાસીઓને અન્ય પ્રારંભિક સંસ્કૃતિઓથી મુઠ્ઠી ઊંચેરી સાબિત કરતી નથી.

પુરાતત્ત્વવિદોએ મશીનોના અભાવ છતાં ગુણવત્તા યુક્ત ભવન નિર્માણ સામગ્રીના ઉપયોગની નોંધ પણ લીધી છે.

ઉઝમા ઝેડ રિઝવીએ કહ્યું હતું કે “ઈંટનો આકાર ભલે એકસમાન ન હોય, પરંતુ તેનો અનુપાત 4:2:1નો છે. એ પણ નોંધવું જોઈએ કે તમામ ઈંટમાં એક પ્રકારનું સંવેદન જોવા મળે છે. તેઓ શહેરના આકાર બાબતે સ્પષ્ટ હતા એવું લાગે છે. બધું એકસમાન અનુપાત અનુસારનું બનાવવામાં આવે તો બધામાં એકસૂત્રતા જળવાઈ રહેતી હોય છે.”

સૂર્યપ્રકાશમાં સૂકવીને તથા ભઠ્ઠીની આગમાં શેકીને બનાવવામાં આવેલી ઈંટો આજે વર્ષો પછી પણ હેમખેમ રહી છે.

મહાલયો, મંદિરો અને દરજ્જાના અન્ય સંકેતો જેવા ભવ્ય સ્થાપત્ય મોંહે-જો-દડોની ડિઝાઇનમાં જોવા મળતાં નથી. તેનો અર્થ એ નથી કે ભવ્ય સ્થાપત્યનું અસ્તિત્વ જ ન હતું, એવી સ્પષ્ટતા કરતાં ઉઝમા રિઝવીએ કહ્યું હતું કે “અહીં ભવ્યતા ખરેખર તો માળખાકીય વ્યવસ્થાની ભવ્યતા છે.”

બીબીસી ગુજરાતી

રહેવાસીઓ સિંધુ લિપિનો ઉપયોગ કરતા

મોહેંજો-દડોના રહેવાસીઓ માટીના વાસણો બનાવતા હતા

ઇમેજ સ્રોત, nadeem khawar/ Getty Image

શહેરના ઉપલા ભાગથી દૂર લઈ જતી ઈંટની પગથાર પરથી આગળ વધીને હું શહેરના નીચલા વિસ્તારમાં પહોંચી હતી.

આ વિસ્તાર 300થી વધુ હેક્ટરમાં ફેલાયેલા મોંહે-જો-દડોનો મોટો હિસ્સો છે. તેમાં શહેર ધમધમતું હતું.

અહીં સંપૂર્ણ સંયોજન હતું. પ્રમાણમાં સાંકડી ગણાય તેવી ડઝનેક શેરીઓ સુઆયોજિત ગ્રીડમાં ફેલાયેલી છે. બાથરૂમ સહિતના ઘરના દરવાજાઓમાં ઉંબરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આજના ઘરો કે ઈમારતોમાં પણ જોવા મળે છે.

ઉઝમા રિઝવીએ કહ્યું હતું કે “ઉંબરો જુઓ ત્યારે સમજાય છે કે કોઈએ ઘરની અંદર અને બહાર હોવું એટલે શું તે જરૂર વિચાર્યું હશે.”

સંકુલના ઘાસવાળા મેદાનમાં નિર્મિત એક નાની ઇમારતમાંના મોંહે-જો-દડો મ્યુઝિયમની મુલાકાત લેતાં મને અહીંના રહેવાસીઓ વિશે વધુ સમજ મળી હતી.

અહીં ખોદકામ કરીને કાઢવામાં આવેલી પ્રાણીનું ચિત્ર દર્શાવતી સેંકડો સુશોભન મુદ્રાઓ તેમજ પ્રતિમાઓ, ઝવેરાત, સાધનો, રમકડાં અને માટીકામના ટુકડાઓ મ્યુઝિયમમાં કુશળતાપૂર્વક સાચવી રાખવામાં આવ્યા છે.

કળાકૃતિઓમાં બે શિલ્પ ધ્યાન ખેંચતા હતાં. તેમાં એક ઝવેરાત પહેરેલી તથા જટિલ હેરસ્ટાઈલવાળી યુવતીનું હતું અને બીજું એક ઉચ્ચ વર્ગના સુસજ્જ પુરુષનું હતું.

ઉઝમા રિઝવીએ કહ્યું હતું કે, “આ જેન્ટલમેન પાદરી હતા કે રાજા તેની ખબર નથી, પરંતુ શણગાર અને શારીરિક સંભાળના સંદર્ભમાં કેટલી કાળજી લેવામાં આવતી હતી એ તેમાં જોવા મળે છે."

"એ જોતાં સમજાય છે કે અહીંના રહેવાસીઓ તેમની દેખાવ પ્રત્યે, તેમના શરીર પ્રત્યે કેટલા સભાન હતા. તેમાં ગુણવત્તા પ્રત્યેની, ફેશન પ્રત્યેની સમજ જોવા મળે છે.”

"જોકે, અહીંના તત્કાલીન રહેવાસીઓના જીવન તથા સમય વિશેની મહત્વની વિગત હજુ પણ પહોંચની બહાર છે. પ્રાચીન લખાણોમાંથી ઘણીવાર સંસ્કૃતિનાં રહસ્ય જાણવા મળતાં હોય છે, પરંતુ મોંહે-જો-દડોની બાબતમાં આવું બન્યું નથી. "

"અહીંના રહેવાસીઓ સિંધુ ખીણ લિપિનો ઉપયોગ કરતા હતા. ઈર્શાદ અલી સોલંગીએ કહ્યું હતું કે “તે 400થી વધુ ચિહ્નોવાળી ભાષા હતી. તે હજુ સુધી ઉકેલી શકાઈ નથી.”

બીબીસી ગુજરાતી

મોંહે-જો-દડોમાં ખરેખર શું થયું તેનું રહસ્ય પણ હજુ ઉકેલાયું નથી

700થી વધુ કૂવાઓ

ઇમેજ સ્રોત, nadeem khawar/Getty Image

આબોહવાનાં પરિબળોએ ભાગ ભજવ્યો હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે, પરંતુ આ શહેરને ઈસવી પૂર્વે 1700માં શા માટે ત્યજી દેવામાં આવ્યું હતું એ બાબતે સંશોધકો એકમત નથી. ઉઝમા રિઝવીના જણાવ્યા મુજબ, મોંહે-જો-દડો રાતોરાત અદૃશ્ય થઈ ગયું ન હતું.

તેમણે કહ્યું હતું કે, “આ શહેર અચાનક ખાલી થઈ ગયું ન હતું. ઈસવી પૂર્વે 1900ની આસપાસ એક પરિવર્તન આવ્યું હતું. અહીં રહેતા લોકોની બહુ ઓછી નિશાની ભૌતિક રેકૉર્ડ્ઝમાં જોવા મળે છે. બધા એકસાથે ચાલ્યા ગયા હતા એવું નથી, પરંતુ તેની શરૂઆત કેટલાક લોકોથી થઈ હતી. એ પછીના સમયગાળામાં શહેરમાં અગાઉ જેવી વસ્તીની ગીચતા જોવા મળતી નથી. શહેરને છોડી જતા લોકોનો પ્રવાહ ધીમો પડ્યો હતો.”

હવે હજારો વર્ષો પછી ઑગસ્ટ, 2022માં પાકિસ્તાનમાં વિનાશક પૂર આવ્યા પછી આ શહેરના અસ્તિત્વ પર ફરી જોખમ સર્જાયું છે.

પુરાતત્ત્વવિદ્ અને સંગ્રહાલય શાસ્ત્રી ડૉ. અસ્મા ઇબ્રાહિમે એ વાતની પુષ્ટિ કરી હતી કે મોંહે-જો-દડોને નુકસાન જરૂર થયું છે, પરંતુ પુરાતત્વવિદોને ડર હતો તેના પ્રમાણમાં ઘણું ઓછું નુકસાન થયું છે.

ભવિષ્યમાં મોહન-જો-દેરોની સલામતી કઈ રીતે સુનિશ્ચિત કરવામાં આવશે, એવા સવાલના જવાબમાં ડો. અસ્મા ઈબ્રાહિમે આ સ્થળ પરથી વધારાનું પાણી દૂર કરવા માટે ચેનલોના ઉપયોગની ભલામણ કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે લાંબા ગાળાની વ્યૂહરચના જરૂરી છે.

આ વિસ્તાર માટેની સ્થાયી યોજનાથી માત્ર પુરાતત્ત્વીય સાઈટને જ નહીં, પરંતુ તેની આસપાસના વિસ્તારોમાં રહેતા ઇર્શાદ અલી સોલંગી જેવા લોકોને પણ લાભ થશે. સોલંગીના દાંધ ગામમાં આવેલા ગામમાંથી અહીંનો બૌદ્ધ સ્તૂપ સ્પષ્ટ જોઈ શકાય છે.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે "મોહન-જો-દેરો મારા માટે તો પ્રાચીન સંસ્કૃતિનો ખજાનો છે. આપણે ભાવિ પેઢી માટે જેનું રક્ષણ અવશ્ય કરવું જોઈએ."

"પગથાર પર આગળ વધતાં હું સોલંગીની વાત સાથે સહમત થઈ હતી. મેં વ્યવસ્થિત શેરીઓ તથા કુશળતાપૂર્વક કાપવામાં આવેલી ઇંટો વિશે વિચાર્યું."

"અહીંની વ્યાપક સ્વચ્છતા પ્રણાલી આજના પાકિસ્તાનમાં જોવા મળતી કેટલીક માળખાકીય સુવિધાઓને પણ ઝાંખી પાડી દે તેવી છે."

ઈર્શાદ અલી સોલંગીએ કહ્યું હતું તેમ “સરકારી સંપત્તિ લોક કલ્યાણ માટે ખર્ચવામાં આવી હતી.”

આ રોકાણનું વળતર કમસેકમ થોડા સમય માટે તો મળ્યું જ હતું. મોંહે-જો-દડો સમૃદ્ધ થયો હતો અને તેના રહેવાસીઓ એ સમયના ધારાધોરણ કરતાં વધુ સારી રીતે જીવનનો આનંદ માણી શક્યા હતા.

થોડા કલાકો પછી જૂની ઑટોરિક્ષામાં હું લરકાના પાછી ફરતી હતી ત્યારે કૃતજ્ઞતાની લાગણી અનુભવતી હતી.

હજારો વર્ષોથી ગંદકી અને રેતીમાં દટાઈ ગયેલો મોંહે-જો-દેડો કોઈ સારાં કારણસર સિંધના મેદાની વિસ્તારમાં ખોવાયો હશે તેવું લાગતું હતું.

તેમ છતાં ઈર્શાદ અલી સોલંકી અને પુરાતત્ત્વવિદો જેવાં હજારો સમર્પિત માર્ગદર્શકોના અથાક પ્રયાસોને કારણે પ્રાચીન વિશ્વના સૌથી અદ્યતન શહેર પૈકીના એક નિહાળી શકાય છે. બીજું કશું નહીં તો અહીં સુઘડ, ગટરવાળી શેરીઓ તો જરૂર જોવા મળશે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી